M’Cheyne Bible Reading Plan
19 યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો. 2 ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે; 3 જો કે તેં કેટલાંક સારાં કામો પણ કર્યા છે; તમે દેશમાંથી પૂજા-સ્તંભોનો નાશ કર્યો છે અને દેવની ઉપાસના કરવાનું મનથી ચાલુ રાખ્યું છે.”
યહોશાફાટ ન્યાયાધીશોને નીમ્યા
4 તેથી યહોશાફાટ ફરીથી ઇસ્રાએલ ગયો નહિ, પણ યરૂશાલેમમાં રહ્યો. પછીથી તેણે બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી મુસાફરી કરી અને તેઓના પિતૃઓનાં દેવનું ભજન કરવા ઉત્તેજન આપ્યું. 5 તેણે દેશમાં, એટલે યહૂદાના સર્વ કિલ્લેબંદી નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા. 6 અને તેમને કહ્યું, “પૂર્ણ વિચાર કરીને તમારી ફરજ બજાવજો, કારણ, તમે માણસને નામે નહિ પણ યહોવાને નામે ન્યાય કરો છો. તમે જ્યારે ચૂકાદો આપો છો ત્યારે યહોવા તમારી સાથે હોય છે. 7 માટે યહોવાથી ડરીને ચાલજો, જે કંઇ કરો તે સાવચેતીપૂર્વક કરજો, કારણ, યહોવા આપણો દેવ અન્યાય, પક્ષપાત અને લાંચ સહન કરતા નથી.”
8 ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા. 9 અને તેમને આ પ્રમાણે આદેશ આપ્યો, “તમારે યહોવાને માથે રાખીને વફાદારીથી અને પ્રામણિકપણે ફરજ બજાવવી. 10 બીજાં શહેરોમાં રહેતા બંધુઓમાંથી જે કોઇ ફરિયાદ, ઝઘડો આવે, પછી તે ખૂનમરકીને લગતો હોય કે નિયમો અને આજ્ઞાઓના ઉલ્લંધનનો હોય; તમારે લોકોને ચેતવણી આપવી કે, ખોટું કામ ન કરે અને તેઓને ન્યાયી નિર્ણય લેવા માટે સહાય કરવી; નહિ તો રખેને દેવનો કોપ તમારા ઉપર અને તેઓ પર ઉતરે. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમારી જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી શકશો અને તમે ગુનેગાર ઠરશો નહિ.
11 “બધી ધામિર્ક બાબતોમાં મુખ્ય યાજક અમાર્યા તમારા પ્રમુખ રહેશે અને રાજ્યને લગતી તમામ બાબતોમાં યહૂદાના વંશના વડા ઇશ્માએલના પુત્ર ઝબાદ્યા તમારા પ્રમુખ રહેશે. લેવીઓ તમારા ચિટનીસ તરીકે કામ કરશે, હિંમતપૂર્વક કામ લેજો; સત્ય અને પ્રામાણિકતાને વળગી રહો, નિર્દોષનું રક્ષણ કરવામાં દેવ તમારા પક્ષે રહેશે.”
યહોશાફાટે યુદ્ધનો સામનો કર્યો
20 કેટલાક સમય પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓએ કેટલાંક મેઉનીઓ સાથે મળીને યહૂદા પર આક્રમણ કર્યુ. 2 યહોશાફાટને ખબર મોકલાવી કે, “તમારી તરફ એક લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી આગળ વધી રહ્યું છે,” અને તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદી સુધી આવી પહોંચ્યા છે. 3 યહોશાફાટ ગભરાઇ ગયો અને તેણે યહોવાને પ્રાર્થના કરવાનો નિશ્ચય કર્યો. અને આખા યહૂદામાં ઉપવાસ જાહેર કર્યો. 4 બધા યહૂદાવાસીઓ યહોવાની મદદ માંગવા ભેગા થયા. 5 યરૂશાલેમમાં મળેલી યહૂદાના લોકોની સભામાં યહોશાફાટ યહોવાના મંદિરના નવા ચોક સામે ઊભો થયો. 6 અને બોલ્યો,
“હે યહોવા, અમારા પિતૃઓના દેવ, તું સ્વર્ગાધીપતિ છે અને બધી પ્રજાઓના રાજ્યો ઉપર તારી જ આણ પ્રવતેર્ છે. તારું બળ અને સાર્મથ્ય એવું છે કે કોઇ તારી સામે થઇ શકે તેમ નથી. 7 હે દેવ, તેં જ આ દેશના મૂળ વતનીઓને આ ભૂમિમાંથી હાંકી કાઢી, તારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને, તારા પોતાના લોકો ઇસ્રાએલીઓને એ આપી હતી. 8 તેઓ તેમાં વસ્યા અને તેમણે તારા નામ માટે એક મંદિર બાંધ્યું. 9 અને કહ્યું કે, ‘આ મંદિરમાં તારો વાસ છે. એટલે જો અમારા પર કોઇ આફત આવે- યુદ્ધ આવે કે પૂર આવે, રોગચાળો આવે કે દુકાળ આવે તો અમે આ મંદિરમાં તારી સમક્ષ ઊભા રહીને, એ સંકટ સમયે તને યાદ કરીશું અને તું અમારી પ્રાર્થના સાંભળી અમને બચાવી લેશે.’
10 “અને હવે જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ આવ્યા છે. અમે ઇસ્રાએલીઓ મિસરમાંથી આવતા હતા ત્યારે તમે અમને એ લોકોના દેશમાં દાખલ થવા દીધા નહોતા એટલે અમે એક તરફ વળી ગયા, અને એ લોકોનો નાશ ન કર્યો. 11 અને હવે જો, એ લોકોનો નાશ ન કર્યો, જો, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો, તેઓ અમને કેવો બદલો આપે છે! 12 હે અમારા દેવ યહોવા, તું તેમને સજા નહિ કરે? કારણ, અમે અમારા ઉપર આક્રમણ કરતા એ મોટા સૈન્ય આગળ લાચાર છીએ, શું કરવું એની અમને સમજ પડતી નથી, અમે તો તારા ઉપર આધાર રાખીએ છીએ.”
13 યહૂદાના બધા લોકો, નાનામોટાં બાળકો અને સ્રીઓ સુદ્ધા યહોવા સમક્ષ ઊભાં હતા. 14 પછી એ સભાની વચ્ચે યહોવાનો આત્મા યાહઝીએલ ઉપર આવ્યો, યાહઝીએલ લેવી આસાફના વંશજ માત્તાન્યાના પુત્ર, યેઇએલના પુત્ર બનાયાના પુત્ર, ઝર્ખાયાનો પુત્ર હતો. 15 તેણે કહ્યું, “હે યહૂદાના બધા પ્રજાજનો, યરૂશાલેમના બધા વતનીઓ અને રાજા યહોશાફાટ ધ્યાનથી સાંભળો, યહોવા તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી ગભરાઇ જશો નહિ, આ યુદ્ધ પણ દેવનું છે. 16 આવતીકાલે તમે જાઓ, અને તેમના પર હુમલો કરો. તેઓ “સીસના ઢોળાવ” થઇને આવે છે, યરૂએલના રણની સામે ખીણને છેડે તમારો તેમની સાથે ભેટો થશે. 17 તમારે લડવાની જરુર નહિ પડે. તમે મક્કમપણે ઊભા રહેજો અને જોયા કરજો કે યહોવા તમને શી રીતે બચાવી લે છે. હે યહૂદા અને યરૂશાલેમ, ગભરાશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જાઓ, યહોવા તમારે પક્ષે છે.’”
18 ત્યારબાદ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ દંડવત પ્રણામ કરીને યહોવાનું ભજન કર્યુ. 19 ત્યાર પછી કહાથ અને કોરાહના કુળસમૂહોના લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાની ઊંચા સ્વરે સ્તુતિ કરવા લાગ્યા.
20 બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને “તકોઆના વગડા” તરફ જવા નીકળી પડ્યા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઇને કહ્યું, “યહૂદા-વાસીઓ અને યરૂશાલેમના વતનીઓ, મને ધ્યાનથી સાંભળો: જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે કોઇથી ડરવાનું રહેશે નહિ, જો તમે તેમના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખશો, તો તમારો વિજય થશે.”
21 પછી લોકોના આગેવાનો સાથે મંત્રણા કર્યા પછી, તેણે જેઓ યહોવાના માટે ગાય છે અને એની મહાન પવિત્રતાની સ્તુતિ કરે છે તેવાઓને સૌથી આગળ કર્યા અને તેઓ ગાવા લાગ્યા,
“યહોવાની સ્તુતિ કરો, કારણ,
તેની કરૂણા શાશ્વત છે.”
22 જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો. 23 આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઇર પર્વતના સૈન્યની વિરૂદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓ માંહેમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કરવા લાગ્યાં.
24 તેથી યહૂદાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલાં જોયા. એક પણ જીવતો નહોતો. 25 યહોશાફાટ રાજા અને તેના લોકો લૂંટ એકત્ર કરવા લાગ્યા. તેઓને નાણાં, પોશાક, અલંકારો અને રોજીંદા જીવનની વસ્તુસંગ્રહ કરી અને લઇ લીધી. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઇ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા. 26 ચોથે દિવસે તેઓ બરાખાહની ખીણમાં ભેગા થયા, અને ત્યાં તેમણે યહોવાની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ “બરાખાહ પાડવામાં” આવ્યું અને આજે પણ એ ખીણ એ જ નામે ઓળખાય છે.
27 યારબાદ યહૂદા અને યરૂશાલેમના બધા માણસો યહોશાફાટને મોખરે રાખી આનંદપૂર્વક પાછા નગરમાં ગયા, કારણ યહોવાએ તેમને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યાનો આનંદ માણવાનો અવસર આપ્યો હતો. 28 તેઓ સિતાર વીણા અને રણશિંગડાંના સરોદો સાથે યરૂશાલેમમાં પ્રવેશ કરીને યહોવાના મંદિરમાં દાખલ થયા.
29 અગાઉ બન્યુ હતું તે જ રીતે આજુબાજુના રાજ્યોએ સાંભળ્યું કે યહોવાએ પોતે જ ઇસ્રાએલના દુશ્મનો સાથે યુદ્ધ કર્યુ હતું, ત્યારે તેઓ દેવથી ભયભીત થઇ ગયા. 30 આમ, યહોશાફાટના રાજ્યમાં શાંતિ હતી, કારણકે દેવે તેને સર્વ બાજુએથી સર્વ પ્રકારની શાંતિ આપી હતી.
યહોશાફાટના રાજ્યકાળનો અંત
31 આમ, યહોશાફાટે યહૂદા ઉપર રાજ્ય કર્યુ. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજ કર્યુ. શિલ્હીની પુત્રી અઝુબાહ તેની મા થતી હતી. 32 તે પોતાના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માર્ગેથી ચલિત થયો નહિ. તેણે યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 33 પણ ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતાં અને લોકોનાં હૃદય હજી પોતાના પિતૃઓનાં દેવ પ્રત્યે પૂરેપૂરાં વળ્યાં નહોતા.
34 યહોશાફાટના શાસનના બાકીના બનાવો શરૂઆતથી તે અંત સુધી હનાનીના પુત્ર યેહૂના વૃત્તાંતમાં નોંધાયેલા છે. આ બનાવોની નોંધ કરી અને તેની નકલ કરીને તેનો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
35 તેના જીવનના અંતકાળમાં યહૂદાના રાજા યહોશાફાટે ઇસ્રાએલના રાજા અહાઝયા સાથે કરાર કર્યો. અહાઝયા ઘણો દુષ્ટ હતો. 36 તેની સાથે મળીને યહોશાફાટે એસ્યોન-ગેબેરમાં બનાવેલ વહાણને તાશીર્શ મોકલ્યા. 37 પણ મારેશ્શાહના વતની દોદાવાહૂના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરૂદ્ધ ભવિષ્યવાણી ભાખી કે, “તેં અહાઝયા સાથે મૈત્રી કરી છે તેથી યહોવા તારા વહાણોને ભાંગી નાખશે.” તેથી એ વહાણો નાશ પામ્યાં અને તેઓે કદી તાશીર્શ પહોંચી શક્યાં નહિ.
સાતમી મુદ્રા
8 જ્યારે હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે ત્યાં આકાશમાં લગભગ અડધા કલાક સુધી શાંતિ હતી. 2 અને મેં દેવ આગળ ઊભા રહેનારા તે સાત દૂતોને જોયા. તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યા હતાં.
3 ત્યાર પછી બીજો એક દૂત વેદી પાસે આવ્યો અને ઊભો રહ્યો, આ દૂત પાસે સોનાની ધૂપદાની હતી. તે દૂત પાસે દેવના સર્વ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે પૂરતું ધૂપદ્રવ્ય હતું. તે દૂતે રાજ્યાસનની આગળ સોનાની વેદી પર તે ધૂપદાની અર્પણ કરી. 4 દૂતના હાથમાંથી ધૂપની ધૂણી દેવના સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ઊંચે ચડી. 5 પછી દૂતે ધૂપદાનીને વેદીના અગ્નિથી ભરી. તે દૂતે ધૂપદાની જમીન પર ફેંકી દીધી. પછી ત્યાં વીજળીઓના ચમકારા, ગર્જનાઓઅને વાણીઓ સાથે ધરતીકંપ થવાં લાગ્યાં.
તે સાત દૂતો તેમનાં રણશિંગડા ફૂંકે છે
6 પછી જેમની પાસે સાત રણશિંગડાં હતાં. તે સાત દૂતો તેમના રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા.
7 પ્રથમ દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી રક્તમિશ્રિત કરા તથા અગ્નિ પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં; અને પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું જ લીલું ઘાસ બળી ગયું.
8 બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો, 9 જેથી સમુદ્રમાંના જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મૃત્યુ પામ્યો; અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.
10 તે પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી એક મોટો તારો સળગતા દીવાની જેમ આકાશમાંથી પડયો. તે તારો ત્રીજા ભાગની નદીઓ પર અને પાણીનાં ઝરણાંઓ પર પડ્યો. 11 તે તારાનું નામ કડવાદૌના[a] છે; અને સમગ્ર પાણીનો ત્રીજો ભાગ કડવો બન્યો. ઘણાં લોકો તે કડવું પાણી પીવાથી મૃત્યુ પામ્યાં.
12 તે ચોથા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી સૂર્યના ત્રીજા ભાગ પર અને ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, તેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરુંપ થાય. દિવસ અને રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થાય.
13 જ્યારે મેં જોયું તો અંતરિક્ષમાં ઊંચે ઊડતાં એક ગરુંડને સાંભળ્યું, તે ગરુંડે મોટે સાદે કહ્યું કે, “અફસોસ! અફસોસ! પૃથ્વી પર રહેનારાં લોકોને માટે અફસોસ! બીજા ત્રણ દૂતો વગાડશે અને તેઓનાં રણશિંગડાના અવાજ પછી આફતો આવશે.”
દીપવૃક્ષનું સંદર્શન
4 પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો. 2 પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?”
મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે. 3 દીપવૃક્ષ પાસે બે જૈતૂનના વૃક્ષો છે, એક કૂંડાની જમણી બાજુએ અને એક ડાબી બાજુએ.” 4 મારી સાથે વાત કરનાર દેવદૂતને મેં પૂછયું, “હે મારા યહોવા, તેનો અર્થ શું થાય છે?”
5 ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?”
મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.”
6 પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.’ 7 યહોવા કહે છે, ઓ ઊંચા પર્વત, તારી શકિત શું છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ મેદાન જેવો થઇ જશે, અને તે ‘કેવું સુંદર, કેવું સુંદર.’ ના પોકારો વચ્ચે મંદિરનું બાંધકામ પૂરું કરશે.”
8 વળી યહોવા તરફથી મને બીજો સંદેશો મળ્યો; 9 “ઝરુબ્બાબેલને હાથે આ મંદિરનો પાયો નંખાયો છે અને તેને હાથે જ તે પૂર્ણ થશે. ત્યારે લોકોને ખાતરી થશે કે મેં સૈન્યોનો દેવ યહોવાએ તને તેમની પાસે મોકલ્યા છે. 10 આરંભમાં થોડું થોડું કામ થતું જોઇને જેઓ એનો તિરસ્કાર કરતા હતા તેઓ ઝરુબ્બાબેલને હાથે તેની પૂર્ણાહુતિ થતી જોઇને ખૂબ હરખાશે, આ સાત દીવા પ્રતીકરૂપે દર્શાવે છે કે, યહોવાની આંખો સમગ્ર પૃથ્વી પર સર્વત્ર સઘળું નિહાળે છે.”
11 પછી મેં તેને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તે શું છે?” 12 વળી ફરી મેં તેને પૂછયું, “સોનાની બે નળીઓ વડે સોનાના કટોરામાં તેલ લઇ જતી જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ શું છે?”
13 તેણે મને પૂછયું, “એ શું છે તે શું તું નથી જાણતો?”
મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
14 પછી તેણે મને કહ્યું, “તેઓ તો દેવે અભિષેક કરેલા બે માણસો છે. તેઓ સમગ્ર પૃથ્વીના દેવ યહોવાની સેવા કરે છે.”
ઈસુ અને તેના ભાઈઓ
7 આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં. 2 તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો. 3 તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે. 4 જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.” 5 (ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)
6 ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે. 7 જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે. 8 તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહિ. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.” 9 ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.
10 તેથી ઈસુના ભાઈઓ પર્વમાં જવા વિદાય થયા. તેઓના વિદાય થયા પછી ઈસુ પણ ગયો. પરંતુ લોકો તેને ન જુએ તે રીતે ગયો. 11 યહૂદિઓ પર્વમાં ઈસુને શોધતા હતા. યહૂદિઓએ કહ્યું, “તે માણસ ક્યાં છે?”
12 ત્યાં લોકોનો મોટો સમૂહ હતો. આ લોકોમાંના ઘણા એકબીજા સાથે અંદરોઅંદર ઈસુ વિષે ગુપ્ત રીતે વાતો કરતા હતા. કેટલાક લોકોએ કહ્યું, “તે એક સારો માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે લોકોને મૂર્ખ બનાવે છે.” 13 પરંતુ લોકોમાંથી કોઈની પણ જાહેરમાં ઈસુ વિષે બોલવાની હિંમત ન હતી. લોકો યહૂદિ આગેવાનોથી ડરતા હતા.
ઈસુનો યરૂશાલેમમાં બોધ
14 પર્વ લગભગ અડધુ પૂરું થયુ હતુ. પછી ઈસુ મંદિરમાં ગયો અને બોધ શરું કર્યો. 15 યહૂદિઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, “આ માણસે શાળામાં કદી અભ્યાસ કર્યો નથી. આટલી બધી વિધા તે કેવી રીતે શીખ્યો?”
16 ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો (દેવ) છે. 17 જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા 18 કોઈ વ્યક્તિ તેના વિચારનો બોધ આપે છે તેના પોતાના માટે માન મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ તેને મોકલનાર માટે માન મેળવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સાચું કહે છે. તેનામાં કશું ખોટું હોતું નથી. 19 તમને નિયમશાસ્ત્ર આપ્યુ. ખરું ને? પરંતુ તમારામાંના કોઈએ તેનું પાલન કર્યુ નથી. તમે શા માટે મને મારી નાખવા પ્રયત્ન કરો છો?”
20 લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા પ્રવેશેલો છે અને તને ગાંડો બનાવ્યો છે! અમે તને મારી નાખવાનો પ્રયત્ન કરતા નથી.”
21 ઈસુએ તેઓને કહ્યું, “મેં એક ચમત્કાર કર્યો અને તમે બધા અચરજ પામ્યા. 22 મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે. 23 આ બતાવે છે કે વ્યક્તિ વિશ્રામવારે મૂસાના નિયમનું પાલન કરવા સુન્નત કરાવી શકે છે. તેથી વિશ્રામવારના દિવસે માણસના આખા શરીરને સાજા કરવા માટે મારા પર શા માટે ગુસ્સે થયા છો? 24 વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”
લોકો નવાઈ પામે છે કે ઈસુ જ ખ્રિસ્ત છે
25 પછી કેટલાક લોકો જે યરૂશાલેમમાં રહે છે તેઓએ કહ્યું, “આ તે માણસ છે જેને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે. 26 પરંતુ તે જ્યાં બધા જોઈ શકે અને તેને સાંભળી શકે ત્યાં બોધ આપે છે. અને કોઈ પણ વ્યક્તિ તેને બોધ આપતા અટકાવવાનો પ્રયત્ન કરતા નથી. અધિકારીઓએ શું ખરેખર નિર્ણય કર્યો હશે કે તે ખરેખર ખ્રિસ્ત જ છે? 27 પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”
28 ઈસુ હજી મંદિરમાં શીખવતો હતો. ઈસુએ કહ્યું, “હા, તમે મને જાણો છો અને હું ક્યાંનો છું એ પણ તમે જાણો છો. પણ હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. જેણે મોકલ્યો છે તે (દેવ) સત્ય છે. તમે તેને ઓળખતા નથી. 29 પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”
30 જ્યારે ઈસુએ આ કહ્યું, લોકોએ તેની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો. પણ કોઈ વ્યક્તિએ ઈસુ પર હાથ નાખ્યો નહિ. હજુ ઈસુને મારી નાખવા માટેનો યોગ્ય સમય ન હતો. 31 પરંતુ લોકોમાંના ઘણા ઈસુમાં વિશ્વાસ રાખતા હતા. લોકોએ કહ્યું, “અમે ખ્રિસ્તની આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ખ્રિસ્ત આવશે, ત્યારે તે શું આ માણસ (ઈસુ) કરતા વધારે ચમત્કારો કરશે? ના! આથી આ માણસ જ ખ્રિસ્ત હોવો જોઈએ.”
યહૂદિઓ ઈસુને પકડવાનો પ્રયત્ન કરે છે
32 ઈસુ વિષે લોકો જે ગણગણાટ કરતા હતા તે ફરોશીઓએ સાંભળ્યું. તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ કેટલાક મંદિરના ભાલદારોને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા. 33 પછી ઈસુએ કહ્યું, “હજુ થોડો સમય હું તમારી સાથે રહીશ. પછી હું જેણે (દેવ) મને મોકલ્યો છે તેની પાસે પાછો જઈશ. 34 તમે મારી શોધ કરશો, પણ તમે મને શોધી શકશો નહિ. અને જ્યાં હું છું ત્યાં તમે આવી શકશો નહિ.”
35 યહૂદિઓએ એકબીજાને કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણે શોધી શકીશું નહિ. જ્યાં આપણા લોકો રહે છે તે ગ્રીક શહેરમાં તે જશે? શું તે ગ્રીક લોકોને ત્યાં બોધ આપશે? 36 માણસ (ઈસુ) કહે છે, ‘તમે મને શોધશો પણ તમે મને શોધી શકશો નહિ.’ અને તે એમ પણ કહે છે, ‘હું જ્યાં છું ત્યાં તમે આવી શકશો નહિ’ તેનો અર્થ શો?”
ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે
37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
ઈસુની લોકો વિષે દલીલ
40 લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”
41 બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”
બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ. 42 શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.” 43 તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ. 44 કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.
યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી
45 મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”
46 મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”
47 ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું! 48 અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના! 49 પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”
50 નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,
51 “માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”
52 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”
વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી
[53 [a] બધા યહૂદિ અધિકારીઓ તેને છોડીને ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International