M’Cheyne Bible Reading Plan
યહૂદાનો રાજા મનાશ્શા
33 મનાશ્શા બાર વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો અને તેણે 55 વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. 2 ઇસ્રાએલીઓને ખાતર યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તે પ્રજાઓના ધૃણાજનક આચારોનું અનુસરણ કરી તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 3 એના પિતા હિઝિક્યાએ ટેકરી ઉપરનાં જે સ્થાનકો તોડી પાડ્યા હતા તે એણે ફરી બંધાવ્યાં, બઆલ દેવને માટે વેદીઓ ચણાવી, અશેરા દેવીની પ્રતિમાઓ ઊભી કરાવી, અને આકાશના બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરું કર્યું. 4 જે મંદિરને વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે.” તે મંદિરમાં અન્ય દેવોની તેણે વેદીઓ બંધાવી. 5 તે મંદિરના બંને આંગણામાં તેણે તારાઓની પૂજા કરવા વેદીઓ બંધાવી. 6 હિન્નોમની ખીણમાં મનાશ્શાએ પોતાનાં જ બાળકોનો હોમયજ્ઞ કર્યો. તેણે મેલીવિદ્યા જાણનારા ભૂવાઓની સલાહ લીધી. તેણે સર્વ પ્રકારની ભૂંડાઇને ઉત્તેજન આપ્યું. આમ યહોવાને તેણે ઘણા ગુસ્સે કર્યા, અને તેમનો ગુસ્સો વહોરી લીધો. 7 મનાશ્શાએ દેવના એ મંદિરમાં મૂર્તિ સ્થાપન કરી કે જેના માટે દેવે દાઉદ અને તેના પુત્ર સુલેમાને કહ્યું હતું કે, “જે મંદિર, માણસો તથા શહેરને મેં મારું નામ રાખવા માટે પસંદ કર્યુ છે કે, ઇસ્રાએલના બીજા કોઇ પણ શહેરો કરતાં, તે શહેર યરૂશાલેમ છે. 8 અને જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને સૂચનાઓને આધીન રહેશો તો તમારા પિતૃઓને મેં આપેલા આ દેશમાંથી ઇસ્રાએલને હું કદી કાઢી મૂકીશ નહિ.”
9 પરંતુ મનાશ્શાએ યહૂદાના અને યરૂશાલેમનાં વતનીઓને ગેરમાર્ગે દોર્યા, જેથી તેમણે યહોવાએ ઇસ્રાએલીઓને ખાતર જે પ્રજાઓનું નિકંદન કાઢયું હતું તેમના કરતાં પણ ભૂંડા કાર્યો કર્યા.
10 યહોવાએ મનાશ્શાને અને તેના લોકોને ચેતવણી આપી પરંતુ તેમણે તે તરફ લક્ષ ન આપ્યું. 11 તેથી યહોવાએ આશ્શૂરના રાજાના સેનાપતિઓને તેમની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને આંકડી વતી પકડીને જંજીરથી જકડી બાબિલ લઇ ગયા.
12 મનાશ્શા સંકટમાં ફસાઇ ગયો એટલે તેણે પોતાના દેવ યહોવાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, અને તેની સમક્ષ ખૂબ ખૂબ પશ્ચાતાપ કર્યો. 13 તેણે પ્રાર્થના કરતાં દેવે તેની પ્રાર્થના સાંભળી, તેની અરજ મંજૂર રાખી અને તેને પાછો યરૂશાલેમમાં લાવી ફરી ગાદીએ બેસાડ્યો ત્યારે મનાશ્શાને ખાતરી થઇ કે યહોવાએ જ દેવ છે.
14 આમ બન્યા પછી તેણે દાઉદના નગરની બહારની દિવાલ ફરી બાંધી, અને કિદ્રોન ખીણમાં ગીહોનના ઝરાની પશ્ચિમ બાજુએ મચ્છી દરવાજા સુધી તે દિવાલ બાંધી, આ દિવાલ ઓફેલ પર્વતની બહારની બાજુથી લેવામાં આવી હતી અને ત્યાં ઘણી ઊંચાઇ સુધી બાંધવામાં આવી હતી પછી તેણે યહૂદાના સર્વ કિલ્લાવાળા નગરોમાં તેના સેનાપતિઓને મૂક્યા. 15 તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરૂશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી. 16 તેણે યહોવાની વેદી ફરી બંધાવી. અને ત્યાં શાંત્યર્પણ અને આભારબલિ ચઢાવ્યાં અને યહૂદાના લોકને ઇસ્રાએલના દેવ યહોવાની સેવા કરવા માટે ફરમાવ્યું. 17 તેમ છતાં લોકોએ ટેકરી ઉપરનાં સ્થાનકોને હોમબલિ ચઢાવવાનું ચાલું રાખ્યું, જો કે એ હોમબલિ તેઓ ફકત પોતાના દેવ યહોવાને જ ચઢાવતા હતા.
18 મનાશ્શાના બાકીના કાર્યો, તેણે કરેલી તેમના દેવની પ્રાર્થના, અને ઇસ્રાએલના દેવ યહોવાનો સંદેશો તેને આપનાર પ્રબોધકોનાં વચનો ઇસ્રાએલના રાજાઓના વૃત્તાંતમાં નોંધાયેલા છે. 19 તેણે કરેલી પ્રાર્થના અને દેવે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો, યહોવા પ્રત્યેની તેની બિનવફાદારી અને પસ્તાવો કર્યા પહેલાં તેણે ક્યાં ક્યાં ટેકરી પરનાં સ્થાનકો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભા કર્યા હતા અને મૂર્તિઓની સ્થાપના કરી હતી તે બધું પ્રબોધકના વૃત્તાંતમાં નોંધેલું છે. 20 અંતે મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.
યહૂદાનો રાજા આમોન
21 આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ્ય કર્યુ. 22 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યુ હતું તેમ તેણે યહોવાની ષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યુ. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને હોમબલિ આપ્યાં; ને તેઓની પૂજા કરી. 23 જેમ તેનો પિતા મનાશ્શાહ નમ્ર થઇ ગયો હતો તેમ તે યહોવાની આગળ થયો નહિ; પણ આમોન ઉત્તરોત્તર અધિક પાપો કરતો ગયો. 24 જેમ તેના પાપો વધતાં ગયા, તેના દરબારીઓએ તેની વિરૂદ્ધ કાવતરું કર્યુ. અને તેને મહેલમાં જ મારી નાંખ્યો. 25 પણ દેશના લોકોએ, બધા કાવતરાખોરોને મારી નાંખ્યા અને એના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડ્યો.
આકાશમાં લોકો દેવની સ્તુતિ કરે છે
19 આ પછી મેં આકાશમાં ઘણા લોકોના સમૂહના જેવો મોટો અવાજ સાંભળ્યો. તે લોકો કહેતા હતા કે:
“હાલેલુયા![a]
આપણા દેવને તારણ, મહિમા અને પરાક્રમ છે.
2 તેના ન્યાય ચૂકાદા સત્ય તથા બરાબર છે.
આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે.
તેણે દુનિયાને તેનાં વ્યભિચારનાં પાપથી ભ્રષ્ટ કરી.
આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે અને તેના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”
3 આકાશમાં તે લોકોએ પણ કહ્યું કે:
“હાલેલુયા!
તે સળગે છે અને તેનો ધુમાડો સદા-સર્વકાળ ઊચે ચડે છે.”
4 પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે:
“આમીન, હાલેલુયા!”
5 પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે:
“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો.
તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”
6 પછી મેં જનસમૂહના અવાજના જેવું કંઈક સાંભળ્યું. તે પાણીના પૂરના જેવી અને ભારે ગર્જનાઓ જેવી વાણી હતી. લોકો કહેતા હતા કે:
“હાલેલુયા!
આપણો પ્રભુ દેવ સર્વશક્તિમાન
રાજ કરે છે.
7 આપણે આનંદ કરીએ અને ખુશ થઈએ અને દેવનો મહિમા ગાઇએ!
દેવને મહિમા આપીએ, કારણ કે હલવાન (ઈસુ) ના લગ્નનો દિવસ આવ્યો છે,
હલવાનની કન્યા (મંડળી) તેની જાતે તૈયાર થઈ છે.
8 સુંદર શણનું વસ્ત્ર વધૂને તેણે પહેરવા માટે આપ્યું છે.
તે શણનું વસ્ત્ર તેજસ્વી અને સ્વચ્છ છે.”
(તે સુંદર શણનું વસ્ત્ર સંતોના સત્કર્મો રૂપ છે. જે સારી વસ્તુઓ કરી છે તે.)
9 પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”
10 પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”
શ્વેત ઘોડા પરનો સવાર
11 પછી મેં ઊઘડેલું આકાશ જોયું. ત્યાં મારી આગળ એક શ્વેત ઘોડો હતો. ઘોડા પરનો સવાર વિશ્વાસુ તથા સાચો કહેવાય છે. તે તેના ન્યાયમાં તથા લડાઇ કરવામાં ન્યાયી છે. 12 તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે. 13 તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે. 14 આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં. તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા. તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા. 15 એક અણીદાર બેધારી તલવાર સવારના મોંમાંથી બહાર આવી. તે આ તલવારનો ઉપયોગ રાષ્ટ્રોને હરાવવા માટે કરશે. તે લોઢાના દંડથી રાષ્ટ્રો પર શાસન કરશે. તે સર્વશક્તિમાન દેવના ભયંકર કોપનો દ્રાક્ષકુંડ ખૂંદે છે. 16 તેના ઝભ્ભા પર તથા તેની જાંધ પર આ નામ લખેલું હતું:
રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ
17 પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તે દૂતે આકાશમાં ઊંચે ઊડતાં બધાં પક્ષીઓને મોટા સાદે કહ્યું કે, “દેવના સાંજના મહાન જમણ માટે સાથે મળીને આવો. 18 જેથી તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”
19 પછી મેં શ્વાપદ અને પૃથ્વીના રાજાઓને જોયા. તેઓના સૈન્યોના ઘોડેસવારો અને તેઓનાં લશ્કરો ભેગાં થયા હતાં અને લડવા તૈયાર હતા. તે જોયું. 20 પણ તે શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકો ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તે જૂઠા પ્રબોધક અને તે પ્રાણીને ગંધકથી બળનારા અગ્નિના સરોવરમાં જીવતા ફેંકી દેવામાં આવ્યાં. 21 તેમનાં સૈન્યોને ઘોડા પરના સવારના મોંઢામાથી બહાર નીકળેલી તલવાર વડે મારી નંખાયા. બધાં પક્ષીઓએ તૃપ્ત થતાં સુધી આ મૃત શરીરોને ખાધાં.
1 માલાખી પ્રબોધક દ્વારા ઇસ્રાએલી પ્રજાજોગ યહોવાએ મોકલેલાં વચન.
દેવ ઇસ્રાએલને પ્રેમ કરે છે
2 યહોવા કહે છે કે, “મેં તમને પ્રેમ કર્યો છે,”
તેમ છતાં તમે પૂછો છો કે, “તમે અમને પ્રેમ કરો છો તે પ્રગટ થાય છે?”
ત્યારે યહોવા જવાબ આપે છે, “એસાવ અને યાકૂબ ભાઇઓ હતા, પણ મેં યાકૂબ પર મારો પ્રેમ દર્શાવ્યો છે. 3 પણ એસાવનો મેં તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડી પ્રદેશને ઉજ્જડ બનાવી દીધો છે, અને તેના વતનને જંગલના પશુઓનો વાસ બનાવી દીધું છે.”
4 જો અદોમના વારસદારો કહે, “અમે અમારા વિનાશ થઇ ગયેલાં સ્થાનોને ફરીથી બાંધીશું,”
પણ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારી ઇચ્છા હોય તો તમે કરો, પણ હું ફરીથી તેનો નાશ કરીશ,” કારણકે તેઓની ભૂમિને “દુષ્ટતાનો દેશ” એવું નામ અપાયેલું છે અને ત્યાંના લોકોને યહોવા જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે તેવા લોકો કહેવામાં આવે છે.
5 તમે તમારી નજરે તે જોવા પામશો, ને તમે પોતે જ કહેશો કે, “ઇસ્રાએલની સીમાને પાર પણ યહોવાનો પ્રતાપ પહોંચે છે!”
લોકો દેવને સન્માન નથી આપતાં
6 સૈન્યોનો દેવ યહોવા યાજકોને પૂછે છે, “પુત્ર પોતાના પિતાને માન આપે છે અને ગુલામ તેના ધણીથી ડરતો રહે છે. હે યાજકો, હું તમારો પિતા અને દેવ છું, છતાં તમે મને માન નથી આપતા, પણ મારા નામને ધિક્કારો છો.”
અને પછી પૂછો છો, “અમે તમારા નામને ધિક્કારીએ કેવી રીતે?”
7 યહોવા કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર અર્પણો અપોર્ છો અને પછી પૂછો છો, ‘અમે તમને શી રીતે ષ્ટ કર્યા?’
“કારણકે તમે એમ માની લીધું હતું કે, યહોવાની વેદીનું સન્માન થવું ન જોઇએ.
8 “આંધળા જાનવરની બલિ ચઢાવવામાં આવે તે ખોટું છે. જો કોઇ, લંગડા કે ખોડખાંપણવાળા કે રોગિષ્ટ જાનવરની બલિ ચઢાવવામાં આવે તો તે ખોટું છે. તમે જો એવી ભેટ કોઇ રાજકર્તાને માટે લાવો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
9 “તમે યાજકો યહોવાને રીઝવવાનો પ્રયત્ન તો કરી જુઓ! તમે કહો છો, યહોવા, અમારા પર દયા કરો; કૃપા કરો. પણ તમે આવાં જ અર્પણો લાવો પછી શા માટે તે તમારા પ્રત્યે ભલાઇ બતાવે?” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
10 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આવા ષ્ટ અર્પણો અર્પવા કરતાં તો મંદિરના બારણાં બંધ કરી દેવા અને અગ્નિ ન પ્રગટાવવો તે વધારે સારું હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી. હું તમારા અર્પણો સ્વીકારીશ નહિ.”
11 “મારું નામ પૂર્વથી પશ્ચિમ સુધી મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. કારણકે સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, સર્વ પ્રજાઓમાં મારા નામનો મહિમા છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
12 “પરંતુ યહોવાની યજ્ઞવેદી અપવિત્ર છે, અને તેનું ફળ, એટલે તેનું અન્ન તિરસ્કારપાત્ર છે એવું કહીને તમે તેનું અપમાન કરો છો. વળી બલિદાનો માટે બીમાર પ્રાણીઓને લાવવા તમે લોકોને ઉત્તેજન આપો છો. 13 અને પછી કહો છો, આ કેવું કંટાળાજનક છે! તમે અપંગ, લૂલાં કે રોગી પશુઓ બલિ તરીકે ચઢાવો તો હું તેનો સ્વીકાર કરું ખરો?” એમ યહોવા કહે છે. 14 “જેની પોતાની પાસે તંદુરસ્ત ઘેટો હોવા છતાં ખોડવાળું પ્રાણી માનતામાં બલિદાનમાં ચઢાવે છે તે ઠગને ધિક્કાર હો! હું રાજાધિરાજ છું, અને મારા નામથી તમામ પ્રજાઓ ડરે છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
ઈસુ પકડાય છે
(માથ. 26:47-56; માર્ક 14:43-50; લૂ. 22:47-53)
18 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી, તે તેના શિષ્યો સાથે વિદાય થયો. તેઓ કિદ્રોન ખીણને પેલે પાર ગયા. બીજી બાજુએ ત્યાં એક ઓલીવના વૃક્ષોની વાડી હતી. ઈસુ અને તેના શિષ્યો ત્યાં ગયા.
2 યહૂદાએ જાણ્યું આ જગ્યા ક્યાં હતી, કારણ કે ઈસુ તેના શિષ્યો સાથે વારંવાર ત્યાં મળતા હતો. યહૂદા જે ઈસુની વિરૂદ્ધ થયો હતો. 3 તેથી યહૂદા સૈનિકોના સમૂહને બાગ તરફ દોરી ગયો. યહૂદા મુખ્ય યાજકો તથા ફરોશીઓ પાસેથી સિપાઈઓને લઈને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને શસ્ત્રો લઈને આવ્યા હતા.
4 ઈસુ બધું જ જાણતો હતો કે તેનું શું થવાનું હતું. ઈસુ બહાર ગયો અને પૂછયું, “તમે કોને શોધો છો?”
5 તે માણસોએ ઉત્તર આપ્યો, “નાઝરેથના ઈસુને.”
ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” (યહૂદા, જે એક ઈસુની વિરૂદ્ધ થયો તે તેઓની સાથે ત્યાં ઊભો હતો.) 6 જ્યારે ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” ત્યારે માણસો પાછા પડ્યા અને જમીન પર પડ્યા.
7 ઈસુએ તેઓને ફરીથી પૂછયું, “તમે કોની શોધ કરો છો?”
તે માણસોએ કહ્યું, “નાઝરેથના ઈસુની.”
8 ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું કે, હું ઈસુ છું, તેથી જો તમે મારી શોધ કરતાં હોય તો પછી આ બીજા માણસોને મુક્ત રીતે જવા દો.” 9 આ બન્યું તેથી ઈસુએ અગાઉ કહ્યું હતું તે સાચું સાબિત થશે. “તેં મને આપેલા માણસોમાંથી મેં કોઈને ગુમાવ્યો નથી.”
10 સિમોન પિતર પાસે એક તલવાર હતી. તેણે તલવાર ખેંચીને પ્રમુખ યાજકના સેવકને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. (સેવકનું નામ માલ્ખસ હતુ.) 11 ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર પાછી મ્યાનમાં મૂક! મારે પીડાનો પ્યાલો પીવાનું સ્વીકારવું જોઈએ જે મને પિતાએ આપ્યો છે.”
ઈસુને અન્નાસની આગળ લાવવામાં આવે છે
(માથ. 26:57-58; માર્ક 14:53-54; લૂ. 22:54)
12 પછી સૈનિકો તેમના સેનાપતિઓ સાથે અને યહૂદિ ચોકીદારોએ ઈસુને પકડ્યો. તેઓએ ઈસુને બાંધ્યો. 13 અને તેને પ્રથમ અન્નાસ પાસે લાવ્યા. અન્નાસ કાયાફાનો સસરો હતો. તે વર્ષે કાયાફા પ્રમુખ યાજક હતો. 14 કાયાફા જે એક હતો જેણે યહૂદિઓને સલાહ આપી. જો કોઈ એક માણસ બધા લોકો માટે મૃત્યુ પામે તો તે વધારે સારું હશે.
પિતર ઈસુની જાણકારી વિષે જૂઠું બોલે છે
(માથ. 26:69-70; માર્ક 14:66-68; લૂ. 22:55-57)
15 સિમોન પિતર અને બીજો એક ઈસુનો શિષ્ય ઈસુને અનુસર્યા. આ શિષ્ય પ્રમુખ યાજકને જાણતો હતો. તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના મકાનના વરંડામાં ગયો. 16 પરંતુ પિતરે બહાર દરવાજાની બાજુમાં રાહ જોઈ. તે શિષ્યે જેણે જાણ્યું કે પ્રમુખ યાજક બહારની બાજુ પાછો આવ્યો. તેણે તે છોકરીને કહ્યું કે લોકો માટે દરવાજા ઉઘાડ. પછી તે પિતરને અંદર લાવ્યો.
17 દરવાજા પાસેની ચોકીદાર છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”
પિતરે કહ્યું, “ના, હું નથી!”
18 તે સમયે ઠંડી હતી, તેથી તો સેવકો અને ચોકીદારોએ અગ્નિ સળગાવ્યો હતો. તેઓ તેની આજુબાજુ ઊભા હતા અને પોતાની જાતે તાપતા હતા. પિતર આ માણસોની સાથે ઊભો હતો.
પ્રમુખ યાજક ઈસુને પ્રશ્નો પૂછે છે
(માથ. 26:59-66; માર્ક 14:55-64; લૂ. 22:66-71)
19 પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો વિષે પ્રશ્નો પૂછયા. તેણે ઈસુને તેણે આપેલા બોધ વિષે પ્રશ્નો પૂછયા. 20 ઈસુએ ઉત્તર આપ્યો, “હું હમેશા બધા જ લોકોને જાહેરમાં કહું છું. મેં હમેશા સભાસ્થાનોમાં અને મંદિરોમાં બોધ આપ્યો છે. બધા જ યહૂદિઓ ત્યાં ભેગા થતા હતા. મેં કદી ગુપ્ત રીતે કશું જ કહ્યું નથી. 21 તો પછી તું મને શા માટે પ્રશ્ન કરે છે? જે લોકોએ મારો બોધ સાંભળ્યો છે તેઓને પૂછ. મેં શું કહ્યું તે તેઓ જાણે છે.”
22 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યાં ઊભેલા ચોકીદારોમાંના એકે તેને માર્યો. ચોકીદારે કહ્યું, “તારે પ્રમુખ યાજક સાથે આ રીતે વાત ના કરવી જોઈએ!”
23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું કંઈક ખોટું કહું તો, પછી અહીં દરેક જણને સાબિત કરાવો કે શું ખોટું હતું. પણ જો મેં કહેલી વાતો સાચી હોય તો પછી તું મને શા માટે મારે છે?”
24 તેથી અન્નાસે ઈસુને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યો. હજુ ઈસુ બંધાએલો હતો.
પિતર ફરી જૂઠું બોલે છે
(માથ. 26:71-75; માર્ક 14:69-72; લૂ. 22:58-62)
25 સિમોન પિતર પોતાની જાતને ગરમ રાખવા માટે અગ્નિ પાસે ઊભો હતો, બીજા માણસોએ પિતરને કહ્યું, “શું તું તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”
પરંતુ પિતરે નકાર કરીને કહ્યું, “ના, હું નથી.”
26 પ્રમુખ યાજકના સેવકોમાંનો એક ત્યાં હતો. આ સેવક તે માણસનો સંબંધી હતો જેનો પિતરે કાન કાપી નાખ્યો હતો. તે સેવકે કહ્યું કે, “મેં તને તેની (ઈસુ) સાથે બાગમાં જોયો નથી?”
27 પરંતુ ફરીથી પિતરે કહ્યું, “ના, હું તેની સાથે ન હતો!” અને તે જ સમયે મરઘો બોલ્યો.
ઈસુને પિલાતની આગળ લાવવામાં આવે છે
(માથ. 27:1-2, 11-31; માર્ક 15:1-20; લૂ. 23:1-25)
28 પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધ[a] બનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા હતા. 29 તેથી પિલાત બહારની બાજુએ યહૂદિઓ તરફ ગયો. તેણે પૂછયું, “તું શું કહે છે, આ માણસે શું ખોટું કર્યુ છે?”
30 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તે ખરાબ માણસ છે. તેથી અમે તેને તારી પાસે લાવ્યા છીએ.”
31 પિલાતે યહૂદિઓને કહ્યું, “ઓ યહૂદિઓ, તમે પોતે એને લઈ જાઓ, અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો.”
યહૂદિઓએ ઉત્તર આપ્યો, “પણ અમારું નિયમશાસ્ત્ર અમને કોઈ વ્યક્તિને તેને મૃત્યુદંડની શિક્ષા કરવાની પરવાનગી આપતું નથી.”
32 (આમ બન્યું તેથી પોતે કેવી રીતે મૃત્યુ પામવાનો હતો તે વિષે ઈસુએ કહેલા વચન સાચા ઠરે.)
33 પછી પિલાત પાછો મહેલની અંદરની બાજુએ ગયો. પિલાતે ઈસુને પોતાની પાસે બોલાવ્યો. તેણે ઈસુને પૂછયું, “શું તું યહૂદિઓનો રાજા છે?”
34 ઈસુએ કહ્યું, “શું તે તારો પોતાનો સવાલ છે, અથવા બીજા લોકોએ તને મારા વિષે કહ્યું છે?”
35 પિલાતે કહ્યું, “હું યહૂદિ નથી! તે તારા પોતાના લોકો અને મુખ્ય યાજકો તને લાવ્યા છે. તેં શું ખોટું કર્યુ છે?”
36 ઈસુએ કહ્યું, “મારું રાજ્ય આ જગતનું નથી. જો તે આ જગતનું હોત, તો પછી મારા સેવકો લડાઈ કરત તેથી મને યહૂદિઓને સોંપવામાં આવી શકાયો ના હોત. પણ મારું રાજ્ય બીજા કોઈ સ્થળનું છે.”
37 પિલાતે કહ્યું, “તેથી તું રાજા છે!”
ઈસુએ ઉત્તર આપ્યો, “તું કહે છે કે હું રાજા છું તે સાચું છે. મારો જન્મ આ માટે હતો કે લોકોને સત્ય વિષે કહેવું. તેના કારણે હું જગતમાં આવ્યો છું. અને પ્રત્યેક વ્યક્તિ જે સત્યનો છે તે મને ધ્યાનથી સાંભળે છે.”
38 પિલાતે કહ્યું, “સત્ય શું છે?” જ્યારે પિલાતે આ કહ્યું, તે ફરીથી યહૂદિઓ સાથે બહાર ગયો. પિલાતે યહૂદિઓને કહ્યું, “આ માણસમાં તેની સામેનો કોઈ આક્ષેપ મૂકવા જેવું મને કંઈ લાગતું નથી. 39 પણ પાસ્ખાપર્વના સમયે તમારા માટે એક બંદીવાનને મારે મુક્ત કરવો જોઈએ એવો તમારા રિવાજોમાં એક રિવાજ છે. શું તમે ઈચ્છો છો કે હું આ ‘યહૂદિઓના રાજાને મુક્ત કરું?’”
40 યહૂદિઓએ પાછળથી બૂમ પાડી, “ના, એને તો નહિ જ! બરબ્બાસને મુક્ત કરીને જવા દો?” (બરબ્બાસ એ તો લૂંટારો હતો.)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International