M’Cheyne Bible Reading Plan
14 એ પછી અબિયા પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આસા યહૂદિયાનો રાજા બન્યો. તેના શાસનકાળના પ્રથમ દશ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.
આસા રાજા યહોવાને આધીન
2 આસાએ એના દેવ યહોવાની નજરમાં સારું અને યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 3 તેણે પારકી મૂર્તિઓની વેદીઓ અને પર્વતો પરનાં ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં. તેણે પૂજાસ્તંભો ભાંગી નાખ્યા, અને અશેરા દેવીના લાકડાના થાંભલા કાપી નાખ્યા. 4 અને યહૂદાના લોકોને તેમના પિતૃઓના દેવ યહોવાની સેવાપૂજા કરવાનો અને તેના કાનૂનો અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો. 5 તેણે યહૂદાના પ્રત્યેક શહેરમાંના ટેકરી ઉપરના થાનકોનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો. તેના અમલ દરમિયાન રાજ્યમાં શાંતિ રહી. 6 તેને લીધે સમગ્ર યહૂદિયામાં તે કિલ્લાવાળા નગરો બાંધી શક્યો. તે ભૂમિને યહોવાએ શાંતિ આપી.
7 તેણે યહૂદાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ શહેરો નવેસરથી બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ અને તેના બુરજો અને ભૂંગળોવાળા દરવાજા મૂકીએ, આ ભૂમિ હજી આપણી છે, કારણ, આપણે આપણા દેવ યહોવાની સેવાપૂજા કરીએ છીએ અને તેણે આપણા ઉપર દયા કરી, આપણને બધી બાજુએથી શાંતિ અને સલામતી આપી છે.” આથી તેમણે નગરો બાંધવા માંડ્યાં અને એ કામ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ.
8 આસા પાસે ઢાલ અને ભાલાથી સજ્જ 3,00,000 યહૂદાવંશીઓ, અને 2,80,000 ઢાલ ધનુષ્યથી સજ્જ બિન્યામીન વંશીઓનું સૈન્ય હતું. એ બધા જ શૂરવીર યોદ્ધાઓ હતા.
9 કૂશ દેશનો સેનાપતિ ઝેરાહ 10,00,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઇને આસા સામે યુદ્ધ કરવા આવ્યો અને તે મારેશાહ સુધી આવી પહોંચ્યો. 10 આસા તેનો સામનો કરવા બહાર પડ્યો અને તેણે મારેશાહ આગળ સફાથાહના મેદાનમાં સેનાને યુદ્ધ માટે ગોઠવી.
11 આસાએ પોતાના દેવ યહોવાને અરજ કરી, “હે યહોવા, બળવાનની વિરૂદ્ધ નિર્બળને સહાય કરનાર, તારા સિવાય બીજો કોઇ નથી; હે યહોવા, અમારા દેવ, અમને સહાય કર; અમને માત્ર તારો જ આધાર છે. અને તારું નામ લઇને જ અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ, હે યહોવા, તું અમારો દેવ છે. લોકો તારી પર વિજયી ન થાય, એ જોજે.”
12 યહોવાએ આસા અને યહૂદાવાસીઓને હાથે કુશીઓને હરાવી દીધા અને તેઓ ભાગવા લાગ્યા. 13 આસા અને તેના માણસોએ ગરાર સુધી તેમનો પીછો કર્યો. યહોવા અને તેની સેના આગળ કુશીઓ છિન્નભિન્ન થઇ ગયા; તેથી ઘણા કુશીઓ મરી ગયા કે તેઓ બીજુ લશ્કર ઊભુ કરી શક્યા નહિ. યહૂદાવાસીઓએ મોટા જથ્થામાં લૂંટ ભેગી કરી. 14 તેમણે ગરારની આસપાસના બધાં શહેરોનો નાશ કર્યો, કારણ, યહોવાએ લોકોને ભયભીત બનાવી દીધાં હતા, તેમણે બધા શહેરો લૂંટી લીધા, અને તેમને એ શહેરોમાંથી પુષ્કળ લૂંટ મળી, 15 તેઓએ નગરોને લૂંટી લીધા અને ઘેટાંપાળકોનાં ઢોર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઇને અંતે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા.
આસામા પરિવર્તન
15 ત્યારબાદ ઓદેદના પુત્ર અઝાર્યામાં યહોવાનો આત્મા પ્રવેશ્યો. 2 તેથી તે આસાને મળવા ગયો, ને કહ્યું, “આસા તથા યહૂદા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો, જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે, તમે જો તેને શોધશો, તો તે તમને મળશે. જો તમે તેનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે. 3 ઘણા લાંબા સમયથી ઇસ્રાએલી લોકોએ સાચા દેવની પ્રાર્થના કરી ન હતી, અને તેઓને તે વિષેનું શિક્ષણ આપવા માટે ત્યાં કોઇ યાજક ન હતો. દેવના નિયમશાસ્ત્ર અનુસર્યા વિના તેઓ જીવન પસાર કરતા હતા. 4 પરંતુ જ્યારે પોતાના સંકટના સમયે તેમણે ઇસ્રાએલના દેવ યહોવા તરફ વળી તેની શોધ આદરી ત્યારે તે તેમને પ્રાપ્ત થયા. 5 તેઓએ દેવ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો, તેથી તે સમયે કોઇને શાંતિ નહોતી, દેશ દરેક રીતે મુશ્કેલીમાં આવી પડ્યો હતો અને સર્વત્ર ગુનાઓ વધી રહ્યા હતા. 6 પ્રજાઓ અને નગરો એકબીજા સાથે લડીને પાયમાલ થતાં હતા. કારણકે દેવ તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા. 7 પણ હવે તમે બળવાન બનજો અને હિંમત હારશો નહિ. તમને તમારા કાર્યોના ફળ મળશે.”
8 જ્યારે આસાએ દિવ્યવાણીના વચનો ઓદેદની ભવિષ્યવાણીમાં સાંભળ્યા, ત્યારે તેણે હિંમત રાખીને યહૂદા તથા બિન્યામીનના દેશમાંથી તથા જે શહેરો તેણે એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં જીતી લીધાં હતા, તે બધામાંથી ઘૃણાસ્પદ મૂર્તિઓને હઠાવી દીધી. અને યહોવાના મંદિરની સામેની વેદી તેણે ફરી બંધાવી.
9 ત્યારબાદ તેણે યહૂદા અને બિન્યામીનના બધા લોકોને પોતાની સામે આવવા હુકમ કર્યો, યહોવા દેવ રાજા આસાની સાથે છે, તે જાણીને એફ્રાઇમ, મનાશ્શા અને શિમયોન પ્રદેશોમાંથી ઇસ્રાએલમાં વસવા આવેલાં લોકોને ભેગા કરવાનો હુકમ કર્યોં.
10 આસાના અમલ દરમ્યાન પંદરમા વર્ષના ત્રીજા મહિનામાં તેઓ યરૂશાલેમમાં ભેગા થયા. 11 અને તેમણે તે દિવસે પોતે જે લૂંટ સાથે લાવ્યા હતા, તેમાંથી 700 બળદો અને 7,000 ઘેટાંનાં હોમબલિ તેઓએ યહોવાને ચઢાવી. 12 તેમણે પોતાના પિતૃઓના દેવ યહોવાની સાચા હૃદયથી ઉપાસના કરવાનો કરાર કર્યો; 13 નાનો હોય કે મોટો, સ્રી હોય કે પુરુષ, જે કોઇ ઇસ્રાએલનાં દેવ યહોવાની ઉપાસના ન કરે તેને મૃત્યુદંડ દેવાનું ઠરાવવામાં આવ્યું. 14 ત્યારબાદ તેમણે શરણાઇ અને રણશિંગડા ને તુરાઇઓ વગાડીને મોટા સાદે યહોવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી. 15 તે બધા ખૂબ આનંદમાં હતા; કારણકે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી અને સંપૂર્ણ ઇચ્છાથી દેવ સાથે આ કરાર કર્યો હતો. અને દેવને સર્વશ્રેષ્ઠ સ્થાન આપીને યહોવાને શોધ્યા. તે તેઓને મળ્યા; અને તેમણે તેઓને ચોતરફ શાંતિ આપી અને સલામતી બક્ષી.
16 આસાએ પોતાની દાદી માઅખાહને પણ રાજમાતા પદેથી ષ્ટ કરી, કારણકે તેણે અશેરાહની પૂજા માટે અશ્લીલ મૂર્તિ કરાવી હતી. આસાએ તે મૂર્તિને તોડી, તેના ભૂક્કેભૂક્કા કરી નાખ્યા અને કિદ્રોનની ખીણમાં સળગાવી દીધી. 17 જો કે ઇસ્રાએલમાંથી ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતા. તેમ છતાં આસા જીવનભર યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો.
18 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને ધરાવેલી બધી ભેટો સોનુંરૂપું, અને વાસણો બધું યહોવાના મંદિરમાં જમા કરાવી દીધું. 19 આસા રાજાની કારકિદીર્ના પાંત્રીસ વર્ષ સુધી ત્યાં બીજું કોઇ યુદ્ધ કે લડાઇ થયા નહિ.
યોહાનને આકાશી દર્શન
4 પછી મેં જોયું ત્યાં મારી આગળ આકાશમાં એક દ્ધાર ઉઘડેલું હતું. અને અગાઉ મને કહી હતી તે જ વાણી મેં સાંભળી. તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. તે વાણી એ કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવું જ જોઈએે તે હું તને બતાવીશ.” 2 પછી તે આત્માએ મારા પર કાબુ કરી લીધો. ત્યાં મારી આગળ આકાશમા એક રાજ્યાસન હતું. રાજ્યાસન પર કોઈ એક માણસ બેઠેલો હતો. 3 તે રાજ્યાસન પર જે બેઠો હતો તે યાસપિસ લાલ કિમતી પથ્થર જેવો દેખાતો હતો. અને રાજ્યાસનની ચારે બાજુ લીલમ જેવું સ્વચ્છ રંગીન પ્રકાશનું એક મેઘધનુષ્ય હતું.
4 રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં. તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં. તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા. અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં. 5 રાજ્યાસનમાંથી વીજળીઓ અને ગર્જનાઓ અને વાણીઓ આવી. રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવાઓ સળગતા હતા. આ દીવાઓ દેવના સાત આત્મા છે. 6 ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું.
રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી. 7 પહેલું જીવતું પ્રાણી સિંહ જેવું હતું. બીજું એક વાછરડાના જેવું હતું. ત્રીજાને મનુષ્ય જેવું મુખ હતું. ચોથું ઊડતા ગરુંડના જેવું હતું. 8 આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી,
“પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન
જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.”
9 જે રાજ્યાસન પર બેઠેલો છે તેને આ જીવતા પ્રાણીઓ મહિમા આપશે અને સ્તુતિ ગાશે. તે એક છે જે સદાસર્વકાળ જીવંત છે. અને જ્યારે તે જીવતા પ્રાણીઓ આ કરે છે. 10 ત્યારે 24 વડીલો[a] જે રાજ્યાસન પર બેસે છે તેને પગે પડશે. જે સદાસર્વકાળ જીવંત છે તેની વડીલો આરાધના કરે છે. તે વડીલો રાજ્યાસન આગળ પોતાના મુગટો મૂકી દઇને કહેશે કે:
11 “અમારા પ્રભુ અને દેવ!
તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે.
કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા,
અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”
નવા મંદિરમાં દેવનો ભાવી વૈભવ
2 એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “યહૂદિયાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે, 3 ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી? 4 તોપણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, હિંમત હારીશ નહિ,” હે યહોસાદાકના પુત્ર યહોશુઆ, પ્રમુખ યાજક, “બળવાન થા; યહોવા કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઇને કામે લાગો; કારણકે હું તમારી સાથે છું,” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.
5 “‘તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો આત્મા તમારામાં હતો; તેથી ડરશો નહિ,’ 6 કારણ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘હું થોડી જ વારમાં ફરીથી આકાશ, પૃથ્વી, સમુદ્ર અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ. 7 હું આ બધા રાષ્ટ્રોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.’ 8 એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘તેઓની ચાંદી અને સોનું મારું છે. 9 તેથી આ મંદિરની પ્રતિષ્ઠા હવે પહેલાના કરતાં ઘણી વધારે હશે. અને આ મંદિરને હું સુખ અને શાંતિ આપીશ.’ આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”
કાર્ય આરંભ થઇ ગયું છે વરદાન પ્રાપ્ત થશે
10 દાર્યાવેશના રાજ્યકાળમાં બીજા વર્ષના નવમાં મહિનાની ચોવીસમી તારીખે યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધક મારફતે આવ્યું. 11 સૈન્યોનો દેવ યહોવા કહે છે, હવે તું યાજકોને આ પ્રશ્ર્નનો નિર્ણય કરવાનું કહે કે, 12 “જો તમારામાંનો કોઇ તેના કપડાંની ઘડીમાં અપિર્ત માંસ લઇ જતો હોય, અને તેનો સ્પર્શ રોટલી, ભાજી, તેલ કે કોઇ પણ અન્ન, દ્રાક્ષાને કે માંસને થાય, તો શું તે પણ પવિત્ર થઇ જાય?”
13 યાજકોએ કહ્યું: “ના.”
ત્યારે હાગ્ગાયે કહ્યું, “જો કોઇ માણસ શબને અડવાથી અભડાયો હોય અને તે આ વસ્તુઓને અડે તો એ અભડાઇ જાય ખરી?”
યાજકે જવાબ આપ્યો, “જરુર અભડાય.”
14 પછી હાગ્ગાયે સ્પષ્ટતા કરી, “યહોવા કહે છે કે ‘તમારું વલણ સ્વાથીર્ છે; તમારું હૃદય ભૂંડું છે અને તેથી એ લોકો જે કઇં ધરાવે છે તે પણ અશુદ્ધ છે. માત્ર તમારાં અર્પણો જ નહિ પણ મારી સેવાના નામે તમે જે કઇં કરો છો તે બધું જ અશુદ્ધ છે.’”
15 યહોવા કહે છે, “‘હવે કૃપા કરીને આજથી માંડીને ભૂતકાળ પહેલાના વખતનો વિચાર કરો, યહોવાનું મંદિર બાંધવા માટે કોઇ પથ્થર મૂકવામાં આવ્યો હતો. 16 અગાઉ તમે જ્યાં વીસ માપ અનાજની આશા રાખતા હતા, ત્યાંથી તમને માત્ર દશ જ મળતાં, દ્રાક્ષાકુંડ પાસે તમે પચાસ માપની આશા રાખતા ત્યાંથી તમને માત્ર વીસ જ મળતાં. 17 તમે જે જે કઇં વાવતા તે બધાનો હું લૂથી, ગેરુંથી કે કરાથી નાશ કરતો, તેમ છતાં તમે પાછા મારે શરણે ન આવ્યાં.’
18 “‘પણ સાંભળો, આજ પછીથી, નવમાં મહિનાની ચોવીસમી તારીખે, મંદિરનો પાયો નાખવામાં આવ્યો છે, તે દિવસ પછીથી શું થનાર છે તેનો વિચાર કરો. 19 શું હજી સુધી ત્યાં કોઠારમાં બી કે અનાજ છે? દ્રાક્ષની વેલો, અંજીરીઓ, દાડમડીઓ અને જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપું છું.’”
20 એ જ મહિનાની ચોવીસમી તારીખે, ફરી વાર હાગ્ગાયને યહોવાની વાણી સંભળાઇ; 21 યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને કહે કે, “હું આકાશોને તથા પૃથ્વીને હચમચાવી નાખીશ. 22 હું રાજ્યોના સિંહાસનો તેના સ્થાનેથી હટાવી દેવાનો છું. હું પ્રજાઓના રાજ્યોની શકિતનો નાશ કરનાર છું. અને તેમના રથોને અને તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાંખનાર છું. તેમના ઘોડાઓ જશે, અને સવારો પડી જશે અને તેઓ એકબીજા સાથે તરવારથી લડશે. 23 પરંતુ આ બનશે ત્યારે, ઓ મારા સેવક ઝરુબ્બાબેલ, હું તને મારો અંગત મુદ્રા મહોર બનાવીશ. કારણકે મેં તને પસંદ કર્યો છે.”
એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે.
ઈસુ અને નિકોદેમસ
3 ત્યાં નિકોદેમસ નામનો માણસ હતો નિકોદેમસ ફરોશીઓમાંનો એક હતો. તે એક અગત્યનો યહૂદિ અધિકારી હતો. 2 એક રાત્રે નિકોદેમસ ઈસુ પાસે આવ્યો. નિકોદેમસે કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવનો મોકલેલો ઉપદેશક છે. તું જે ચમત્કારો કરે છે તે દેવની મદદ વગર બીજું કોઈ કરી શકે નહિ.”
3 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. માણસે નવો જન્મ પામવો જોઈએ. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી.”
4 નિકોદેમસે કહ્યું, “પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ!”
5 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. તે વ્યક્તિ પાણીથી અને આત્માથી જન્મેલો હોવો જોઈએ. જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. 6 વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે. 7 મેં તને કહ્યું કે, તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ તેથી આશ્ચર્ય પામતો ના. 8 પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે. તું ફૂંકાતા પવનને સાંભળે છે, પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે. આત્મામાંથી જન્મેલું છે, તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે.”
9 નિકોદેમસે પૂછયું, “આ બધું કેવી રીતે શક્ય બને છે?”
10 ઈસુએ કહ્યું, “તું ઈસ્રાએલનો એક અગત્યનો ઉપદેશક છે. પણ હજુ આ વાતો તું કેમ સમજી શકતો નથી? 11 હું તને સત્ય કહું છું. અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ. અમે જે જોયું છે તે અમે કહીએ છીએ. પણ તમે લોકો અમે તમને જે કહીએ છીએ તે સ્વીકારતા નથી. 12 મેં તને પૃથ્વી પરની અહીંની વાતો વિષે કહ્યું છે. પણ તું મારામાં વિશ્વાસ કરતો નથી. તેથી ખરેખર જો હું તને આકાશની વાતો વિષે કહીશ તો પણ તું મારામાં વિશ્વાસ કરીશ નહિ! 13 ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે.”
14 “મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે. 15 પછી પ્રત્યેક વ્યક્તિ જે માણસના દીકરામાં વિશ્વાસ રાખે છે તે અનંતજીવન પામવા માટે શક્તિમાન થશે.”
16 હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 17 દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય. 18 જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી. 19 આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં. 20 દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે. 21 પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું.
ઈસુ અને યોહાન બાપ્તિસ્મ
22 આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23 યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો. એનોન શાલીમની નજીક હતું. યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું. લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા. 24 (યોહાનના બંદીખાનામાં કેદ થયા પહેલા આ બન્યું હતું.)
25 યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો. તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા. 26 તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા. તેઓએ કહ્યુ, “રાબ્બી, જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર. તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે. તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે.”
27 યોહાને ઉત્તર આપ્યો, “માણસ માત્ર એટલું જ મેળવી શકે છે જેટલું દેવ તેને આપે છે. 28 તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’ 29 કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે. તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે, રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે. આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે, ત્યારે ઘણો પ્રસન્ન થાય છે. એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે. 30 તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે.
તે એક જે આકાશમાંથી આવે છે
31 “તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. 32 તે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ કહે છે. પરંતુ લોકો તે જે કહે છે તે સ્વીકારતા નથી. 33 જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે. 34 દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે. 35 પિતા દીકરા પર પ્રીતિ કરે છે. પિતાઓ દીકરાને બધી વસ્તુઓ પર અધિકાર આપેલ છે. 36 જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંતજીવન છે. પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તેને કદાપિ તે જીવન મળશે નહિ. દેવનો કોપ તે વ્યક્તિ પર રહે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International