M’Cheyne Bible Reading Plan
મંદિરના બાંધકામનો પ્રારંભ
3 સુલેમાને યહોવાનું મંદિર બાંધવાની શરૂઆત કરી, જ્યા એના પિતા દાઉદને મોરિયા પર્વત પર યહોવાએ દર્શન આપ્યા હતા. એ જગ્યા યબૂસી ઓર્નાન ઘઉં ઝૂડવાની ખળી ઉપર હતી. સુલેમાન બાંધકામ શરૂ કરે તે પહેલા દાઉદે તે જગ્યા તૈયાર કરી હતી. 2 સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી.
3 હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો. 4 મંદિરના આગળના પ્રાગણની લંબાઇ, મંદિરની પહોળાઇ જેટલી 20 હાથ હતી, અને ઊંચાઇ 120 હાથ હતી, એનો અંદરનો ભાગ સુલેમાને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો. 5 મંદિરની અંદરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાંથી જડી દીધેલી હતી અને તેમને શુદ્ધ સોનાથી મઢી દીધી હતી અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરેલી હતી. 6 તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું. 7 તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં.
8 મંદિરમાં એક તરફ પરમપવિત્રસ્થાન હતું, તેનું માપ: પહોળાઇ 20 હાથ અને ઊંચાઇ 20 હાથ હતી. તેને સોનાથી મઢવામાં આવ્યું હતું. જેનું વજન લગભગ 20,400 કિલો જેટલું હતું. 9 સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં. 10 તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા. 11 એ કરૂબ દેવદૂતોની પાંખોનો કુલ વિસ્તાર 20 હાથનો હતો. એક કરૂબ દેવદૂતની એક પાંખ પાંચ હાથ ફેલાઇને મંદિરની ભીંતને અડતી હતી અને બીજી પાંખ, 5 હાથ ફેલાઇને બીજા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી. 12 એજ રીતે બીજા કરૂબ દેવદૂતની એક પાંખ ફેલાઇને મંદિરની બીજી ભીંતને અડતી હતી. અને બીજી પાંખ પહેલા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી 13 આ પ્રમાણે કરૂબ દેવદૂતોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી; તેઓ પોતાના પગ ઉપર ઊભા રહેલા, ને તેઓનાં ચહેરા અંદરની તરફ વળેલા હતાં અને તેઓ પગ પર ટટ્ટાર ઉભાં હતાં.
14 તેણે નીલા, જાંબુડા, અને ઉજળા લાલ રંગના શણના પડદા બનાવ્યા, ને તેના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિનું ભરતકામ કરેલું હતું.
15 મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા, 16 તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં. 17 એ બે સ્તંભો તેણે મંદિરની સામે ઊભા કરાવ્યા, એક જમણી બાજુએ અને એક ડાબી બાજુએ. જમણી બાજુના સ્તંભનુ નામ “યાખીન” અને ડાબી બાજુનાનું નામ “બોઆઝ” રાખ્યું.
હૂરામનું કાર્ય અને મંદિર માટેની સામગ્રી
4 ત્યારબાદ તેણે કાંસામાંથી 20 હાથ લાંબી, 20 હાથ પહોળી અને 10 હાથ ઊંચી વેદી બનાવડાવી. 2 તેણે ઢાળેલી ધાતુનો હોજ પણ કરાવ્યો. એનો આકાર ગોળ હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. એ 5 હાથ ઊંચો હતો અને તેનો પરિઘ 30 હાથનો હતો. 3 એ હોજની ફરતે બહારની બાજુએ બળદના પૂતાળાની બે હારમાળા હતી, દરેક તેના પરિઘમાં દસ હાથ ગોળ હતી. જે હોજની સાથે જ ઢાળેલી હતી. 4 એ હોજ બાર બળદની પ્રતિમા ઉપર ગોઠવેલો હતો. ત્રણના મોંઢા ઉત્તર તરફ અને ત્રણના મોંઢા પૂર્વ અને ત્રણના મોંઢા પશ્ચિમ અને ત્રણના મોંઢા દક્ષિણ તરફ હતા. તેમની પૂછડીઓ અંદરના ભાગમાં હતી. હોજ એ બળદો પર બેસાડેલો હતો. 5 એની જાડાઇ ત્રણ ઇંચ હતી. અને તેનો આકાર ખીલેલાં કમળ જેવો હતો. તેમાં 17,500 ગેલન પાણી સમાતું હતું.
6 એ કુંડ યાજકોને હાથપગ ધોવા માટે કરાવ્યો હતો. તેણે દહનાર્પણના પશુને ધોવા માટે દસ કૂંડીઓ કરાવી અને પાંચ ડાબી બાજુએ અને પાંચ જમણી બાજુએ મૂકાવી.
7 સુલેમાને, આ દીપવૃક્ષ માટે બનાવેલી યોજના અનુસાર, સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને પછી તેણે આ દીપવૃક્ષો મંદિરમાં અંદર મૂકાવ્યાં; પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ. 8 સુલેમાને 10 મેજ બનાવીને મંદિરમાં મૂકાવ્યાં. એણે મંદિરમાં 5 મેજ જમણી બાજુએ અને 5 મેજ ડાબી બાજુએ મૂક્યા. વળી તેણે સોનાના 100 કટોરા બનાવ્યાં. 9 તેણે યાજકો માટે અલગ ચોક કરાવ્યો, એણે સામાન્ય લોકો માટે એક મોટું પ્રાંગણ બનાવ્યું. તેના દરવાજા ત્રાંબાથી મઢેલા હતાં. 10 યાજકો માટેનો મોટો કાંસાનો હોજ મંદિરના બહારના ભાગમાં અગ્નિ ખૂણામાં મૂકવામાં આવ્યો હતો.
11 હૂરામે કૂંડા, પાવડા અને ડોયા પણ બનાવ્યાં. આ રીતે તેણે દેવના મંદિરમાં રાજા સુલેમાન તરફથી માથે લીધેલું મંદિરનું બધું કામ પૂરું કર્યું. 12 એટલે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપર બે કળશ, તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ, 13 અને એ બે જાળીને માટે 400 દાડમ; એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી. 14 તેણે ઘોડીઓ બનાવી અને તેના ઉપર કટોરાઓ મૂક્યાં. 15 એક કુંડ અને એને જેના પર મૂક્યો હતો એ બાર બળદો. 16 રાખ માટેના કૂંડા, પાવડીઓ અને ચીપિયા. 17 આ બધી વસ્તુઓ, મુખ્ય કારીગર હૂરામે, યહોવાના મંદિર માટે, રાજા સુલેમાન તરફથી અપાયેલા કાંસામાંથી બનાવી. આ બધું તેણે સુકકોથ અને સરેદાહની વચ્ચેની યર્દન નદીની ખીણમાં માટીનાં બીબા વાપરીને બનાવ્યું હતું. 18 સુલેમાને એ વસ્તુઓ મોટા જથ્થામાં બનાવી, અને એમાં વપરાયેલા કાંસાના વજનનો કોઇ હિસાબ નહોતો.
19 તદુપરાંત સુલેમાને દેવના મંદિર માટે બીજા સાધનો પણ બનાવડાવ્યાં; સોનાની વેદી, અને રોટલી ધરાવવાનો સોનાનો બાજઠ. 20 યજ્ઞવેદી આગળ મૂકવા માટેનું દીપવૃક્ષ જેનાં શુદ્ધ સોનામાંથી બનાવેલી દીવીઓમાં અખંડ જ્યોત બળતી હોય. 21 શુદ્ધ સોનાનાં ફૂલ, કોડિયાં, ચીપિયા, 22 દીપવૃક્ષો સાફ કરવાની કાતરો, કટોરાઓ, ચમચા અને સગડીઓ-આ સર્વ શુદ્ધ સોનાનાં બનાવ્યાં. તેમજ મંદિરના સર્વ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા.
આપણે દેવનાં છોકરાં છીએ
3 પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ કયો છે! એ જ બતાવે છે કે તેણે આપણને કેટલો પ્રેમ કયો છે! આપણે દેવનાં છોકરાં કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેનાં છોકરાં છીએ. પરંતુ જગતનાં લોકો સમજતા નથી કે આપણે દેવનાં છોકરાં છીએ, કારણ કે તેઓએ તેને ઓળખ્યો નથી. 2 વ્હાલા મિત્રો, હવે આપણે દેવના છોકરા છીએ. અને ભવિષ્યમાં આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુ ફરીથી આવશે ત્યારે આપણે ખ્રિસ્ત જેવા થઈશું. તે જેવો છે તેવો આપણે તેને જોઈશું. 3 ખ્રિસ્ત પવિત્ર છે. અને પ્રત્યેક વ્યક્તિ જેને ખ્રિસ્તમાં આશા છે તે પોતાની જાતને ખ્રિસ્ત જેવી પવિત્ર રાખે છે.
4 જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તે દેવના નિયમને તોડે છે. હા, પાપ કરવુ તે દેવના નિયમ વિરુંધ્ધ જીવવા જેવું છે. 5 તમે જાણો છો કે ખ્રિસ્ત લોકોનાં પાપોને દૂર કરવા આવ્યો હતો. ખ્રિસ્તમાં કોઈ પાપ નથી. 6 તેથી જે વ્યક્તિ ખ્રિસ્તમાં જીવે છે તે પાપ કરતો નથી. જે કોઈ વ્યક્તિ પાપ કરે છે, તે ખરેખર ખ્રિસ્તને સમજ્યો નથી અને કદી તેણે ખ્રિસ્તને ઓળખ્યો નથી.
7 વહાલાં બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવા માટે, વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ. 8 શેતાન આરંભકાળથી જ પાપ કરે છે જે વ્યક્તિ પાપ કરવાનું ચાલુ રાખે છે તે શેતાનનો છે. દેવનો પુત્ર શેતાનનાં કામોનો નાશ કરવા માટે આવ્યો.
9 જ્યારે દેવ એક વ્યક્તિને તેનો બાળક બનાવે છે, ત્યારે તે વ્યક્તિ પાપ કરવાનું ચાલું રાખતો નથી. શા માટે? કારણ કે દેવે તેનામાં જે બીજ રોપ્યું છે તે તેની અંદર રહે છે અને તે પાપ કરી શકતો નથી. કારણ કે તે દેવથી જન્મેલો છે. 10 તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવનાં છોકરાં કોણ છે. વળી, આપણે જાણી શકીએ છીએ કે શેતાનનાં છોકરાં કોણ છે જે લોકો સાચુ જે છે તે કરતા નથી તે દેવનાં છોકરાં નથી. અને જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી. તે પણ દેવનું બાળક નથી.
આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ
11 આરંભથી જે ઉપદેશ તમે સાંભળ્યો છે તે આ જ છે: આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ. 12 કાઈન[a] જેવા ન થાઓ. કાઈન દુષ્ટનો હતો. કાઈને તેના ભાઈ હાબેલને મારી નાખ્યો? કારણ કે કાઈનનાં કામો ભુંડાં હતાં અને તેના ભાઈ હાબેલનાં કામો સારાં હતાં.
13 ભાઈઓ અને બહેનો, આ જગતના લોકો જ્યારે તમને ધિક્કારે ત્યાંરે નવાઈ પામશો નહિ. 14 આપણે જાણીએ છીએ કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યાં છીએ. આપણે આ જાણીએ છીએ કારણ કે આપણે આપણા ભાઈઓ અને બહેનોને પ્રેમ કરીએ છીએ. જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે હજુ મરણમા છે. 15 પ્રત્યેક વ્યક્તિ જે તેના ભાઈનો દ્રેષ કરે છે તે ખુની છે. અને તમે જાણો છો કે કોઈ ખુનીમાં અનંતજીવન રહેતું નથી.
16 એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ. 17 ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી. 18 મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોમાં અને વાતોમાં હોવો જોઈએ નહી. ના! આપણો પ્રેમ સાચો પ્રેમ હોવો જોઈએ. આપણે આપણો પ્રેમ આપણાં કાર્યો દ્વારા દર્શાવવો જોઈએ.
19-20 તેથી આ એ જ રસ્તો છે જે આપણે જાણીએ છીએ કે આપણે સત્ય માર્ગના છીએ. અને જ્યારે આપણે આપણું હૃદય દોષિત ઠરાવે છે, છતાં દેવ આગળ આપણને શાંતિ મળી શકે છે. શા માટે? કારણ કે દેવ આપણા હ્રદય કરતાં મહાન છે. તે દેવ બધુંજ જાણે છે.
21 મારા વહાલા મિત્રો, જો આપણું અંત:કરણ આપણને દોષિત ન ઠરાવે તો જ્યારે આપણે દેવ પાસે આવીએ છીએ ત્યારે આપણે નિર્ભય થઈ શકીએ છીએ. 22 અને દેવ આપણને આપણે જે માગીએ તે આપે છે. આપણે આ વાનાં પ્રાપ્ત કરીએ છીએ કેમ કે આપણે દેવની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને આપણે દેવ પ્રસન્ન થાય તેવાં કામો કરીએ છીએ. 23 દેવે આપણને જે આજ્ઞા કરી છે તે આ છે કે, “આપણે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ અને આપણે એકબીજાને પ્રેમ કરીએ.” તેણે જે આજ્ઞા કરી છે તે આ છે. 24 તે વ્યક્તિ જે દેવની આજ્ઞાઓનુ પાલન કરે છે તે દેવમાં રહે છે. અને દેવ તે વ્યક્તિમાં રહે છે. આપણે કેવી રીતે જાણીએ કે દેવ આપણામાં રહે છે? દેવે આપણને જે આત્મા આપ્યો છે તેના કારણે આપણે જાણીએ છીએ.
નિનવેહનું નિશ્ચિત પતન
2 ઓ નિનવેહ!
તને વિખેરી નાખવા એક શત્રુ આવ્યો છે!
કિલ્લાની રક્ષા કર.
રસ્તા પર ચોકી કર,
યુદ્ધ માટે તૈયાર થઇ જા.
તારી બધી શકિતને ભેગી કર.
2 લૂંટારાઓએ તેઓને લૂંટી લીધા છે
અને તેઓના દ્રાક્ષના વેલાનો નાશ કર્યો છે,
પરંતુ યહોવા યાકૂબનું માન ઇસ્રાએલના
સન્માનની જેમ પુન:સ્થાપિત કરશે.
3 તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે.
અતિ શકિતશાળી માણસો લાલ રંગના પોષાકમાં છે.
ચમકારા મારતા તેના રથો
યુદ્ધ માટે તૈયાર થઇ રહ્યા છે.
તેમના વૃક્ષો હલાવાઇ રહ્યાં છે.
4 રથો ગલીઓમાં ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે.
તેઓ ચોકમાં ઉપર નીચે ઉતાવળે ઘસી રહ્યાં છે
સળગતી મશાલની જેમ દોડે છે
અને વીજળીની જેમ જ્યાં ત્યાં ત્રાટકવાના હોય તેવા દેખાય છે.
5 ચુનંદા યોદ્ધાઓને તેડાવવામાં આવ્યા છે;
તેઓ ઠોકર ખાતા દોડતા આવે છે,
તેઓ કોટ તરફ આગળ વધી રહ્યાં છે
અને હુમલો કરવાના શસ્ત્રો ગોઠવી દે છે.
6 નદી તરફના દરવાજાઓ ખૂલી ગયા છે!
મહેલ તૂટી ગયો છે!
7 નિનવેહની રાણીને નિર્વસ્ત્રી કરી બંદીવાન બનાવી લઇ જવામાં આવે છે.
દાસીઓ છાતી કૂટે છે,
ને કબૂતરની જેમ શોક કરે છે.
8 નિનવેહના લોકો પાળ તૂટેલા તળાવમાંથી
પાણી વહી જાય તેમ ભાગે છે.
“થોભો, થોભો” ના પોકાર સંભળાય છે,
પણ કોઇ પાછું ફરતું નથી.
9 તમે ચાંદી લૂંટો!
સોનુ લૂંટો!
કિમતી ઝવેરાત ખજાનાનો કોઇ પાર નથી.
અઢળક ધનસંપત્તિ લઇ જવામાં આવી રહી છે.
10 નિનવેહ નગર ઉજ્જડ
અને ખાલી થઇ ગયું છે.
હૃદયના ધબકારા ધીમા પડી જાય છે,
પગ ધ્રુજે છે,
દરેક જણના શરીર યાતના ભોગવે છે
અને દરેકના મોં ધોળાં
પૂણી જેવા થઇ જાય છે.
11 ક્યાં છે એ શહેર, જે સિંહની ગુફા જેવું હતું?
જ્યાં સિંહના બચ્ચાં પોષાતાં હતાં,
જ્યાં સિંહ-સિંહણ અને સિંહના બચ્ચાં નિરાંતે ફરતાં હતાં.
તેઓને વ્યાકુળ કરે તેવું ત્યાં કાંઇજ ન હતું.
12 જેમ સિંહ તેના બચ્ચાં
માટે પૂરતો શિકાર કરે છે
તેવી રીતે તેણે બોડ
અને ગુફા શિકારથી ભરી દીધા.
13 પરંતુ હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે;
“હું તારી વિરૂદ્ધ છું.
હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ,
અને તરવાર તારા બચ્ચાઓનો સંહાર કરશે.
હું પૃથ્વી પરથી તમને શિકાર કરવા
માટે મળતા પશુઓ લઇ લઇશ;
સંદેશાંવાહકનો સાદ ફરી કદી સંભળાશે નહિ.”
દેવ તેના લોકોને ઉત્તર આપશે
18 પછી ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કદાપિ આશા ગુમાવવી જોઈએ નહિ. ઈસુએ તેઓને શીખવવા એક વાર્તાનો ઉપયોગ કર્યો: 2 “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવની પરવા કરતો નહિ. ન્યાયાધીશ પણ લોકો તેના વિષે શું વિચારે છે તેની ચીંતા કરતો નહિ. 3 તે જ ગામમાં એક સ્ત્રી હતી, તેના પતિનું અવસાન થએલ હતું. તે સ્ત્રી ઘણીવાર આ ન્યાયાધીશ પાસે આવતી અને કહેતી કે, ‘એક માણસ મારું ખરાબ કરી રહ્યો છે, મને મારા હક્કો અપાવ.’ 4 પરંતુ ન્યાયાધીશ તે સ્ત્રીને મદદ કરવા ઈચ્છતો ન હતો. લાંબા સમય પછી ન્યાયાધીશે તેની જાતે વિચાર્યુ, ‘હું દેવથી ડરતો નથી અને લોકો શું વિચારે છે તેની પણ પરવા કરતો નથી. 5 પણ આ સ્ત્રી મને તકલીફ આપે છે. જો હું તેને જે જોઈએ છે તે આપીશ તો તે મારો પીછો છોડશે. પણ જો હું તેને જે જોઈએ છે તે નહિ આપુ તો હું માંદો પડીશ ત્યાં સુધી તે મને તકલીફ કરશે!’”
6 પ્રભુએ કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, અન્યાયી ન્યાયાધીશે જે કહ્યું તેનો પણ અર્થ છે. 7 દેવના લોકો તેને રાત દિવસ બૂમો પાડે છે. દેવ હંમેશા તેના લોકોને જે સાચું છે તે હંમેશા આપશે. દેવ તેના લોકોને ઉત્તર આપવામાં ઢીલ કરશે નહિ. 8 હું તમને કહું છું, દેવ જલ્દીથી તેના લોકોની મદદ કરશે! તે તમને બહુ જ જલ્દીથી આપશે! પણ જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે, ત્યારે તેનામાં વિશ્વાસ હોય એવા લોકો તેને પૃથ્વી પર જડશે?”
દેવ સાથે સારા બનવું
9 ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો. 10 “એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો. 11 ફરોથી કર ઉઘરાવનારથી દૂર ઊભો રહ્યો. જ્યારે ફરોશીએ તેની પ્રાર્થનામાં કહ્યું કે, ‘ઓ દેવ, હું બીજા લોકો જેટલો ખરાબ નથી, તે માટે તારો આભાર માનું છું. હું ચોરી કરનાર, છેતરનારા કે વ્યભિચાર કરનારા માણસો જેવો નથી. હું કર ઉઘરાવનાર અધિકારી કરતાં વધારે સારો છું તે માટે તારો આભારમાનું છું. 12 હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’
13 “જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’ 14 હું તમને કહું છું, જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘરે ગયો, તે દેવ પાસે ન્યાયી હતો. પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે. પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે.”
દેવના રાજ્યમાં કોણ પ્રવેશ કરશે?
(માથ. 19:13-15; માર્ક 10:13-16)
15 કેટલાએક લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યા જેથી ઈસુ તેઓનેં સ્પર્શ કરી શકે. પણ જ્યારે શિષ્યોએ આ જોયું ત્યારે તેઓએ લોકોને આમ નહિ કરવા કહ્યું. 16 પણ ઈસુએ તે નાના બાળકોને તેની પાસે બોલાવ્યા અને તેના શિષ્યોને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો. તેઓને અટકાવશો નહિ, કારણ કે દેવનું રાજ્ય જે આ નાનાં બાળકો જેવા છે તેઓના માટે છે. 17 હું તમને સાચું કહું છું, કે, જે કોઈ દેવનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે, તે તેમાં નહિ જ પેસશે!”
એક ધનવાનનો ઈસુને પ્રશ્ર
(માથ. 19:16-30; માર્ક 10:17-31)
18 એક યહૂદિ અધિકારીએ ઈસુને પૂછયું કે, “ઉત્તમ ઉપદેશક, મારે અનંત જીવન પ્રાપ્ત કરવા શું કરવું જાઇએ?”
19 ઈસુએ તેને કહ્યું કે, “તું મને શા માટે ઉત્તમ કહે છે? ફક્ત દેવ જ ઉત્તમ છે. 20 છતાં હું તારા પ્રશ્રનો ઉત્તર આપીશ. તું દેવની આજ્ઞાઓ જાણે છે: ‘તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે કશું ચોરવું જોઈએ નહિ, તારે બીજા લોકોને ખાટી સાક્ષી આપવી જોઈએ નહિ. તારે તારા માતા પિતાને માન આપવું જોઈએ.’(A)”
21 પણ તેણે કહ્યું કે, “હું નાનો બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરતો આવ્યો છું!”
22 જ્યારે ઈસુએ આ સાંભળ્યું. ત્યારે તેણે તે અધિકારીને કહ્યું કે, “હજુ તારે એક વસ્તુ વધારે કરવાની જરૂર છે તારી પાસે જે કંઈ બધું છે તે વેચી દે અને પૈસા ગરીબ લોકોને આપી દે. આકાશમાં તને તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર!” 23 પણ જ્યારે તે માણસે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો દિલગીર થયો. તે માણસ ઘણો ધનવાન હતો અને તેની પાસે પૈસા રાખવા ઈચ્છતો હતો.
24 જ્યારે ઈસુએ જોયું કે તે માણસ દિલગીર થયો છે ત્યારે તેણે કહ્યું, “ધનવાન માણસ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે! 25 ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે પણ ધનવાનોને દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.”
કોણ તારણ પામશે?
26 જ્યારે લોકોએ આ સાંભળ્યું, તેઓએ કહ્યું, “તો પછી કોનું તારણ થશે?”
27 ઈસુએ ઉત્તર આપ્યો, “માણસો માટે જે કરવું અશક્ય છે તે બાબત દેવ કરી શકે છે!”
28 પિતરે કહ્યું કે, “જુઓ, અમે અમારી પાસે જે બધું હતું તેનો ત્યાગ કરીને તારી પાછળ આયા છીએ!”
29 ઈસુએ કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, દેવના રાજ્ય માટે દરેક વ્યક્તિ જે પોતાના ઘરનો, પત્નીનો, ભાઈઓનો, માતાપિતા અને બાળકોનો ત્યાગ કરશે, તે 30 તેણે જે ત્યાગ કર્યો છે તે ઉપરાંત ઘણું વધારે પ્રાપ્ત કરશે. તે માણસ આ જીવનમાં અનેકગણું મેળવશે. અને તે માણસ મૃત્યુ પામે, પછી તે દેવ સાથે સદાને માટે રહેશે.”
ઈસુ મૃત્યુમાંથી ઊઠશે
(માથ. 20:17-19; માર્ક 10:32-34)
31 પછી ઈસુએ બાર પ્રેરિતો સાથે એકલા વાત કરી. ઈસુએ તેઓને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો! આપણે યરૂશાલેમ જઇએ છીએ. દેવે પ્રબોધકોને જે કંઈ માણસના દીકરા વિષે લખવાનું કહ્યું હતું તે બનશે! 32 તેના લોકો તેના વિરોધી બનશે. અને તેને બીનયહૂદિ લોકોને સ્વાધીન કરશે. લોકો તેની મશ્કરી કરશે, તેને અપમાનિત કરશે અને તેની પર થૂંકશે. 33 તેઓ તેને કોરડા મારશે અને પછી મારી નાખશે. પણ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે સજીવન થઈને ઊઠશે.” 34 શિષ્યોએ આ સમજવા પ્રયત્ન કર્યો, પણ તેઓ તમજી શક્યા નહિ, તેનો અર્થ તેઓનાથી ગુપ્ત રહ્યો.
ઈસુ આંધળા માણસને સાજો કરે છે
(માથ. 20:29-34; માર્ક 10:46-52)
35 ઈસુ યરેખોના શહેર નજીક આવ્યો. ત્યાં રસ્તાની બાજુએ એક આંધળો માણસ બેઠો હતો. આંધળો માણસ પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો હતો. 36 જ્યારે આ માણસે રસ્તા પરથી પસાર થતાં લોકોનો અવાજ સાંભળ્યો, તેણે પૂછયું, “શું થઈ રહ્યું છે?”
37 લોકોએ તેને કહ્યું કે, “નાસરેથનો ઈસુ અહીંથી પસાર થઈ રહ્યો છે.”
38 આંધળો માણસ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે, “ઈસુ, દાઉદના દીકરા! કૃપા કરીને મને મદદ કર!”
39 જે લોકો આગળ હતા અને સમૂહને દોરતા હતા તેઓએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને શાંતિ જાળવવા કહ્યું, પણ ઔંધળો માણસ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાઉદના દીકરા! મને મદદ કર!”
40 ઈસુ ત્યાં થોભી ગયો અને બોલ્યો, “પેલા આંધળા માણસને મારી પાસે લાવ!” જ્યારે આંધળો માણસ નજીક આવ્યો, ઈસુએ તેને પૂછયું કે, 41 “તારી ઈચ્છા મારી પાસે શું કરાવવાની છે?”
આંધળા માણસે કહ્યું કે, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.”
42 ઈસુએ તેને કહ્યું કે, “જો! તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”
43 પછી તે માણસ જોઈ શક્યો. તે માણસ ઈસુની પાછળ દેવનો મહિમા પ્રગટ કરતો કરતો ગયો. બધા લોકો જેઓએ આ જોયું તેઓએ આ જે કંઈ બન્યું છે તે માટે દેવની આભારસ્તુતિ કરી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International