M’Cheyne Bible Reading Plan
21 યહોશાફાટ પિતૃલોકને પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોરામ તેની જગ્યાએ યહૂદાનો રાજા બન્યો. 2 તેને છ ભાઇઓ હતા: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મીખાએલ અને શફાટયા. એ બધા યહૂદાના રાજા યહોશાફાટના પુત્રો હતા, 3 અને તેણે એમને ઘણા ઉપહાર આપ્યા, સોનું, ચાંદી, કીંમતી વસ્તુઓ, અને યહૂદામાં કિલ્લેબંદીવાળા નગરો. પણ રાજગાદી તેણે યહોરામને આપી હતી. કારણકે તે સૌથી મોટો હતો.
યહૂદાના યહોરામનો દુષ્ટ અમલ
4 રાજા તરીકે સ્થિર થયા પછી યહોરામે તેના ભાઇઓને તથા ઇસ્રાએલના કેટલાક આગેવાનોને મારી નાખ્યા. 5 બત્રીસ વર્ષની ઉંમરે તે રાજગાદીએ આવ્યો, અને યરૂશાલેમમાં તેણે આઠ વર્ષ રાજ કર્યુ. 6 તે આહાબની પુત્રીને પરણ્યો હતો એટલે તેણે આહાબના કુટુંબની જેમ ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલી યહોવાની ષ્ટિએ ખોટું ગણાય તેવું આચરણ કર્યુ. 7 તેમ છતાં યહોવા દાઉદના વંશનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેણે દાઉદ સાથે કરાર કરીને તેને વચન આપ્યુ હતું કે, “હું તારા વંશનો દીવો સદાસર્વદા સળગતો રાખીશ.”
8 એના અમલ દરમ્યાન અદોમના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને યહૂદાથી સ્વતંત્ર જાહેર કર્યા પછીથી તેઓએ પોતાની પસંદગીથી પોતાના રાજા ચુટયાં. 9 યહોરામે તેના લશ્કરી અધિકારીઓ અને રથો સાથે અદોમ તરફ કૂચ કરી, અદોમીઓએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા પરંતુ યહોરામે તેમના ઉપર રાત્રે આક્રમણ કર્યુ અને પોતાના લશ્કર અને રથોની મદદથી તેઓને હરાવી દીધા. યહોરામ અને તેનું લશ્કર પાછું યહૂદા ભાગી ગયું. 10 પણ આજ સુધી યહૂદાની ઝૂંસરી પોતાના પરથી ફેંકી દેવામાં અદોમ સફળ રહ્યો હતો. પછી લિબ્નાહે પણ યહૂદા સામે બળવો કર્યો. કારણકે યહોરામ તેના પિતૃઓના દેવ યહોવાથી દૂર ભટકી ગયો હતો. 11 યહૂદાની ટેકરીઓ ઉપર સ્થાનકો બાંધ્યા હતા, યરૂશાલેમના વતનીઓ મૂર્તિપૂજા કર્યા કરતા હતા. અને આખા યહૂદાને ખોટે માર્ગે ચડાવ્યું હતું.
12 ત્યારબાદ એલિયા પ્રબોધકે તેના ઉપર પત્ર લખ્યો,
“તારા પિતૃ દાઉદના યહોવા દેવ કહે છે: ‘તારા પિતા યહોશાફાટ અને આસા રાજા જે સારા માર્ગો પર ચાલ્યાઁ, તે માર્ગો ઉપર તું ચાલ્યો નથી. 13 પરંતુ તું ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો છે, અને આહાબના કુટુંબે ઇસ્રાએલના લોકોને મારાથી વિમુખ કરી દીધા હતા તેમ તેં યરૂશાલેમના અને યહૂદાના લોકોને મારાથી વિમુખ બનાવી દીધા છે અને તારા કરતાં સારા એવાં તારા ભાઇઓને તેં મારી નાખ્યા છે. 14 એટલે હું તારા પર, તારી પ્રજા પર, તારા વંશજો પર, તારી પત્નીઓ પર અને બધી મિલકત પર ભયંકર રોગ લાવીશ. 15 તને પોતાને આંતરડાનો ર્જીણ રોગ લાગુ પડશે અને આખરે એ રોગને કારણે તારાં આંતરડાં બહાર નીકળી પડશે.’”
16 પછી યહોવાએ કૂશીઓ વચ્ચે વસતા પલિસ્તીઓ અને આરબોને યહોરામ પર ચઢાઇ કરવા ઉશ્કેર્યા. 17 તેમણે યહૂદા પર હુમલો કર્યો અને દેશ પર આક્રમણ કર્યું અને રાજાના મહેલમાં જે કાઇં હાથ આવ્યું, તે બધું તેઓ લૂંટી ગયા, રાજાનાં પુત્રો અને પત્નીઓને પણ લઇ ગયા; એક માત્ર સૌથી નાનો પુત્ર યહોઆહાઝ બચી ગયો.
18 આ બધું બની ગયા પછી યહોવાએ તેને આંતરડાના અસાધ્ય રોગનો ભોગ બનાવ્યો. 19 બે વર્ષ સુધી તે બહુ જ પીડાયો, તેનાં આંતરડા બહાર નીકળી પડ્યાં અને ભારે વેદના સહીને તે મૃત્યુ પામ્યો. તેની પ્રજાએ તેના પિતાના માનમાં જે અગ્નિ પ્રગટાવી હતી તેવી એના માનમાં પ્રગટાવી નહિ. 20 તે ગાદીએ આવ્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યુ. તે મૃત્યુ પામ્યો ત્યારે કોઇએ તેને માટે શોક કર્યો નહિ. તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પણ રાજાઓનાં ખાસ કબ્રસ્તાનમાં નહિ.
પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું
9 તે પાંચમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી મેં આકાશમાંથી એક તારાને પૃથ્વી પર પડેલો જોયો. તે તારાને અતિ ઊંડા ખાડાની કૂંચી આપવામા આવી હતી. જે નીચે અસીમ ઊંડાઈ તરફ દોરે છે. 2 પછી તે તારાએ અસીમ ઊંડાઈ તરફ દોરતા ખાડાને ઉઘાડ્યો. તે ખાડામાંથી મોટી ભઠ્ઠીનાના ધૂમાડા જેવો ધુમાડો નીકળ્યો; ખાડામાથી નીકળતા ધુમાડાને કારણે સૂયૅ અને આકાશમાં અંધારાં થયાં.
3 પછી ધુમાડામાથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં. તેઓને વીંછુઓ જેવી ડંખ મારવાની શક્તિ આપવામાં આવી હતી. 4 તીડોને પૃથ્વી પરના ઘાસને કે કોઈ છોડને કે વૃક્ષને નુકસાન નહિ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફક્ત જે લોકોની પાસે તેમના કપાળ પર દેવની મુદ્રા ન હોય એ લોકોને જ ઈજા કરવાની હતી. 5 આ તીડોને લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાની શક્તિ આપવામા આવી હતી. પરંતુ તીડોને લોકોને મારી નાખવાની શક્તિ આપવામાં આવી નહોતી. અને પીડા જે લોકોએ અનુભવી તે વીંછુ વ્યક્તિને કરડે અને જે પીડા થાય તેવી હતી. 6 તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.
7 તે તીડો યુધ્ધ માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવા હતા. તેઓના માથાં પર તેઓએ સોનાના મુગટો જેવી વસ્તુઓ પહેરી હતી. તેઓના મુખ માણસોના મુખ જેવા હતાં. 8 તેઓના કેશ સ્ત્રીઓના કેશ જેવા દેખાતા હતા. તેઓના દાંતો સિંહના દાંતો જેવા હતા. 9 તેઓની છાતીઓ લોખડનાં બખતર જેવી દેખાતી. તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડા અને રથોના ગડગડાટ જેવો હતો. 10 તીડોને વીંછુઓના ડંખ જેવી, ડંખવાળી પૂંછડીઓ હતી, તેઓની પૂંછડીઓમાં પાંચ મહિના સુધી લોકોને પીડા આપવાની શકિત હતી. 11 તીડોને તેઓનો એક રાજા છે તે રાજા અસીમ ઊંડાણની ખાઈનો દૂત છે. હિબ્રૂ ભાષામાં તેનુ નામ અબદ્દોન[a] છે, ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન છે.
12 પ્રથમ મહાન મુસીબત પૂરી થઈ ગઈ છે. હજુ પણ બે મહાન મુસીબતો છે જે આવનાર છે.
છઠ્ઠા દૂતે રણશિંગડું વગાડ્યું
13 તે છઠ્ઠા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી દેવની આગળની સોનાની વેદીનાં રણશિંગડાંમાંથી મેં એક વાણી સાંભળી. 14 તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, “મહાનદી યુફ્રેટિસ પર જે ચાર દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક.” 15 આ ચાર દૂતોને આ વર્ષના આ મહિનાના આ દિવસના અને આ કલાક માટે તૈયાર રાખેલા હતા. આ દૂતોને પૃથ્વી પરના ત્રીજા ભાગના લોકોને મારી નાખવા મુક્ત કરવામાં આવ્યાં. 16 મેં સાંભળ્યું હતું તેઓના લશ્કરમાં ઘોડેસવારોની કેટલીક ટુકડીઓ હતી. તેઓ 20,00,00,000 (વીસ કરોડ) હતા.
17 મેં મારા દર્શનમાં ધોડાઓને તથા તેઓ પર બેઠેલા સવારોને જોયા. તેઓ આવા દેખાતા હતા: તેઓના બખતર અગ્નિ જેવાં રાતાં તથા જાંબુડા તથા ગંધક જેવા પીળા હતાં. તે ઘોડાઓના માથાં સિહોંના માથાંઓ જેવા દેખાતાં હતાં. તે ઘોડાઓનાં મોંમાથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળતા હતા. 18 આ ઘોડાઓના મુખમાથી બહાર નીકળતી ત્રણ ખરાબ વસ્તુઓ અગ્નિ, ધુમાડો તથા ગંધકથી પૃથ્વી પરના બધા લોકોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યા હતા. 19 કારણ કે ઘોડાઓનું સાર્મથ્ય તેના મોંઢાંમા અને પૂંછડીઓમાં છે. લોકોને ઇજા કરવા અને કરડવા માટે તેઓને સાપના જેવી પૂંછડીઓ અને પૂંછડીઓને માંથાં હોય છે.
20 પૃથ્વી પરના બીજા લોકોને આ ખરાબ વસ્તુઓથી મારી નાખવામાં આવ્યાં નહિ. છતાં આ લોકોએ હજુ પણ પસ્તાવો કર્યો નથી. અને તેઓ પોતાના હાથની બનાવેલી કૃતિઓ તરફથી પાછા ફર્યા નહિ. તેઓએ ભૂતોની તથા સોનાચાંદી, પિત્તળ, પથ્થરની મૂર્તિઓ અને લાકડાની વસ્તુઓ જે જોવા કે સાંભળવા કે ચાલવા શક્તિમાન નથી, તેઓની પૂજા કરવાનું બંધ કર્યુ નથી. 21 આ લોકોએ પસ્તાવો કર્યો નહિ. તેઓએ બીજા લોકોને મારી નાખવાનું બંધ કર્યુ નથી. તેઓએ તેમની દુષ્ટ જાદુક્રિયા, પોતાના વ્યભિચારનાં પાપો અને પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.
ઊડતું ઓળિયું
5 ફરી મેં ઊંચે જોયું તો હવામાં ઊડતું એક ઓળિયું મારી નજરે પડ્યું. 2 દેવના દૂતે મને પૂછયું, “તને શું દેખાય છે?”
મેં કહ્યું, “એક ઊડતું ઓળિયું, એ વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”
3 ત્યારે તેણે મને કહ્યું, “આ ઓળિયું સમગ્ર દેશ પર આવનાર દેવના શાપના શબ્દોનું પ્રતિક છે. એમાં લખ્યા મુજબ ચોરી કરનાર અને ખોટા સમ ખાનાર એકેએક જણને હવે હાંકી કાઢવામાં આવશે.” 4 સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “હું આ શાપ દરેક ચોરના ઘરમાં અને જેણે મારા નામે ખોટું વચન આપ્યું છે તે દરેકના ઉપર મોકલું છું. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો સંપૂર્ણપણે નાશ કરશે.”
સ્ત્રી અને ટોપલો
5 પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી આંખો ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.”
6 મેં પૂછયું, “એ શું છે?” એટલે તેણે કહ્યું, “વસ્તુ જે બહાર આવે છે તે ટોપલી છે.”
અને તેણે કહ્યું, “આ દેશના લોકોના પાપોને માપવાનો ટોપલો છે.”
7 અને અચાનક ટોપલાં પરનું ભારે ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રીને મેં જોઇ! 8 અને પેલાં દેવદૂતે કહ્યું, “તે સ્ત્રી દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તે સ્ત્રીને પાછી ટોપલામાં મૂકી દીધી અને સીસાનું ભારે ઢાંકણ બંદ કરી દીધું. 9 પછી મેં ઉપર નજર કરી અને બે સ્ત્રીઓને આગળ આવતી જોઇ તેમને બગલાના જેવી પાંખો હતી. તેઓની પાંખોથી તેઓ હવામાં ઊડી. જમીન અને આકાશની વચ્ચે તેઓએ મોટો ટોપલો ઉંચકયો હતો. 10 પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “એ લોકો ટોપલો ક્યાં લઇ જાય છે?”
11 તેણે જવાબ આપ્યો, “તેઓ તેને બેબિલોન લઇ જશે અને તેની આરાધના કરવાને મંદિર બાંધશે, અને જ્યારે તે તૈયાર થશે ત્યારે એ લોકો ટોપલાને એને સ્થાને ગોઠવી દેશે.”
8 ઈસુ જૈતૂનના પહાડ પર ગયો 2 વહેલી સવારમાં ઈસુ મંદિરમાં પાછો આવ્યો. બધા લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ ત્યાં બેસીને લોકોને બોધ કર્યો.
3 શાસ્ત્રીઓ અને ફરોશીઓ એક સ્ત્રીને ત્યાં લાવ્યા. તે સ્ત્રી વ્યભિચારનું પાપ કરતાં પકાડાઈ હતી. આ યહૂદિઓએ તે સ્ત્રીને લોકો સમક્ષ ઊભા રહેવા માટે દબાણ કર્યુ. 4 તેઓએ ઈસુને કહ્યું, “ગુરુંજી, આ સ્ત્રી એક માણસ સાથે વ્યભિચાર કરતાં પકડાઈ છે જે તેનો પતિ નથી. 5 નિયમશાસ્ત્રમાં મૂસાએ આપણને આજ્ઞા કરી છે કે આવું કામ કરનાર પ્રત્યેક સ્ત્રીઓને આપણે પથ્થરોથી મારી નાખવી. અમારે શું કરવું, તે વિષે તું શું કહે છે?”
6 યહૂદિઓ ઈસુનું પરીક્ષણ કરવા આ પ્રશ્નનો ઉપયોગ કરતાં હતા, તેઓ ઈસુને કંઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા. પછી તેઓ તેની વિરુંદ્ધ આરોપ મૂકી શકે. પણ ઈસુએ નીચા વળીને તેની આંગળી વડે જમીન પર લખવાનું શુરું કર્યું. 7 યહૂદિ અધિકારીઓએ ઈસુને તેઓના પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. તેથી ઈસુ ઊભો થયો અને કહ્યું, “શું અહીં કોઈ એવી વ્યક્તિ છે જેણે કદી પાપ ના કર્યું હોય? જે વ્યક્તિએ પાપ કર્યું ના હોય તે આ સ્ત્રી પર પહેલો પથ્થર મારે.” 8 પછી ઈસુ ફરીથી નીચો વળ્યો અને જમીન પર લખ્યું.
9 જે લોકોએ ઈસુને સાંભળ્યો તેઓ એક પછી એક વિદાય થયા. વૃદ્ધ માણસો પ્રથમ છોડી ગયા, અને પછી બીજા ગયા. ઈસુને ત્યાં તે સ્ત્રી સાથે એકલા છોડી ગયા. હજુ તે ત્યાં ઊભી રહી છે. 10 ઈસુ ફરીથી ઊભો થયો ને તેને પૂછયું, “બાઈ, તે બધા લોકો ગયા છે. તેમાંથી કોઈએ તને દોષિત ઠરાવી નથી?”
11 તે સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પ્રભુ, તેમાંના કોઈએ મને દોષિત ઠરાવી નથી.”]
પછી ઈસુએ કહ્યું, “તેથી હું પણ તને દોષિત ઠરાવતો નથી. તું હવે જઈ શકે છે, પણ ફરીથી પાપ કરીશ નહિ.”
ઈસુ જગતનો પ્રકાશ છે
12 પાછળથી ઈસુએ લોકોને કહ્યું, “હું જગતનો પ્રકાશ છું. જે વ્યક્તિ મને અનુસરે છે તે કદી અંધકારમાં રહેશે નહિ. તે વ્યક્તિને પ્રકાશ મળશે જે જીવન આપે છે.”
13 પરંતુ ફરોશીઓએ ઈસુને કહ્યું, “જ્યારે તું તારી જાત વિષે કહે છે ત્યારે તું જ ફક્ત એક એકલો એવો છે જે આ વાતો સાચી છે એમ કહે છે. તેથી અમે આ વાતો જે તું કહે છે તે અમે સ્વીકારી શકીએ તેમ નથી.”
14 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું મારી જાત વિષે આ વાતો કહું છું. પરંતુ હું જે વાતો કહું છું, તે લોકો માની શકશે. શા માટે? કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું, અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું, હું તમારા લોકો જેવો નથી. હું ક્યાંથી આવ્યો છું. અને ક્યાં જાઉં છું તે જાણતા નથી. 15 તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો. હું કોઈ માણસનો ન્યાય કરતો નથી. 16 પણ જો હું ન્યાય કરું તો, મારો ન્યાય સાચો હશે. શા માટે? કારણ કે જ્યારે હું ન્યાય કરું ત્યારે હું એકલો હોતો નથી. મને મોકલનાર પિતા મારી સાથે હોય છે. 17 તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ. 18 હું સાક્ષીઓમાંનો એક છું કે હું મારી જાત વિષે બોલું છું, અને મને જેણે મોકલ્યો છે તે પિતા મારા બીજા સાક્ષી છે.”
19 લોકોએ પૂછયું, “તારો પિતા ક્યાં છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને કે મારા પિતાને જાણતા નથી. પણ જો તમે મને જાણ્યો હોત તો પછી તમે મારા પિતાને પણ જાણતા હોત.” 20 જ્યારે ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો, ત્યારે તેણે આ બાબતો કહી. જ્યાં બધા લોકો પૈસા આપવા આવતા હતા. તે જગ્યાની નજીક તે હતો. પરંતુ કોઈ વ્યક્તિએ તેને પકડ્યો નહિ. ઈસુ માટેનો યોગ્ય સમય હજુ આવ્યો ન હતો.
યહૂદિઓ ઈસુ વિષે સમજતા નથી
21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”
22 તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ’?”
23 પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. 24 તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”
25 યહૂદિઓએ પૂછયું, “તો પછી તું કોણ છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને શરુંઆતથી જે કહ્યું છે તે હું છું. 26 મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”
27 ઈસુ કોના વિષે વાત કરતો હતો તે લોકો સમજતા ન હતા. ઈસુ તેઓને પિતા (દેવ) વિષે વાત કરતો હતો. 28 તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું. 29 જેણે (દેવે) મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેને જે ગમે છે તે હું હમેશા કરું છું. તેથી તેણે મને એકલો છોડ્યો નથી.” 30 જ્યારે ઈસુ આ વાતો કહેતો હતો ત્યારે, ઘણા લોકોએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. ઈસુ પાપમાંથી છુટકારા વિષે વાત કરે છે.
પાપ વિષે ચેતવણી
31 તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો. 32 પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે ઈબ્રાહિમના લોકો છીએ. અમે કદી ગુલામ રહ્યા નથી. તેથી શા માટે તું કહે છે કે એમ મુક્ત થઈશું?”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સાચું કહું છું પ્રત્યેક વ્યક્તિ જે પાપ કરે છે તે ગુલામ છે. પાપ તેનો માલિક છે. 35 ગુલામ કુટુંબ સાથે હંમેશા રહેતો નથી. પરંતુ તે દીકરો હંમેશા કુટુંબનો રહી શકે. 36 તેથી જો દીકરો તમને મુક્ત કરે તો પછી તમે ખરેખર મુક્ત થશો. 37 હું જાણું છું તમે ઈબ્રાહિમના લોકો છો. પરંતુ તમે મને મારી નાખવા ઈચ્છો છો. શા માટે? કારણ કે તમે મારા બોધનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી. 38 મારા પિતાએ જે મને બતાવ્યું છે તે જ કામો હું તમને કહું છું. પરંતુ તમે તમારા પિતાએ તમને જે કહ્યું છે તે કરો છો.”
39 યહૂદિઓએ કહ્યું, “અમારો પિતા ઈબ્રાહિમ છે.”
ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર ઈબ્રાહિમના બાળકો હતા તો પછી તમે જે કામો ઈબ્રાહિમે કર્યા તે જ કરશો. 40 હું એ માણસ છું કે જેણે દેવ પાસેથી સાંભળ્યું તે સત્ય તમને કહ્યું છે. પરંતુ તમે મને મારી નાખવા પ્રયત્ન કરો છો. ઈબ્રાહિમે તેના જેવું કંઈ જ કર્યું નથી. 41 તેથી તમારા પિતાએ જે કંઈ કર્યુ તે તમે કરો છો.”
પણ યહૂદિઓએ કહ્યું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણ્યું ન હોય કે તેમનો પિતા કોણ છે. દેવ અમારો પિતા છે. અમારો તે માત્ર એક જ પિતા છે.”
42 ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “જો દેવ ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને હવે હું અહીં છું. હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. દેવે મને મોકલ્યો છે. 43 હું તમને આ બાબતો જે કહું છું તે તમે સમજી શકશો નહિ. શા માટે? કારણ કે તમે મારા બોધને સ્વીકારી શકતા નથી. 44 તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.
45 “હું સત્ય કહું છું, તેથી તમે મારામાં વિશ્વાસ કરતા નથી. 46 તમારામાંથી કોણ સાબિત કરી શકે છે કે હું પાપનો ગુનેગાર છું. જો હું સત્ય કહું છું, તો પછી તમે શા માટે મારું માનતા નથી? 47 જે વ્યક્તિ દેવનો છે તે દેવ જે કહે છે તે સ્વીકારે છે. પણ તમે દેવ જે કહે છે તે સ્વીકારતા નથી. કારણ કે તમે દેવના નથી.”
ઈસુ પોતાના વિષે અને ઈબ્રાહિમ વિષે વાત કરે છે
48 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે કહીએ છીએ કે તું સમરૂની છે, અમે કહીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે. અને તને ગાંડો બનાવ્યો છે! અમે આ બાબત કહીએ છીએ ત્યારે શું અમે સાચા નથી?”
49 ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં કોઈ શેતાન પ્રવેશ્યો નથી. હું મારા પિતાને આદર આપું છું. પણ તમે કોઈ મારો આદર કરતા નથી. 50 હું મારી જાત માટે આદર મેળવવા પ્રયત્ન કરતો નથી. મને આદર અપાવવાની ઈચ્છા કરનાર ત્યાં એક જ છે. તે ન્યાય કરનાર છે. 51 હું તમને સત્ય કહું છું. જો કોઈ મારું વચન પાળે છે, તો પછી તે કદી મૃત્યુ પામશે નહિ.”
52 યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’ 53 શું તું ધારે છે કે તું અમારા પિતા ઈબ્રાહિમ કરતાં વધારે મહાન છે? ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. તું કોણ હોવાનો દાવો કરે છે?”
54 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું મારી જાતને માન આપું તો પછી તે આદરની કોઈ કિંમત નથી. જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે. અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે. 55 પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું. 56 તમારો પિતા ઈબ્રાહિમ ઘણો ખુશ હતો, કારણ કે જ્યારે હું આવ્યો તે દિવસ તેણે જોયો અને તે સુખી થયો.”
57 યહૂદિઓએ ઈસુને કહ્યું, “શું તેં ઈબ્રાહિમને જોયો છે? હજુ તો તું 50 વરસનો પણ થયો નથી.”
58 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાનો હું છું.” 59 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International