M’Cheyne Bible Reading Plan
યહોઆહાઝનો અમલ
36 દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને નવા રાજા તરીકે પસંદ કર્યો. 2 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ્ય કર્યુ. 3 ત્યારબાદ મિસરના રાજા નખોએ તેને જેલમાં નાખ્યો અને યહૂદાના દેશ ઉપર 3,400 કિલોગ્રામ ચાંદીની અન 34 કિલોગ્રામ વજનદાર સોનાની વાર્ષિક ખંડણી નાખી અને યહોઆહાઝનો એ રીતે દંડ કર્યો. 4 તથા તેની જગ્યાએ તેના ભાઇ એલ્યાકીમને યહૂદાનો અને યરૂશાલેમનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો તેના ભાઇ યહોઆહાઝ ને મિસર ઉપાડી ગયો.
યહૂદાનો રાજા યહોયાકીમ
5 યહોયાકીમ ગાદીએ આવ્યો ત્યારે તેની ઊંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યુ.
6 તેણે દેવ યહોવાની ષ્ટિએ ખોટું ગણાય એવું આચરણ કર્યુ. આથી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળ બાંધી બાબિલ લઇ ગયો. 7 વળી તે યહોવાના મંદિરની કેટલીક સામગ્રી પણ બાબિલ લઇ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી. 8 યહોયાકીમનાઁ રાજ્યમાં બીજા બનાવો, તેણે ઘૃણાજનક કાર્યો કર્યા હતા અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો તે બધું ઇસ્રાએલના અને યહૂદાના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધાયેલું છે, તેના પછી તેનો પુત્ર યહોયાખીન ગાદીએ આવ્યો.
યહૂદાનો રાજા યહોયાકીન
9 યહોયાખીન જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 8 વર્ષની હતી. તેણે માત્ર ત્રણ માસ અને ત્રણ દિવસ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. દેવની ષ્ટિમાં તે ભૂંડાઇનું રાજ્ય હતું. 10 ત્યારબાદ વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ તેને બાબિલ બોલાવ્યો. તે વખતે મંદિરમાંથી ઘણો ખજાનો બાબિલ લઇ જવામાં આવ્યો. નબૂખાદનેસ્સાર રાજાએ યહોયાખીનના ભાઇ સિદકિયાને યહૂદા અને યરૂશાલેમમાં નવા રાજા તરીકે નીમ્યો.
યહૂદાનો રાજા સિદકિયા
11 સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યુ. 12 તેણે તે દેવ યહોવા વિરૂદ્ધ પાપ કર્યુ, અને યહોવાના મુખ્ય પાત્ર પ્રબોધક યર્મિયાનું કહ્યું તેણે માથે ચડાવ્યું નહિ.
યરૂશાલેમનો વિનાશ
13 વળી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો કર્યો. જેને વફાદાર રહેવાને તેણે દેવને નામે સમ ખાધા હતા. તે જક્કી હતો અને તેણે ઇસ્રાએલના દેવ યહોવાને શરણે પાછા વળવાની હઠપૂર્વક ના પાડી. 14 ઉપરાંત યહૂદાના બધા આગેવાનો, યાજકો અને લોકો વધુ બગડતા અને બગડતા ગયા. તેઓ આજુબાજુની પ્રજાઓના દેવોની મૂર્તિઓને પૂજતા હતા, આમ તેઓએ યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરને ષ્ટ કર્યુ જે તેણે પાવન કર્યુ હતું. 15 તેઓના પિતૃઓના દેવ યહોવાએ વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓને ચેતવણી આપી, કારણકે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી. 16 પણ તેમણે દેવના સંદેશવાહકોની ઠેકડી ઉડાવી, દેવના વચનોની ઉપેક્ષા કરી, અને પ્રબોધકોને હસી કાઢયા, એટલે સુધી કે આખરે તેમના ઉપર યહોવાનો રોષ એવો તો ઊતર્યો કે, કોઇ ઉપાય ન રહ્યો. 17 ત્યારે યહોવાએ બાબિલના રાજાને તેમના ઉપર ચઢાઇ કરવા મોકલ્યો. બાબિલના રાજાએ તેમના યુવાન માણસોને જ્યારે તેઓ મંદિરની અંદર જ હતાં ત્યારે મારી નાખ્યાં. તેણે સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ કે યુવાન, સાજાં કે માંદા કોઇનેય છોડ્યાં નહિ. દેવે તેમને બધાંને તેના હાથમાં સુપ્રત કર્યા હતાં. 18 તે યહોવાના મંદિરની નાનીમોટી બધી જ સામગ્રી તેમજ મંદિરમાંના, રાજાના અને તેના અમલદારોના ખજાના, બધું જ બાબિલ લઇ ગયો. 19 તેણે મંદિર બાળી મૂક્યું. યરૂશાલેમની દિવાલ ભોંયભેગી કરી નાખવામાં આવી હતી. તેના મહેલોને આગ ચાંપી અને બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો. 20 હત્યાઓમાંથી બચી જવા પામેલાઓને તે બાબિલ બાન પકડી ગયો, અને ઇરાનીઓ સત્તા પર આવ્યા ત્યાં સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ રહ્યાં. 21 આ રીતે યર્મિયા મારફતે ઉચ્ચારાયેલું યહોવાનું વચન સાચું પડ્યું ભૂમિ 70 વર્ષો સુધી વેરાન થઇ જશે. લોકો દ્વારા વિશ્રામવર્ષની વિશ્રાંતિ[a] ન પાળવા માટેની આ ભરપાઈ હશે.
22 યર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાનું વચન પૂર્ણ થાય માટે ઇરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં યહોવાએ કોરેશને પ્રેરણા કરી કે, તે તેના સમગ્ર રાજ્યમાં એક લેખિત ઢંઢેરો પ્રગટ કરે:
23 આકાશના યહોવા દેવે મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે;
તેણે મને તેને માટે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં મંદિર બાંધવા કહ્યું છે, તેના લોકોમાંથી તમારામાં જે કોઇ હોય; તે ભલે જાય. તેના દેવ યહોવા તેને સાથ આપો.
22 પછીથી તે દૂતે મને જીવનના પાણીની નદી બતાવી. તે નદી સ્ફટિકના જેવી ચમકતી હતી. તે નદી દેવના અને હલવાનના રાજ્યાસનમાંથી વહે છે. 2 તે શહેરની શેરીની મધ્યમાંથી વહે છે. જીવનનું વૃક્ષ નદીની બન્ને બાજુ પર હતું. જીવનનું વૃક્ષ વર્ષમાં બાર વખત ફળ આપે છે. તે પ્રતિ માસ ફળ આપે છે. તે વૃક્ષનાં પાંદડાઓ બધા લોકોને સાજા કરવા માટે છે.
3 ત્યાં કોઈ પ્રકારનો શાપ થનાર નથી. દેવ જે ગુનાઓનો ન્યાય કરે છે એવું કઈ ત્યાં તે શહેરમાં હશે નહિ. દેવનું અને હલવાનનું રાજ્યાસન તે શહેરમાં હશે. દેવના સેવકો તેની આરાધના કરશે. 4 તેઓ તેનો ચહેરો જોશે દેવનું નામ તેઓના કપાળો પર લખેલું હશે. 5 ત્યાં કદાપિ રાત થશે નહિ. લોકોને દીવાના પ્રકાશની કે સૂર્યના પ્રકાશની જરૂર રહેશે નહિ. પ્રભુ દેવ તેઓને પ્રકાશ આપશે. અને તેઓ રાજાઓની જેમ સદાસર્વકાળ રાજ્ય કરશે.
6 તે દૂતે મને કહ્યું, “આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે. પ્રભુ જે પ્રબોધકોના આત્માઓનો દેવ છે. તેણે તેના દૂતને જે થોડી વારમાં થવાનું જ છે તે તેના સેવકોને બતાવવાં મોકલ્યો છે. 7 ‘ધ્યાનથી સાભંળો! હું જલદીથી આવું છું. જે વ્યક્તિ પ્રબોધના વચનોને પાળે છે તેને ધન્ય છે.’”
8 હું યોહાન છું. મેં આસાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી, તેને વંદન કરવા હું પગે પડ્યો. 9 પણ તે દૂતે મને કહ્યું કે, “મને વંદન કર નહિ, હું તો તારા દેવો છું અને તારો તથા જે પ્રબોધકો તારા ભાઇઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથી સેવક છું. તું દેવની આરાધના કર!”
10 પછી તે દૂતે મને કહ્યું, “આ પુસ્તકના ભવિષ્ય કથનના વચનોને ગુપ્ત રાખીશ નહિ. આ વાતો થવાનો સમય નજીક છે. 11 જે વ્યક્તિ અન્યાયી છે તેને અન્યાય કરવાનું ચલુ રાખવા દો. જે વ્યક્તિ મલિન છે તેને મલિન થવાનું ચાલુ રાખવા દો. જે વ્યક્તિ સાંચુ કામ કરે છે તે સાંચુ કામ કરવાનું ચાલુ રાખે. જે વ્યક્તિ પવિત્ર છે તે હજુ પવિત્ર થવાનું ચાલુ રાખે.”
12 “ધ્યાનથી સાંભળો! હું જલદીથી આવું છું! હું મારી સાથે બદલો લાવીશ. હું દરેક વ્યક્તિને તેઓના કરેલાં કાર્યોનો બદલો આપીશ. 13 હું આલ્ફા અને ઓમેગા છું. પ્રથમ અને છેલ્લો છું. હું આરંભ અને અંત છું.
14 “તે લોકો જેઓએ તેઓના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે. તેઓને જીવનના વૃક્ષમાંથી ખોરાક ખાવા માટેનો હક્ક મળશે. તેઓ દરવાજાઓમાં થઈને નગરમાં જઈ શકશે. 15 શહેરની બહારની બાજુ કૂતરાંઓ (દુષ્ટ લોકો) છે, તે લોકો અશુદ્ધ જાદુ કરે છે, વ્યભિચારના પાપો કરે છે. બીજા લોકોનાં ખૂન કરે છે, મૂર્તિઓની પૂજા કરે છે, અને અસત્યને ચાહે છે અને જૂઠું બોલે છે.
16 “મેં, ઈસુએ મારા દૂતને આ વાતો મંડળીઓને કહેવા માટે મોકલ્યો છે. હું દાઉદના પરિવારનો વંશજ છું. હું પ્રભાતનો પ્રકાશિત તારો છું.”
17 આત્મા અને કન્યા બન્ને કહે છે કે, “આવ!” પ્રત્યેક વ્યક્તિ જે આ સાંભળે છે તેણે પણ કહેવું જોઈએ, “આવ!” જો કોઈ તરસ્યો હોય, તેને આવવા દો; જો તે ઈચ્છે તો તે વ્યક્તિ વિનામૂલ્યે જીવનનું પાણી લઈ શકે.
18 જે આ પ્રબોધનાં વચનો સાંભળે છે તે દરેક વ્યક્તિને હું ચેતવું છું. જો કોઈ વ્યક્તિ આ વચનોમાં કાંઈક ઉમેરો કરશે, તો દેવ તે વ્યક્તિને આ પુસ્તકમાં લખેલી મુસીબતો આપશે. 19 અને જો કોઈ વ્યક્તિ આ પુસ્તકના પ્રબોધનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો દેવ તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી, અને પવિત્ર નગરમાંથી, એટલે જેના વિષે આ પુસ્તકમાં જે લખેલું છે, તેમાંથી કાઢી નાખશે.
20 ઈસુ કહે છે કે આ વાતો સત્ય છે. હવે તે કહે છે કે, “હા, હું જલદીથી આવું છું.”
આમીન! હે પ્રભુ ઈસુ, આવ!
21 પ્રભુ ઈસુની કૃપા સંતો પર હો! આમીન!
4 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે બધા અભિમાની અને દુષ્ટ લોકો તરણાંની જેમ સળગી જશે. તે દિવસે સૂકાં ઝાડની જેમ બળીને ખાખ થઇ જશે. તેમનું નામોનિશાન નહિ રહે.
2 “પરંતુ તમે જેઓ મારા નામથી ડરીને ચાલો છો તેઓના માટે મુકિતનો સૂર્ય ઉદય પામશે અને તેનાં કિરણો તમારા બધા ઘા રૂજાવશે અને તમે કોઠારમાંથી છૂટેલાં વાંછરડાની જેમ નાચતાકૂદતા ને ગેલ કરતા હશો. તમે દુષ્ટોને કચડી નાખશો.” 3 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે તે દિવસે અધમ લોકોને તમારા પગ તળે છૂંદશો. હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખની જેમ રગદોળાશે.”
4 “મેં મારા સેવક મૂસાને હોરેબમાં સમસ્ત ઇસ્રાએલ માટે જે નિયમો અને આજ્ઞાઓ ફરમાવ્યાં હતાં તે મૂસાના નિયમને યાદ રાખો.”
5 “જુઓ! યહોવાનો મહાન અને ભયંકર ચુકાદાનો દિવસ આવે તે પહેલાં, હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઇશ. 6 તેના ઉપદેશો પુત્રો અને પિતાઓને એક મનનાં અને એક હૃદયના થવા માટે સમજાવશે અને ભેગા કરશે. જો આમ નહિ થાય તો તેઓ જાણશે કે હું આવીને પૃથ્વીને અભિશાપ આપીશ અને તેનો સંપૂર્ણ વિનાશ કરીશ.”
ઈસુના સાત શિષ્યોને દર્શન
21 પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું. 2 શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા. 3 સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.”
બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.
4 બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો. 5 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “મિત્રો તમે કોઈ માછલી પકડી છે?”
શિષ્યોએ કહ્યું, “ના.”
6 ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.
7 ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો. 8 બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા. 9 જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી. 10 પછી ઈસુએ કહ્યું, “તમે માછલીઓ પકડી છે તેમાંથી થોડી લાવો.”
11 સિમોન પિતર હોડીમાં ગયો અને જાળને સમુદ્રકિનારે ખેંચી. તે મોટી માછલીઓથી ભરેલી હતી. ત્યાં 153 માછલીઓ હતી. માછલીઓ ઘણી ભારે હતી, પણ જાળ ફાટી નહિ. 12 ઈસુએ તેઓને કહ્યું, “આવો અને ખાઓ.” શિષ્યોમાંથી કોઈ પણ તેને પૂછી શક્યો નહિ, “તું કોણ છે?” તેઓએ જાણ્યું તે પ્રભુ હતો. 13 ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.
14 મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા.
ઈસુ પિતર સાથે વાત કરે છે
15 જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?”
પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનો[a] ની સંભાળ રાખ.”
16 ફરીથી ઈસુએ પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”
પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેટાંઓની સંભાળ રાખ.”
17 ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”
પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!”
ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ. 18 હું તને સત્ય કહું છું. જ્યારે તું યુવાન હતો. તું તારો પોતાનો પટ્ટો બાંધી અને તારી જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં ગયો. પણ જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે તું તારા હાથ લાંબા કરીશ અને બીજો કોઈ પુરુંષ તને બાંધશે. તે વ્યક્તિ તારી ઈચ્છા જ્યાં નહિ જવાની હશે ત્યાં દોરી જશે.” 19 (ઈસુએ દેવનો મહિમા પ્રગટ કરવા, તે દર્શાવવા એમ કહ્યું.) પછી ઈસુએ પિતરને કહ્યું, “મારી પાછળ આવ!”
20 પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો. (આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?”) 21 જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?”
22 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય, તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ. તું મારી પાછળ આવ!”
23 તેથી એ વાત ભાઈઓમાં અંદર અંદર પ્રસરી. તેઓ કહેતા હતા કે આ શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતો હતો તે મૃત્યુ પામશે નહિ. પણ ઈસુએ કહ્યું ન હતું કે તે મૃત્યુ પામશે નહિ. તેણે ફક્ત કહ્યું, “ધારો કે મેં નક્કી કર્યુ હોય કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવે એમાં તારે શું?”
24 તે શિષ્ય જે આ બાબત કહે છે, તે જેણે હમણાં આ બાબત લખી છે. અમે જાણીએ છીએ કે તે જે કહે છે તે સાચું છે.
25 ત્યાં બીજી ઘણી બાબતો છે જે ઈસુએ કરી છે. જો તે બાબતોના પ્રત્યેક કામો લખવામાં આવે તો હું ધારું છું કે એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International