Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 6:12-42

સુલેમાનની પ્રાર્થના

12 યહોવાની વેદીની સમક્ષ, સમગ્ર ઇસ્રાએલી સમાજની સન્મુખ ઊભા રહીને સૌના દેખતા પ્રાર્થના કરવા માટે પોતાના હાથ પ્રસાર્યા. 13 સુલેમાને એક મોટો મંચ બનાવ્યો હતો, આ મંચ કાંસાનો બનાવેલો હતો અને તે 5 હાથ લાંબો, 5 હાથ પહોળો અને 3 હાથ ઊંચો હતો; અને તેને ચોકની વચ્ચે મૂક્યો હતો, સુલેમાન તેના ઉપર ઊભો રહ્યો. સર્વ લોકોની હાજરીમાં સુલેમાને ઘૂંટણ ટેકવી આકાશ તરફ હાથ પ્રસારીને પ્રાર્થના કરી.

14 “હે યહોવા, ઇસ્રાએલના દેવ, આકાશમાં કે પૃથ્વી પર તારા જેવો બીજો કોઇ દેવ નથી. તારા સર્વ કરારો તેઁ પૂર્ણ કર્યા છે. અને જેઓ તારી શરણે આવવા ઇચ્છે છે અને તારી ઇચ્છા પૂર્ણ કરવા આતુર છે, તેના પ્રત્યે તું કૃપાળુ છે. 15 તે તારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન પાળ્યું છે, તઁ તારા મોઢેથી જે કહ્યું તે આજે, તેઁ તારા હાથથી કરી બતાવ્યું છે. 16 અને હવે, હે યહોવા, ઇસ્રાએલના દેવ, તેઁ તારા સેવક દાઉદને જે બીજું વચન આપ્યું હતું તે પૂરું કર. તેઁ એને એમ કહ્યું હતું કે, ‘જો તારા વંશજો સંભાળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર હેઠળ ઇસ્રાએલની ગાદી પર સદા તારો વંશજ બેસશે.’ 17 માટે ઇસ્રાએલના હે દેવ યહોવા, હવે તું તારા સેવક મારા પિતા દાઉદને આપેલું એ વચન કૃપા કરીને પૂર્ણ કર.

18 “પરંતુ હે દેવ, તું કદી માણસો ભેગા પૃથ્વી પર વસે ખરો? અરે, ઊંચામાં ઊંચુ સ્વર્ગ સુદ્ધાં તને ધારણ ન કરી શકે, અને ન તો મેં બંધાવેલ મંદિર તને સમાવી શકે. 19 હે યહોવા, મારા દેવ, મારી પ્રાર્થનાઓ ધ્યાનમાં લેવા તથા દયા કરવા હું તને વિનંતી કરું છું. હાલ હું જે પ્રાર્થના કરું છું તે તું સાંભળ. 20 રાત દિવસ તારી ષ્ટિ આ મંદિર ઉપર ઠરેલી રહો. આ સ્થાન ઉપર રહો, જેને વિષે તં કહ્યું હતું કે, ‘મારું નામ એમાં વાસો કરશે.’ 21 તારા સેવકો અને તારા લોકો આ મંદિર તરફ જોઇને જે પ્રાર્થના કરે તે સાંભળજે; તમારા પરમ ધામ સ્વર્ગમાંથી તું એ સાંભળજે અને સાંભળીને એમના ગુના માફ કરજે.

22 “જ્યારે કોઇ વ્યકિત પાપ માટે દોષિત ઠરે, ગુનો કરે, અને તે અહીં પોતાની નિર્દોષતા પૂરવાર કરવાના સમ લે, 23 ત્યારે આકાશમાંથી તેનું સાંભળીને તેનો ન્યાય કરજો. જો તે જૂઠું બોલતો હોય તો તેને શિક્ષા કરજો અને સાચું બોલતો હોય તો તેને ક્ષમા કરજો.

24 “જ્યારે પાપ કરવાને કારણે તારા લોકો ઇસ્રાએલીઓ દુશ્મનો સામે હારી જાય, અને જો તેઓ પાછા તારા તરફ વળે, તારું નામ લે અને આ મંદિરમાં તને પ્રાર્થના અને વિનવણી કરે, 25 તો તું આકાશમાંથી સાંભળજે, તારા લોકો ઇસ્રાએલીઓના પાપ માફ કરજે અને તું તેમને અને એમના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં તેમને પાછા લાવજે.

26 “તારા ઇસ્રાએલી લોકો, તારી વિરૂદ્ધ પાપ કરવાને કારણે અને આકાશમાંથી વરસાદ ન વરસે અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તારું નામ લે, અને તારી સજા પામીને પશ્ચાતાપ કરે, 27 તો તું આકાશમાંથી સાંભળજે, અને તારા સેવકોનો ગુનો માફ કરજે, અને શું સારું છે તે તેમને શીખવજે. અને તારા લોકોને વતન તરીકે આપેલા તેઓના દેશમાં વરસાદ મોકલજે.

28 “જો દેશમાં દુષ્કાળ પડે, જીવલેણ રોગ ફેલાય, ખેતરના પાકમાં રોગ આવે, ઇયળો પડે કે તીડ પાકનો નાશ કરે અથવા શત્રુઓ તારા લોકના નગરોને ઘેરો ઘાલે, કોઇ પણ મુશ્કેલી આવી પડે, 29 ત્યારે તારા લોકો ઇસ્રાએલીઓમાંનો જે કોઇ આ મંદિર તરફ હાથ પ્રસારીને પોતાની મુશ્કેલી અને દુ:ખને જાણીને પ્રાર્થના અને આજીજી કરે; 30 તો તારા આકાશના નિવાસ સ્થાનમાંથી તે સાંભાળીને માફી આપજે. અને પ્રત્યેકને યોગ્ય બદલો આપજે, કારણ, તું અંતર્યામી છે તું જ બધા માણસોના અંતરને જાણે છે. 31 એ રીતે તેઓ તારાથી ડરીને ચાલશે અને અમારા પિતૃઓને તેઁ જે ભૂમિ આપી હતી, તેમાં જીવનભર તેઓ તારી આજ્ઞાનું પાલન કરશે.

32 “અને કોઇ વ્યકિત જે ઇસ્રાએલીઓમાંનો નથી એવો કોઇ વ્યકિત દૂર દેશથી તારા મહાન નામની અને પ્રચંડ શકિતની કીર્તિ સાંભળીને આવે અને આ મંદિર તરફ જોઇને પ્રાર્થના કરે, 33 તો તારા નિવાસસ્થાન આકાશમાંથી તે સાંભળીને તેઓની વિનંતી માન્ય કરજે. ત્યારે પૃથ્વીની સર્વ પ્રજાઓ તારી ખ્યાતિ વિષે સાંભળશે અને તારા ઇસ્રાએલી લોકોની જેમ તારો ડર રાખશે અને તેઓ જાણશે કે મેં જે મંદિર બાંધ્યું છે, તે સાચે જ તારું છે.

34 “જો તારા લોકોને તું જે કોઇ માર્ગે મોકલે તે માર્ગે તેઓ પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને આ નગર જે તે પસંદ કર્યુ છે, ને મેં જે મંદિર તારા નામને માટે બાંધ્યું છે, તેની તરફ મુખ ફેરવીને તેઓ તારી પ્રાર્થના કરે; 35 તો તું તેઓની પ્રાર્થના તથા અરજી સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે.

36 “જો તેઓ તારી વિરૂદ્ધ પાપ કરે, કોણ નથી કરતું? અને તું રોષે ભરાઇને તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દે. અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઇ જાય પછી એ દૂર હોય કે નજીક હોય, 37 અને એ વિદેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરી તને વિનવે કે, અમે પાપ કર્યુ છે, અને દુષ્ટ વર્તન કર્યુ છે ‘એમ કહીને પાછા ફરે,’ 38 અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે. 39 તો તું તારા ધામ આકાશમાંથી તેમની પ્રાર્થના અને વિનવણી સાંભળજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે, અને તારા લોકોને તેમણે તારી વિરૂદ્ધ કરેલાં બધાં પાપો માટે ક્ષમા કરજે. 40 હવે, હે મારા દેવ, આ મંદિરમાં થતી પ્રાર્થના માટે તારી આંખ ઉઘાડી રાખજે, અને જાગૃત રહીને ધ્યાન આપજે.

41 “હે દેવ યહોવા, ઊઠો, તું અને તારું સાર્મથ્ય દર્શાવતો કરારકોશ
    તારા વિશ્રામસ્થાને ઊઠી આવ.
હે દેવ યહોવા, તારા યાજકો વિજયી વસ્ત્રથી શુશોભિત થાય,
    અને ભલે તારા ભકતો સમૃદ્ધિ પામે અને આનંદોત્સવ મનાવે.
42 હે દેવ યહોવા, તે જેનો અભિષેક કર્યો છે તેનાથી વિમુખ ન થઇશ.
    તારા સેવક દાઉદ પ્રત્યેનો તારો શાશ્વત પ્રેમ સંભારી કૃપાનું સ્મરણ કર.”

1 યોહાન 5

દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે

ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ. દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી. શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે. તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?

દેવ આપણને તેના પુત્ર વિષે કહે છે

જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી[a] સાથે અને રક્ત[b] સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે. તેથી ત્યાં ઈસુ વિશે આપણને કહેનારા ત્રણ સાક્ષીઓ છે: કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી અને લોહી. આ ત્રણ સાક્ષીઓ છે.

તેઓ જે કહે છે તે કંઈક સાચું હોય એવો વિશ્વાસ આપણે લોકો પર કરીએ છીએ. પરંતુ દેવ જે કહે છે તે વધારે મહત્વનું છે. અને દેવે આપણને તેના પોતાના પુત્ર વિશે સાચું કહ્યું છે. 10 જે વ્યક્તિ દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેની પાસે તે સત્ય છે જે દેવે આપણને કહ્યુ છે. જે વ્યક્તિ દેવમાં વિશ્વાસ કરતી નથી તે દેવને જૂઠો પાડે છે. શા માટે? કારણ કે દેવે આપણને તેના પુત્ર વિષે જે કહ્યું તેમાં તે વ્યક્તિ વિશ્વાસ કરતી નથી. 11 દેવે આપણને કહ્યું છે: દેવે આપણને અનંતજીવન આપ્યું છે. અને આ અનંતજીવન તેના પુત્રમાં છે. 12 જે વ્યક્તિ પાસે પુત્ર છે તેની પાસે સાચું જીવન છે. પરંતુ જે વ્યક્તિની પાસે દેવનો પુત્ર નથી, તેની પાસે જીવન નથી.

હવે આપણી પાસે અનંતજીવન છે

13 હું આ પત્ર, જે દેવના પુત્રમાં વિશ્વાસ કરે છે એવા તમને લોકોને લખું છું. જેથી તમે જાણશો કે હવે તમારી પાસે અનંતજીવન છે. 14 આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છાનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે. 15 દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે.

16 ધારો કે કોઇ વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઇ અથવા બહેનને પાપ કરતા જુએ છે (પાપ કે જે મરણકારક નથી) તો તે વ્યક્તિ એ તેની બહેન અથવા ભાઇ જે પાપ કરે છે તેઓના માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભાઈ કે બહેનને દેવ જીવન આપશે. જેમનું પાપ અનંત મૃત્યુમાં દોરી જતુ નથી એવા લોકો વિશે હું વાત કરું છું. એવું પણ પાપ છે જે મરણકારક છે. તે વિશે હું કહેતો નથી કે પ્રાર્થના કરવી. 17 ખોટું કરવું તે હંમેશા પાપ છે. પરંતુ એવું પણ પાપ છે જે અનંત મૃત્યુ તરફ દોરી જતું નથી.

18 આપણે જાણીએ છીએ કે કોઇ પણ વ્યક્તિ જે દેવનો બાળક બન્યો છે તે પાપ કર્યા કરતો નથી. દેવનો પુત્ર દેવના બાળકને સુરક્ષિત રાખે છે.[c] શેતાન પણ તે વ્યક્તિને ઈજા કરી શકતો નથી. 19 આપણે જાણીએ છીએ કે આપણે દેવના છીએ. પરંતુ શેતાન આખી દુનિયાને કાબુમાં રાખે છે 20 અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે. 21 તેથી, વહાલાં બાળકો, તમારી જાતને જૂઠા દેવોથી દૂર રાખો.

હબાક્કુક 1

હબાક્કુકની દેવ સમક્ષ ફરિયાદ

દેવે હબાક્કુક પ્રબોધકને સંદર્શન દ્વારા આપેલો સંદેશો:

હે યહોવા, ક્યાં સુધી હું તમને બોલાવ્યા કરું અને તમે સાંભળો જ નહિ, “હિંસા” આ હિંસા માટે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી. તું શા માટે મને આવા અન્યાયનો સાક્ષી બનાવે છે, અને શા માટે આવાં દુષ્કૃત્યો સહી લે છે? મારી આંખ સામે જ વિનાશ અને હિંસા ઝઘડા અને ટંટા થઇ રહ્યાં છે; અને કાયદાનો અમલ થતો નથી, તેથી કદી અદલ ન્યાય મળતો નથી; સદાચારી લોકોને દુષ્ટ લોકોએ ઘેરી લીધા છે; તેથી કુટિલ ન્યાય થાય છે.

હબાક્કુકને દેવનો જવાબ

યહોવાએ કહ્યું, “તમે જરા વિદેશીઓ તરફ નજર કરો અને જુઓ, તો તમે વિસ્મય પામશો, કારણકે તમારા જમાનામાં જ હું એવું કઇંક કરી રહ્યો છું, જે તમને કહ્યું હોય પણ તમે માનો નહિ. જગતમાં હું એક નવું કાર્ય સ્થાપી રહ્યો છું, એટલે કે ખાલદીઓ જે-ક્રૂર અને હિંસક પ્રજા છે, તેઓ તેમની માલિકીના ન હોય તેવા સ્થળો કબજે કરવા પૃથ્વીના છેડા સુધી જશે. તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભય અને આતંક ફેલાવે છે; તેઓનો ગર્વ અને ન્યાય તેઓની અંદરથી જ આવે છે, તેમના ઘોડાઓ ચિત્તા કરતા વધુ વેગવાન છે અને સાંજના વરૂઓ કરતાં વધારે સજાગ છે. તેમના ઘોડેસવારો ઝડપથી દૂરથી આવે છે, તેઓ શિકાર પર તૂટી પડતા ગરૂડના જેવા છે. એમની સમગ્ર સૈના હિંસા માટે આવે છે. તેમના ચહેરા આતુરતાથી આગળ ધપવાની રાહ જુએ છે; અને તેઓ રેતીના કણ જેટલા અસંખ્ય બંદીવાનો એકઠા કરે છે.

10 “અને તેઓ રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. તેથી તેઓના કિલ્લાઓની તે હાંસી ઉડાવે છે. કિલ્લાઓના કોટ આગળ ધૂળના ઢગલા કરી બહુ આસાનીથી તેઓને જીતી લે છે. 11 ત્યારબાદ તેઓ વાયુવેગે આગળ વધી અને પસાર થઇ જાય છે; શકિત તે પાપીઓના દેવ છે. તેઓ ગુનેગાર છે.”

હબાક્કુકની દેવ સમક્ષ બીજી ફરિયાદ

12 હે મારા દેવ યહોવા, મારા પરમ પવિત્ર દેવ,
    તું અનાદિ અને અમર છે.
અમે માર્યા જવાના નથી,
    તમે શિક્ષાને માટે તેનું નિર્માણ કર્યું છે.
અને હે મારા યહોવા,
    તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.
13 તમારી આંખો એટલી પવિત્ર છે
    કે તમે દુષ્ટતા જોઇ શકતા નથી,
અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી.
    તો પછી શા માટે તમે એ અપ્રામાણિક લોકોને જોઇ રહ્યાં છો.
અને દુષ્ટ માણસ પોતાના કરતાં સારા માણસને ગળી જાય છે,
    ત્યારે તમે શા માટે મૂંગા રહો છો?

14 તમે માણસોને દરિયાના માછલાં જેવા શા માટે બનાવો છો?
    તેઓ ધણી વગરના સમુદ્રના પ્રાણી જેવા છે.
15 તે લોકોને તે ગલથી ઊંચકી લે છે,
    તેઓ પોતાની જાળમાં પકડીને તેઓને મોટી જાળમાં ભેગાં કરે છે
    તેથી તેઓ ખુશી ને આનંદીત થાય છે.
16 તે માટે તે પોતાની જાળમાં બલિદાન આપે છે,
    ને પોતાની મોટી જાળની આગળ ધૂપ બાળે છે;
કારણકે તેમના વડે તેઓનો હિસ્સો મોટો થાય છે;
    તથા તેમને પૂરતો ખોરાક મળે છે.
17 તેથી શું તેઓ સદા માટે તેઓની જાળ ખાલી કરશે?
    શું તેઓ લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?

લૂક 20

યહૂદિ આગેવાનો ઈસુને પ્રશ્ર પૂછે છે

(માથ. 21:23-27; માર્ક 11:27-33)

20 એક દિવસ ઈસુ મંદિરમાં હતો. તે લોકોને બોધ આપતો હતો. ઈસુ દેવના રાજ્ય વિષેની સુવાર્તા લોકોને કહેતો હતો. ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વૃદ્ધ યહૂદિ આગેવાનો પણ ઈસુ સાથે વાત કરવા આવ્યા. તેઓએ કહ્યું કે, “અમને કહે! કયા અધિકારથી તું આ વસ્તુઓ કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો?”

ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું પણ તમને એક પ્રશ્ર પૂછીશ; મને કહો; જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે આકાશમાંથી આવ્યું હતુ કે માણસોમાંથી?”

યાજકો, શાસ્ત્રીઓ, યહૂદિ આગેવાનો બધા આ અંગે વાતો કરવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “જો આપણે ઉત્તર આપીશું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવથી થયુ હતુ તો એ કહેશે, તો તમે શા માટે યોહાનને માનતા નથી?’ પણ જો આપણે કહીએ કે, યોહાનનું બાપ્તિસ્મા માણસથી થયું હતુ તો પછી બધા લોકો આપણને પથ્થરોથી મારી નાખશે. કારણ કે તેઓ માને છે કે યોહાન એક પ્રબોધક હતો.” તેથી તેઓએ ઉત્તર આપ્યો કે, “અમે ઉત્તર જાણતા નથી.”

તેથી ઈસુએ તેઓને કહ્યું કે, “તો હું તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.”

દેવ તેના પુત્રને મોકલે છે

(માથ. 21:33-46; માર્ક 12:1-12)

પછી ઈસુએ લોકોને આ વાર્તા કહી, “એક માણસે વાડીમાં દ્ધાક્ષા રોપી. કેટલાએક ખેડૂતોને જમીન ઇજારે આપી પછી તે લાબાં સમય સુધી બહાર ગયો. 10 થોડા સમય પછી દ્ધાક્ષની ફસલનો સમય આવ્યો. તેથી તે માણસે પેલા ખેડૂતો પાસે એક ચાકરને મોકલ્યો, જેથી તેઓ તેને તેના ભાગની દ્ધાક્ષ આપે. પણ તે ખેડૂતોએ ચાકરને માર્યો અને કંઈ પણ આપ્યા વિના કાઢી મૂક્યો. 11 તેથી તે માણસે બીજા એક ચાકરને મોકલ્યો. ખેડૂતોએ આ ચાકરને પણ માર્યો. તેઓએ તેનું સહેજ પણ માન રાખ્યું નહિ. તે ખેડૂતોએ તે ચાકરને કાંઇ આપ્યા વિના કાઢી મૂક્યો. 12 તેથી માણસે ત્રીજા સેવકને ખેડૂતો પાસે મોકલ્યો, ખેડૂતોએ આ ચાકરને ખરાબ રીતે ઇજા પહોંચાડી અને તેને બહાર ફેંકી દીધો.

13 “ખેતરના માલિકે કહ્યું કે, ‘હવે હું શું કરું? હું મારા પુત્રને મોકલીશ. હું મારા પુત્રને ઘણો ચાહું છું. કદાચ ખેડૂતો મારા પુત્રને માન આપે!’ 14 જ્યારે ખેડૂતોએ પુત્રને જોયો ત્યારે તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ માલિકનો દીકરો છે. આ ખેતરો તેના થશે.’ જો આપણે તેને મારી નાખીશું ત્યાર પછી તેના ખેતરો આપણા થશે. 15 તેથી ખેડૂતોએ પુત્રને ખેતરમાંથી બહાર કાઢી મૂક્યો અને મારી નાખ્યો.

“આ ખેતરનો ધણી તેઓને શું કરશે? 16 તે આવીને પેલા ખેડૂતોને મારી નાખશે! પછી કે બીજા કેટલાએક ખેડૂતોને ખેતર આપશે.”

લોકોએ આ વાર્તા સાંભળી. તેઓએ કહ્યું કે, “ના! આવું કદી ન થાઓ!” 17 પરંતુ ઈસુએ તેઓની તરફ નજર કરી અને કહ્યું કે, “તો પછી આ લખાણનો શો અર્થ:

‘જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો. તે જ ખૂણાનું મથાળું થયો?’(A)

18 જે વ્યક્તિ તે પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે અને જો તે પથ્થર તમારા પર પડશે તો તે તમને કચડી નાખશે!”

19 શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો આ વાર્તા જે ઈસુએ કહી તે સાંભળી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ તે વખતે ઈસુને પકડવા ઈચ્છતા હતા. પરંતુ લોકો કંઈ કરશે તો તેવો તેઓને ડર હતો.

યહૂદિ આગેવાનોની ઈસુ સામેની યુક્તિ

(માથ. 22:15-22; માર્ક 12:13-17)

20 તેથી શાસ્ત્રીઓ અને યાજકોએ ઈસુને પકડવાના યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. તેઓએ કેટલાએક માણસોને ઈસુ પાસે મોકલ્યા. તેઓએ આ માણસોને તેઓ સારા હોય તે રીતે વર્તવા કહ્યું. ઈસુ જે કંઈ કહે તેમાં કંઈક ખોટું શોધવા તેઓ ઈચ્છતા હતા, જો તેઓ કંઈ ખોટું શોધી કાઢે તો પછી તેઓ ઈસુને શાસનકર્તાને સોંપી શકે જેની પાસે સત્તા અને અધિકાર હતા. 21 તેથી તે માણસોએ ઈસુને પૂછયું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું જે કહે છે અને શીખવે છે તે દેવના માર્ગ માટે સાચું છે, કોણ સાંભળે છે તેનું કોઈ મહત્વ નથી, તું એ જ બધા લોકોને શીખવે છે. તું હંમેશા સત્યથી દેવનો માર્ગ શીખવે છે. 22 અમને કહે કે, અમારે કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના?”

23 પણ ઈસુએ જાણ્યું કે આ માણસો તેની સાથે કપટ કરી રહ્યા છે. ઈસુએ તેઓને કહ્યું કે, 24 “મને એક દીનાર સિક્કો બતાવો, સિક્કા પર કોનું નામ છે? અને તેના પર કોની છાપ છે?”

તેઓએ કહ્યું કે, “કૈસરની.”

25 ઈસુએ તેઓને કહ્યું કે, “તો કૈસરની જે વસ્તુઓ હોય તે કૈસરને અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.”

26 તે માણસો તેના શણપણભર્યા ઉત્તરથી આશ્ચર્ય પામ્યા. તેઓ કંઈ બોલી શક્યા નહિ. તે માણસો લોકો આગળ ઈસુને ફસાવવામાં ફાવ્યા નહિ. ઈસુએ કશું કહ્યું નહિ જેથી તેઓ તેની વિરૂદ્ધ ઉપયોગ કરી શકે.

કેટલાએક સદૂકિઓની ઈસુ સામેની યુક્તિ

(માથ. 22:23-33; માર્ક 12:18-27)

27 કેટલાએક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે મૃત્યુ પછી પુનરુંત્થાન નથી.) તેઓએ ઈસુને પૂછયું કે; 28 “ઉપદેશક, મૂસાએ આપણા માટે લખ્યું છે કે જો પરણીત માણસ મૃત્યુ પામે અને તેની પત્નીને બાળક ના હોય તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત્યુ પામેલા ભાઈ માટે બાળકો થશે. 29 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ એક સ્ત્રીને પરણ્યો, પણ મૃત્યુ પામ્યો. તેને બાળકો ન હતાં. 30 પછી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. 31 અને ત્રીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. આ જ ઘટના બધાજ સાતે ભાઈઓ સાથે બની. તેઓ બધા મૃત્યુ પામ્યા. અને તેઓને બાળકો ન હતા. 32 છેલ્લે મૃત્યુ પામનાર સ્ત્રી હતી. 33 પરંતુ બધા સાતે ભાઈઓ તેણીને પરણ્યા. તેથી જ્યારે મૃત્યુ પછી પુનરુંત્થનનો સમય આવશે, ત્યારે આ સ્ત્રી કોની પત્ની થશે?”

34 ઈસુએ સદૂકીઓને કહ્યું કે, “પૃથ્વી પર લોકો પરણે છે. 35 જે લોકો મૃત્યુ પછી પુનરુંત્થાન થવા માટે યોગ્ય રીતે ન્યાયી ઠરશે અને આ જીવન પછી ફરી જીવશે. તે નવા જીવનમાં તેઓ પરણશે નહિ. 36 તે જીવન દરમ્યાન લોકો દેવદૂત જેવાં હોય છે અને તેઓનું કદી મૃત્યુ થતું નથી. તેઓ દેવના બાળકો છે કારણ કે તેઓ મૃત્યુમાંથી સજીવન થાય છે. 37 મૂસાએ સ્પષ્ટ બતાવ્યું છે કે લોકો મૃત્યુમાંથી ઊઠે છે. જ્યારે મૂસા બળતા ઝાડવામાં દેવ દર્શનના પ્રસંગનું વર્ણન કરે છે. ત્યારે તે પ્રભુને ‘ઈબ્રાહિમનો દેવ, ઈસહાકનો દેવ અને યાકૂબનો દેવ કહે છે.’[a] 38 જો દેવ કહે કે તે તેઓના દેવ છે તો પછી આ માણસો ખરેખર મૃત્યુ પામેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો જ દેવ છે. બધાં જ લોકો દેવના છે તે જીવતા છે.”

39 કેટલાએક શાસ્ત્રીઓએ કહ્યું કે, “ઉપદેશક, તારો ઉત્તર ઘણો સારો છે.” 40 તે પછી વધારે પ્રશ્રો ઈસુને પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.

શું ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?

(માથ. 22:41-46; માર્ક 12:35-37)

41 પછી ઈસુએ કહ્યું કે, “ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો શા માટે કહે છે? 42 ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે:

‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે:
તું મારી જમણી બાજુએ બેસ,
43     અને હું તારા શત્રુંઓને તારા કબજામાં મૂકીશ.’ (B)

44 જો દાઉદ ખ્રિસ્તને તેના ‘પ્રભુ’ કહે તો પછી ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે થઈ શકે?”

શાસ્ત્રીઓથી સાવધાન રહેવાની ચેતવણી

(માથ. 23:1-36; માર્ક 12:38-40; લૂ. 11:37-54)

45 બધા લોકો ઈસુને ધ્યાનથી સાંભળતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, 46 “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરીને માનવંતા દેખાડવાનું ગમે છે. બજારનાં સ્થળોએ તેઓને લોકો માન આપે તેમ તેઓ ઈચ્છે છે. તેઓ સભાસ્થાનોમાં, મુખ્ય મહત્વની બેઠકો મેળવવા ચાહે છે. તેઓ જમણવારમાં પણ મહત્વની બેઠકો ચાહે છે. 47 પણ તેઓ વિધવાઓના ઘર પડાવી લે છે. તેઓ લાંબી પ્રાર્થનાઓ કરીને તેઓની જાતે સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. દેવ આ લોકોને વિશેષ શિક્ષા કરશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International