M’Cheyne Bible Reading Plan
રાજા યોથામનો અમલ
27 યોથામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ યરૂશા હતું. અને તે સાદોકની પુત્રી હતી. 2 તેના પિતા ઉઝિઝયાએ જે સઘળું કર્યુ હતું તે પ્રમાણે તેણે યહોવાની ષ્ટિમાં જે સારું હતું તે કર્યુ; પરંતુ યહોવાના મંદિરમાં તે જતો નહિ; પણ લોકોએ ષ્ટ કાર્યો કરવાનું ચાલુ રાખ્યું. 3 તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બંધાવ્યો અને ઓફેલના કોટનું ઘણું બાંધકામ કરાવ્યું. 4 તેણે યહૂદાના પહાડી પ્રદેશમાં નગરો બંધાવ્યાં અને જંગલોમાં કિલ્લાઓ અને બુરજો ચણાવ્યાઁ. 5 તેણે આમ્મોનીઓના રાજા સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, અને તે વરસે આમ્મોનીઓએ તેને 3,400 કિલો ચાંદી, 10,000 માપ ઘઉં, તથા 10,000 માપ જવ સતત ત્રણ વર્ષ સુધી તેને આપતાં રહ્યાં.
6 યોથામ પોતાના બધા નિર્ણયો દેવના માર્ગોને અનુસરીને લેતો હતો. તેથી તે ઘણો બળવાન બનવા પામ્યો. 7 યોથામના રાજ્યના બીજા બનાવોની, તેના બધા યુદ્ધોની અને તેના રાજ્યવહીવટની નોંધ ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના વૃત્તાંતમાં લેવામાં આવેલી છે. 8 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ શાસન કર્યુ. 9 ત્યારપછી તે પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ ગાદીએ આવ્યો.
રાજા આહાઝનો શાસનકાળ
28 આહાઝ જ્યારે રાજા બન્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી; અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યું. 2 પોતાના પિતૃ દાઉદની જેમ યહોવા પ્રસન્ન થાય એવું આચરણ કરવાને બદલે તે ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો અને તેણે બઆલદેવોની મૂર્તિઓ પણ ઢળાવી. 3 તેણે બેનહિન્નોમની ખીણમાં ધૂપ બાળવા શરુ કર્યા. અને ઇસ્રાએલીઓના પ્રવેશ પહેલાં યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી, તેમના ઘૃણાજનક રિવાજોને અનુસરીને પોતાના પુત્રોને પણ બલી તરીકે અગ્નિમાં હોમી દીધા. 4 તેણે પર્વતો પર આવેલાં ઉચ્ચસ્થાનકોમાં અને પર્વત ઉપરના પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞો કરીને ધૂપ બાળ્યાં.
5 આથી યહોવા તેના દેવે તેને અરામીઓના રાજાના હાથમાં સોંપી દીધો; તેઓએ તેના લશ્કરને હરાવ્યું અને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરી દમસ્ક લઇ ગયા. યહોવાએ તેને ઇસ્રાએલના રાજા પેકાહ દ્વારા હરાવ્યો. પેકાહ રમાલ્યાનો પુત્ર હતો. 6 ઇસ્રાએલનો રાજા પેકાહ જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે એક જ દિવસમાં 1,20,000 શૂરવીર યોદ્ધાઓને કાપી નાખ્યા. કારણકે તેમણે તેમના પિતૃઓના દેવ યહોવાની અવજ્ઞા કરી હતી. 7 એફ્રાઇમના શૂરવીર ઝિખ્રીએ રાજાના કુંવર માઅસેનાહને અને રાજમહેલના કારભારી હાઝ્ીકામને તેમજ રાજાના મુખ્યમંત્રી એલ્કાનાહને મારી નાખ્યા.
8 ઇસ્રાએલીઓના લશ્કરે પોતાના જાતભાઇઓમાંથી 2,00,000 સ્ત્રીઓ અને બાળકોને કેદ પકડ્યાં, ઉપરાંત, પુષ્કળ લૂંટનો માલ પણ કબ્જે કરી, તેઓ સમરૂન લઇ આવ્યા. 9 ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે. 10 અને હવે તમે યહૂદા અને યરૂશાલેમમાં સ્ત્રીપુરુષોને તમારાં ગુલામ બનાવવા માંગો છો. તમારા દેવ યહોવાની આગળ તમે લોકો ક્યાં ઓછા ગુનેગાર છો? 11 માટે હવે મારું કહેવું સાંભળો, આ તમારા સગાઓને તેઓનાં ઘરે પાછાં મોકલી આપો, કારણકે યહોવાનો ઉગ્ર કોપ તમારા ઉપર છે.”
12 ત્યારબાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝિક્યા અને હાદલાઇનો પુત્ર અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા ઇસ્રાએલી માણસોની સામે ગયા. 13 અને તેમને કહ્યું, “તમે આ કેદીઓને અમારા દેશમાં લાવશો નહિ. તમે જે કરવા માંગો છો એથી અમે યહોવા આગળ ગુનેગાર ઠરીશું, અને અમારા પાપોમાં વધારો થશે. આમ પણ અમારા ગુના ઓછા નથી. અને યહોવાનો ભયંકર રોષ ઇસ્રાએલ ઉપર ઝઝૂમે છે.”
14 આથી લશ્કરના માણસોએ કેદીઓ અને લૂંટનો સામાન અમલદારોને અને ભેગા થયેલા લોકોને સોંપી દીધો. 15 પછી અગાઉ જણાવેલ ચાર આગેવાનોએ લૂંટમાંથી કપડાં લઇને બંદીવાનોમાંથી જે સ્ત્રીઓ અને બાળકોને જરૂર હતી, તેઓને તે પ્રમાણે વહેંચી આપ્યા, તેમજ પગરખાં, ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને ગધેડા ઉપર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઇ ગયા. પછી બંદીવાનો સાથે ગયેલી ટૂકડી સમરૂન પાછી ફરી.
16 એ વખતે રાજા આહાઝે આશ્શૂરના રાજાને પોતાની વહારે આવવા કહેવડાવ્યું. 17 કારણ, અદોમીઓ ફરી એકવાર યહૂદા ઉપર ચઢી આવ્યા અને ઘણા લોકોને બંદીવાન તરીકે પકડી ગયા. 18 પલિસ્તીઓએ પણ નીચાણના પ્રદેશોમાં તેમજ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજબાજુના ગામડાઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો તેમજ તિમ્નાહ અને ગિમ્ઝો કબજે કર્યા, અને તેમાં વસવાટ કર્યો. 19 આહાઝ યહૂદાના લોકોને પાપ કરવા માટે પ્રોત્સાહન આપતો હતો. અને તે યહોવાને વફાદાર રહ્યો નહોતો એટલે યહોવાએ યહૂદાના લોકોને નીચા પાડ્યા. 20 આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર આવ્યો ખરો પણ તેને મદદ કરવાને બદલે તેણે તેને ઘેરો ઘાલ્યો. 21 આહાઝે યહોવાના મંદિરને, રાજમહેલ અને પોતાના અમલદારોનાં ઘરોને લૂંટીને એ લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો પણ કશું વળ્યું નહિ.
22 અતિ સંકટના આ સમયે રાજા આહાઝ વધુને વધુ પાપ કરતો ગયો. 23 દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે “જો એ દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું.
24 આહાઝે યહોવાના મંદિરમાં વાસણો ભાંગી નાખ્યા, અને યહોવાના મંદિરના બારણાં બંધ કરી યરૂશાલેમમાં શેરીએ શેરીએ બીજા દેવોની વેદી ચણાવી, 25 અને યહૂદાના એકે એક ગામમાં તેમને ધૂપ ચઢાવવા ટેકરી પરનાં સ્થાનકો ઊભાં કર્યા; અને એમ કરીને પોતાના પિતૃઓના દેવ યહોવાનો રોષ વહોરી લીધો.
26 તેના રાજ્યના બીજા બનાવો અને તેના જીવનની વિગતો યહૂદા અને ઇસ્રાએલના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધેલી છે. 27 પછી આહાઝ પિતૃલોકને પામ્યો અને તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પરંતુ તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદી પર આવ્યો.
ઉદ્ધાર પામેલાઓનું ગીત
14 પછી મેં જોયું તો ત્યાં મારી આગળ હલવાન હતું. તે સિયોન પહાડ પર ઊંભું હતું. ત્યાં તેની સાથે 1,44,000 લોકો હતા. તેઓ બધાના કપાળ પર તેનું નામ અને તેના પિતાનું નામ લખેલું હતું.
2 અને મેં પાણીના પૂર જેવો ઘોંઘાટ અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. મેં જે અવાજ સાંભળ્યો તે લોકો પોતાની વીણા વગાડતા હોય તેવો હતો. 3 તે લોકોએ રાજ્યાસનની આગળ અને ચાર પ્રાણીઓની અને વડીલોની આગળ એક નવું ગીત ગાયું. તે નવું ગીત ગાઈ શકે તેવા ફક્ત 1,44,000 લોકો હતા. જેઓનો પૃથ્વી પરથી ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. બીજું કોઈ તે ગીત ગાઇ શક્યું નહિ.
4 આ 1,44,000 એવા લોકો છે, જેઓએ સ્ત્રીઓ સાથે કોઈ કુકર્મ કર્યું નથી. તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે. તેઓ જ્યાં જતા ત્યાં હલવાનને અનુસરતા. પૃથ્વી પરના લોકોમાંથી આ 1,44,000નો ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. દેવને અને હલવાનને અર્પિત થનાર તેઓ પહેલા હત. 5 આ લોકો અસત્ય બોલવાના દોષિત ન હતા. તેઓ નિર્દોષ છે.
ત્રણ દૂતો
6 પછી મેં બીજા એક દૂતને આકાશમાં ઊંચે ઉડતો જોયો. તે દૂત પાસે સનાતન સુવાર્તા હતી. જે પૃથ્વી પર રહેતા હતા, તે લોકો દરેક રાજ્ય, જાતિ, ભાષા અને પ્રજાના લોકોને બોધ આપવા માટે હતી. 7 તે દૂતે મોટા સાદે વાણીમા કહ્યું કે, “દેવનો ડર રાખો અને તેની આરાધના કરો. તેના માટે દરેક લોકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. દેવની આરાધના કરો, તેણે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને પાણીનાં ઝરાઓ ઉત્પન્ન કર્યા છે.”
8 પછી તે બીજો દૂત પ્રથમ દૂતને અનુસર્યો અને કહ્યું કે, “તેનો વિનાશ થયો છે! તે મહાન બેબિલોનનો વિનાશ થયો છે. તેણે પોતાનો વ્યભિચાર (ને લીધે રેડાયેલો) અને દેવનો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોને પીતાં કર્યા છે.”
9 એ ત્રીજો દૂત પહેલા બે દૂતોને અનુસર્યો, આ ત્રીજા દૂતે મોટા સાદે વાણીમાં કહ્યું કે, “જે તે પ્રાણી અને પ્રાણીની મૂર્તિને પૂજે છે અને તેના કપાળ પર કે તેના હાથ પર તે પ્રાણીની છાપ પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ ઓ માટે ખરાબ સમય હશે. 10 તે વ્યક્તિ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ પીશે. આ દ્રાક્ષારસ દેવના કોપના પ્યાલામાં તેની પૂર્ણ શક્તિથી તૈયાર થયો છે. તે વ્યક્તિ પવિત્ર દૂતો અને હલવાનની આગળ સળગતા ગંધકથી રિબાશે. 11 અને તેઓના ત્રાસમાંથી નીકળતો ધુમાડો સદા સર્વકાળ ઊંચે ચઢશે. જે લોકો પ્રાણીની તથા તેની મૂર્તિની પૂજા કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાત દિવસ આરામ નથી.” 12 આનો અર્થ એ છે કે સંતો ધૈર્યવાન હોવા જોઈએે. તેઓએ દેવની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએે અને ઈસુમાં તેઓએ વિશ્વાસ રાખવો જોઈએ.
13 પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “આ લખ, કે હવે પછી જે મૃત્યુ પામનારાઓ પ્રભુમાં મૃત્યુ પામે છે. તેઓને ધન્ય છે.”
આત્મા કહે છે, “હા, તે સાચું છે. તે લોકો તેઓનાં સખત શ્રમથી આરામ કરશે. તેઓએ જે કંઈ કર્યું છે તે તેઓની સાથે રહે છે.”
પૃથ્વી પરની કાપણી
14 જ્યારે મેં નજર કરી ત્યારે મેં ત્યાં મારી આગળ એક ઊજળું વાદળ જોયું તે ઊજળા વાદળ પર બેઠેલો એક દૂત માણસનાં પુત્ર[a] જેવો દેખાતો હતો. તેના માથા પર સોનાનો મુગટ અને હાથમા ધારદાર દાતરડું હતું. 15 પછી બીજો એક દૂત મંદિરમાથી બહાર આવ્યો. આ દૂતે જે વાદળ પર બેઠો હતો તેને બોલાવ્યો અને કહ્યું કે, “તારું દાતરડું ચલાવ અને બધો પાક ભેગો કર, કાપણી કરવાનો સમય આવી પહોંચ્યો છે. પૃથ્વીનાં ફળ પાકયાં છે.” 16 તેથી જે વાદળ પર બેઠો હતો તેણે પૃથ્વી પર દાતરડું ચલાવ્યું અને પૃથ્વીની ફસલ લણાઈ ગઈ.
17 પછી બીજો એક દૂત મંદિરની બહાર આવ્યો જે આ આકાશમાં હતું. આ દૂત પાસે પણ એક ધારદાર દાતરડું હતું. 18 પછી બીજો એક દૂત વેદીમાંથી બહાર આવ્યો. આ દૂતને અગ્નિ પર અધિકાર છે. આ દૂતે મોટા અવાજે તે દૂતને ધારદાર દાતરડાં સાથે બોલાવ્યો. તેણે કહ્યું કે, “તારું ધારદાર દાતરડું લે અને પૃથ્વીની દ્રાક્ષમાંથી દ્રાક્ષનાં ઝૂમખાને ભેગાં કર. પૃથ્વીની દ્રાક્ષો પાકી ચૂકી છે.” 19 તે દૂતે તેનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું. તે દૂતે પૃથ્વીની દ્રાક્ષોનાં ઝૂમખાં ભેગા કરીને દેવના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. 20 અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેરની બહાર ખૂંદવામાં આવ્યું, 200 માઈલ સુધી ઘોડાઓના માથાં જેટલી ઊંચાઈએ પહોંચે એટલુ લોહી દ્રાક્ષાકુંડમાંથી બહાર વહી નીકળ્યું.
યહોવાની પ્રતિક્ષા
10 વસંતઋતુમાં વરસાદ માટે યહોવાને પોકારો. તે યહોવા છે જે વાદળો અને વરસાદને મોકલે છે અને દરેક માણસના ખેતરમાં લીલોતરી ઉગાડે છે;
2 જ્યારે મૂર્તિઓ અર્થ વગરનું બોલે છે. અને જોષીઓ જૂઠા જોષ જુએ છે, સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને અવાસ્તવિક ભરોસો આપે છે, આથી લોકો બકરાઁની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કારણ, હુમલા સામે તેઓનું રક્ષણ કરનાર કોઇ પાળક નથી.
3 યહોવા કહે છે, “મારો રોષ રાજકર્તાઓ વિરુદ્ધ સળગી ઊઠયો છે; તેઓએ મારી પ્રજાઓની સાથે જે રીતે વર્તણૂંક કરી છે તેને કારણે હું તેઓને સજા કરીશ.” હું સૈન્યોનો દેવ યહોવા, મારા આશ્રિતો યહૂદિયાઓની સંભાળ લઇશ, અને તેઓને હું યુદ્ધના અશ્વો જેવા બનાવીશ.
4 “તેઓમાંથી જ ખૂણાનો મુખ્ય પથ્થર, તમામ આશાઓનો આધાર જેના પર છે તે ખીલો, યુદ્ધને જીતનાર ધનુષ્ય, અને દરેક રાજ્યકર્તા પ્રગટ થશે. 5 દેવની સહાયથી તેઓ બળવાન યોદ્ધાઓ થશે અને દુશ્મનોને રસ્તાના કાદવમાં કચડી નાખશે. યહોવા તેમની સાથે છે. તેઓ શત્રુઓના સૈનિકોને હરાવી દેશે. 6 હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ અને ઇસ્રાએલના લોકોને પણ ઉગારી લઇશ. મને તેમના પર દયા આવે છે, માટે હું તેમને પાછા લાવીશ અને કોણ જાણે કેમ મેં તેમનો ત્યાગ જ ન કર્યો હોય એવી તેમની સ્થિતિ હશે, કારણ, હું યહોવા, તેમનો દેવ છું અને તેમની પ્રાર્થના સાંભળીશ. 7 ઇસ્રાએલના લોકો બળવાન યોદ્ધા જેવા બની જશે અને તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદમાં આવી જશે. તેમના વંશજો તે જોઇને ખુશ થશે અને મારી કૃપા યાદ કરીને તેમનાં હૃદય હરખાશે.
8 “હું તેમને સીટી વગાડીને સંકેત કરીશ અને તેઓને સાથે ભેગા થવા માટે બોલાવીશ. અને તેઓની સંખ્યાં વધીને પહેલાનાં જેટલી થશે. 9 મેં તેમને જુદી જુદી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં છે છતાં દૂરદૂરના દેશોમાં તેઓ મને સંભારશે. અને તેઓ પોતાનાં બાળકો સાથે જીવતાં પાછા આવશે. 10 હું મિસરમાંથી અને આશ્શૂરમાંથી તેમને પાછા લાવી ઘરભેગાં કરીશ; હું તેમને ગિલયાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ; અને ત્યાં પણ તેઓ એટલા બધા હશે કે ત્યાં પૂરતી જગ્યા નહિ હોય. 11 તેઓ આફતના દરિયામાંથી સલામત પાર ઉતરશે. કારણ, મોજાઓને રોકી રાખવામાં આવશે. નાઇલ નદી સૂકાઇ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મારા લોક પરના મિસરના શાસનનો અંત આવશે.” 12 યહોવા કહે છે, “હું મારા લોકને મારા સાર્મથ્યથી બળવાન કરીશ, અને તેઓ મારે નામે આગળ વધશે.” આ યહોવાના વચન છે.
પ્રભુ ઈસુ તેના શિષ્યોના પગ ધૂએ છે
13 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.
2 ઈસુ અને તેના શિષ્યો સાંજના ભોજનમાં સાથે હતા. શેતાને અગાઉથી યહૂદા ઈશ્કરિયોતને ઈસુની વિરૂદ્ધ થવા સમજાવ્યો હતો. (યહૂદા સિમોનનો દીકરો હતો.) 3 પિતાએ ઈસુને બધી વસ્તુઓ પરની સત્તા સોંપી હતી. ઈસુએ આ જાણ્યું. ઈસુએ તે પણ જાણ્યું કે તે દેવ પાસેથી આવ્યો છે. અને એમ પણ જાણ્યું કે હવે તે દેવ પાસે પાછો જતો હતો. 4 યારે તેઓ જમતા હતા, ઈસુએ ઊભા થઈને પોતાનો ઝભ્ભો ઉતારી નાખ્યો. ઈસુએ રુંમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. 5 પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું. તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી. તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા. જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો.
6 ઈસુ સિમોન પિતર પાસે આવ્યો. પરંતુ પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, તારે મારા પગ ધોવા જોઈએ નહિ.”
7 ઈસુએ ઉત્તર આપ્યો, “હમણા હું શું કરું છું તે તું જાણતો નથી. પરંતુ પાછળથી તું સમજી શકીશ.”
8 પિતરે કહ્યું, “ના! હું કદાપિ મારા પગ ધોવા દઈશ નહિ.”
ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું તારા પગ નહિ ધોઉ, તો પછી તું મારા લોકોમાંનો એક થશે નહિ.”
9 સિમોન પિતરે કહ્યું, “પ્રભુ, મારા પગ ધોયા પછી તું મારા હાથ અને મારું માથું પણ ધો!”
10 ઈસુએ કહ્યું, “વ્યક્તિના સ્નાન કર્યા પછી તેનું આખું શરીર ચોખ્ખું થાય છે. તેને ફક્ત તેના પગ ધોવાની જ જરુંર છે. અને તમે માણસો ચોખ્ખા છો, પરંતુ તમારામાંના બધા નહિ.” 11 ઈસુએ જાણ્યું કે, કોણ તેની વિરૂદ્ધ થશે. તે જ કારણે ઈસુએ કહ્યું, “તમારામાંથી દરેક ચોખ્ખા નથી.”
12 ઈસુએ તેમના પગ ધોવાનું પૂરું કર્યુ. પછી તેણે પોતાનાં કપડાં પહેર્યા અને ફરીથી મેજ પર બેઠો. ઈસુએ પૂછયું, “તમે સમજો છો મેં તમારા માટે શું કર્યું? 13 તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું. 14 હું જ તમારો ‘ગુરું’ અને ‘પ્રભુ’ છું. પણ મેં તમારા પગ સેવકની જેમ ધોયા. તેથી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15 મેં તમારા માટે એક નમૂના તરીકે આ કર્યુ. તેથી મેં તમારા માટે જે કર્યુ તેવું તમારે એકબીજા માટે કરવું જોઈએ. 16 હું તમને સત્ય કહું છું. એક સેવક તેના ધણી કરતાં મોટો નથી. અને જે વ્યક્તિને કંઈક કરવા મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. 17 જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.
18 “હું તમારા બધા વિષે બોલતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું. પરંતુ શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે થવું જોઈએ. ‘જે માણસ મારા ભોજનમાં ભાગીદાર બન્યો છે તે મારી વિરૂદ્ધ થયો છે.’ 19 હું તમને તે બનતા પહેલા આ કહું છું. જેથી જ્યારે એ બને, ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. 20 હું તમને સત્ય કહું છું. જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર જે કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે મારા મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”
ઈસુ કહે છે કોણ તેની વિરૂદ્ધ થશે
(માથ. 26:20-25; માર્ક 14:17-21; લૂ. 22:21-23)
21 ઈસુએ આ વાતો કહ્યા પછી તેણે ભારે વ્યાકુળતા અનુભવી. ઈસુએ જાહેરમાં કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે.”
22 ઈસુના બધા શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુ જેના વિષે વાત કરતો હતો, તે વ્યક્તિ કોણ હતી તે તેઓ સમજી શક્યા નહિ. 23 શિષ્યોમાંનો એક ઈસુની બાજુમાં છાતીને અઢેલીને બેઠો હતો. ઈસુ જેને પ્રેમ કરતો હતો તે આ શિષ્ય હતો. 24 સિમોન પિતરે આ શિષ્યને ઈશારો કરીને ઈસુને પૂછયું કે જેના વિષે વાત કરતો હતો તે વ્યક્તિ કોણ હતી.
25 તે શિષ્ય ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો અને પૂછયું, “પ્રભુ, તે કોણ છે જે તારી વિરૂદ્ધ થશે?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “હું આ રોટલી થાળીમાં બોળીશ. હું જે માણસને તે આપીશ તે માણસ મારી વિરૂદ્ધ થશે.” તેથી ઈસુએ રોટલીનો ટુકડો લીધો. તેણે તે બોળ્યો ને યહૂદા ઈશ્કરિયોત જે સિમોનનો દીકરો છે તેને આપ્યો. 27 જ્યારે યહૂદાએ ટુકડો લીધો, શેતાન તેનામાં પ્રવેશ્યો. ઈસુએ યહૂદાને કહ્યું, “તું જે બાબત કરે, તે જલ્દીથી કર!” 28 મેજ પાસેનો કોઈપણ માણસ સમજયો નહિ કે શા માટે ઈસુએ યહૂદાને આમ કહ્યું. 29 યહૂદા સમૂહ માટે પૈસાની પેટી રાખનાર માણસ હતો. તેથી કેટલાક શિષ્યોએ વિચાર્યુ કે યહૂદા જઈને કેટલીક જરુંરી વસ્તુઓ પર્વ માટે ખરીદે એવું ઈસુ સમજતો હતો. અથવા તેઓએ વિચાર્યુ કે ઈસુ ઈચ્છતો હતો કે યહૂદા ગરીબ લોકોને જઈને કઈક આપે.
30 ઈસુએ આપેલી રોટલી યહૂદાએ સ્વીકારી પછી યહૂદા બહાર ગયો. તે રાત હતી.
ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
31 જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે. 32 જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.”
33 ઈસુએ કહ્યું, “મારા બાળકો, હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ. તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું. જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ.
34 “હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. 35 જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો બધા લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
ઈસુ કહે છે કે પિતર તેનો નકાર કરશે
(માથ. 26:31-35; માર્ક 14:27-31; લૂ. 22:31-34)
36 સિમોન પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, તું ક્યાં જાય છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “હું જ્યાં જાઉં છું ત્યાં હવે તું મારી પાછળ આવી શકીશ નહિ, પણ તું પાછળથી અનુસરીશ.”
37 પિતરે પૂછયું, “પ્રભુ, હવે હું શા માટે તારી પાછળ આવી શકું નહિ? હું તારા માટે મરવા પણ તૈયાર છું.”
38 ઈસુએ ઉત્તર આપ્યો, “શું તું ખરેખર મારા માટે તારોં જીવ આપીશ? હું તને સાચું કહું છું. મરઘો બોલે તે પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International