M’Cheyne Bible Reading Plan
લોકો તરફથી મંદિરના બાંધકામ માટે ભેટ-સોગાદો
29 ત્યારબાદ રાજા દાઉદે સમગ્ર સભાને ઉદૃેશીને કહ્યું, “દેવે મારા પુત્ર સુલેમાનને એકલાને જ પસંદ કર્યો છે, પણ તે હજી નાદાન છોકરો છે અને કામ મોટું છે, કારણકે, આ મંદિર માણસ માટે નથી પણ દેવ યહોવા માટે છે. 2 મેં મારી તમામ શકિત અનુસાર મારા દેવના મંદિર માટે તૈયારી રાખી છે. સોનાની વસ્તુઓ માટે, સોનું, ચાંદીની વસ્તુઓ માટે ચાંદી, કાંસાની વસ્તુઓ માટે કાંસા, લોખંડની વસ્તુઓ માટે લોખંડ, લાકડાની વસ્તુઓ માટે લાકડું, બેસાડવા માટે ગોમેદ પથ્થરો, જડાવકામ માટે દરેક જાતનાં રત્નો અને પુષ્કળ પ્રમાણમાં આરસપહાણ તૈયાર રાખ્યો છે. 3 તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારો ફાળો આપવા ઉપરાંત મારા ભંડારમાં જે કાઇં સોનું અને ચાંદી છે તે બધું હું મારા દેવના મંદિર માટે આપી દઉં છું. 4 લગભગ એકસો દશ ટન ઊંચી જાતનું સોનું, અને લગભગ 260 ટન ચોખ્ખી ચાંદી મંદિરની ભીંતોને ઢાંકવા; 5 અને કારીગરો જે વસ્તુઓ બનાવવાના છે તેને મઢવા આપી દઉં છું. હવે તમારામાંથી કોણ યહોવાને માટે છૂટે હાથે આપવા ઇચ્છે છે?”
6 ત્યારે કુટુંબોના વડાઓ, ઇસ્રાએલના કુલસમૂહોના આગેવાનો, હજાર હજારના અને સો સો ના નાયકો, 7 અને રાજાની મિલકતના વહીવટદારોએ દેવના મંદિરનાં કાર્ય માટે રાજીખુશીથી 190 ટન સોનું, 5,000 સિક્કા 375 ટનથી વધારે ચાંદી, 675 ટનથી વધારે કાંસા અને આશરે 3,750 ટન લોખંડ આપવાની તૈયારી બતાવી. 8 વળી, જેમની પાસે રત્નો હતા તેમણે રત્નો યહોવાના મંદિરના ભંડારને આપી દીધાં. એનો વહીવટ ગેશોર્નનો વંશજ યહીએલ કરતો હતો. 9 આ લોકોએ યહોવાને માટે ઉદાર મનથી અને હોંશે હોંશે આપ્યું અને એ જોઇને સૌ કોઇને ખૂબ આનંદ થયો અને રાજા દાઉદ પણ પ્રસન્ન થયો.
દાઉદની સુંદર પ્રાર્થના
10 સર્વ ઉપસ્થિત સભાજનો સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ અને પ્રાર્થના કરતાં કહ્યું,
“યહોવા અમારા પૂર્વજ ઇસ્રાએલના દેવ
તમારી સદા સર્વદા સ્તુતિ હો!
11 યહોવા તમે જ મહાન, શકિતશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી દેવ છો.
આ પૃથ્વી પર અને આકાશમાં જે કઇં છે તે સર્વ તમારું છે.
અને એ બધાં પર તમારી જ સત્તા સવોર્પરી છે,
યહોવા તમે સર્વ રાજ્યોની પર છો.
12 ધન અને યશ આપનાર તમે જ છો,
તમે જ સર્વ પ્રજા પર શાસન કરનાર છો.
અને સાર્મથ્ય અને સત્તા તમારા હાથમાં જ છે;
તમે જ સૌને માનપાન અને શકિત પ્રદાન કરો છો,
13 અને અત્યારે, હે અમારા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ,
અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.
14 પરંતુ આ પ્રમાણે દાન કરનાર હું કે મારી પ્રજા કોણ?
કારણકે સર્વસ્વ તમારું જ છે.
અને તમારા તરફથી જ મળેલું છે જે અમે તમને આપીએ છીએ.
15 કારણકે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ યાત્રી છીએ,
આ ભૂમિ પર અમારું જીવન પડછાયા જેવું છે.
જેની આગળ અમે કઇ પણ જોઇ શકતા નથી.
16 હે અમારા દેવ યહોવા, તમારા પવિત્ર નામ માટે મંદિર બાંધવા
અમે ભેગી કરેલી બધી સંપત્તિ
તમારા તરફથી મળેલી છે,
એ બધું તમારું જ છે.
17 હું જાણું છું, મારા દેવ કે તમે અંતરને તપાસો છો,
અને ખરા મનની સચ્ચાઇ તમને ગમે છે,
અને આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યુ છે.
અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકો
તમને સ્વેચ્છાએ ભેટ-સોગાદો અપેર્ છે
તે જોઇને મને આનંદ થાય છે.
18 હે યહોવા અમારા પિતૃઓ ઇબ્રાહિમ,
ઇસહાક અને ઇસ્રાએલના દેવ,
તમારા લોકોનાં હૃદયમાં આવી ભકિત સદા ઢ રાખો
અને તેમના હૃદયને તમારા પ્રત્યે સમર્પિત રાખશે.
19 મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે
તમારી બધી જ આજ્ઞાઓ,
વિધિઓ અને નિયમોનું નિષ્ઠાપૂર્વક અનુસરણ કરે,
અને જેને માટે મેં આ બધી તૈયારી કરી છે તે મંદિર બાંધે.”
20 યારબાદ દાઉદે સર્વ લોકોને જણાવ્યું, “યહોવા તમારા દેવની સ્તુતિ કરો!” અને લોકોએ યહોવા તેમના પૂર્વજના દેવ સમક્ષ નમીને તેમની સ્તુતિ કરી અને રાજાનું સન્માન કર્યુ.
રાજા બનતો સુલેમાન
21 બીજે દિવસે યહોવાના માટે તેઓએ 1,000 બળદો, 1,000 ઘેટાં અને 1,000 બકરાંઓનું યજ્ઞબલિ આપ્યું અને તેઓએ પેયાર્પણ પણ કર્યું, તેમણે બધા ઇસ્રાએલીઓ વતી ઘણી બલીઓ આપી. 22 પછી, તે દિવસે, યહોવા સમક્ષ ખાંધુપીધું, ને તેમણે ખૂબ આનંદ કર્યો.
ત્યારબાદ તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાને નામે શાસક તરીકે અને સાદોકને યહોવાના ઉચ્ચ યાજક તરીકે અભિષેક કર્યો.
23 આમ, સુલેમાન પોતાના પિતા દાઉદ પછી યહોવાએ સ્થાપેલી રાજગાદી પર આવ્યો. તેણે સફળતાપૂર્વક રાજ્ય કર્યુ. અને સમગ્ર ઇસ્રાએલે તેની આજ્ઞા માથે ચઢાવી. 24 તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમજ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના સમ લીધાં 25 યહોવાએ સુલેમાનને ઇસ્રાએલની નજરમાં ખૂબ મોટો કર્યો અને ઇસ્રાએલના કોઇ પણ રાજાએ પહેલાં કદીય ભોગવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી.
દાઉદનું મૃત્યુ
26 યશાઇ પુત્ર દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર શાસન કર્યું. 27 ઇસ્રાએલ પર તેનું રાજ્ય ચાળીસ વર્ષ ચાલ્યું; હેબ્રોનમાંથી તેણે સાત વર્ષ અને યરૂશાલેમમાંથી તેત્રીસ વર્ષ રાજ્ય કર્યુ હતું. 28 તેણે સંપત્તિ અને સન્માન સાથે દીર્ધાયુ ભોગવી ખૂબ મોટી ઉંમરે દેહ છોડ્યો, અને તેના પુત્ર સુલેમાને તેના પછી શાસન કર્યું.
29 રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી ષ્ટા શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના ગ્રંથોમાં નોંધેલાઁ છે. 30 આ લખાણ બતાવે છે કે તેણે કેવી રીતે રાજ્ય કર્યુ, તેણે અદભૂત કાર્યો કર્યા, અને તેના ઉપર, ઇસ્રાએલ પર અને જગતના બધાં રાજ્યો પર શું શું વિત્યું.
ઈસુનું આગમન થશે
3 મારા મિત્રો, તમને લખેલ મારો આ બીજો પત્ર છે. તમારા પ્રામાણિક માનસને કઈક સ્મરણ કરાવવા મેં બંને પત્રો તમને લખ્યા છે. 2 પવિત્ર પ્રબોધકોએ ભૂતકાળમાં જે વાણી ઉચ્ચારેલી તેનું હું તમને સ્મરણ કરાવવા ઈચ્છું છું. અને આપણા પ્રભુ અને તારનારે આપણને જે આજ્ઞા આપેલી તેનું પણ સ્મરણ કરાવવા ઈચ્છું છું. તમારા પ્રેરિતો દ્ધારા તે અમને આપી હતી.
3 અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે. 4 એ લોકો કહેશે કે, “તેણે આગમનનું વચન આપ્યું હતું. તે ક્યા છે? આપણા પૂર્વજો અવસાન પામ્યા. પરંતુ દુનિયા તો જે રીતે તેનું સર્જન કરવામાં આવ્યું ત્યારે હતી તે જ રીતે ચાલુ છે.”
5 પરંતુ ઘણા લાબાં સમય પહેલા જે બન્યું હતું તેને તે લોકો યાદ રાખવા માગતા નથી. આકાશ ત્યાં હતું, અને દેવે પાણી વડે પાણીમાંથી પૃથ્વીનું સર્જન કર્યુ. આ બધું જ દેવના વચન દ્વારા બન્યું. 6 પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું. 7 અને અત્યારે દેવનું તે જ વચન આકાશ અને પૃથ્વીને ટકાવી રાખે છે કે જે આપણી પાસે છે. આ પૃથ્વી અને આકાશ અગ્નિથી નાશ કરવા માટે ટકાવી રાખવામાં આવ્યા છે. પૃથ્વી અને આકાશ ન્યાયના દિવસ સુધી ટકાવી રખાશે અને પછી તેનો અને જેઓ દેવની વિરુંદ્ધ છે તે બધા જ લોકોનો નાશ થશે.
8 પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે. 9 પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે.
10 પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે. 11 અને મેં કહ્યું તે પ્રમાણે બધી વસ્તુઓનો વિનાશ થશે. તેથી તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ અને દેવની સેવા કરવી જોઈએ. 12 તમારે દેવના દિવસ માટે આતુરતાથી રાહ જોવી જોઈએ. અને તેને માટે ખૂબ જ ઈચ્છા રાખવી જોઈએ. જ્યારે એ દિવસ આવશે, ત્યારે આકાશ અગ્નિથી નાશ પામશે, અને આકાશમાંની બધી વસ્તુ ગરમીથી ઓગળી જશે. 13 પરંતુ દેવે આપણને એક વચન આપ્યું છે. અને તે વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની આપણે રાહ જોઈએ છીએ.
14 પ્રિય મિત્રો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છે. તેથી પાપહિન અને ક્ષતિહિન બનવા માટે શક્ય તેટલા વધારે પ્રયત્નશીલ રહો. દેવ સાથે શાંતિમાં રહેવાને યત્ન કરો. 15 યાદ રાખો કે આપણો પ્રભુ ધીરજવાન હોવાથી આપણું તારણ થયું છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ દેવે તેને આપેલી બુદ્ધીથી તમને આ જ બાબત લખી હતી. 16 પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે. તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો[a] ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે.
17 પ્રિય મિત્રો, તમે આ બધીજ વાતો અગાઉથી જાણો છો. તેથી સાવધ રહો. તે અનિષ્ટ લોકોને તમને દુરાચારના માર્ગે દોરી ન જવા દો. સાવચેત રહો કે જેથી તમે તમારા સુદઢ વિશ્વાસમાંથી ચલિત ન થાવ. 18 પરંતુ આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન અને કૃપામા તમે વધતા જાઓ. તેને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો! આમીન.
યહોવા દેવની ફરિયાદ
6 હવે યહોવા શું કહે છે તે તમે સાંભળો:
“ઊઠ, ઊભો થા, અને ડુંગરો
અને પર્વતોને ફરિયાદ સાંભળવા માટે બોલાવ.
2 હે પર્વતો તથા પૃથ્વીના અચલ પાયાઓ,
તમે યહોવાની ફરિયાદ સાંભળો,
કારણકે તેમની ફરિયાદ પોતાના ઇસ્રાએલી લોકો વિરુદ્ધ છે,
તે તેઓની સામે કાયદેસરના પગલાં ભરશે.”
3 યહોવા કહે છે, “હે મારી પ્રજા, મેં તમને શું કર્યુ છે?
તમને કઇ રીતે દુ;ખ આપ્યું છે?
એનો મને જવાબ આપો.
4 હું તમને મિસરમાંથી બહાર લઇ આવ્યો,
મેં તમને ગુલામીમાંથી મુકત કર્યા
અને તમને દોરવણી આપવા માટે મેં મૂસાને,
હારુનને અને મરિયમને મોકલ્યાં હતાં.
5 હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી,
અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો?
યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું,
જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”
દેવ આપણી પાસે શું માગે છે?
6 હું જ્યારે પરાત્પર દેવની ઉપાસના કરવા આવું ત્યારે સાથે શું લેતો આવું?
એક વર્ષના વાછરડાઓનાં અર્પણ સાથે શું અમે યહોવાની સમક્ષ નમન કરીએ?
ના, એમ નહિ!
7 જો તમે હજારો ઘેટાં અને 10,000 કરતાં વધારે જૈતતેલની નદીઓનું તેમને અર્પણ કરો,
તો શું તે રાજી થશે?
શું તેનાથી તેને સંતોષ થશે?
શું હું મારા પ્રથમ જન્મેલા બાળકનું મારા આત્માના પાપ માટે બલિદાન કરું?
મારા અપરાધો માટે મારું પોતાનું શરીર ફળ ભોગવશે.
8 ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે.
અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે,
ફકત તમે ન્યાય આચરો,
દયાભાવને ચાહો
અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.
ઇસ્રાએલના લોકો શું કરી રહ્યાં હતા?
9 યરૂશાલેમના સર્વ રહેવાસીઓને યહોવા બોલાવે છે;
“જેઓ ખરેખર શાણા છે તે તમારા નામથી બીશે.
સજાના દંડ ઉપર અને તેની નિમણૂંક કરનાર ઉપર ધ્યાન આપો.
10 શું દુષ્ટોના ઘરોમાં પાપનો પૈસો
અને તિરસ્કારપાત્ર ખોટાં માપ પડેલાં છે?
11 ખોટા ત્રાજવાં અને ઠગારા કાટલાં
વાપરનાર માણસને હું કેવી રીતે ઓળખું?
12 તમારા ધનવાનો ક્રૂર હોય છે.
અને તમારા રહેવાસીઓ જૂઠું બોલે છે
અને છેતરનારી જીભ તેમના મોઢાંમાં જ રહેતી હોય છે.
13 આથી મેં તમને સજા કરવાનું શરું કર્યુ છે
અને હું તમને તમારા પાપોને લીધે ગમગીન બનાવી દઇશ.
14 તમે ખાશો પણ સંતોષ નહિ પામો;
ભૂખ્યા જ રહેશો, તમે બચવાના ઘણા પ્રયત્નો કરશો,
પણ સફળ નહિ થાઓ. તમે જે કંઇ બચાવશો તે હું,
જેઓએ તમને હરાવ્યા છે તેમને સોંપી દઇશ.
15 તમે વાવશો
પરંતુ તમે ધાનની કાપણી કરી શકશો નહિ,
તમે જૈતફળોને પીલીને તેલ કાઢશો છતાં
તમારા અંગ ઉપર
પૂરતું તેલ ચોપડવા પામશો નહિ,
તમે દ્રાક્ષા ખીલવશો પણ તેમાંથી દ્રાક્ષારસ પી શકશો નહિ.
16 તમે રાજા ઓમરી
અને તેના વંશજ આહાબના કુરિવાજો પાળ્યા છે,
તમે તેમને પગલે ચાલ્યાં છો,
તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ;
તમારા લોકો હાંસી પાત્ર બની જશે
અને સૌ કોઇ તમારું અપમાન કરશે.”
આકાશમાં આનંદ
(માથ. 18:12-14)
15 ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા. 2 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!”
3 પછી ઈસુએ તેઓને આ વાર્તા કહી: 4 “ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે. 5 અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે. 6 તે તેના મિત્રો અને પાડોશીઓ પાસે જાય છે અને તેઓને કહે છે; ‘મારી સાથે આનંદ કરો, કારણ કે મને મારું ખોવાયેલું ઘેટું જડ્યું છે.’ 7 એ જ પ્રમાણે, હું તમને કહું છું, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં વધારે આનંદ થાય છે. જે 99 સારા લોકો જેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેઓનાં કરતાં જો એક પાપી પસ્તાવો કરે છે તો તેથી વધારે આનંદ થાય છે.
8 “ધારોકે એક સ્ત્રી પાસે દસ ચાંદીના સિક્કા છે, પણ તે તેઓમાંનો એક ખોવાઇ જાય છે. તે સ્ત્રી દીવો લઈને ઘર સાફ કરશે. જ્યાં સુધી તે સિક્કો નહિ મળે ત્યાં સુધી તે કાળજીપૂર્વક તેની શોધ કરશે. 9 અને જ્યારે તેને ખોવાયેલો સિક્કો જડે છે, ત્યારે તે તેના મિત્રો અને પડોશીઓને બોલાવશે અને તેઓને કહેશે, ‘મારી સાથે આનંદ કરો કારણ કે મને મારો ખોવાએલો સિક્કો જડી ગયો છે.’ 10 તે જ પ્રમાણે, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે દેવના દૂતો આનંદ કરે છે.”
ગૃહત્યાગ કરનારો દીકરો
11 પછી ઈસુએ કહ્યું, “એક માણસને બે દીકરા હતા. 12 નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે, ‘પિતા, મને સંપતિનો મારો ભાગ આપ!’ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી.
13 “પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા. 14 તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું. તે પછી તરત જ, જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ. તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું. તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી. 15 તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો. 16 તે છોકરો એટલો બધો ભૂખ્યો હતો કે જે ખોરાક ભૂંડો ખાતા હતા તે ખાવાની તેને ઈચ્છા થઈ. પરંતુ કોઈ પણ માણસે તેને કંઈ પણ આપ્યું નહિ.
17 “તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી. 18 હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે. 19 હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ મને તારા નોકરોમાંનો એકના જેવો ગણ.’ 20 પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો.
પુત્રનું પાછા ફરવું
“જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી. 21 પુત્રએ કહ્યું, ‘પિતા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યુ છે. હું તારો દીકરો કહેવાવાને જેટલો સારો નથી.’
22 “પણ પિતાએ નોકરોને કહ્યું, ‘જલદી કરો! સારામાં સારાં કપડાં લાવો અને તેને પહેરાવો. અને તેની આંગળીએ વીંટી પહેરાઓ અને પગમાં જોડા પહેરાવો. 23 એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું. 24 મારો દીકરો મરી ગયો હતો, પણ હવે તે ફરીથી જીવતો થયો છે! તે ખોવાઇ ગયો હતો, પણ હમણા તે જડ્યો છે!’ તેથી તેઓએ મોટી મિજબાની કરી.
મોટા દીકરાનું આગમન
25 “મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતાં ઘર નજીક આવી પહોંચ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો. 26 તેથી મોટા દીકરાએ નોકરમાંથી એકને બોલાવીને પૂછયું; ‘આ બધું શું છે?’ 27 નોકરે કહ્યું, ‘તારો ભાઈ પાછો આવ્યો છે. તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે. તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે.’
28 “મોટો દીકરો ગુસ્સામાં હતો અને મિજબાનીમાં જવા રાજી નહોતો. તેથી તેનો પિતા બહાર આવ્યો અને તેને અંદર આવવા કહ્યું. 29 પુત્રએ તેના પિતાને કહ્યું, ‘મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે! મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યુ છે. પણ તેં કદાપિ મારા માટે એક વાછરડું પણ કાપ્યું નથી. તેં કદાપિ મને કે મારા મિત્રોને મિજબાની આપી નથી. 30 પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તું તેને માટે એક રુંષ્ટપુષ્ટ વાછરડું કપાવે છે?’
31 “પણ પિતાએ તેને કહ્યું ‘દીકરા, તું હંમેશા મારી સાથે છે, મારી પાસે જે બધું છે તે તારું જ છે. 32 આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ, કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો જડ્યો છે.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International