Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 34

યહૂદાનો રાજા યોશિયા

34 જ્યારે યોશિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર આઠ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 31 વર્ષ રાજ્ય કર્યું. યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ તેણે કર્યું, સહેજ પણ આમ કે તેમ ફંટાયા વગર તે પોતાના પિતૃ દાઉદને પગલે ચાલ્યો. તેના શાસનના આઠમે વર્ષે તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વર્ષે તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ. તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં. તેણે તે લોકોના યાજકોના હાડકાં તેમની વેદીઓ ઉપર બાળી નંખાવ્યાં અને એ રીતે યહૂદાની અને યરૂશાલેમની શુદ્ધિ કરી. તેણે આ પ્રમાણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન, અને ઠેઠ નફતાલીના નગરોમાં કર્યું અને આસપાસના ખેદાન-મેદાન થઇ ગયેલા વિસ્તારોમાં પણ તેણે આમ જ કર્યુ. સમગ્ર ઇસ્રાએલમાં તેણે વેદીઓ ભાંગી નંખાવી અને અશેરાદેવીના સ્તંભો તોડી પાડ્યાં અને તેણે મૂર્તિઓ તોડી પડાવી, તેમનો દળીને ભૂકો કરી નંખાવ્યો, ને બધી ધૂપની વેદીઓનો નાશ કરાવ્યો. ત્યાર પછી તે પાછો યરૂશાલેમ આવ્યો.

દેશનું અને મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી તેના શાસનના અઢારમા વર્ષે, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સૂબા માઅસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆહને પોતાના દેવ યહોવાનું મંદિર ફરી બાંધવા, મરામત કરાવવા મોકલ્યા.

તેમણે મુખ્ય યાજક હિલ્કિયા પાસે જઇને દેવના મંદિર માટે ઉઘરાવાયેલી બધી ચાંદી તેને આપી. એ ચાંદી લેવીઓ દ્વારા મનાશ્શા, એફ્રાઇમના દરવાજેથી અને ઇસ્રાએલના બાકીના ભાગમાંથી ઉઘરાવાયેલી હતી, તેમજ યહૂદામાંથી બિન્યામીનના પ્રદેશમાંથી તેમજ યરૂશાલેમના વતનીઓ પાસેથી પણ તેમણે ચાંદી ઉઘરાવી હતી. 10 ત્યારબાદ એ ચાંદી યહોવાના મંદિરમાં ચાલતા કામ ઉપર દેખરેખ રાખનારાઓને સોંપવામા આવી અને તેમણે એ ચાંદી મંદિરની મરામત કરવા માટે 11 સુથારોને અને કડિયાઓને આપી દીધી. જેથી તેઓ યહોબાના યહૂદાના રાજાઓ દ્વારા ભંગાર થઇ જવા દીધેલાં મોભ અને પાટિયા માટે લાકડું તેમજ ઘડેલા પથ્થર ખરીદી શકે. 12 એ માણસો પ્રામાણિકતાથી કામ કરતા હતા. મરારીના કુટુંબના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા અને કહાથના કુટુંબના ઝખાર્યા અને મશુલ્લામ તેમના ઉપર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જે કુશળ સંગીતકાર હતા. 13 ભાર ઊંચકનારાઓના તેમજ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ તેઓ જ નજર રાખતા હતા. કેટલાક લહિયા, કારભારીઓ અને દ્વારપાળો તરીકે કામ કરતા હતા.

નિયમના પુસ્તકની પ્રાપ્તી

14 જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા. તે તેઓ કાઢતા હતા તેવામાં મૂસા મારફતે આપવામાં આવેલુ યહોવાનું નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને મળી આવ્યું. 15 તેણે રાજમંત્રી શાફાનને કહ્યું, “યહોવાના મંદિરમાંનું નિયમનું પુસ્તક મને મળ્યું છે;” અને પુસ્તક તેને આપી દીધું. 16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઇ ગયો અને કહ્યું, “આપના સેવકો તેમને સોંપેલું કામ કરી રહ્યાં છે. 17 તેમણે યહોવાના મંદિર માટે આવેલી ચાંદી બહાર કાઢી લીધી છે, અને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધી છે.” 18 રાજમંત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, “યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે.” અને તેણે તે રાજા સમક્ષ વાંચી સંભળાવ્યું. 19 નિયમશાસ્ત્રનાઁ વચનો સાંભળીને રાજાએ શોકથી પોતાના વસ્ત્રો ફાડી નાખ્યાં 20 અને હિલિક્યાને, શાફાનના પુત્ર અહીકામને, મીખાહના પુત્ર આબ્દોનને, મંત્રી શાફાનને તથા સેવક અસાયાને હુકમ કર્યો કે, 21 “તમે જાઓ, મારી ખાતર, તેમજ ઇસ્રાએલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર, મળી આવેલા પુસ્તકનાં વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો; કેમ કે યહોવાનો રોષ આપણા ઉપર થયો છે તે ભયંકર છે, કારણકે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી.”

22 આ માણસો હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા અને રાજાની મુશ્કેલી જણાવી. હુલ્દાહ પ્રબોધિકા શાલ્લુમની પત્ની હતી. હાસ્રાહના પુત્ર તોકહાથનો પુત્ર શાલ્લુમ રાજાના વસ્ત્રભંડારનો ઉપરી હતો. હુલ્દાહ યરૂશાલેમનાં નવા ભાગમાં રહેતી હતી. 23 પ્રબોધકોએ ઉત્તર આપ્યો, ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “જે માણસે તમને મોકલ્યો છે તેને કહો, 24 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; ‘હું આ જગ્યા પર અને એના વતનીઓ પર આફત ઉતારનાર છું, યહૂદાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં આણનાર છે. 25 કારણ, એ લોકોએ મને છોડી દઇને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યા છે. અને પોતાનાં બધાં કૃત્યોથી મારો રોષ વહોરી લીધો છે. મારો રોષ આ જગ્યા સામે ભડભડી રહ્યો છે અને એ શાંત પડવાનો નથી.’

26 “આ બાબતમાં યહોવાને પૂછવા માટે તમને મોકલનાર રાજાને કહી દો કે, જે વાતો તમે થોડા સમય પહેલા સાંભળી છે તે માટે, ‘ઇસ્રાએલના યહોવા કહે છે, 27 આ જગ્યા અને એના વતનીઓ વિરૂદ્ધ મેં ઉચ્ચારેલી ચેતવણી સાંભળીને તારું હૃદય પીગળી ગયું છે, અને પશ્ચાતાપથી તેં તારા કપડાં ફાડ્યાં છે અને તું મારી સમક્ષ રડી પડીને મને પગે લાગ્યો છે, તેથી મેં પણ તારી અરજ સાંભળી છે, 28 હું આ જગ્યા અને તેના વતનીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તારે નજરે જોવી નહિ પડે, તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઇ જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઇને તેઓ રાજા પાસે ગયા.

29 પછી રાજાએ યહૂદા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. 30 તેણે યાજકો, લેવીઓ અને નાનામોટા સર્વ લોકોને પોતાની સાથે મંદિરમાં એકત્ર કર્યા. રાજાએ મંદિરમાંથી મળી આવેલા કરારનાં પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા. 31 ત્યારબાદ મંચ ઉપર ઊભા રહીને રાજાએ યહોવા સમક્ષ યહોવાને અનુસરવાની, અને તેની બધી આજ્ઞાઓ, સાક્ષ્યો અને વિધિઓ પૂર્ણ હૃદયથી પાલન કરવાની, અને તે રીતે પુસ્તકમાં લખેલી કરારની બધી શરતોનો અમલ કરવાની પ્રતિજ્ઞા લીધી. 32 ત્યારબાદ તેણે બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓ બધા પાસે કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. એ પછી યરૂશાલેમમાં વતનીઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા સાથેનો કરાર પાળ્યો પણ ખરો. 33 યોશિયાએ યહૂદીઓ જે પ્રદેશમાં રહેતા હતા ત્યાંથી સર્વ મૂર્તિઓ દૂર કરી, અને તેમના દેવ યહોવાનું ભજન કરવા આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના દેવ યહોવાની સેવામાં ચાલુ રહ્યાં, યહોવાના માર્ગે ચાલવામાં તેઓ જરા પણ પાછા ન પડ્યાં.

પ્રકટીકરણ 20

1,000 વર્ષો

20 મેં એક દૂતને આકાશમાંથી નીચે આવતાં જોયો. તે દૂત પાસે અસીમ ઊંડાણની ચાવી હતી. તેમજ તેના હાથમાં એક મોટી સાંકળ પણ હતી. તે દૂતે તે અજગર એટલે ઘરડા સાપને પકડ્યો. તે અજગર શેતાન છે. દૂતે 1,000 વર્ષ માટે તેને સાંકળથી બાંધ્યો. તે દૂતે તે અજગરને અસીમ ઊંડાણમાં નાખ્યો અને તેને બંધ કર્યું. તે દૂતે તાળું મારી તેના પર મહોર મારી. તે દૂતે આ કર્યું, જેથી તે સાપ 1,000 વર્ષ પૂરા થતાં સુધી પૃથ્વીના લોકોને ફરીથી ભ્રમિત કરી શકે નહિ. (1,000 વર્ષ પછી તે અજગરને થોડાક સમય માટે મુક્ત કરાશે.)

પછી મેં કેટલાંક રાજ્યાસનો અને લોકોને તેઓના પર બેઠેલા જોયા. આ તે લોકો હતા, જેઓને ન્યાય કરવાનો અધિકાર અપાયો હતો અને મેં એ લોકોના આત્માઓ જોયા. જેઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ ઈસુના સત્યને અને દેવ તરફથી આવેલ સંદેશને વફાદાર હતા. એ લોકો તે પ્રાણીને કે તેની મૂર્તિને પૂજતા ન હતા. તેઓનાં કપાળ પર કે તેઓનાં હાથો પર પ્રાણીની છાપ ન હતી. તે લોકો ફરીથી સજીવન થયા અને ખ્રિસ્ત સાથે તેઓએ 1,000 વર્ષ રાજ્ય કર્યું. (બીજા મરેલા લોકો 1,000 વર્ષ પૂરાં થતાં સુંધી ફરીથી સજીવન થયા નહિ.)

આ પ્રથમ પુનરુંત્થાન છે. એ લોકો જેનો પ્રથમ પુનરુંત્થાન માં ભાગ છે તે લોકો ધન્ય અને પવિત્ર છે. તે લોકો પર બીજા મૃત્યુનો અધિકાર નથી. તે લોકો દેવના તથા ખ્રિસ્તના યાજકો થશે. તેઓ 1,000 વર્ષ માટે તેની સાથે રાજ કરશે.

શેતાનની હાર

જ્યારે 1,000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના અસીમ ઊંડાણમાંથી, બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવશે. પૃથ્વી પરના બધા રાષ્ટ્રોને ગોગ અને માગોગને ભ્રમિત કરવા તે બહાર જશે. શેતાન લોકોને લડાઈ માટે ભેગા કરશે. ત્યાં એટલા બધા લોકો હશે, જેથી તેઓ સમુદ્ર કિનારા પરની રેતી જેવા હશે.

શેતાનના લશ્કરે પૃથ્વીની આખી સપાટી પર કૂચ કરીને દેવના લોકોની છાવણીની આજુબાજુ અને તે શહેર જેને દેવ ચાહે છે તેની આજુબાજુ ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ નીચે ઊતર્યો અને શેતાનના લશ્કરનો વિનાશ કર્યો. 10 અને શેતાન ગંધકના સળગતા સરોવરમાં પ્રાણી અને જૂઠા પ્રબોધક સાથે ફેંકાયો હતો. ત્યાં તેઓને દિવસ અને રાત સદાસર્વકાળ વેદના ભોગવવી પડશે.

પૃથ્વીના લોકોનો ન્યાય

11 પછી મેં એક મોટું શ્વેત રાજ્યાસન જોયું. એક જે રાજ્યાસન પર બેઠો હતો તેને મેં જોયો. પૃથ્વી અને આકાશ તેનાથી દૂર જતાં રહ્યા; અને અદશ્ય થઈ ગયા. 12 અને મેં તે લોકોને જેઓ મૃત્યુ પામ્યા હતા એવા નાના મોટા સર્વને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. કેટલાક પુસ્તકો ઉઘાડ્યાં હતાં તેની સાથે જીવનનું પુસ્તક પણ ઉઘાડ્યું હતું. આ મૃત્યુ પામેલા લોકોનો તેઓએ કરેલાં કૃત્યોનો ન્યાય કરવામાં આવ્યો. આ વસ્તુઓ તે પુસ્તકોમાં લખેલી છે.

13 સમુદ્ર તેનામાં જે મૃત્યુ પામેલા લોકો હતા. તેઓને પણ પાછા આપી દીધા અને મૃત્યુ તથા હાદેસે પણ પોતાનામાં રહેલા મૃત લોકોને પણ પાછા આપ્યાં. પ્રત્યેક વ્યકિતનો તેઓએ કરેલા કૃત્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. 14 અને મૃત્યુ અને હાદેસને અગ્નિના સરોવરમાં નાખવામાં આવ્યાં. આ અગ્નિનું સરોવર એ બીજું મરણ છે. 15 અને જે કોઈ વ્યક્તિ જીવનના પુસ્તકમાં નોંધાયેલો ન મળ્યો તે વ્યક્તિને આગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો.

માલાખી 2

યાજકો માટે નિયમો

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે યાજકો, હવે આ આજ્ઞા તમારા માટે છે તે સાંભળો: જો તમે તમારા માર્ગો નહિ બદલો અને મારા નામને મહિમા નહિ આપો તો હું તમને ભયંકર શિક્ષા મોકલીશ. હું તમને આશીર્વાદોને બદલે શાપ આપીશ. મેં તમને શાપ આપી જ દીધો છે, કારણકે મારી વાત તમે ધ્યાન પર લેતા નથી.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

“હું તમારા વંશજોને સજા કરીશ, તમારા મોઢા પર તમારાં યજ્ઞના પશુઓનું છાણ નાખીશ, અને તેઓની સાથે તમને પણ બાળી નાખવામાં આવશે. ત્યારે તમને ખબર પડશે કે મેં આ ચેતવણી તમને આપી છે, જેથી લેવીવંશી યાજકો સાથેનો મારો કરાર રદ ન થાય.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

“તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો. અને તે મેં આપ્યાં. તેમણે મારા પ્રત્યે આદરભાવ રાખવાનો હતો અને પહેલાં તેઓ મારા નામનો ડર રાખીને ચાલતા હતા પણ ખરા. તેમનો ઉપદેશ સાચો હતો. અધર્મનો શબ્દ તેમના મુખમાંથી કદી નીકળ્યો ન હતો; તેઓ શાંતિ અને સત્યને માર્ગે મારી સાથે ચાલતા હતા અને ઘણાને પાપમાંથી પાછા વાળતા હતા. એટલે માણસો તેમની પાસે ઉપદેશની અપેક્ષા રાખે છે. કારણકે તેમના હોંઠ ઉપર હર સમયે જ્ઞાન હોવું જોઇએ અને તેઓ તો સૈન્યોનો દેવ યહોવાના સંદેશાવાહક છે.”

“પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણા લોકોને માર્ગદર્શન આપીને ઠોકર ખવડાવીને પાપમાં નાખ્યાં છે. તમે લેવીના કરારનું અપમાન કર્યું છે.” એવું સૈન્યોનો દેવ યહોવા કહે છે. “મેં તમને લોકોની નજરમાં તિરસ્કારપાત્ર અને ઘૃણાપાત્ર બનાવી દીધા છે. કારણકે તમે મારા ઉપદેશને વળગી રહેતા નથી, અને જ્યારે તમે ન્યાય કરો છો ત્યારે પક્ષપાત કરો છો.”

યહૂદિયા દેવથી ખરું ના ઉતર્યું

10 શું આપણા સર્વના પિતા એક જ નથી? શું એક જ દેવે આપણું સર્જન કર્યું નથી? તો પછી આપણા પિતૃઓના કરારનો ભંગ કરીને આપણે આ રીતે શા માટે એકબીજાનો વિશ્વાસઘાત કરીએ છીએ? 11 યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઇસ્રાએલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે; કારણકે યહોવાના પવિત્રસ્થાનને યહૂદાએ ષ્ટ કર્યું છે, અને તેણે એક વિદેશી દેવીની પૂજા કરવાનું શરૂ કર્યું છે. 12 જે કોઇ એ પ્રમાણે કરે તે બધાનો યહોવા ઇસ્રાએલના સમાજમાંથી બહિષ્કાર કરો. પછી ભલે તેઓ સૈન્યોનો દેવ યહોવાને માટે અર્પણો લાવતા હોય. 13 યહોવા તમારાં અર્પણો પ્રત્યે ધ્યાન આપતા નથી અને તમને તેમના તરફથી આશીર્વાદો મળતા નથી. તેથી તમે તમારાં આંસુઓથી યહોવાની વેદીને ભીંજવો છો.

14 તમે પૂછો છો, “શા માટે?” કારણ, જેને તમે જુવાનીમાં દેવની સાક્ષીએ પત્ની તરીકે સ્વીકારી હતી તેને તમે બેવફા નીવડ્યા છો, જો કે કરાર મુજબ તે તમારી જીવનસંગીની અને ધર્મપત્ની હતી. 15 શું દેવે તેને અને તમને એક દેહ અને એકાત્મા બનાવ્યાં નહોતાં? અને ધર્મસંતતિ સિવાય બીજા શાની તે અપેક્ષા રાખે છે? તમારા મન પર સંયમ રાખો અને તમારી જુવાનીની પત્નીને બેવફા ન બનો.

16 કારણકે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “છૂટાછેડાને અને ક્રૂર માણસોને તે ધિક્કારે છે. માટે તમારા દેહની લાગણીઓ પર સંયમ રાખો; તમારી પત્નીઓને તમે છૂટાછેડા ન આપો.”

ન્યાયનો વિશેષ સમય

17 તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે, તો પણ તમે પૂછો છો કે, શી રીતે અમે તમને કંટાળો ઉપજાવ્યો છે? તમે કહો છો, “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે પ્રસન્ન થાય છે; અથવા એમ પૂછીને કે, દેવનો ન્યાય ક્યાં છે?”

યોહાન 19

19 પછી પિલાતે આજ્ઞા કરી કે ઈસુને દૂર લઈ જઈને કોરડા ફટકારો. સૈનિકોએ કેટલીક કાંટાળી ડાળીઓનો મુગટ બનાવવામાં ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુના માથે મૂક્યો. પછી તે સૈનિકોએ જાંબુડા રંગનો ઝભ્ભો ઈસુને પહેરાવ્યો. સૈનિકો ઈસુ પાસે ઘણીવાર આવ્યા અને કહ્યું, “હે યહૂદિઓના રાજા, સલામ!” તેઓએ ઈસુને ચહેરા પર માર્યો.

ફરીથી પિલાત બહાર આવ્યો અને યહૂદિઓને કહ્યું, “જુઓ! હું ઈસુને બહાર તમારી પાસે મોકલું છું. હું ઈચ્છું છું કે તમે જાણો કે મને તેની સામે ગુનો દાખલ કરવા કઈ મળ્યું નથી.” પછી ઈસુ બહાર આવ્યો. તેણે કાંટાનો મુગટ અને જાંબલી ઝભ્ભો પહેર્યો હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “અહીં તે માણસ છે!”

જ્યારે મુખ્ય યાજકો અને યહૂદિ ચોકીદારોએ ઈસુને જોયો તેઓએ બૂમ પાડી, “વધસ્તંભ પર તેને જડો! વધસ્તંભ પર તેને જડો!”

પરંતુ પિલાતે ઉત્તર આપ્યો, “તમે તેને લઈ જાઓ અને તેને તમારી જાતે વધસ્તંભે જડો. મને એનામાં તેની સામે આક્ષેપ મૂકવા કોઈ ગુનો જડ્યો નથી.”

યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમારું નિયમશાસ્ત્ર છે તે કહે છે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ, કારણ કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે.”

જ્યારે પિલાતે આ સાંભાળ્યું, તે વધારે ગભરાયો. પિલાત દરબારની અંદરની બાજુએ પાછો ગયો. તેણે ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને કોઈ ઉત્તર આપ્યો નહિ. 10 પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.”

11 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા પરની જે સત્તા છે તે ફક્ત તને દેવે જ આપેલી છે તેથી જે માણસે મને તને સોંપ્યો છે તે વધારે મોટા પાપને માટે દોષિત છે.”

12 આ પછી, પિલાતે ઈસુને છોડી દેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ યહૂદિઓએ બૂમો પાડી. “જે કોઈ વ્યક્તિ પોતે રાજા હોવાનો દાવો કરે છે તે કૈસરનો વિરોધી છે તેથી જો તું આ માણસને છોડી દેશે તો એનો અર્થ એ કે તું કૈસરનો મિત્ર નથી.”

13 યહૂદિઓએ જે કહ્યું તે પિલાતે સાંભળ્યું. તેથી તે ઈસુને બહાર ફરસબંદી નામની જગ્યાએ લાવ્યો. (યહૂદિ ભાષામાં “ગબ્બથા” કહે છે.) પિલાત ત્યાં ન્યાયાસન પર બેઠો. 14 હવે તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ[a] હતો અને લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “તમારો રાજા અહીં છે!”

15 યહૂદિઓએ બૂમ પાડી, “તેને દૂર લઈ જાઓ! તેને દૂર લઈ જાઓ! તેને વધસ્તંભ પર જડો!”

પિલાતે યહૂદિઓને પૂછયું, “શું તમે ઈચ્છો છો કે હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?”

મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “અમારો રાજા ફક્ત કૈસર છે.”

16 તેથી પિલાતે ઈસુને તેને વધસ્તંભ પર જડીને મારી નાખવા સોંપ્યો.

ઈસુનું વધસ્તંભ પર મૃત્યુ

(માથ. 27:32-44; માર્ક 15:21-32; લૂ. 23:26-39)

સૈનિકોએ ઈસુને પકડયો. 17 ઈસુ તેનો પોતાનો વધસ્તંભ ઊચકીને “તે ખોપરીની જગ્યાના નામે ઓળખાતા સ્થળે ગયો.” (યહૂદિ ભાષામાં તે જગ્યાને “ગુલગુથા” કહેવાય છે.) 18 ગુલગુથામાં તેઓએ ઈસુને વધસ્તંભ પર જડ્યો. તેઓએ બીજા બે મૅંણસોને વધસ્તંભ પર મૂક્યા. તેઓએ ઈસુને વચમાં રાખીને તેની આજુબાજુ બે માણસોને મૂક્યા.

19 પિલાતે એક નિશાની લખી અને વધસ્તંભ પર મૂકી. તે નિશાની પર લખેલું હતું. “નાઝરેથનો ઈસુ, યહૂદિઓનો રાજા.” 20 તે નિશાની યહૂદિ, લેટિન, ગ્રીક ભાષામાં લખેલી હતી. યહૂદિઓમાંના ઘણાએ નિશાની વાંચી, કારણ કે આ જગ્યા જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો તે શહેરની નજીક હતી.

21 મુખ્ય યહૂદિ યાજકોએ પિલાતને કહ્યું, “યહૂદિઓનો રાજા” એમ લખો નહિ પણ લખો, “આ માણસો કહ્યું, ‘હું યહૂદિઓનો રાજા છું.’”

22 પિલાતે ઉત્તર આપ્યો, “મેં જે લખ્યું છે તે હું બદલીશ નહિ.”

23 સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા. તેઓએ તેના લૂગડાંના ચાર ભાગો પાડ્યા. દરેક સૈનિકે એક ભાગ લીધો. તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો. તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો. 24 તેથી સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે તેના ભાગ પાડવા માટે આને ચીરવો જોઈએ નહિ પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” તે શાસ્ત્રમાં લખેલું છે એ સાચું થાય, તેથી આમ બન્યું:

“તેઓએ મારા લૂગડાં તેઓની વચ્ચે વહેંચ્ચા.
    અને તેઓએ મારા લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” (A)

તેથી સૈનિકોએ આ કર્યુ.

25 ઈસુની મા તેના વધસ્તંભ નજીક ઊભી હતી. તેની માની બહેન કલોપાની પત્ની તથા મગ્દલાની મરિયમ પણ ત્યાં હતી. 26 ઈસુએ તેની માને જોઈ તથા તે જેના પર પ્રેમ રાખતો હતો તે શિષ્યને પણ ત્યાં ઊભેલો જોયો. તેણે તેની માને કહ્યું, “વહાલી બાઈ, તારો દીકરો અહીં છે.” 27 પછી ઈસુએ શિષ્યને કહ્યું, “અહીં તારી મા છે.” તેથી આમ કહ્યાં પછી, આ શિષ્ય ઈસુની માને તેના ઘરે રહેવા લઈ ગયો.

ઈસુ મૃત્યુ પામે છે

(માથ. 27:45-56; માર્ક 15:33-41; લૂ. 23:44-49)

28 પાછળથી, ઈસુએ જાણ્યું કે હવે બધુંજ પૂરું થઈ ગયું છે તેથી શાસ્ત્રવચન પ્રમાણે પૂર્ણ કરવા તેણે કહ્યું, “હું તરસ્યો છું.”[b] 29 ત્યાં સરકાથી ભરેલું વાસણ હતું તેથી સૈનિકોએ તેમાં વાદળી બોળી અને તેઓએ ઝૂફાના છોડની એક ડાળી પર વાદળી મૂકી. પછી તેઓએ તે ઈસુના મોંમાં મૂકી. 30 ઈસુએ તે સરકો ચાખ્યો. પછી તેણે કહ્યું, “સંપૂર્ણ થયું.” ઈસુએ તેનું માથું નમાવ્યું અને મૃત્યુ પામ્યો.

31 આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય. 32 તેથી તે સૈનિકો આવ્યા અને ઈસુની બાજુમાં વધસ્તંભ પરના પહેલા માણસના પગ ભાંગી નાખ્યા. 33 પરંતુ જ્યારે તે સૈનિક ઈસુની નજીક આવ્યા. તેઓએ જોયું કે તે ખરેખર મૃત્યુ પામી ચૂક્યો હતો તેથી તેઓએ તેના પગ ભાંગ્યા નહિ.

34 પણ સૈનિકોમાંના એકે ઈસુની કૂખમાં તેનો ભાલો ભોંકી દીધો. તેથી લોહી અને પાણી બહાર નીકળ્યા. 35 (જે વ્યક્તિએ આ બનતા જોયું તેણે તે વિષે કહ્યું. તેથી તમે પણ વિશ્વાસ કરી શકો તે જે વાતો કહે છે તે સાચી છે. તે જાણે છે કે તે સાચું કહે છે.) 36 આ બાબતો બની તેથી કરીને શાસ્ત્રવચન પૂર્ણ થયું છે. “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” 37 બીજા શાસ્ત્રવચનમાં કહ્યું છે, “જેને તેઓએ વીધ્યો તેને તેઓ જોશે.”(B)

ઈસુનું દફન

(માથ. 27:57-61; માર્ક 15:42-47; લૂ. 23:50-56)

38 પાછળથી, અરિમથાઈનો યૂસફ નામનો માણસ પિલાતને ઈસુના દેહને લઈ જવા માટે પૂછયું. (યૂસફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો. પરંતુ તેણે ગુપ્ત રાખ્યું, કારણ કે તે યહૂદિઓથી બીતો હતો.) પિલાતે કહ્યું કે યૂસફ ઈસુના દેહને લઈ જઈ શકે તેમ છે. તેથી યૂસફ આવ્યો અને ઈસુના દેહને લઈ ગયો.

39 નિકોદેમસ યૂસફ સાથે ગયો. નિકોદેમસ તે માણસ હતો જે અગાઉ રાત્રે ઈસુ પાસે આવ્યો હતો અને તેની સાથે વાતો કરી હતી. નિકોદેમસ આશરે 100 શેર સુગંધી દ્રવ્ય લાવ્યો. આ એક બોર તથા અગરનું મિશ્રણ હતું. 40 આ બે માણસોએ ઈસુના દેહને લીધો. તેઓએ તેને સુગધીદાર દ્રવ્યો સાથે શણના લૂગડાંના ટુકડાઓમાં લપેટ્યું હતું. (આ રીતે યહૂદિઓ લોકોને દફનાવે છે.) 41 જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી. 42 તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International