M’Cheyne Bible Reading Plan
યહૂદા ઉપર આશ્શૂરનું આક્રમણ
32 હિઝિક્યા રાજાએ આ સેવાભકિતના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યા પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદા ઉપર ચઢાઇ કરી અને કિલ્લેબંદીવાળાં શહેરો સામે પડાવ નાખ્યો અને તેમને હુમલો કરીને કબજે કરવાનો હુકમ આપ્યો. 2 જ્યારે હિઝિક્યાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે, તે યરૂશાલેમ ઉપર હૂમલો કરવા આવ્યો છે. 3 ત્યારે હિઝિક્યાએ પોતાના સરદારો અને અધિકારીઓને યુદ્ધ અંગે મંત્રણા કરવા બોલાવ્યા. નગરની બહાર આવેલા પાણીના ઝરાઓને બંધ કરી દેવા એવું નક્કી કરવામાં આવ્યું. 4 મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને તેમણે બધાં ઝરાને બંધ કરી દીધાં અને એ વિસ્તાર, પ્રદેશમાંથી પસાર થતાં વહેતા ઝરણાને પણ બંધ કરી દીધા. તેમણે વિચાર્યું કે, “આશ્શૂરના રાજા જ્યારે અહીં આવે ત્યારે તેમને મબલખ પાણી શા માટે મળવા દેવું?” 5 હિઝિક્યાએ સંરક્ષણની પાકી વ્યવસ્થા કરી, અને કિલ્લાની દીવાલ જ્યાં જ્યાં તૂટી ગઇ હતી, ત્યાં ત્યાં તેનું સમારકામ કર્યું, બુરજો બાંધીને તથા કિલ્લાની બહાર બીજી દીવાલ ચણીને તેણે નગરને વધુ સુરક્ષિત બનાવ્યું. “દાઉદનું નગર” નામે ઓળખાતા નગરના જૂના ભાગને તેણે ફરીથી બંધાવ્યુઁ. અને મોટી સંખ્યામાં હથિયારો અને ઢાલો બનાવડાવ્યાં. 6 તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂંક કરી અને તેમને શહેરના દરવાજા પાસેના ચોકમાં એકઠા કરી ઉત્તેજન આપતાં આ પ્રમાણે કહ્યું, 7 “તમે બળવાન તથા બહાદુર થાઓ અને આશ્શૂરના રાજાથી કે તેના મોટા સૈન્યથી ડરશો નહિ. કારણકે આપણી સાથે જે એક દેવ છે તે તે બધાં કરતાં અતિ મહાન છે, 8 તેની પાસે મોટું સૈન્ય છે પણ તેઓ માત્ર માણસો છે, જ્યારે આપણાં યુદ્ધો લડવા આપણી સાથે યહોવા આપણા દેવ છે.” હિઝિક્યાના ભાષણથી લોકો ઉત્સાહિત થયા હતા.
9 તે પછી પોતાના લશ્કર સાથે લાખીશની બહાર પડાવ નાખીને રહેલા આશ્શૂરના રાજા સાન્હેરીબ યહૂદાના રાજા હિઝિક્યાને અને યરૂશાલેમમાં વસતા બધા યહૂદીઓને માણસો મોકલીને સંદેશો પાઠવ્યો કે,
10 “આશ્શૂરના રાજા સાન્હેરીબનો સંદેશો સાંભળો, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરૂશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો? 11 “યહોવા અમારા દેવ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે,” એમ હિઝિક્યા તમને કહે છે, “તે તમને છેતરે છે, તમે દુકાળ અને તરસથી મરી જશો.” 12 શું એ જ હિઝિક્યાએ ટેકરી પરના દેવના પૂજા સ્થળને ખસેડી તથા તેની વેદીઓ તોડીને યહૂદિયાને તથા યરૂશાલેમને સૂચના નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ પૂજા કરવી તથા તેના જ ઉપર તમારે ધૂપ બાળવો? 13 તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? એ દેશોની એક પણ પ્રજાના દેવો તેમને મારાથી કદી બચાવી શક્યા છે? 14 મારા પિતૃઓએ ઉચ્છેદી નાખેલી પ્રજાઓના દેવોમાંથી મને એક નામ તો બતાવો જે પોતાના લોકોને અમારાથી બચાવી શક્યા હોય? તો પછી તમારા દેવ તમને શી રીતે બચાવવાના છે? 15 હિઝિક્યાથી ભોળવાશો નહિ, એનાથી આમ છેતરાશો નહિ, એની વાત માનશો નહિ, કારણ કોઇ પણ પ્રજાનો કે રાજ્યના કોઇ પણ દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી તમારા દેવ શું કરવાના હતા?’”
16 આ મુજબ, સંદેશવાહકે, યહોવા દેવની, અને દેવના સેવક હિઝિક્યાની વિરૂદ્ધ કાંઇક વધારે બોલ્યો. 17 ઉપરાંત સાન્હેરીબ પોતે પણ ઇસ્રાએલના દેવ યહોવાનું અપમાન કરતા પત્રો લખ્યા હતા. તેમાં તેણે લખ્યું હતું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારાથી બચાવી શક્યા નથી તેમ હિઝિક્યાના દેવ પણ એની પ્રજાને મારાથી નહિ બચાવી શકે.” 18 સંદેશવાહકોએ જેમણે પત્ર વાંચ્યા તેમણે નગરની દિવાલ પર એકઠાં થયેલાં લોકોને યહૂદીભાષામાં મોટે અવાજે ધમકીઓ આપીને તેઓને ડરાવીને યરૂશાલેમને કબ્જે કરવા પ્રયત્નો કર્યા. 19 યરૂશાલેમના દેવ પણ જગતના બીજા લોકોના દેવો જેવા માણસે ઘડેલા દેવ હોય એમ તેઓ તેને વિષે બોલતા હતા.
20 આ પરિસ્થિતિમાં રાજા હિઝિક્યાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશમાંના દેવની પ્રાર્થના કરી અને દેવને ઘા નાખી. 21 આથી યહોવાએ એક દેવદૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજાની છાવણીમાંના બધા યોદ્ધાઓને, સેનાપતિઓને અને અમલદારોને કાપી નાંખ્યા, અને સાન્હેરીબને શરમિંદા બનીને પોતાને દેશ પાછું જવું પડ્યું, તે પોતાના દેવના મંદિરમાં ગયો અને ત્યાં તેના પોતાના જ કોઇ પુત્રએ તેને તરવારથી કાપી નાખ્યો. 22 આ રીતે યહોવાએ હિઝિક્યાને તથા યરૂશાલેમના રહેવાસીઓને આશ્શૂરના રાજા સાન્હેરીબના હાથમાંથી તથા સર્વના હાથમાંથી ઉગારી લીધા, ને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ. 23 ઘણાં લોકો યરૂશાલેમમાં યહોવાને માટે અર્પણો લાવ્યા, તથા યહૂદાના રાજા હિઝિક્યાને ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી; આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.
24 પછીથી હિઝિક્યા માંદો પડ્યો, અને મરણપથારીએ હતો, ત્યાંથી તેણે યહોવાને પ્રાર્થના કરી; તેના જવાબમાં તેને એક ચિહ્ન આપવામાં આવ્યું. 25 છતાં પણ હિઝિક્યાએ પોતાના પર થયેલા ઉપકારનો બદલો યોગ્ય રીતે વાળ્યો નહિ; તેથી હિઝિક્યા પર, તેમજ યહૂદિયા તથા યરૂશાલેમ પર દેવ કોપાયમાન થયો. 26 ત્યારે તેનો ગર્વ ગળી ગયો અને તેણે અને યહૂદા અને યરૂશાલેમના વતનીઓએ પણ ભૂલ કબૂલ કરી. આથી હિઝિક્યાના જીવન દરમ્યાન યહોવાનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.
27 હિઝિક્યા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું ચાંદી, રત્નો, અત્તરો, ઢાલ અને બીજી કિંમતી વસ્તુઓ રાખવા ભંડારો 28 તેમજ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, અને બધી જાતનાં ઢોર માટે તબેલા-કોઠાર તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા. 29 વળી તેણે નગરો બંધાવ્યા, અને પુષ્કળ ઘેટાઁબકરાઁના ટોળાં તથા ઢોરઢાંખર પણ ભેગા કર્યા. દેવે તેને સાચે જ પુષ્કળ સંપત્તિ આપી હતી. 30 એ જ હિઝિક્યાએ ગીહોનના ઉપરથી વહેતા ઝરણાંને બંધ કરી તેના પાણીને સીધાં દાઉદનગરની પશ્ચિમે વાળ્યાં, હિઝિક્યાએ જે કઇં હાથમા લીધું તેમાં તે સફળ થયો.
31 બાબિલના સત્તાવાળાઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા મોકલેલા દૂતોની બાબતમાં જ દેવે તેનો ત્યાગ કર્યો હતો, પણ તે ફકત તેની પરીક્ષા કરવા અને તેના મનમાં શું છે તે જાણવા માટે જ.
32 હિઝિક્યાની અન્ય વાતો અને તેણે જે સારા કાર્યો કર્યા હતા તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલી છે. 33 આખરે હિઝિક્યા પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો, તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરૂશાલેમના બધાં વતનીઓએ તેનું સન્માન કર્યુ અને તેના પછી તેનો પુત્ર મનાશ્શા ગાદીએ આવ્યો.
બાબિલોનનો વિનાશ
18 પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. 2 તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે:
“તેનો વિનાશ થયો છે!
તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે!
તે ભૂતોનું ઘર બન્યું.
તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે.
તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે.
તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.
3 પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે.
પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે
અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.”
4 પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:
“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો,
જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ.
પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.
5 તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે.
તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.
6 તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે.
તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો;
તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.
7 બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા,
તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો;
તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું.
હું વિધવા નથી,
હું કદી ઉદાસ થનાર નથી.’
8 તેથી એક દિવસમાં આ બધી
ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે.
તેનો અગ્નિથી નાશ થશે,
કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.”
9 પૃથ્વીના રાજાઓ, જેમણે તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા અને તેની સંપત્તિમાં ભાગ પડાવ્યો તેઓ તેની આગનો ધૂમાડો જોશે. પછી તે રાજાઓ તેના મૃત્યુને કારણે રડશે અને દુ:ખી થશે. 10 તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર,
બાબિલોનનું બળવાન નગર!
તારી શિક્ષા એક કલાકમાં થઈ!”
11 અને પૃથ્વી પરના વેપારીઓ તેના માટે શોક કરશે અને તેને માટે દુ:ખી થશે. તેઓ દિલગીર થશે કારણ કે હવે તેઓ જે વેચે છે તેને ખરીદનારા ત્યાં કોઈ નથી. 12 તેઓ સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, સુંદર બારીક શણના કપડાં, જાંબુડી કાપડ, રેશમી તથા કિરમજી કાપડ સર્વ જાતના સુગંધીદાર કાષ્ટ, હાથીદાંતની મૂલ્યવાન કાષ્ટની, પિતળની, લોઢાની તથા સંગેમરમરની, સર્વ જાતની વસ્તુઓ વેચતાં. 13 તે વેપારીઓ, તજ, તેજાનાં, ધૂપદ્ધવ્યો, અત્તર, લોબાન, દ્ધાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંકર, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, પણ તેઓ વેચતા. તે વેપારી માણસો રડશે અને કહેશે કે:
14 “ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે.
તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે.
તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.”
15 તે વેપારી માણસો તેની વેદનાથી ભયભીત થશે અને તેનાથી દૂર ઊભા રહેશે. આ તે માણસો છે જે વસ્તુંઓ વેચીને તેમાંથી ધનવાન થયા. તે માણસો રડશે અને શોક કરશે. 16 તેઓ કહેશે કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર!
બારીક શણનાં, જાંબુડી તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત
અને સોનાથી, કિંમતી પથ્થરો અને મોતીઓથી અલંકૃત
મહાન નગરને હાય હાય!
17 આ બધી સંપતિ એક કલાકમાં નષ્ટ થઈ!”
સર્વ નાખુદા, બધા લોકો જે વહાણોમાં સફર કરનારા છે, બધા જ ખલાસીઓ અને તે બધા લોકો જે સમુદ્ર માર્ગે પૈસા કમાનારા છે તેઓ બાબિલોનથી દૂર ઊભા રહ્યા. 18 તેઓએ તેના બળવાનો ધૂમાડો જોયો. તેઓએ મોટે સાદે કહ્યું કે: “ત્યાં આના જેવું મહાન નગર કદાપિ હતું નહિ!” 19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ ફેંકી. તેઓ રડ્યા અને વિલાપ કરવા લાગ્યાં. તેઓએ મોટા સાદે કહ્યું કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર તે મહાન નગર!
તે બધા લોકો જેમની પાસે સમુદ્ર પર વહાણો છે, તેઓ તથા તેની સંપતિને કારણે તેઓ ધનવાન થયા.
પરંતુ તેનો વિનાશ એક કલાકમાં થયો!
20 ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ.
સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો.
તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”
21 પછી એક શક્તિશાળી દૂતે એક મોટો પથ્થર ઉઠાવ્યો. આ પથ્થર ઘંટીના પડ જેવો મોટો હતો. તે દૂતે તે પથ્થરને દરિયામાં નાખી દીધો અને કહ્યું કે:
“તે મહાન નગર બાબિલોનને એટલી જ નિર્દયતાપૂર્વક નીચે ફેંકી દેવામાં આવશે.
તે શહેર ફરીથી કદી જોવામાં નહિ આવે.
22 વીણા વગાડનારા, ગાનારા, બીજા વાજીંત્રો વાંસળી અને રણશિગડું વગાડનારા લોકોનું સંગીત તારામાં ફરી કદી સંભળાશે નહિ.
પ્રત્યેક કસબી જે કાંઇ કામ કરતો હોય.
ફરીથી કદી તારામાં જોવામાં આવશે નહિ.
ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ.
23 તારામાં દીવાનો પ્રકાશ ફરી કદી પ્રકાશશે નહિ.
તારામાં વર કન્યાનો અને વરરાજાનો અવાજ ફરી કદી સંભળાશે નહિ
કારણ કે તારા વેપારીઓ દુનિયાના મહાન માણસો હતા.
તારી જાદુઈ યુક્તિઓથી બધા દેશો ભ્રમમાં પડ્યા.
24 બધા લોકો જેઓને પૃથ્વી પર મારી નાખવામાં આવ્યા હતા,
બધા પ્રબોધકો અને સંતોનું લોહી વહાવવા માટે તે (બાબિલોન) દોષિત છે.”
નિર્ણયનો દિવસ
14 જુઓ, યહોવાનો એક દિવસ આવશે, જ્યારે યરૂશાલેમમાંથી લીધેલી લૂંટ તમારા દેખતાં વહેંચી લેવાશે. 2 કારણકે યહોવા બધી પ્રજાઓને યરૂશાલેમ સામે યુદ્ધે ચઢવા ભેગી કરશે, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટી લેવામાં આવશે અને સ્ત્રીઓને ષ્ટ કરવામાં આવશે; અડધું નગર દેશવટે જશે, પરંતુ બાકીના લોકો નગરમાં જ રહેશે. 3 ત્યારબાદ યહોવા પોતે લડાઇને માટે સુસજ્જ થઇને તે દેશોની વિરુદ્ધ લડવા માટે જશે. 4 તે દિવસે યહોવા યરૂશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે, પછી એ જૈતૂન પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી બે ભાગમાં વહેચાંઇ જશે, અને વચ્ચે એક મોટી ખીણ થઇ જશે, અડધો પર્વત ઉત્તર તરફ હઠી જશે અને બાકીનો અડધો દક્ષિણ તરફ. 5 તમે પર્વતોની વચ્ચેની ખીણમાં થઇને નાસી જશો. તમારા વડવાઓ યહૂદિયાના રાજા ઉઝિઝયાના અમલ દરમ્યાન ધરતીકંપ વખતે ભાગી ગયેલા જેવા તમે લાગશો.
6 ત્યારબાદ તમારા દેવ યહોવા પોતાની સાથે સર્વ પવિત્ર લોકોને લઇને આવશે. 7 તે દિવસે એ ખૂબ મહત્વનો દિવસ હશે, દિવસ પણ નહિ અને રાત પણ નહિ, ફકત યહોવા જ જાણે છે કે તે કેવી રીતે બનશે, સાંજે પણ અજવાળું હશે. 8 તે દિવસે યરૂશાલેમમાંથી ઝરણું વહેવા માંડશે; અડધું પૂર્વ સમુદ્રમાં જશે અને અડધું પશ્ચિમ સમુદ્રમાં જશે. એ ઉનાળામાં તેમ જ શિયાળામાં પણ સતત વહેતું જ રહેશે. 9 પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે. 10 યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે. 11 લોકો ત્યાં રહેવા માટે જશે. એના ઉપર પછી કદી શાપ ઉતરશે નહિ. યારૂશલેમ સહીસલામત રહેશે.
12 યરૂશાલેમ સામે યુદ્ધે ચઢનાર બધી પ્રજાઓમાં યહોવા આવો એક રોગ ફેલાવશે; તેઓ ઊભા હશે ત્યાં જ તેમનું માંસ સડી જશે, તેમની આંખો તેમના ગોખલામાં સડી જશે, અને તેમની જીભ તેમના મોઢામાં જ સડી જશે. 13 તે વખતે યહોવા તેમને એવા તો ભયભીત તથા બેબાકળા બનાવી દેશે કે દરેક જણ પોતાની પાસેનાનો હાથ પકડી તેને મારવા લાગશે. તેઓ એકબીજા સાથે લડશે.
14 ત્યારે યહૂદિયા યરૂશાલેમની સામે થશે, આમ બનશે, જ્યારે બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને કપડાં એકઠા કરવામાં આવશે. 15 આ મરકીનો રોગ દુશ્મનોની છાવણીના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં અને બીજા બધા જ પ્રાણીઓને લાગુ પડશે. 16 ત્યારબાદ યરૂશાલેમ સામે યુદ્ધે ચઢેલી પ્રજાઓમાંથી બચવા પામેલા માણસો વર્ષોવર્ષ યહોવાની ઉપાસના કરવા અને માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જશે. 17 અને પૃથ્વી પરની કોઇ પણ પ્રજા સૈન્યોનો દેવ યહોવાની ઉપાસના કરવા ત્યાં જશે, નહિ તો તેના દેશમાં વરસાદ નહી વરસે. 18 પરંતુ જો મિસરના લોકો યરૂશાલેમ જવા અને પ્રાર્થનામાં ભાગ લેવા ના પાડશે તો તેઓને મોત ભોગવવું પડશે. માંડવા પર્વની ઉજવણીમાં ભાગ ન લેવા માટે લોકો દુ:ખી થશે. 19 મિસર અને બીજા સર્વ દેશો જેઓ માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જવા ના પાડે છે, તેઓ સર્વને આ શિક્ષા કરવામાં આવશે.
20 તે દિવસે ઘોડાઓ પરની ઘંટડીઓ ઉપર લખેલું હશે, યહોવાને સમર્પિત અને યહોવાના મંદિરમાં સામાન્ય વાસણો વેદી આગળનાં વાસણો જેવા પવિત્ર હશે; 21 અને યહૂદિયા અને યરૂશાલેમનું એકેએક વાસણ સૈન્યોનો દેવ યહોવાને માટે પવિત્ર થશે.
ભકિત કરવા આવનાર સૌ કોઇ બલિદાનને બાફવા માટે તેનો વિના મૂલ્યે ઉપયોગ કરી શકશે; અને તે વખતે સૈન્યોનો દેવ યહોવાના મંદિરમાં કોઇ વેપારી નહિ હોય.
ઈસુ તેના શિષ્યો માટે પ્રાર્થના કરે છે
17 ઈસુએ આ વાતો કહી રહ્યાં પછી તેણે આકાશ તરફ જોયું. ઈસુએ પ્રાર્થના કરી, “પિતા, સમય આવ્યો છે. તારા દીકરાને મહિમાવાન કર. જેથી દીકરો તને મહિમાવાન કરે. 2 તેં દીકરાને સર્વ લોકો પર અધિકાર આપ્યો છે. જેથી દીકરો તે બધા લોકોને અનંતજીવન બક્ષે. જે તેં તેને આપ્યું છે. 3 અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે. 4 તેં મને જે કરવાનું સોંપ્યું છે તે કામ મે પૂરું કર્યુ છે. મેં તેને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. 5 અને હવે, હે પિતા, તારી સાથે મને મહિમાવાન કર. જગતની શરુંઆત થતાં પહેલાં તારી સાથે મારો જે મહિમા હતો તે મને આપ.”
6 “તેં મને જગતમાંથી કેટલાક માણસો આપ્યા. મેં તેઓને તું કોના જેવો છે તે બતાવ્યું છે. તે માણસો તારા હતા. અને તેં મને તેઓ આપ્યા છે. તેઓએ તારા ઉપદેશનું પાલન કર્યુ છે. 7 હવે તેઓ જાણે છે કે તેં મને આપેલી દરેક વસ્તુ તારી પાસેથી આવે છે. 8 તેં મને જે વચનો આપ્યા છે તે મેં તેઓને આપ્યા. તેઓએ તે વચનોને સ્વીકાર્યા. તેઓ જાણે છે કે હું તારી પાસેથી આવ્યો છું અને તેઓને વિશ્વાસ છે કે તેં મને મોકલ્યો છે. 9 હમણા હું તેઓને માટે પ્રાર્થના કરું છું. હું જગતના લોકો માટે પ્રાર્થના કરતો નથી. પણ તેં મને જે લોકો આપ્યાં છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું, કારણ કે તેઓ તારાં છે. 10 મારી પાસે જે બધા છે તે તારાં છે, અને તારી પાસે જે બધા છે તે મારાં છે, અને આ માણસો મારો મહિમા લાવે છે.
11 “હવે હું તારી પાસે આવું છું. હવે હું આ જગતમાં રહીશ નહિ. પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે. પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે. તારા નામના અધિકારથી સલામત રાખે છે (જે નામ તેં મને આપેલું છે.), તેથી તેઓ એક થશે, જેમ તું અને હું એક છીએ. 12 જ્યારે હું તેઓની સાથે હતો, મેં તેઓને સલામત રાખ્યાં. મેં તારા નામની સત્તાથી તેઓને સલામત રાખ્યાં-જે નામ તેં મને આપ્યું છે. મેં તેઓનું રક્ષણ કર્યુ છે. અને તેઓમાંનો માત્ર એક ખોવાયો હતો. જે માણસ પસંદ કરાયેલ ન હતો. તે ખોવાયો હતો. શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે બની શકે.
13 “હું હમણા તારી પાસે આવું છું. પણ હું આ વસ્તુઓ માટે પ્રાર્થના કરું છું ત્યારે પણ હું હજુ જગતમાં છું. હું આ વસ્તુઓ કહું છું તેથી આ માણસો મારો આનંદ પ્રાપ્ત કરી શકે. હું ઈચ્છું છું કે મારો બધો આનંદ તેઓની પાસે હોય. 14 તેઓને તારો ઉપદેશ આપ્યો છે અને જગતે તેઓને તિરસ્કાર કર્યો છે, કારણ કે તેઓ આ દુનિયાના નથી. જેમ હું આ દુનિયાનો નથી.
15 “હું તને તેઓને આ દુનિયામાંથી બહાર લઈ જવાનું કહેતો નથી. પણ હું તને દુષ્ટ પાપમાંથી (શેતાનથી) તેઓને સલામત રાખવાનું કહું છું. 16 તેઓ આ જગતના નથી, તે જ રીતે હું આ જગતનો નથી. 17 તારા સત્ય દ્વારા તારી સેવા માટે તૈયાર કર. તારું વચન સત્ય છે. 18 મેં તેઓને જગતમાં મોકલ્યા છે. જે રીતે તેં મને જગતમાં મોકલ્યો છે. 19 હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.
20 “હું આ માણસો માટે પ્રાર્થના કરું છું. હું પણ તે બધા લોકો માટે પ્રાર્થના કરું છું. આ બધા લોકોના વચનના કારણે તેઓ મારામાં વિશ્વાસ કરશે. 21 પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે. 22 મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય. 23 હું તેઓમાં હોઈશ અને તું મારામાં હોઈશ. તેથી તેઓ સંપૂર્ણ રીતે એક થશે. પછી જગત જાણશે કે તેં મને મોકલ્યો છે અને જગત જાણશે કે તેં આ લોકોને પ્રેમ કર્યો હતો. જેમ તેં મને પ્રેમ કર્યો હતો.
24 “પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે. 25 પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે. 26 મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International