Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 1

સુલેમાનની જ્ઞાન માટેની પ્રાર્થના

દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો. કારણકે તેના દેવ યહોવા તેની મદદમાં હતા. દેવે તેનો મહિમા ખૂબ વધાર્યો.

તેણે લશ્કરના સર્વ અધિકારીઓને, ન્યાયાધીશોને તેમજ આગેવાનો અને ઇસ્રાએલના કુટુંબના વડીલોને ગિબયોનમાં એકત્ર કર્યા. ત્યારબાદ સુલેમાન, સૌને ગિબયોન પર્વતની ટોચે લઇ ગયો, જ્યાં દેવનો મુલાકાત મંડપ હતો, જે મૂસા અને તેના લોકોએ તેમની અરણ્યની મુસાફરી દરમ્યાન તે બાંધ્યો હતો. દેવનો કરારકોશ ત્યાં ન હતો કારણકે દાઉદ દેવનો કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવ્યો હતો જ્યાં તેણે તેના માટે એક નવો મંડપ તૈયાર કર્યો હતો. વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલએલે જે કાંસાની વેદી બનાવી હતી તે ગિબયોનના પવિત્રમંડપની સામે હતી; સુલેમાન તથા એકત્ર થયેલા અધિકારીઓએ તથા આગેવાનોએ ત્યાં યહોવાની ઉપાસના કરી. સુલેમાને યહોવાની સામે મુલાકાતમંડપ પાસે જે પિત્તળની વેદી હતી. તેના પર 1,000 દહનાર્પણો ચઢાવ્યા.

તે દિવસે રાત્રે દેવે સુલેમાનને દર્શન આપ્યા અને કહ્યું, “માગ, તારી જે ઇચ્છા હોય તે, હું તને તે અવશ્ય આપીશ.”

સુલેમાને કહ્યું, “હે દેવ, તમે મારા પિતા દાઉદ પ્રત્યે બહુ જ ભલાઇ અને દયા દર્શાવી હતી, અને હવે તમે મને રાજ્ય સોંપ્યું છે. હે દેવ યહોવા, મારા પિતા દાઉદને આપેલું વચન પૂરું કરો. તમે મને ધરતીની ધૂળના કણ જેટલા અગણિત લોકોનો રાજા બનાવ્યો છે. 10 હવે તમે મને ડહાપણ અને જ્ઞાન આપો, જેથી હું આ લોકોને દોરવણી આપી શકું, કારણ, આ તમારી મહાન પ્રજાને માર્ગદર્શન કોણ કરી શકે?”

11 દેવે સુલેમાનને કહ્યું, “તારો અભિગમ સારો છે, તેં ધન, સંપત્તિ કે જાહોજલાલી અથવા તારા દુશ્મનોનાં મોત કે પોતાના માટે દીર્ધાયુષ્યની પણ માગણી કરી નથી, પણ તારા પર હું ડહાપણ અને જ્ઞાનની વર્ષા કરીશ, જેથી તું મારા લોકો પર શાશન કરી શકે જેમનો મેં તને રાજા બનાવ્યો છે. 12 ઉપરાંત, હું તને એવાં તો ધન, સંપત્તિ અને જાહોજલાલી આપીશ કે જેવાં તારી પહેલાંના કોઇએ પણ ન ભોગવ્યાં હોય કે તારી પછી કોઇ ભોગવશે નહિ.”

13 ત્યારબાદ ગિબયોનના ઉચ્ચસ્થાનેથી, મુલાકાત મંડપથી પાછા યરૂશાલેમ આવીને સુલેમાને ઇસ્રાએલ ઉપર રાજ્ય કરવા માંડ્યું.

સેના અને સંપત્તિ ઊભી કરતો સુલેમાન

14 સુલેમાને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી. તેની પાસે 1,400 રથો અને 12,000 ઘોડા હતા, તેમાંના કેટલાક તેણે રથ રાખવાના નગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા. 15 એના શાસન દરમ્યાન યરૂશાલેમમાં સોનું અને ચાંદી કાંકરા જેટલાં સસ્તાં થઇ ગયાં હતા અને મૂલ્યવાન દેવદાર વૃક્ષોનું ઇમારતી લાકડું સામાન્ય ગુલ્લરકાષ્ટની જેમ મળતું થઇ ગયું હતું. 16 સુલેમાનના ઘોડા મિસર માંથી આણેલા હતા; રાજાના સોદાગરો એ ઘોડાઓને જથાબંદમા ખરીદી કરી હતી. 17 મિસરથી 600 ચાંદીના શેકેલ ભાવે રથો આયાત કરવામાં આવતા હતા. અને ઘોડા 150 ચાંદીના શેકેલ ભાવે, હિત્તીઓના તેમજ અરામના બધા રાજાઓ પણ ઘોડા અને રથો એ આડતિયાઓ પાસેથી આયાત કરતા હતા.

1 યોહાન 1

હવે અમે તમને જગતના આરંભકાળ પહેલા જે કોઈ વસ્તુઓનું અસ્તિત્વ હતું તે વિષે કહીએ છીએ આ અમે સાંભળ્યું છે, અમે પોતાની આંખો વડે જોયું છે, અમે નિહાળ્યું છે, અમે અમારા હાથે સ્પર્શ કર્યો છે. અમે તમને તે શબ્દ (ખ્રિસ્ત) જે જીવન આપે છે તે વિષે લખીએ છીએ. તે જીવન અમને બતાવ્યું છે. અમે તે જોયું છે. અમે તે વિષે સાક્ષી આપી શકીએ છીએ. હવે અમે તમને તે જીવન વિષે કહીએ છીએ. તે જીવન જે અનંતકાળનું છે. આ તે જીવન છે જે દેવ બાપ સાથે હતું. દેવે આપણને આ જીવન બતાવ્યું છે. હવે અમે તમને જે કંઈ જોયું છે અને સાંભળ્યુ છે તે કહીએ છીએ. શા માટે? કારણ કે અમે તમને અમારી સાથે ભાગીદાર બનાવવા ઈચ્છીએ છીએ. જેથી દેવ બાપ અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે અમને જે આનંદ અને સંગત મળ્યાં છે તેના તમે પણ ભાગીદાર બનો. અમે તમને આ બાબત લખીએ છીએ તેથી તમારો પણ આનંદ અમારી સાથે સંપૂર્ણ થાય.

દેવ આપણા પાપો માફ કરે છે

અમે દેવ પાસેથી સાચો સંદેશો સાંભળ્યો છે. હવે અમે તે તમને કહીએ છીએ દેવ પ્રકાશ છે. દેવમાં અંધકાર નથી. તેથી જો આપણે કહીએ કે આપણને દેવ સાથે સંગત છે અને આપણે અંધકારમાં જીવીએ તો પછી આપણે જૂઠાં છીએ. આપણે સત્યને અનુસરતા નથી. દેવ પ્રકાશમાં છે. આપણે પણ પ્રકાશમાં જીવવું જોઈએ, જો આપણે પ્રકાશમાં જીવીએ તો, પછી આપણે એકબીજાની સાથે સંગતંમાં છીએ. અને જ્યારે આપણે પ્રકાશમાં જીવીએ છીએ, તો તેના પુત્ર ઈસુનું રકત આપણને સધળાં પાપમાંથી શુદ્ધ કરે છે.

જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી. પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે. 10 જો આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી, તો આપણે દેવને જૂઠાં ઠરાવીએ છીએ આપણે દેવનાં સાચા વચનનો સ્વીકાર કરતાં નથી.

મિખાહ 7

લોકોના પાપ વિષે મીખાહની વ્યાકુળતા

હું કેટલો ઉદાસ છું!
    કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી
અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી
    અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.
ભૂમિ પરથી બધાંજ ધામિર્ક
    માણસો નાશ પામ્યા છે,
ને મનુષ્યોમાં કોઇ પ્રામાણિક રહ્યો નથી;
    કોઇનું ખૂન કરવાનો લાગ શોધી રહ્યાં છે,
તેમના હાથ દુષ્કૃત્યો કરવામાં પાવરધા છે.
    અમલદારો લાંચ માંગે છે,
આદરણીય લોકો પણ નિષ્ઠુરતાથી પોતાના
    સ્વાર્થનીજ વાતો કરે છે અને પોતાનું ધાર્યું કરે છે.
તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે;
    સૌથી વધારે પ્રામાણિક ગણાય છે તેઓ ઝાંખરામાંથી બનાવેલી વાડ જેવા છે,

ચોકીદારોનો દિવસ આવી રહ્યો છે

પણ હવે તમારો ચોકીદારોનો દિવસ સત્વરે આવે છે.
    તમારી શિક્ષાનો સમય લગભગ આવી ગયો છે;
ગૂંચવણ, વિનાશ અને ગભરાટનો
    તમે અનુભવ કરશો.
પડોશીનો વિશ્વાસ કરશો નહિ,
    મિત્ર ઉપર આધાર રાખશો નહિ,
તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ
    પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો.
કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી.
    પુત્રી માની સામે થાય છે,
ને વહું પોતાની સાસુની સામી થાય છે;
    માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.

યહોવા બચાવનાર છે

પણ હું તો યહોવા તરફ જોઇશ,
    હું મારા તારણ કરનાર દેવની વાટ જોઇશ;
    મારા દેવ મને સાંભળશે.
હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર;
    જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ;
જો હું અંધકારમાં બેસું,
    તો પણ યહોવા મને અજવાળારૂપ થશે.

યહોવા ક્ષમાં કરે છે

હું યહોવાનો કોપ સહન કરીશ,
    કારણકે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.
તેઓ મારી તરફદારી કરશે
    અને મને ન્યાય કરશે ત્યાં સુધી.
દેવ મને અંધકારમાંથી પ્રકાશમાં લાવશે
    અને હું તેમનું ન્યાયીપણું જોઇશ.
10 મારા દુશ્મનો આ જોશે
    અને જેઓ મને એમ કહેતાં હતાં કે,
“તારા દેવ યહોવા કયાં છે?”
    તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે,
તેણી રસ્તાના કાદવની જેમ પગ
    તળે કચડાયેલી જગ્યા બની રહેશે.

યહૂદીઓ પાછા ફરશે

11 જે દિવસે તારા કોટ બંધાશે,
    તે દિવસે તારી સરહદ બહુ દૂર થશે.
12 તે દિવસે લોકો-આશ્શૂરથી મિસર સુધીના,
    અને મિસરથી તે ફ્રાત નદી સુધીના,
સમુદ્રથી સમુદ્ર સુધીના,
    અને પર્વતથી પર્વત સુધીના,
લોકો બધે ઠેકાણેથી
    તારે ત્યાં આવશે.
13 પણ પૃથ્વી એનાં લોકોને કારણે
    અને તેમણે કરેલાં કર્મોના ફળરૂપે વેરાન બની જશે.
14 હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો,
    તમારા વારસાનાં ટોળાને દોરવણી આપો;
તેઓને કામેર્લના જંગલમાં એકલા રહેવા દો.
    ભલે અગાઉના દિવસોની જેમ બાશાન
અને ગિલયાદમાં તેઓ આનંદ પ્રમોદ કરે.

ઇસ્રાએલ પોતાના શત્રુઓને હરાવશે

15 જેવી રીતે મિસરની ભૂમિમાંથી છૂટયા હતાં
    તે દરમ્યાન કર્યુ હતું તેવીજ રીતે અદૃભૂત કામો હું બતાવીશ.
16 અન્ય પ્રજાઓ આ જોશે
    અને પોતાની સર્વ શકિત હોવા છતાં લજ્જિત થશે;
તેઓ પોતાના હાથ પોતાના મોં પર મૂકશે,
    તેઓના કાન બહેરા થઇ જશે.
17 તેઓ સાપની પેઠે ધૂળ ચાટશે;
    જમીન ઉપર પેટેથી ઘસડાતા
પ્રાણીઓની જેમ તેઓ પોતાના
    કિલ્લાઓમાંથી બહાર આવશે.
    તેઓ આપણા દેવ યહોવાને કારણે ભયથી
થરથર કાંપશે અને તારાથી ડરીને ચાલશે.

યહોવાની સ્તુતિ કરો

18 તમારા જેવા દેવ બીજા કોણ છે?
    કારણકે તમે તો પાપ માફ કરો છો
    અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો;
તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી;
    કારણ કે તમે કરુણામાં જ રાચો છો.
19 તમે ફરી એક વખત અમારા ઉપર કૃપા કરશો
    અને અમારા અપરાધોને પગ તળે કચડી નાખશો.
    અને અમારા બધા પાપોને દરિયામાં પધરાવી દેશો.
20 તમે યાકૂબને વિશ્વાસપાત્ર હશો અને ઇબ્રાહિમને કૃપાપાત્ર હશો જેમ
    તમે પ્રાચીન કાળથી અમારા પૂર્વજોને વચન આપ્યુ હતું.

લૂક 16

સાચુ ધન

16 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એક ધનવાન માણસ હતો. આ ધનવાન માણસે તેના વ્યાપારની દેખરેખ રાખવા માટે એક કારભારી રાખ્યો હતો. પાછળથી તે ધનવાન માણસને ખાનગીમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો કારભારી તેને છેતરે છે. તેથી તેણે તેને અંદર બોલાવ્યો. અને તેને કહ્યું, ‘મેં તારા વિષે ખરાબ વાતો સાંભળી છે. તેં મારા પૈસાનું શું કર્યુ છે તેનો હિસાબ મને આપ. હવે તું મારો કારભારી રહી શકીશ નહિ!’

“તે કારભારીએ તેની જાતે વિચાર્યુ, ‘હું શું કરું? મારો ધણી મારી પાસેથી કારભાર લઈ લે છે. હું ખોદકામ કરી શકું તેટલો શક્તિશાળી નથી. ભીખ માંગવામાં મને શરમ આવે છે. હું જાણું છું કે હું શું કરીશ! હું એવું કંઈ કરીશ કે જેથી હું જ્યારે મારી નોકરી ગુમાવું ત્યારે બીજા લોકો મને તેઓના ઘરે આવકારે.’

“તેથી કારભારીએ દરેક દેણદારને જેઓને માથે ધણીનું દેવું હતુ તેઓને બોલાવ્યા. તેણે પહેલા માણસને કહ્યું, ‘તારે મારા માલિકનું કેટલું દેવું છે?’ તે માણસે ઉત્તર આપ્યો; ‘મારે તેમનું 8,000 પૌંડ ઓલિવ તેલનું દેવું છે.’ કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું તારું બીલ, જલ્દી બેસી જા, અને બીલની રકમ ઓછી કર, 4,000 પૌંડ લખ.’

“પછી કારભારીએ બીજા માણસને કહ્યું, ‘તારે મારા ધણીનું દેવું કેટલું છે?’ તે માણસ બોલ્યો; ‘મારે તેનું 60,000 પૌંડ ઘઉનું દેવું છે.’ પછી કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું, તારું બીલ તું તેને ઓછું કરી શકે છે. 50,000 પૌંડ લખ.’

“પાછળથી ધણીએ તે અપ્રામાણિક કારભારીને કહ્યું કે તેણે ચતુરાઇથી કામ કર્યુ છે, હા, દુન્યવી માણસો તે સમયના અજવાળાના લોકો કરતાં તેઓના ધંધામાં વધારે ચતુર હોય છે.

“હું તમને કહું છું, આ દુનિયામાં અહીં તમારી પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરી દેવ સાથે મિત્રો કરી લો, પછી જ્યારે તે થઈ રહે ત્યારે તે ઘરમાં તેને કાયમ આવકાર મળશે. 10 જે માણસ નાની વસ્તુઓમાં વિશ્વાસુ માલૂમ પડે છે તે મોટી બાબતોમાં પણ વિશ્વાસુ રહેવાનો, પણ જે વ્યક્તિ નાની વસ્તુઓમાં અપ્રામાણિક છે તે મોટી વસ્તુઓમાં પણ અપ્રામાણિક રહેવાની. 11 જો તમે જગતનાં ધન સંબંધી અવિશ્વાસુ હશો તો ખરા ધન (સ્વર્ગીય) માટે તમારો વિશ્વાસ કેવી રીતે રાખી શકાય 12 અને જો તમે બીજાની માલિકીની સંપત્તિ સંબંધી વિશ્વાસુ ન રહો તો તમને તમારુંજે છે તે કેવી રીતે સોંપી શકાય

13 “કોઈ પણ ચાકર એક સાથે એક જ સમયે બે ધણીઓની સેવા કરી શકે નહિ. તે ચાકર એક ધણીનો તિરસ્કાર કરશે અને બીજા ધણીને પ્રેમ કરશે અથવા તે એક ધણીને વફાદાર રહેશે અને બીજાની પરવા કરશે નહિ. તમે એક સાથે દેવ અને ધન બંનેની સેવા કરી શકો નહિ.”

દેવનો અપરિવર્તનશીલ કાયદો

(માથ. 11:12-13)

14 ફરોશીઓ આ બધી વાતો ધ્યાનથી સાંભળતા હતા. ફરોશીઓએ ઈસુની ટીકા કરી કારણ કે તેઓ પૈસાને ચાહતા હતા. 15 ઈસુએ ફરોશીઓને કહ્યું, “તમારી જાતને તમે લોકો સામે સારી દેખાડો છો. પણ દેવ જાણે છે કે ખરેખર તમારા હ્રદયમાં શું છે જે કંઈ લોકોની દષ્ટિએ મહત્વનું છે તે દેવની આગળ તો ધિક્કારને પાત્ર છે.

16 “લોકોએ મૂસાના નિયમો અને પ્રબોધકોના ઉપદેશો પ્રમાણે જીવવું જોઈએ. એવું દેવે ઈચ્છયું. પણ યોહાન બાપ્તિસ્ત આવ્યો તે સમયથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવી રહી છે. ઘણા લોકો દેવના રાજ્યમાં પ્રવેશવા ખૂબ પ્રયત્નો કરી રહ્યાં છે. 17 આકાશ અને પૃથ્વી માટે જતાં રહેવું વધારે સરળ છે પરંતુ શાસ્ત્રની એક પણ માત્રા બદલી શકાશે નહિ.”

છૂટાછેડા અને પુર્નલગ્ન

18 “જો કોઈ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી કોઈ સ્ત્રીને પરણે છે, તે વ્યભિચારના પાપ માટે દોષિત છે. અને કોઈ માણસ છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.”

ધનવાન માણસ અને લાજરસ

19 ઈસુએ કહ્યું, “એક ધનવાન માણસ હતો જે હંમેશા સૌથી સુંદર વસ્ત્રો પહેરતો. તે એટલો ધનવાન હતો કે રોજ ખૂબ વૈભવવિલાસ અને મિજબાનીઓ રાખવા સમર્થ હતો. 20 ત્યાં લાજરસ નામનો ખૂબ ગરીબ માણસ પણ હતો. લાજરસના આખા શરીર પર ફોલ્લા હતા. લાજરસ વારંવાર તે ધનવાન માણસના દરવાજા આગળ પડ્યો રહેતો. 21 ધનવાન માણસના મેજ પરથી ખાતાં ખાતાં નીચે પડેલા ટુકડાઓ ખાઇને પોતાની ભૂખ સંતોષતો. કૂતરા પણ આવતા અને તેના ફોલ્લા ચાટતા.

22 “પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો. 23 તેને હાદેસમાં મોકલવામાં આવ્યો અને ત્યાં ઘણી પીડા ભોગવવી પડી. તે ધનવાન માણસે દૂરથી ઈબ્રાહિમને લાજરસ સાથે જોયો. 24 તેણે બૂમ પાડી, ‘ઈબ્રાહિમ બાપ, મારા પર દયા કર. લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે; કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું.’

25 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે. 26 તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે. કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ. અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ.’

27 “ધનવાન માણસે કહ્યું, ‘પછી કૃપા કરીને પિતા ઈબ્રાહિમ, લાજરસને મારા પિતાને ઘરે પૃથ્વી પર મોકલ. 28 મારે પાંત ભાઈઓ છે. લાજરસ મારા ભાઈઓને ચેતવણી આપી શકે, જેથી તેઓને આ વેદનાની ભૂમિ પર આવવું ના પડે.’

29 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘તેઓની પાસે મૂસાનો નિયમ અને પ્રબોધકોના લખાણો વાંચવા માટે છે. તેમને તેમાંથી શીખવા દે.’

30 “પરંતુ ધનવાન માણસે કહ્યું, ના ઈબ્રાહિમ બાપ! જો કોઈ મરણ પામેલામાંથી તેઓની પાસે આવે, તો તેઓ વિશ્વાસ કરશે અને પસ્તાવો કરશે.

31 “પણ ઈબ્રાહિમે તેને કહ્યું, ‘ના! જો તારા ભાઈઓ મૂસા તથા પ્રબોધકોનું ધ્યાનથી સાંભળતા ના હોય તો પછી તેઓ મૂએલામાંથી કોઈ તેઓની પાસે આવે તો પણ તેઓનું સાંભળશે નહિ.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International