M’Cheyne Bible Reading Plan
રાજા અમાસ્યાનો અમલ અને મૂર્તિપૂજા
25 અમાસ્યા ગાદી પર આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ યહોઆદાન હતું અને તે યરૂશાલેમની હતી. 2 તેણે યહોવાની ષ્ટિએ જે યોગ્ય હતું તે કર્યું. પણ હંમેશા તે પૂરા હૃદયથી તેમ કરતો ન હતો. 3 રાજા તરીકે તે સ્થિર થયો ત્યારે તેણે પોતાના પિતાના ખૂનીઓને મારી નાખ્યા. 4 જો કે તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યા નહિ, મૂસાના નિયમમાં લખેલી દેવની આજ્ઞાને તે આધીન થયો, “બાળકોના પાપોને કારણે પિતા માર્યા ન જાય, અને પિતાના પાપોને કારણે બાળકો માર્યા ન જાય, પ્રત્યેક પોતાનાં પાપની શિક્ષા ભોગવે છે.”
5 ત્યારબાદ અમાસ્યાએ રાજ્યના બધા લોકોને- યહૂદાના તેમજ બિન્યામીનના વંશના લોકોને ભેગા કર્યા, અને તેમને કુટુંબવાર હજાર હજારના અને સો સોના નાયકો નીચે ગોઠવી દીધા. 20 વરસના અને તેની ઉપરનાની તેણે ગણતરી કરી તો 3,00,000 ચુનંદા યોદ્ધાઓ થયા. તેઓ બધા ઢાલ અને ભાલાથી યુદ્ધ કરવાને સજ્જ હતા. 6 એ પછી તેણે ઇસ્રાએલમાંથી 1,00,000 શૂરવીરોને 3,400 કિલો ચાંદી આપવાની કહીને ભાડે રાખ્યા. 7 પણ એવામાં એક દેવના માણસે આવીને તેને કહ્યું, “મહારાજ, ઇસ્રાએલી સૈનાને તમારી સાથે આવવા ન દેશો, કારણ એ એફ્રાઇમીઓ સાથે યહોવા નથી. 8 એ લોકો જો તમારી સાથે આવશે, તો તમે ગમે તેટલી ધીરતાપૂર્વક લડશો, તો પણ દેવ તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કારણ, જયપરાજય આપવો એ એના હાથની વાત છે.” 9 અમાસ્યાએ કહ્યું, “પણ મેં જે ચાંદી આપી છે તેનું શું?” દેવના માણસે ઉત્તર આપ્યો, “યહોવા તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે.”
10 આથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેમને જુદા પાડીને ઘેર પાછા મોકલી દીધા. એ લોકો યહૂદા પર ભારે રોષે ભરાયા અને ધૂંધવાતા ધૂંધવાતા ઘેર ગયા.
11 ત્યારપછી અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઇ ગયો અને ત્યાં તેણે અદોમના 10,000 માણસોને કાપી નાખ્યા. 12 યહૂદાના માણસોએ બીજા 10,000ને જીવતા કેદ પકડ્યા અને તેમને ખડકની ટોચે લાવી ત્યાંથી હડસેલી મૂક્યા. આથી તેમના બધાના ટુકડે ટુકડા થઇ ગયા. નીચેની ખડકો ઉપર પછડાઇને તેઓ મૃત્યુ પામ્યા.
13 આ દરમ્યાન ઇસ્રાએલના જે સૈન્યને ઘેર મોકલી દીધું હતું, તેઓએ બેથ-હોરોનથી સમરૂન સુધીના યહૂદાના શહેરોમાં લૂંટ ચલાવી. તેઓ 3,000 માણસોને મારી નાખીને, મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.
14 અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો આવ્યો અને જે અદોમીઓના પૂતળાં સાથે લઇ આવ્યો હતો, તેની તેણે પોતાના દેવો તરીકે સ્થાપના કરી, પછી તેણે તેની પૂજા કરવાનું અને તેમની સામે ધૂપ બાળવાનું શરૂ કર્યું. 15 આથી યહોવા તેના ઉપર ખૂબ કોપાયમાન થયા અને તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “તમે એ લોકોના દેવો પાસેથી સલાહ શા માટે લીધી જે દેવો પોતાના માણસોને પણ તમારા હાથમાંથી બચાવી શક્યા નહોતા?”
16 પરંતુ રાજાએ ગુસ્સે થઇને કહ્યું, “મેં તારી સલાહ ક્યાં માંગી છે? ચૂપ રહે, નહિ તો હું તને મારી નાખીશ.” પ્રબોધકે જતાં જતાં ચેતવણી આપી, “હું જાણું છું કે, દેવે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે તેઁ આ મૂર્તિઓની પૂજા કરી છે, અને મારી સલાહ માની નથી.”
17 એ પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલી કહેવડાવ્યું કે, “ચાલો, આપણે મોઢા મોઢ મળીએ.”
18 પછી ઇસ્રાએલના રાજા યહોઆશે (યોઆશે) એમ કહીને વળતો જવાબ મોકલ્યો કે, “લબાનોનના એક નાનકડાં જાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રી પરણાવ.’ પણ લબાનોનના એક જંગલી પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા જાંખરાને પોતાના પગ તળે કચડી નાંખ્યુ. 19 ‘મેં અદોમ સર કર્યુ છે’ એમ તું કહે છે, અને તેથી તારું મગજ ફાટી ગયું છે. અદોમ ઉપર વિજય મળવાથી તું ઘણો અભિમાની થઇ ગયો છે, પણ મારી સલાહ છે કે, તું તારે ઘેર રહે અને મારી સાથે યુદ્ધ કરીશ નહિ, રખેને તું અને સમગ્ર યહૂદા ભારે નુકશાન વહોરી લો.”
20 પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. કારણકે તેઓ અદોમના દેવને ભજતા હતા. લડાઇમાં યહૂદા હારી જાય એમ દેવ ઇચ્છતા હતા. તેથી જ તેમણે અમાસ્યાને ઇસ્રાએલ સામે લડાવ્યો. 21 માટે ઇસ્રાએલના રાજા યોઆશે ચઢાઇ કરી; અને તે તથા યહૂદાનો રાજા અમાસ્યા યહૂદાના બેથશેમેશમાં એકબીજાને સામસામે મળ્યા. 22 યહૂદાના માણસો ઇસ્રાએલના માણસોથી હારીને પોતપોતાને ઘેર ભાગી ગયા. 23 પણ ઇસ્રાએલનો રાજા યોઆશ યહૂદાના હારી ગયેલા રાજા અમાસ્યાને કેદ કરીને યરૂશાલેમ લઇ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો 200 હાથ જેટલો યરૂશાલેમનો કોટ તોડી નંખાવ્યો. 24 વળી દેવના મંદિરમાંથી જે બધું સોનું-ચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં, તે લઇને તે સમરૂન પાછો ફર્યો. આ બધી વસ્તુઓ ઓબેદ-એદોમના તાબામાં હતી-તે રાજાના મહેલમાંથી પણ સંપત્તિ લઇ આવ્યો હતો અને થોડા કેદીઓને પણ સમરૂન પાછા લાવ્યો હતો.
25 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યહોઆશના મૃત્યુ પછી યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા 15 વર્ષ જીવ્યો. 26 અમાસ્યાનાં બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના તથા ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં નોંધેલા છે. 27 અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતાં અવળે માર્ગે ચાલવા લાગ્યો તે સમયથી યરૂશાલેમમાં લોકોએ તેની વિરૂદ્ધ બંડ કર્યુ. તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો. 28 ત્યારબાદ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરૂશાલેમ લાવવામાં આવ્યો અને ત્યાં દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.
સ્ત્રી અને અજગર
12 અને પછી આકાશમાં એક મોટું આશ્ચર્ય દેખાયું ત્યાં એક સ્ત્રી હતી, જે સૂર્યથી વેષ્ટિત હતી. ચંદ્ર તેના પગ નીચે હતો. તેના માથા પર બાર તારાવાળો મુગટ હતો. 2 તે સ્ત્રી ગર્ભવતી હતી. તેણે પીડા સાથે બૂમ પાડી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.
3 પછી આકાશમાં બીજુ એક ચિન્હ દેખાયું: ત્યા એક મોટો લાલ અજગર હતો. તે અજગરને સાત માથાં પર સાત મુગટ, દરેક માથાં પર એક મુગટ હતો. તે અજગરને દસ શિંગડા પણ હતાં. 4 તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો. તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી.
5 તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, તે તમામ દેશો પર લોઢાનાં દંડથી રાજ કરશે. અને તેના બાળકને દેવ પાસે અને તે ના રાજ્યાસન પાસે લઈ જવામા આવ્યો હતો. 6 તે સ્ત્રી અરણ્યમાં એક જગ્યા જે દેવે તેના માટે તૈયાર કરી હતી, ત્યાં નાસી ગઈ. ત્યાં અરણ્ય માં 1,260 દિવસો સુધી તેની સંભાળ રાખવામાં આવશે.
7 પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા. 8 પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું. 9 તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.
10 પછી મેં આકાશમાં મોટા સાદે વાણીને કહેતા સાંભળી કે, “હવે તારણ અને પરાક્રમ અને અમારા દેવનું રાજ્ય અને તેના ખ્રિસ્તની સત્તા આવ્યાં છે; આ વસ્તુઓ આવી છે કારણ કે અમારા ભાઇઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકી દેવામાં આવ્યો છે. 11 અમારા ભાઈઓએ તેને હલવાનના રક્તથી અને સાક્ષીઓના વચનથી હરાવ્યો છે. તેઓ પોતાના જીવનને વધારે વહાલું ગણતા નહિ. તેઓ મૃત્યુથી ડરતા નહોતા. 12 તેથી તે બધા જે ત્યાં રહે છે તે સુખી થાઓ. પરંતુ પૃથ્વી અને સમુદ્ર માટે તે ખરાબ થશે કારણ કે શેતાન તમારી પાસે નીચે ઉતરી આવ્યો છે. તે શેતાન ક્રોધથી ભરેલો છે. તે જાણે છે તેની પાસે હવે વધારે સમય રહ્યો નથી.”
13 તે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. તેથી તે, સ્ત્રીની પાછળ ગયો જેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. 14 પરંતુ તે સ્ત્રીને મોટા ગરૂડની બે પાંખો આપવામાં આવી હતી જેથી તે તે સ્થળેથી ઊડીને અરણ્યમાં જઇ શકે જ્યાં તેના માટે જગા તૈયાર કરવામાં આવી હતી. તે સ્થળેથી તેની સંભાળ સાડા ત્રણ વર્ષ સુધી રાખવામાં આવે છે. અજગર તેની પાસે પહોંચી શકે નહિં. 15 પછી તે અજગરે તેના મોંઢામાથી નદીની જેમ પાણી બહાર કાઢ્યું તે અજગરે તે સ્ત્રીના તરફ પાણી કાઢ્યું તેથી પૂર તેને દૂર તાણી જાય. 16 પરંતુ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી. પૃથ્વીએ તેનું મોં ખોલ્યું અને નદીને ગળી ગઈ જે અજગરના મુખમાંથી નીકળતી હતી. 17 પછી અજગર તે સ્ત્રી પર ઘણો ગુસ્સે થયો હતો. તે અજગર તેનાં બીજા બાળકો સામે યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યો. (જે દેવની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઈસુએ જે ઉપદેશ આપ્યો છે તેના સત્યને વળગી રહે છે, તે લોકો તેનાં બાળકો છે.)
18 તે મોટો અજગર સમુદ્રકિનારે ઊભો રહ્યો.
યરૂશાલેમ આશીર્વાદિત થશે
8 ફરીથી સૈન્યોનો દેવ યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “મને યરૂશાલેમ પ્રત્યે એકનિષ્ઠ પ્રેમ છે, અને તેથી હું ખૂબ રોષે ભરાયો છું. 3 હવે યહોવા આ પ્રમાણે કહે છે; હું સિયોનમાં પાછો આવ્યો છું. અને હું યરૂશાલેમમાં રહીશ અને યરૂશાલેમ ‘સત્યનું નગર કહેવાશે’ અને સૈન્યોનો દેવ યહોવાનો ‘પવિત્રપર્વત’ કહેવાશે.”
4 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “યરૂશાલેમમાં ફરીથી તેની શેરીઓમાં વૃદ્ધ પુરૂષો અને સ્ત્રીઓ ચાલશે તેઓને ચાલવા માટે લાકડીની જરૂર પડશે, કારણ કે તેઓ લાંબો સમય જીવશે. 5 રમતાં છોકરાઓ અને છોકરીઓથી નગરની શેરીઓ ભરાઇ જશે.” 6 સૈન્યોનો દેવ યહોવા કહે છે; “જો પ્રજાના બચેલા લોકોને એમ લાગે કે આ આ અદૃભૂત છે, તો મને પણ એમ લાગે છે કે તે અદ્ભૂત છે.”
7 જુઓ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ; 8 યરૂશાલેમમાં શાંતિથી રહેવા માટે હું તેઓને ફરી પાછા ઘરે લાવીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો સત્યથી તથા ન્યાયી દેવ થઇશ.”
9 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હિંમત રાખો! મારા મંદિરનો પાયો નંખાયો અને બાંધકામ શરૂ થયું ત્યારે હાજર હતા તે પ્રબોધકોને મુખેથી તમે જે વચનો સાંભળ્યાં હતા તે આજે પણ પાળો છો. 10 તે સમય પહેલાં કોઇ માણસને કે પશુને મજૂરીએ રાખી શકાતું નહોતું. અને શત્રુની બીકે કોઇ સહીસલામત રીતે હરીફરી શકતું નહોતું. મેં માણસોને એકબીજાના દુશ્મન બનાવી દીધા હતા. 11 પણ હવે હું એ લોકોમાંના બચવા પામેલા માણસો સાથે પહેલાની જેમ નહિ વર્તું.” એવુ યહોવા કહે છે.
12 “હવે હું તમારી મધ્યે શાંતિ અને સમૃદ્ધિ લાવીશ. તમારાં ખેતરોમાં વધારે અનાજ પાકશે, દ્રાક્ષાવેલાઓ દ્રાક્ષાથી લચી પડશે. ઘણાં વરસાદને લીધે જમીન વધારે ફળદ્રુપ થશે. આ સર્વ આશીર્વાદો બાકી રહેલા લોકોને આપવામાં આવશે. 13 હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.”
14 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો એ માટે તેઓ પર મેં દયા દર્શાવી નહિ, તેથી મેં તેઓને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી. 15 પણ હવે અત્યારે યરૂશાલેમનું અને યહૂદિયાના વંશજોનું ફરી ભલું કરવાનું ધાર્યુ છે; માટે ડરશો નહિ, 16 તમારે આટલું કરવાનું છે; એકબીજા સાથે સાચું બોલો, અને અદાલતમાં ખરો ન્યાય કરો અને શાંતિ જાળવો. 17 બીજાઓને નુકસાન કરવાની યોજનાઓ કરશો નહિ; અને કદી કોઇ જૂઠા સમ ખાવા નહિ; કારણ હું આ સર્વ કૃત્યોને ધિક્કારું છું,” એવું યહોવા કહે છે.
18 મને સૈન્યોનો દેવ યહોવાની વાણી આ મુજબ સંભળાઇ; 19 “ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનામાં તમે શોક પાળો છો પણ તમે યહૂદિયાના વંશજોએ સત્ય અને શાંતિ પર પ્રેમ રાખવો જોઇએ; તો આ બધા સુખ અને આનંદોના પવોર્ બની જશે.”
20 સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે કે,
“અન્ય લોકો અને મહાનગરોના વતનીઓ પણ યરૂશાલેમ આવશે.
21 એક નગરના લોકો જઇને બીજા નગરના લોકોને કહેશે કે,
‘ચાલો આપણે જઇને યહોવાને પ્રાથીર્એ
અને સૈન્યોનો દેવ યહોવાનું શરણું સ્વીકારીએ,
અમે તો આ ચાલ્યા!’”
22 હા, ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો સૈન્યોનો દેવ યહોવાની શોધ કરવા યરૂશાલેમમાં આવશે અને તેમની કૃપા અને મદદ માટે વિનંતી કરશે. 23 સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે, “તે સમયે જુદા જુદા રાષ્ટ્રોના દશ માણસો એક જ યહૂદીનો ઝભ્ભો પકડશે અને કહેશે, અમને તમારી સાથે આવવા દો, કારણ, ‘અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે!’”
લાજરસનું મૃત્યુ
11 ત્યાં લાજરસ નામનો એક માણસ હતો જે માંદો હતો. તે બેથનિયાના ગામમાં રહેતો હતો. આ તે ગામ હતું જ્યાં મરિયમ તથા તેની બહેન માર્થા રહેતાં હતાં. 2 (મરિયમ એ જ સ્ત્રી છે જેણે પ્રભુ (ઈસુ) પર અત્તર છાંટયું હતું અને તેના પગ પોતાના વાળ વડે લૂછયા હતા,) મરિયમનો ભાઈ લાજરસ હતો, જે માણસ હવે માંદો હતો. 3 તેથી મરિયમ અને માર્થાએ ઈસુને કહેવા માટે એક વ્યક્તિને મોકલી, “પ્રભુ, તારો પ્રિય મિત્ર લાજરસ માંદો છે.”
4 જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.” 5 (ઈસુએ માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ રાખ્યો હતો.) 6 યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ માંદો છે ત્યારે પોતે જ્યાં હતો તે જ જગ્યાએ તે બે દિવસ વધારે રહ્યો. 7 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “આપણે પાછા યહૂદિયા ફરીથી જવું જોઈએ.”
8 શિષ્યોએ કહ્યું, “પણ રાબ્બી, યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું. હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે?”
9 ઈસુએ ઉત્તર આપ્યો, “ત્યાં દિવસના બાર કલાક પ્રકાશના હોય છે. ખરું ને? જો કોઈ વ્યક્તિ દિવસ દરમ્યાન ચાલે તો પછી તે ઠોકર ખાઈને પડતો નથી. શા માટે? કારણ કે તે આ જગતના પ્રકાશ વડે જોઈ શકે છે. 10 પણ જ્યારે વ્યક્તિ રાત્રી દરમ્યાન ચાલે છે, તે ઠોકર ખાય છે. શા માટે? કારણ કે તેને જોવા માટે મદદ કરનાર પ્રકાશ હોતો નથી.”
11 ઈસુએ આ વાતો કર્યા પછી તેણે કહ્યું, “આપણો મિત્ર લાજરસ હવે ઊંઘે છે. પણ હું તેને જગાડવા જઈશ.”
12 શિષ્યોએ કહ્યું, “પ્રભુ, પણ જો તે ઊંઘતો હશે તો તે સાજો થશે.” 13 ઈસુએ તો તેના મરણ વિષે કહ્યુ હતુ: પણ ઈસુના શિષ્યોને એવું લાગ્યું કે તેણે ઊઘમાં વિસામો લેવા વિષે કહ્યુ હતું.
14 તેથી ત્યાર બાદ ઈસુએ સ્પષ્ટ કહ્યું, “લાજરસ મૃત્યુ પામેલ છે. 15 અને મને આનંદ છે કે હું ત્યાં ન હતો. હું તમારી ખાતર પ્રસન્ન છું. કારણ કે હવે તમે મારામાં વિશ્વાસ કરશો. હવે આપણે તેની પાસે જઈશું.”
16 પછી થોમાએ (જે દિદુમસ કહેવાય છે) બીજા શિષ્યોને કહ્યું, “આપણે પણ જઈશું. આપણે યહૂદિયામાં ઈસુ સાથે મૃત્યુ પામીશું.”
બેથનિયામાં ઈસુ
17 ઈસુ બેથનિયામાં આવ્યો. ઈસુએ જોયું કે લાજરસ ખરેખર મૃત્યુ પામેલો છે અને ચાર દિવસથી કબરમાં છે. 18 બેથનિયા યરૂશાલેમથી બે માઈલ દૂર હતું. 19 ઘણા યહૂદિઓ માર્થા અને મરિયમ પાસે આવ્યા. યહૂદિઓ માર્થા અને મરિયમને તેમના ભાઈ લાજરસ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.
20 માર્થાએ સાંભળ્યું કે ઈસુ આવે છે. તે ઈસુને મળવા સામે ગઈ. પરંતુ મરિયમ ઘરે રહી. 21 માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ. 22 પરંતુ હું જાણું છું કે હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે.”
23 ઈસુએ કહ્યું, “તારો ભાઈ ઊઠશે અને તે ફરીથી જીવતો થશે.”
24 માર્થાએ ઉત્તર આપ્યો, “છેલ્લે દિવસે લોકો પુનરુંત્થાન (મરણમાંથી ઉઠશે) પામશે ત્યારે તે ફરીથી પાછો ઊઠશે. એ હું જાણું છું.”
25 ઈસુએ તેને કહ્યું, “હું પુનરુંત્થાન છું. હું જીવન છું. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેના મૃત્યુ પછી ફરીથી જીવન પ્રાપ્ત કરશે. 26 અને જે વ્યક્તિ જીવે છે અને વિશ્વાસ કરે છે તે ખરેખર કદી મૃત્યુ પામશે નહિ. માર્થા, શું તું એવો વિશ્વાસ કરે છે?”
27 માર્થાએ ઉત્તર આપ્યો, “હા, પ્રભુ. મને વિશ્વાસ છે કે તું ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. તું જે જગતમાં આવનાર તે જ છે.”
ઈસુ રડે છે
28 માર્થાએ આ બાબત કહી પછી તેની બહેન મરિયમ પાસે પાછી ગઈ. માર્થાએ એકલી મરિયમ સાથે વાત કરી. માર્થાએ કહ્યું, “ગુરુંજી (ઈસુ) અહીં છે. તે તને બોલાવે છે.” 29 જ્યારે મરિયમે આ સાંભળ્યુ, તે ઊભી થઈ અને ઝડપથી ઈસુ પાસે ગઈ. 30 ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો. 31 યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા. 32 મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
33 ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો. 34 ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?”
તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”
35 ઈસુ રડ્યો.
36 અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”
37 પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
ઈસુ લાજરસને ફરીથી સજીવન કરે છે
38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.
જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું. 39 ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”
માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ) ની બહેન હતી.
40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”
41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો. 42 હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”
43 ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!” 44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો.
ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”
ઈસુને મારી નાખવાની યહૂદિ આગેવાનોની યોજના
(માથ. 26:1-5; માર્ક 14:1-2; લૂ. 22:1-2)
45 ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો. 46 પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું. 47 પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે. 48 જો આપણે તેને આ ચમત્કારો કરવાનું ચાલુ રાખવા દઈશું, તો બધા લોકો તેનામાં વિશ્વાસ કરશે. પછી રોમનો આવશે અને આપણા મંદિર અને રાષ્ટ્રને લઈ લેશે.”
49 ત્યાં કાયાફા નામનો એક માણસ હતો. તે વરસે તે પ્રમુખ યાજક હતો. કાયાફાએ કહ્યું, “તમે લોકો કશું જાણતા નથી! 50 લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”
51 કાયાફાએ આ વિષે તેની જાતે આનો વિચાર કર્યો નહિ. તે વરસનો તે મુખ્ય યાજક હતો. તેથી તેણે ખરેખર ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદિઓના રાષ્ટ્ર માટે મૃત્યુ પામશે. 52 હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.
53 તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ. 54 તેથી ઈસુએ યહૂદિઓમાં આજુબાજુ જાહેરમાં ફરવાનું બંધ કર્યુ. ઈસુએ યરૂશાલેમ છોડ્યું અને રણની નજીકની જગ્યાએ ગયો. ઈસુ એફ્રાઈમ નામના શહેરમાં ગયો. ઈસુ ત્યાં તેના શિષ્યો સાથે રહ્યો.
55 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા. 56 લોકો ઈસુની શોધ કરી રહ્યા હતા. તેઓ મંદિરમાં ઊભા રહીને એકબીજાને પૂછતા હતા, “શું તે (ઈસુ) ઉત્સવમાં આવે છે? તમે શું ધારો છો?” 57 પરંતુ મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ વિષે ખાસ હુકમ આપ્યો હતો. તેઓએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુ ક્યાં છે તે જાણે તો તે માણસે તેઓને જણાવવું જોઈએ. પછી મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International