M’Cheyne Bible Reading Plan
યહૂદામાં અમાસ્યાનું રાજ
14 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશને બીજે વર્ષે યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા રાજ કરવા લાગ્યો. 2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું અને તે યરૂશાલેમની હતી. 3 અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે છેક પિતૃ દાઉદના જેવું તો નહિ જ, તે બધી બાબતમાં પોતાના પિતા યોઆશને પગલે ચાલ્યો. 4 પણ તેણે મહત્વના સ્થાનકોનો, મહત્વની જગ્યાઓનો નાશ નહોતો કર્યો. અને લોકોએ ત્યાં બલિદાનો અર્પણ કરવાનું અને ધૂપ પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
5 તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા, 6 પણ તેમના બાળકોને જીવતા રહેવા દીધા, કારણ, મૂસાની સંહિતામાં યહોવાએ જણાવેલું છે કે, “સંતાનોના ગુના માટે મા-બાપને કે મા-બાપના ગુના માટે સંતાનોને દેહાંતદંડ ન દેવો, પ્રત્યેકને તેના પોતાના પાપ માટે જ દેહાંતદંડ દેવો.”
7 અમાસ્યાએ 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં હરાવ્યા અને તેણે સેલા નગરને કબજે પણ કરી લીધું, તેણે તેનું નામ “યોકતએલ” પાડયું અને આજે એ જ નામે ઓળખાય છે.
યહોઆશ વિરૂદ્ધ યુદ્ધ ઇચ્છતો અમાસ્યા
8 પછી અમાસ્યાએ ઇસ્રાએલના રાજા યોઆશને સંદેશો મોકલીને પડકાર કર્યો, “તારું સૈન્ય લઈને યુદ્ધ માટે આવી જા.”
9 રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી. 10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”
11 છતાં અમાસ્યાએ સાંભળવાની ચિંતા કરી નહિ, તેથી ઇસ્રાએલનાં રાજા યોઆશ યુદ્ધે ચડયો, તે અને અમાસ્યા યહૂદામાં આવેલા બેથશેમશ આગળ બળનું પારખું કરવા ભેગા થયા. 12 ઇસ્રાએલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને તેઓ પોતાને ઘેર ભાગી ગયા. યહૂદાના રાજા અમાસ્યાને પકડયો અને યરૂશાલેમ ગયા. 13 ત્યાં તેણે એફ્રાઈમ દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધીનો 400 હાથની યરૂશાલેમની ભીત તોડી પાડી. 14 તેણે બધું સોનું, ચાંદી, મંદિરમા મળી શકે તે બધાં વાસણો, અને રાજમહેલનો ખજાનો લઇ લીધો અને બંધકોને પણ લઇને તે સમરૂન પાછો ગયો.
15 યોઆશના શાસનનાં બીજાં બનાવો, તેનો વિજય અને યહૂદાના રાજા અમાસ્યા સાથેનાં તેનાં યુદ્ધો તે બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 16 આમ યોઆશ પિતૃલોકને પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યરોબઆમ રાજગાદી પર આવ્યો.
અમાસ્યાનું મૃત્યુ
17 ઇસ્રાએલના રાજા યોઆશના મૃત્યુ પછી યહૂદાનો રાજા અમાસ્યા 15 વર્ષ જીવ્યો. 18 અમાસ્યાના શાસન દરમ્યાનના બીજા બનાવો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 19 તેની સામે યરૂશાલેમમાં કાવતરું રચવામાં આવ્યું, તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેના દુશ્મનોએ હત્યારા મોકલીને તેનો પીછો કર્યો અને ત્યાં જ તેને મારી નાખવામાં આવ્યો. 20 ઘોડસવારો મારફતે તેના મૃતદેહને યરૂશાલેમ લાવવામાં આવ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.
યહૂદા પર રાજ શરૂ કરતો અઝાર્યા
21 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો. 22 અમાસ્યાના અવસાન પછી અઝાર્યાએ એલાથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.
યરોબઆમ બીજાનું ઇસ્રાએલ પર રાજ
23 યહૂદાના રાજા યોઆશના પુત્ર અમાસ્યાના શાસનના 15મા વર્ષે યોઆશનો પુત્ર યરોબઆમ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 41 વર્ષ રાજ કર્યું. 24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓને પાપકર્મો કરવા પ્રેર્યા હતાં તે એણે છોડયાં નહિ, 25 ઇસ્રાએલના દેવ યહોવાએ પોતાના સેવક ગાથ-હેફેરના પ્રબોધક આમિત્તાયના પુત્ર યૂના મારફતે ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબઆમે હમાથના ઘાટથી તે મૃતસરોવર સુધીની ઇસ્રાએલની સરહદ પાછી મેળવી લીધી, 26 કારણ, યહોવાએ જોઈ લીધું હતું કે ઇસ્રાએલને કેવાં આકરાં કષ્ટો સહન કરવાં પડે છે અને ઇસ્રાએલની સાથે ચડે એવું કોઈ રહ્યું નહોતું. 27 પણ યહોવાએ ઇસ્રાએલના નામને ધરતીના પડ પરથી ભૂંસી ન નાખવાનો નિશ્ચય કર્યો હતો, આથી તેમણે યોઆશના પુત્ર યરોબઆમ મારફત તેમણે તેઓને વિજય અપાવ્યા.
28 યરોબઆમના શાસનના બીજા બનાવો, તેણે મેળવેલા વિજયો અને તેના પરાક્રમો અને તેણે દમસ્ક અને હમાથ પર ઇસ્રાએલનો કબજો પાછો મેળવી આપ્યો એ બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલું છે. 29 પછી યરોબઆમ બીજો મૃત્યુ પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજગાદી પર આવ્યો.
4 દેવ તથા ઈસુ ખ્રિસ્ત સમક્ષ હું તને આદેશ આપું છું કે મરણ પામેલા તેમજ જીવતા લોકોનો એક માત્ર એવો ખ્રિસ્ત ઈસુ ન્યાય કરશે. ઈસુનું રાજ્ય છે, અને તે ફરીથી આવી રહ્યો છે. તેથી હું તને આ આદેશ આપું છું: 2 લોકોને તું સુવાર્તા પ્રગટ કર. તે સંદેશ એ છે કે, લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહી શકે, એવો માર્ગ દેવે હવે સર્વ માટે ખૂલ્લો કરી દીધો છે. દરેક સમયે તું તૈયાર રહેજે. લોકોએ શું શું કરવાની જરુંર છે તે તું તેઓને કહે, તેઓની ભૂલ થાય ત્યારે તું તેઓને ધમકાવ અને તેઓને પ્રોત્સાહિત કર. આ બધું તું ખૂબજ ધીરજપૂર્વક તથા કાળજીપૂર્વકના ઉપદેશ વડે કર.
3 એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહિ સાંભળે. પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાના માટે ભેગા કરશે. 4 લોકો સત્ય તરફ આડા કાન કરશે. કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરું કરશે. 5 પરંતુ હર ઘડીએ તું સર્વ બાબતોમાં સાવધ રહેજે. જ્યારે મુસીબતો આવે ત્યારે તેઓને તું સ્વીકારી લેજે. સુવાર્તા પ્રચારનું કામ કરતો રહેજે. દેવના સેવકની બધી જ ફરજો તું અદા કરી બતાવજે.
6 કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું. અને મારો પ્રયાણકાળ પાસે આવી ગયો છે. 7 હું સારી લડાઇ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. મેં વિશ્વાસ રાખ્યો છે. 8 હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે.
અંગત વાતો
9 જેમ બને એમ જલ્દી મારી પાસે આવવાનો તું પ્રયત્ન કરજે. 10 દેમાસે વર્તમાન દુનિયાને પુષ્કળ પ્રેમ કર્યો હતો. તેથી જ તો તે મને છોડીને ચાલ્યો ગયો છે. તે થેસ્સલોનિકા જતો રહ્યો છે અને ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે. અને તિતસ દલ્મતિયા ગયો છે. 11 હવે મારી સાથે ફક્ત લૂક જ રહ્યો છે. માર્કને શોધી કાઢજે અને તું આવે ત્યારે એને તારી સાથે લેતો આવજે. અહીંના મારા કાર્યમાં તે મને મદદ કરી શકે એવો છે. 12 મેં તુખિકસને એફેસસમાં મોકલ્યો છે.
13 હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે. અને મારાં પુસ્તકો પણ લાવજે. જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે.
14 આલેકસાંદર કંસારાએ મારું ઘણું નુકશાન કર્યુ છે. આલેકસાંદરના કુકર્મો બદલ પ્રભુ તેને શિક્ષા કરશે. 15 તું તે માણસથી ચેતતો રહેજે જેથી તે તને પણ આઘાત ન આપે. તેણે આપણા ઉપદેશની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે.
16 પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો, ત્યારે મને કોઈએ મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે. 17 પરંતુ પ્રભુ મારાં પક્ષમાં ઊભો રહ્યો. બિન-યહૂદિઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું એ માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિનયહૂદિઓ તે સુવાર્તા સાંભળે એવી પ્રભુની ઈચ્છા હતી. સિંહ નાં મોઢાંમાથી મને બચાવી લેવામાં આવ્યો. 18 જ્યારે કોઇ પણ વ્યક્તિ મને ઇજા કરવાનો પ્રયત્ન કરશે ત્યારે પ્રભુ મારો બચાવ કરશે. પ્રભુ મને તેના સ્વર્ગીય રાજ્યમાં સુરક્ષિત રીતે લઈ જશે. પ્રભુનો મહિમા સર્વકાળ હો.
અંતિમ શુભેચ્છા
19 પ્રિસ્કી અને અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબને મારા તરફથી ક્ષેમકુશળ કહેજે. 20 એરાસ્તસ કરિંથમાં રહ્યો અને મેં ત્રોફિમસને બિમાર હતો તેથી મિલેતસમાં રાખ્યો છે. 21 શિયાળા પહેલાં તું મારી પાસે આવી પહોંચે એવો પ્રયત્ન કરજે.
યુબૂલસ તને ક્ષેમકુશળ કહે છે. વળી પુદેન્સ, લિનસ, કલોદિયા, અને ખ્રિસ્તમાં સર્વ
22 ભાઈઓ તને ક્ષેમકુશળ કહે છે. પ્રભુ તારા આત્માની સાથે થાઓ. તારા પર કૃપા થાઓ.
7 યહોવા કહે છે,
“હું જ્યારે ઇસ્રાએલનાં ઘા ને મટાડવા ઇચ્છતો હતો,
ત્યારે સમરૂનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયા
અને એફ્રાઇમના પાપો ખુલ્લા થયા,
કારણકે તેઓ દગો કરે છે, ઘરોમાં ઘૂસી જાય છે અને શેરીઓમાં લૂટ ચલાવે છે.
2 લોકો કદી એવો વિચાર કરતા જ નથી કે, હું તેઓનું નિરીક્ષણ કરું છું.
તેઓના પાપમય કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે
અને હું તે સર્વ નિહાળું છું.
3 તેઓની દુષ્ટતામાં રાજા આનંદ અનુભવે છે
અને તેઓના જૂઠાણામાં સરદારો રીઝે છે.
4 તેઓ બધા જ વ્યભિચારીઓ છે;
તેઓ સળગતી ભઠ્ઠી જેવા છે
અથવા એ ભઠિયારા જેવા છે,
જે લોટને મસળે ત્યારથી
તેને ખમીર ચઢે
ત્યાં સુધી આગને સંકોરતા નથી.
5 આપણા રાજાના ઉત્સવનાં દિવસે રાજકુમારો મદિરાપાનથી ચકચૂર થઇ જાય છે.
પછી હાંસી ઉડાવનારાઓ સાથે
રાજા મદ્યપાન કરે છે.
6 કારણ ગુપ્ત યોજનાઓ બનાવતા
તેમના હૃદય ભઠ્ઠીની જેમ ઉત્તેજનાથી તપતા હોય છે.
આખી રાત તેમનો આવેશ બળતો રહે છે
અને સવારના તે આગનાં ભડકાઓમાં બદલાઇ જાય છે.
7 તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે,
ને પોતાના ન્યાયાધીશોને સ્વાહા કરી જાય છે,
તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે;
અને છતાં કોઇ મદદ માટે મારી પ્રાર્થના કરતું નથી.
ઇસ્રાએલ પોતાના વિનાશથી અજાણ
8 “ઇસ્રાએલના લોકો વિધર્મી પ્રજાઓ સાથે ભળે છે;
એ તો ફેરવ્યા વગરની અધકચરી શેકાયેલી ભાખરી જેવા છે.
9 વિદેશીઓના દેવોની સેવા કરવાથી તેઓનું સાર્મથ્ય હણાઇ જાય છે.
છતાં તેની ખબર એમને પડતી નથી.
તેમના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી કે,
તેઓ કેટલા નબળા અને ઘરડા થઇ ગયા છે.
10 ઇસ્રાએલનું ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી પૂરે છે,
તેમ છતાં એ લોકો પોતાના
દેવ યહોવાને શરણે આવતા નથી કે,
નથી તેમને શોધવાનો પ્રયત્ન કરતા.
11 ઇસ્રાએલ મૂર્ખ કબૂતર જેવું બની ગયું, નિર્દોષ અને બુદ્ધિહીન,
કોઇવાર તે મિસરની મદદ માગે છે,
કોઇવાર તે અશ્શૂર તરફ મદદ માટે ફરે છે.
12 એ લોકો જ્યાં જશે
હું તેમના પર મારી જાળ પાથરીશ
અને પકડાયેલા પંખીઓની જેમ
તેમને નીચે જમીન પર ખેચી લાવીશ.
હું તેમને પ્રબોધકોએ જે શબ્દો કહ્યાં હતા તે પ્રમાણે સજા કરીશ.
13 વિપત્તિ તેઓને! કારણકે તેઓએ મને છોડી દીધો છે.
તેઓનો નાશ થશે! કેમકે તેઓએ મારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ છે.
હું તેઓને બચાવી લેવા ઇચ્છતો હતો,
પણ તેઓ મારા વિષે જૂઠ્ઠુ બોલ્યા છે.
14 તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી;
તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે.
અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે,
તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.
15 તેમને સજા કરનાર અને બળવાન બનાવનાર હું છું,
પણ તેઓ મને ઇજા કરવા યોજના કરે છે.
16 તેઓ પાછા આવે છે, પણ મહાન દેવ ભણી,
સ્વર્ગ ભણી જોવાને બદલે નિર્માલ્ય દેવો ભણી પાછા વળે છે.
તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ જેવા છે.
તેઓના સરદારો પોતાની તોછડી અવિવેકી જીભને કારણે
તેઓ શત્રુઓની તરવારનો ભોગ થઇ પડશે
અને મિસરના સર્વ લોકો તેઓની હાંસી ઉડાવશે.”
મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.
1 મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
તમે મારા આત્માને બચાવો.
3 હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
અને કેદારનાં તંબુઓમાં વસું છું.
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
હું ધરાઇ ગયો છું.
7 જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
મંદિર તરફ ચઢવા માટેનું ગીત.
1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
મને સહાય ક્યાંથી મળે?
2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
યહોવા પાસેથી મને સહાય મળે છે.
3 તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
4 જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
અને નિદ્રાવશ થતો નથી.
5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
યહોવા તમારા રક્ષક છે.
6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
8 તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
મંદિરે ચઢવાનું ગીત.
1 યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
2 અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
3 ફરી એક વખત યરૂશાલેમ
એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
4 ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
5 જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
6 યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
7 ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.
8 મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
તારામાં શાંતિ થાઓ.
9 યહોવા અમારા દેવના મંદિરને માટે
હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International