Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 31

હિઝિક્યાએ શરૂ કરેલી સુધારણા

31 ત્યારબાદ હાજર રહેલાં બધા ઇસ્રાએલીઓ યહૂદાના ગામડાઓમાં પાછા ગયા, અને ત્યાંના પૂજાસ્તંભો તોડી પાડ્યાં, અશેરાદેવીની પ્રતિમાઓ, ટેકરી ઉપરનાં થાનકો અને વેદીઓ ભાંગી નાખ્યાં. અને સમગ્ર યહૂદા, બિન્યામીન, એફ્રાઇમ અને મનાશ્શાના વંશના પ્રદેશોમાંથી તેમનું નામનિશાન મીટાવી દીધું. એ પછી બધા ઇસ્રાએલીઓ પોતપોતાના ગામમાં પોતપોતાને ઘેર પાછા ફર્યા.

તે પછી હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને ફરી ટોળીવાર ગોઠવી દીધા અને દરેક યાજકને કે લેવીને તેણે કરવાનું ચોક્કસ કામ નક્કી કરી આપ્યું- પછી તે દહનાર્પણ આપવાનું હોય કે શાંત્યર્પણ ધરવાનું હોય, કે મંદિરના જુદા જુદા ભાગોમાં સેવા કરવાનું હોય, સ્તોત્રો ગાવાનું હોય કે ભજન-કીર્તન કરવાનું હોય, રાજાએ પોતાના અંગત ઢોરઢાંખરમાંથી દરરોજ સવારે તેમજ સાંજે, તથા વિશ્રામવારોએ, ચંદ્રદર્શનને દિવસે અને ખાસ પર્વોને દિવસે યહોવાના નિયમમાં લખ્યા અનુસાર ચઢાવવાના દહનાર્પણની જોગવાઇ કરી આપી.

વળી તેણે યરૂશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઉપજનો થોડો ભાગ યાજકો તથા લેવીઓ પાસે લાવે, જેથી તેઓ દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે પોતાને સંપૂર્ણ સમય આપી શકે. રાજાનું ફરમાન બહાર પડતાં જ ઇસ્રાએલીઓએ અનાજનો, દ્રાક્ષારસનો, તેલનો, મધનો અને બધી જ ખેતીવાડીની પેદાશનો પહેલો ફાલ ઉદાર હાથે આપ્યો. વળી એટલી જ ઉદારતાથી તેઓ દરેક વસ્તુમાંથી દસમો ભાગ લઇ આવ્યા. યહૂદાના ગામોમાં વસતા ઇસ્રાએલીઓ અને યહૂદિયો પણ તેમના દસમા ભાગના ઢોર અને ઘેટાં લઇ આવ્યા અને બીજી ભેટોનો દસમો ભાગ લઇ આવ્યા જે યહોવાને સમર્પિત કરાયો હતો અને તેના ઢગલા કર્યા.

તેમણે આ ઢગલા ખડકવાનું ત્રીજા મહિનામાં શરૂ કર્યુ અને સાતમાં મહિનામાં પૂરું કર્યુ. હિઝિક્યાએ અને તેના અમલદારોએ આવીને એ ઢગલા જોઇ, યહોવાને અને તેના લોકો ઇસ્રાએલીઓને ધન્યવાદ આપ્યા.

હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછયું. 10 અને મુખ્ય યાજક સાદોકવંશથી અઝાર્યાએ જણાવ્યું કે, “લોકોએ યહોવાના મંદિરમાં ભેટો લાવવાનું શરૂ કર્યુ, ત્યારથી અમને પૂરતું ખાવાનું મળી રહે છે. અને એ ઉપરાંત પુષ્કળ વધે છે, કારણ યહોવાએ પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે, આ મોટો ઢગ તો જે કઇં વધ્યું તેનો છે.”

11 ત્યારે હિઝિક્યાએ યાજકોને યહોવાના મંદિરમાં કોઠારો કરાવી લેવાને ફરમાવ્યું ને તેમ કરવામાં આવ્યું. 12 યાજકો પ્રામાણિકપણે દસમો ભાગ અને યહોવાને સમર્પણની બીજી બધી ભેટો લાવ્યાં, લેવી કોનાન્યા એની સંભાળ રાખતો હતો અને તેનો ભાઇ શિમઇ તેનો મદદનીશ હતો. 13 રાજા હિઝિક્યાએ અને મંદિરના મુખ્ય કારભારી અઝાર્યાએ કોનાન્યાના અને તેના ભાઇ શિમઇના હાથ નીચે કામ કરવા યહીએલ, અઝાઝયા, નાહાથ, અસાહેલ યરીમોથ, યોઝાબાદ, અલીએલ, યિસ્માખ્યા, માહાથ, અને બનાયાની નિમણૂંક કરી.

14 પૂર્વના દરવાજાના દ્વારપાળ લેવી યિમ્નાહના પુત્ર કોરેને યહોવાનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ સ્વીકારવાની અને તેમની ફાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 15 એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને સખાન્યાએ કોરેને મદદ કરી, યાજકોના નગરોમાં તેઓ રહ્યાં અને નાના મોટા સર્વ લેવીબંધુઓને તેમના વર્ગ અનુસાર તેમના ભાગની ફાળવણી કરતા હતા.

16 ગમે તે કુળના હોય તો પણ, જે કાંઇ યહોવાના મંદિરમાં આવતું તે બધા લોકોમાં કે જે 3 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના હોય કે જે મંદિરમાં કામ કરવા માટે તેમની જવાબદારી નિભાવવા આવ્યા હોય તેમના વર્ગ અનુસાર ભાગ વહેંચવામાં આવતો હતો. 17 યાજકોની નોંધણી કુટુંબવાર કરવામાં આવી હતી. જ્યારે વીસ વર્ષના અને તેથી વધુ ઉંમરના લેવીઓની નોંધણી તેમની ફરજો અને દરજ્જા વાર કરવામાં આવી હતી. 18 આ રીતે, નોંધાયેલા સર્વ કુટુંબોના બાળકોને, પત્નીઓને તેઓ ખોરાક આપતા હતા, કારણકે તેઓ પોતાનો સર્વ સમય અને શકિત મંદિરનું કામ કરવામાં વાપરતા હતા અને તેઓ પાસે આવકનું બીજું કોઇ સાધન હતું નહિ.

19 વળી જે હારુનના વંશજો યાજકો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસના ગામડામાં રહેતા હતા. તેઓને માટે પણ કેટલાક ચૂંટેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓ સર્વને ભાગ વહેંચી આપે.

20 સમગ્ર યહૂદામાં આ વ્યવસ્થા અમલમાં હતી. હિઝિક્યાએ યહોવા પોતાના દેવ સામે, સાચું અને સારૂં ગણાય એવું આચરણ કર્યું. 21 તેણે યહોવાના મંદિરની સેવા અથેર્ અને ધર્મસંહિતાને તેની આજ્ઞાઓના પાલન અથેર્ જે જે કર્યુ તે બધું સાચા હૃદયથી તે દેવ પ્રત્યેની પૂર્ણ નિષ્ઠાથી કર્યુ. અને તેને સફળતા મળી.

પ્રકટીકરણ 17

પ્રાણી પરની સ્રી

17 સાત દૂતોમાંનો એક આવ્યો અને મારી સાથે વાત કરી. આ દૂતોમાંનો એક હતો જેની પાસે સાત પ્યાલા હતા. તે દૂતે કહ્યું, “આવ, અને હું તમને વિખ્યાત વેશ્યાને જે શિક્ષા કરવામાં આવશે તે બતાવીશ. તે એક કે જે ઘણી નદીઓના પાણી પર બેસે છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચારનું પાપ કર્યું છે. પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારના પાપના દ્રાક્ષારસથી છાકટા થયા છે.”

પછી તે દૂત મને આત્મામાં રણમાં લઈ ગયો. ત્યાં મેં એક સ્ત્રીને લાલ પ્રાણી પર બેઠેલી જોઈ. તે પ્રાણી તેના પર લખાયેલા ઈશ્વરનિંદક નામોથી ઢંકાયેલું હતું. તે પ્રાણીને સાત માથાં અને દસ શિંગડા હતા. તે સ્ત્રીએ જાંબલી અને લાલ રંગના વસ્ત્રો પહેર્યાં હતા. તે સોનાનાં અલંકારો અને કિંમતી પથ્થરોથી શણગારેલી હતી. તેના હાથમાં સોનાનું પ્યાલું હતું. આ પ્યાલું ભયંકર વસ્તુઓ અને તેનાં અશુદ્ધ વ્યભિચારનાં પાપોથી ભરાયેલું હતું. તેના કપાળ પર એક શીર્ષક (નામ) લખાયેલું હતું, આ શીર્ષકનો ગુપ્ત અર્થ છે. જેનું લખાણ આ પ્રમાણે હતું:

હે મહાન બાબિલોન

વેશ્યાઓની માતા

અને પૃથ્વી પરની દુષ્ટ બાબતોની માતા

મેં જોયું કે તે સ્ત્રી પીધેલી હતી. તેણે સંતોનું લોહી પીધેલું હતું જે લોકો ઈસુમાંના તેઓના વિશ્વાસ વિષે કહેતા હતા તે લોકોનું લોહી તેણે પીધું હતું.

જ્યારે મેં તે સ્ત્રીને જોઈ ત્યારે હું અતિશય આશ્ચર્ય પામ્યો. પછી તે દૂતે મને કહ્યું કે, “તું શા માટે આશ્ચર્ય પામે છે? હું તને આ સ્ત્રીનો અને જે પ્રાણી પર તે સવારી કરે છે, તે સાત માથા અને દસ શિંગડાંવાળા પ્રાણી નો મર્મ કહીશ. તું જે પ્રાણી જુએ છે તે એક વખત જીવતું હતું પણ તે પ્રાણી હમણા જીવતું નથી. પણ તે પ્રાણી જીવતુ થશે તે અસીમ ઊંડાણમાંથી બહાર નીકળશે અને વિનાશના માર્ગે જશે. પૃથ્વી પર જે લોકો રહે છે. તે આશ્ચર્ય પામશે. કારણ કે તે એક વખત જીવતું હતું, હમણા તે જીવતું નથી. પણ ફરીથી આવશે. પણ આ તે લોકો છે કે જેમના નામો દુનિયાના આરંભથી જીવનનાં પુસ્તકમાં લખેલા નથી.

“તને આ વાત સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે, તે પ્રાણી પરના સાત માથાં તે સ્ત્રી જ્યાં બેસે છે તે સાત ટેકરીઓ છે. તેઓ સાત રાજાઓ પણ છે. 10 રાજાઓમાંના પાંચ તો મરી ગયા છે. રાજાઓમાંનો એક હમણાં જીવે છે. અને તે એક જે હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે, તે ફક્ત થોડો સમય જ રહેશે. 11 તે પ્રાણી એક વખત જીવતું હતું પણ તે હાલમાં જીવતું નથી. તે જ આઠમો રાજા છે. આ આઠમો રાજા પણ તે પહેલાના સાત રાજાઓમાનો એક છે. અને તેનો વિનાશ થશે.

12 “તે દસ શિંગડાંઓ જે તમે જોયાં તે આ દસ રાજાઓ છે. જેઓને હજુ તેઓનું રાજ્ય મળ્યું નથી. પણ તેઓ એક કલાક માટે તે પ્રાણી સાથે શાસન કરવા અધિકાર મેળવશે. 13 આ રાજાઓમાંના બધા દસ નો હેતુ એક જ છે અને તેઓ તેઓની સત્તા અને અધિકાર તે પ્રાણીને આપશે. 14 તેઓ હલવાનની સાથે યુદ્ધ કરશે. પરંતુ હલવાન તેઓને હરાવશે. કારણ કે તે પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. તે તમને પોતે પસંદ કરેલા અને વિશ્વાસી જેઓને તેણે બોલાવ્યા છે તેઓના વડે તેને હરાવશે.”

15 પછી તે દૂતે મને કહ્યું કે, “જે પ્રાણી તેં જોયું છે તેના પર તે વેશ્યા બેસે છે. આ પ્રાણી તે ઘણા લોકો, જુદી જુદી જાતિઓ, રાષ્ટ્રો અને દુનિયાની ભાષાઓ છે. 16 તે જે દસ શિંગડાંઓ અને પ્રાણી જોયાં તેઓ તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેની પાસેથી બધું જ લઈ લેશે અને તેને નગ્ર છોડી દેશે. તેઓ તેના શરીરને ખાશે અને તેને અગ્નિ વડે બાળી નાખશે. 17 દેવે તેનો હેતુ પૂરો કરવાની ઈચ્છાથી દસ શિંગડાંઓ બનાવ્યાં: તેઓ તેની શાસન કરવાની સત્તા પ્રાણીને આપવા સમંત થયાં. દેવે કહેલાં વચન પૂર્ણ થશે ત્યાં સુધી તેઓ શાસન કરશે. 18 તમે જે સ્ત્રીને જોઈ તે એક મોટું શહેર છે. જે પૃથ્વીના રાજાઓ પર શાસન કરે છે.”

ઝખાર્યા 13:2-9

કોઇ પણ જૂઠા પ્રબોધકો નહિ

“અને તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામોનિશાન સંપૂર્ણપણે મિટાવી દઇશ. મૂર્તિઓને કોઇ યાદ નહિ કરે. પ્રત્યેક જૂઠા પ્રબોધક અને અશુદ્ધ આત્માને દૂર કરવામાં આવશે. એ પછી જો કોઇ પ્રબોધકની જેમ વર્તશે તો તેને જન્મ આપનારા તેના માબાપ તેને કહેશે કે, તને જીવવાનો અધિકાર નથી, કારણ, ‘તું યહોવાને નામે જૂઠું બોલે છે.’ અને પ્રબોધક તરીકે વર્તવા માટે તેને જન્મ આપનારા તેના માબાપ જ તેને વીંધી નાખશે. તે દિવસે કોઇ પ્રબોધકને સંદર્શન થશે તો તે શરમાશે, અને લોકોને ઠગવા માટે પ્રબોધકનો પોશાક નહિ પહેરે, અને તે કહેશે, ‘ના હું પ્રબોધક નથી, હું ખેડુત છું. મારી જુવાનીના સમયથી જ હું જમીન ઉપર ગુજારો કરતો આવ્યો છું.’ અને તેને જો કોઇ એમ પૂછશે કે, ‘તારી છાતી પર આ ઘા શાના છે?’ તો તે કહેશે કે, ‘એ ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા.’”

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક સામે, જે માણસ મારો સાથી છે તેની સામે ઘા કરવા તૈયાર થા. પાળક ઉપર ઘા કર. જેથી ઘેટાંઓ વેરવિખેર થઇ જાય. હું નાનાઓ ઉપર મારો હાથ ઉગામીશ. અને સમગ્ર ઇસ્રાએલ દેશની વસ્તીના બે તૃતીયાંશ લોકો સંહાર પામીને માર્યા જશે. પરંતુ એક તૃતીયાંશ બચી જશે. અને, જો, એ ત્રીજા ભાગને હું પુષ્કળ મુસીબતોરૂપી અગ્નિમાં નાખી ચાંદીને શુદ્ધ કરે છે તેમ શુદ્ધ કરીશ, અને જેમ સોનાને ચકચકીત કરે છે. તેમ મારું નામ લઇને પોકાર કરશે, ને હું તેમને જવાબ આપીશ, હું કહીશ, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે કે, ‘યહોવા અમારા દેવ છે.’”

યોહાન 16

16 “હું તમને આ વચનો કહું છું તેથી તે લોકો તમારા વિશ્વાસનો નાશ કરવા શક્તિમાન થશે નહિ. લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે. લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી. મેં તમને હવે આ વચનો કહ્યાં છે. તેથી જ્યારે આ વસ્તુઓ થવાનો સમય આવે ત્યારે મેં તમને આપેલી ચેતવણી તમે યાદ કરશો.

પવિત્ર આત્માનું કાર્ય

“મેં તમને શરુંઆતમાં આ વચનો કહ્યાં ન હતા કારણ કે ત્યારે હું તમારી સાથે હતો. હવે હું જેણે મને મોકલ્યો છે તેની પાસે પાછો જાઉ છું, પણ તમારામાંથી કોઈએ મને પૂછયું નહિ, ‘તું ક્યાં જાય છે?’ તમારાં હૃદયો વ્યાકુળતાથી ભરાયેલાં છે. કારણ કે મેં તમને આ વચનો કહ્યાં છે. પણ હું તમને સત્ય કહું છું. મારું દૂર જવું એ તમારા માટે સારું છે. શા માટે? કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ. પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ.

“જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે. સંબોધક ખાતરી કરશે કે લોકો પાપી છે, કારણ કે તેઓને મારામાં વિશ્વાસ નથી. 10 તે તેઓને મારા ન્યાયીપણા વિષે ખાતરી કરાવશે, કારણકે હવે હું પિતા પાસે જાઉં છું. પછી તમે મને જોશો નહિ. 11 અને સંબોધક જગતને ન્યાય વિષે ખાતરી કરાવશે. કારણ કે ખરેખર આ જગતનો શાસક (શેતાન) નો ન્યાય ચુકવવામાં આવ્યો છે.

12 “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે. 13 પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે. 14 સત્યનો આત્મા મને મહિમાવાન કરશે. કેવી રીતે? તે મારી પાસેથી વાતો મેળવશે અને તમને તે વાતો કહેશે. 15 પિતા પાસે જે બધું છે તે મારું છે. તેથી હું કહું છું કે આત્મા મારી પાસેથી મેળવશે અને તમને તે કહેશે.

ઉદાસીનતા પ્રસન્નતામાં પરિવર્તન પામશે

16 “ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”

17 કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’” 18 શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે? તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”

19 ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?” 20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.

21 “જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે. 22 તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ. 23 તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે. 24 તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.

જગત પર વિજય

25 “મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ. 26 તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ. 27 ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું. 28 હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું. હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું.”

29 પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી. 30 હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે. તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે. તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે.”

31 ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો? 32 ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.

33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International