Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 29

રાજા હિઝિક્યા દ્વારા મંદિરનું શુદ્ધિકરણ

29 પચીસ વર્ષની ઉંમરે હિઝિક્યા યહૂદાનો રાજા બન્યો અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી. હિઝિક્યાએ પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.

તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી. ત્યારબાદ તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં ભેગા કરી કહ્યું, “લેવીઓ, મારી વાત સાંભળો; અત્યારે તમે વિધિપૂર્વક દેહશુદ્ધિ કરો, અને તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરની પણ શુદ્ધિ કરો, અને એ પવિત્રધામમાં જે કઇં ગંદવાડ પેસી ગયો છે તે બધો હઠાવી દો. આપણા પિતૃઓએ ઉલ્લંઘન કર્યુ છે. અને તેમણે આપણા દેવ યહોવાની ષ્ટિએ ખરાબ ગણાય એવું વર્તન કર્યું છે. તેમણે તેનો ત્યાગ કર્યો હતો, અને તેના મંદિરથી વિમુખ થઇ ગયાં હતાં. તેમણે મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ ઓલવી નાખ્યા હતા, અને ઇસ્રાએલના દેવના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનાર્પણ ચઢાવવાનું બંધ કરી દીધું હતું. આથી યહોવાનો કોપ યહૂદા અને યરૂશાલેમ ઉપર ઉતર્યો છે અને તેણે, તમે જુઓ છો તેમ, તેમના એવા હાલ કર્યા છે કે જેઓ તેમની સામે જુએ છે, તેઓ તેની સામે સ્તબ્ધતાથી હાંફે છે. આ કારણે આપણા પિતૃઓ યુદ્ધમાં માર્યા જાય છે. અને આપણા પુત્રો, પુત્રીઓ અને પત્નીઓ બંદીવાન બન્યાં છે. 10 હવે મેં ઇસ્રાએલના યહોવા દેવ સાથે કરાર કરવાનો નિશ્ચય કર્યો છે, જેથી તેનો ભયંકર રોષ આપણા ઉપરથી ઊતરી જાય, 11 માટે, મારા પુત્રો, વખત બગાડશોં નહિ, કારણ, યહોવાએ તેની સેવા કરવા માટે અને તેને ધૂપ આપવા માટે તમને જ પસંદ કર્યાં છે.”

12-14 ત્યારબાદ કામ કરવા માટે લેવીઓ આગળ આવ્યા:

કહાથના કુટુંબમાંથી અમાસાયનો પુત્ર માહાથ, તથા અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના કુટુંબોમાંથી;

આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલએલ નો પુત્ર અઝાર્યા;

ગેશોર્નીઓના કુટુંબમાંથી ઝિમ્માહનો પુત્ર યોઆહ, તથા યોઆહનો પુત્ર એદેન;

અલીસાફાનના વંશજોમાંથી શિમ્રી તથા યેઉએલ;

આસાફના વંશજોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા;

હેમાનના વંશજોમાંના યહૂએલ અને શિમઇ;

યદ્દૂથૂનના વંશજોમાના શમાયા તથા ઉઝઝીએલ.

15 તેઓએ પોતાના ભાઇઓને ભેગા કર્યા, ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે યહોવાના મંદિરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા, 16 યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઇ ગયા. 17 તેમણે પહેલા મહિનાના પહેલા દિવસે શુદ્ધિનો વિધિ શરૂ કર્યો આઠમે દિવસે તેઓ યહોવાના મંદિરની પરસાળે પહોંચ્યા. ત્યારબાદ આઠ દિવસ સુધી તેમણે મંદિરની શુદ્ધિ કરી અને પહેલા મહિનાના સોળમા દિવસે કામ પૂરું કર્યુ.

18 ત્યારબાદ તેમણે રાજમહેલમાં જઇ રાજા હિઝિક્યાને કહ્યું, “અમે દહનાર્પણ ચઢાવવાની વેદી અને તેને લગતાં સાધનો, તેમજ ધરાવેલી રોટલી મૂકવાના બાજઠ અને તેને લગતાં સાધનો સહિત આખું મંદિર શુદ્ધ કર્યુ છે. 19 વળી રાજા આહાઝ ધર્મષ્ટ થઇ ગયો હતો ત્યારે તેણે હઠાવી દીધેલાં બધાં પૂજાના સાધનો અમે પાછા લાવી શુદ્ધ કર્યા છે, તે બધાં અત્યારે યહોવાની વેદી આગળ મૂકેલાં છે.”

20 બીજે દિવસે સવારે રાજા હિઝિક્યાએ શહેરના અમલદારોને ભેગા કર્યા અને તેમને સાથે લઇને તે યહોવાને મંદિરે ગયો. 21 એ લોકો સાત બળદ, સાત મેંઢા અને સાત ઘેટા, સાત નર બકરાંને રાજ્યને માટે, પવિત્રસ્થાન માટે અને યહૂદા માટે પાપાર્થાપણ તરીકે લઇ આવ્યા અને રાજાએ હારુનના વંશજોને અર્થાત્ યાજકોને યહોવાની વેદી ઉપર બલિદાન અર્પણ કરવા જણાવ્યું. 22 આથી યાજકોએ બળદોને વધેર્યા અને તેમનું લોહી વેદી પર છાંટયું. ત્યારબાદ તેણે ઘેટાંઓને વધેર્યા અને તેનું લોહી વેદી પર છાંટયું. પછી નર બકરાઁ વધેરી તેમનું લોહી વેદી ઉપર છાંટયું. 23 ત્યારબાદ યાજકો દ્વારા પ્રાયશ્ચિતના બલિના બકરાને રાજાની અને સભાની સમક્ષ લાવવામાં આવ્યા. અને તેમણે તેમના ઉપર હાથ મૂક્યા. 24 યાજકોએ તેમનો વધ કરી તેમનું લોહી સમગ્ર ઇસ્રાએલના પાપના પ્રાયશ્ચિત રૂપે વેદી ઉપર છાંટયું. રાજાનું એવું ફરમાન હતું કે, આખા ઇસ્રાએલ તરફથી દહનાર્પણ તેમજ પાપાર્થાર્પણ બંને ચઢાવવા. તે મુજબ આ થયું.

25 યહોવાના મંદિરમાં રાજાએ લેવીઓને ઝાંઝો, સિતારો, અને વીણાઓ આપી હતી, આ વ્યવસ્થા દાઉદ તથા ષ્ટા ગાદ અને નાથાન પ્રબોધકોએ ઠરાવ્યા મુજબની હતી, આ માટે તેઓને પ્રબોધકો દ્વારા યહોવા તરફથી સૂચનાઓ મળી હતી. 26 લેવીઓ પાસે દાઉદનાં વાજિંત્રો હતા. અને યાજકો પાસે રણશિંગડાં હતા. 27 એટલે હિઝિક્યાએ વેદી ઉપર દહનાર્પણ ચઢાવવાનો હુકમ કર્યો; અને દહનાર્પણ ચઢાવવાનું શરૂ થતાં જ યહોવાની સ્તુતિ પણ શરૂ થઇ અને તેની સાથે જ ઇસ્રાએલના રાજા દાઉદના વાજિંત્રો સહિત રણશિંગડા પણ વાગી ઊઠયાં. 28 સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા, સંગીતકારો ગાવા લાગ્યા. અને રણશિંગડા વગાડનારાઓએ રણશિંગડા ફૂંક્યા,

29 દહનાર્પણ આપવાનું પૂરું થયું અને રાજા અને સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કરીને આરાધના કરી. 30 અને રાજા હિઝિક્યાએ તથા તેના અમલદારોએ લેવીઓને દાઉદ અને પ્રબોધક આસાફે રચેલાં યહોવાનાં સ્તોત્રો ગાવા આજ્ઞા કરી. આથી તેમણે ઉલ્લાસપૂર્વક સ્તોત્રો ગાયાં અને સાષ્ટાંગ નમસ્કાર કરી દેવનું ભજનકર્યું. 31 ત્યારબાદ હિઝિક્યાએ કહ્યું, “હવે તમે યહોવાની સેવાને સમર્પિત થયા છો. આગળ આવો, અને યહોવાના મંદિર માટે હોમબલિ અને આભારના બલિ લઇ આવો.” આથી સભાજનો હોમબલિ અને આભારના બલિ લઇ આવ્યા, અને જેમની ઇચ્છા હતી તેઓ દહનાર્પણો લઇ આવ્યા. 32 સભાજનો જે દહનાર્પણો લાવ્યા હતા તેમાં 70 બળદો, 100 ઘેટાં, અને 200 લવારાં હતા; આ યહોવાના હોમબલિના પશુ હતા. 33 વળી ઉપકારાર્થાર્પણ તરીકે 600 બળદ તથા 300 ઘેટાં ચઢાવવામાં આવ્યાં, 34 પણ યાજકો ઓછા હોવાથી એ સર્વ દહનાર્પણો તેઓ ઉતરડી શક્યા નહિ, માટે તેઓના ભાઇ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે કાળજી રાખતાં હતા. 35 વળી દહનાર્પણો, શાંત્યર્પણો અને પેયાર્પણો પણ પુષ્કળ હતા. એ પ્રમાણે યહોવાના મંદિરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી. 36 આ રીતે ફરી યહોવાના મંદિરમાં ઉપાસના ચાલુ કરવામાં આવી અને હિઝિક્યા અને બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા. કારણકે બધુ ખૂબ જલ્દી બની ગયું.

પ્રકટીકરણ 15

છેલ્લા અનર્થ સાથે દૂત

15 પછી મેં આકાશમાં બીજું એક આશ્ચર્યકારક ચિન્હ જોયું, તે મહાન અને આશ્ચર્યકારક હતું ત્યાં સાત દૂતો સાત વિપત્તિઓ લાવ્યા હતા. (આ છેલ્લી વિપત્તિઓ છે, કારણ કે આ વિપત્તિઓ પછી દેવનો કોપ પૂર્ણ થાય છે.)

મેં જોયું, જે અગ્નિમિશ્રિત કાચના સમુદ્ર જેવું હતું. બધા લોકો જેઓએ પ્રાણી પર, અને તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો. તેઓ તે સમુદ્રની બાજુમાં ઊભા હતા. આ લોકો પાસે વીણા હતી જે દેવે તેઓને આપી હતી. તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું:

“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ,
    તારાં કાર્યો મહાન તથા અદભૂત છે.
હે યુગોના રાજા
    તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.
હે પ્રભુ બધા લોકો તારાથી બીશે.
બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે!
    કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે.
બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે,
    કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”

આ પછી મેં આકાશમા એક મંદિર (દેવની હાજરીની પવિત્ર જગ્યા) જોયું, તે મંદિર ઉઘાડું હતું અને સાત વિપત્તિઓ સાથે સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ ચળકતાં શણનાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેઓએ તેઓની છાતીની આજુબાજુ સોનાના પટ્ટા પહેર્યા હતા. પછી ચાર જીવંત પ્રાણીઓમાંથી એક જીવંત પ્રાણીએ સાત દૂતોને સોનાનાં સાત પ્યાલા આપ્યાં. તે પ્યાલાઓ સદાસર્વકાળ જીવંત એવા દેવના કોપથી ભરેલાં હતાં. તે મંદિર દેવ મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી ભરાયેલું હતું. જ્યાં સુધી સાત દૂતોની સાત વિપત્તિઓ પૂરી ન થઈ ત્યાં સુધી મંદિરમાં કોઈ પ્રવેશ કરી શક્યું નહિ.

ઝખાર્યા 11

જુલ્મી લોકોનો વિનાશ

11 હે લબાનોન તારા દરવાજા ઉઘાડી નાખ,
    જેથી આગ ત્યાં દેવદારોને સ્વાહા કરી જાય!
હે સરૂના વૃક્ષ, વિલાપ કરો, કારણ, દેવદારવૃક્ષ પડી ગયું છે
    અને મજબૂત વૃક્ષો ઊંચકીને લઇ જવામાં આવશે.
બાશાનનાઁ ઓકવૃક્ષો વિલાપ કરો,
    કારણ, ગાઢ જંગલ ખાલી થઇ ગયું છે!
ઇસ્રાએલના ઘેટાંપાળકોની પોકનો અવાજ સાંભળો,
    કારણ તેમનો વૈભવ નષ્ટ થયો છે;
સિંહના બચ્ચાંની ગર્જનાનો અવાજ સાંભળો કારણ,
    યર્દનની ખીણમાંથી જંગલ જેવી ગીચ જાડી નષ્ટ થઇ છે.

પછી યહોવા મારા દેવે મને કહ્યું, “જા, અને કસાઇને ત્યાં વધ કરવા માટે લઇ જવા ખવડાવીને પુષ્ટ કરેલા ઘેટાંનો તું હવે પાળક બન. તેઓના નેતાઓ ઘેટાંને ખરીદનારા વેપારી જેવા છે, તેમના વધ કરે છે અને છતાં તેમને દોષિત હોવાની લાગણી થતી નથી, અને તેને વેચનારા કહે છે કે, ‘યહોવાનો આભાર હું ધનવાન બન્યો,’ તેમના પોતાના ભરવાડો પણ તેમના પર દયા બતાવતા નથી.” યહોવા કહે છે, “હું પણ તેઓને દયા દાખવીશ નહિ, હું તેઓને તેઓના પોતાના દુષ્ટ આગેવાનોના ફંદામાં પડવા દઇશ, અને મરવા દઇશ. તેઓ તેમની જમીનને અરણ્યમાં ફેરવી નાખશે અને હું તે જમીનનું તેઓથી રક્ષણ કરીશ નહિ.”

ઘેટાંના વેપારીઓએ મને મજૂરીએ રાખ્યો. વધ થનારા ઘેટાઁઓના ટોળાને હું ચરાવવા લાગ્યો. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કૃપા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” પાડ્યું, અને ઘેટાંઓના ટોળાને ચરાવવાનું શરૂ કર્યું. એક મહિનામાં તો મેં ત્રણ ભરવાડોને રજા આપી, કારણ, મારી ધીરજ ખૂટી ગઇ હતી અને તેઓ પણ મને ધિક્કારતા હતા. તેથી મેં તેઓને કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ, જે મરવાના છે તે ભલે મરતાં, જે નાશ પામવાના છે તે ભલે નાશ પામતાં, જે બાકી રહે તે ભલે એકબીજાને ખાઇ જતાં.” 10 પછી મેં મારી “કૃપા” નામની લાકડી લઇને તેના બે ટુકડા કર્યા. અને બધી પ્રજાઓ સાથે જે કરાર કર્યો હતો તે તોડી નાખ્યો. 11 આમ, તે દિવસે તે કરારને રદ કરવામાં આવ્યો અને ઘેટાંના જે વેપારીઓ મારા પર નજર રાખી રહ્યાં હતા તેઓ સમજી ગયા કે એ યહોવાનો સંદેશો હતો.

12 પછી મેં તેઓના આગેવાનોને કહ્યું, “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. નહિ તો રહેવા દો.” અને તેમણે મને મજૂરી લેખે ચાંદીની ત્રીસ મહોર આપી. 13 પછી મને યહોવાએ કહ્યું, “તેથી આ રીતે તેઓએ તારું મોટું મૂલ્ય આંક્યું છે. તે નાણાંની મોટી રકમ તું મંદિરના ખજાનામાં નાખી દે.” તેથી મેં તે ત્રીસ સિક્કા લઇને યહોવાના મંદિરનાં ખજાનામાં નાખી દીધાં. 14 પછી મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી, એમ સૂચવવા કે યહૂદિયા અને ઇસ્રાએલ વચ્ચે એકતા તૂટી ગઇ છે.

15 પછી યહોવાએ મને કહ્યું, “તું ફરીથી પાળકની જવાબદારી લઇ લે, આ વખતે મારે નકામા અને દુષ્ટ પાળક તરીકે ભાગ ભજવવાનો હતો.” 16 યહોવાએ મને કહ્યું, “આ વખતે હું આ ઢોરના ટોળાઓને એવો પાળક આપીશ કે જે ખોવાયેલાઓને શોધશે નહિ, ઘેટાંઓની સંભાળ રાખશે નહિ, માંદા થયેલાઓને સાજા કરશે નહિ, કે પુષ્ટોને ખાવાનું આપશે નહિ, પરંતુ ચરબી યુકતોને તે પૂરેપૂરા ખાઇ જશે.”

17 એ ઘેટાંને છોડી જનાર
    નકામા પાળકને ચિંતા!
દેવની તરવાર તેની જમણી આંખ
    અને તેના હાથ પર ઘા કરો!
    તેનો હાથ સૂકાઇ જાઓ
    અને તેની જમણી આંખ આંધળી થઇ જાઓ.

યોહાન 14

ઈસુ તેના શિષ્યોને દિલાસો આપે છે

14 ઈસુએ કહ્યું, “તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. દેવમાં વિશ્વાસ રાખો અને મારામાં વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં ત્યાં ઘણાં ઓરડાઓ છે. જો તે સાચું ના હોત તો હું તમને આ કહેત નહિ. હું તમારા માટે જગ્યાની તૈયારી કરવા જાઉં છું. ત્યાં જઈને તમારા માટે જગ્યાની તૈયારી કર્યા બાદ, હું પાછો આવીશ. પછી હું તમને મારી સાથે લઈ જઈશ. તેથી કરીને હું જ્યાં હોઈશ ત્યાં તમે પણ હશો. હું જ્યાં જાઉ છું તે જગ્યાનો માર્ગ તમે જાણો છો.”

થોમાએ કહ્યું, “પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતાં નથી. તેથી અમે તે માર્ગ કેવી રીતે જાણી શકીએ?”

ઈસુએ ઉત્તર આપ્યો, “હું માર્ગ છું. હું સત્ય છું અને જીવન છું. પિતા પાસે જવાનો માર્ગ ફક્ત મારા દ્વારા છે. જો તમે મને ખરેખર ઓળખતા હોત, તો પછી તમે મારા પિતાને પણ જાણશો. હવેથી તમે એને જાણશો. તમે તેને જોયો છે.”

ફિલિપે ઈસુને કહ્યું, “પ્રભુ, અમને પિતા બતાવ. અમારે જે બધું જોઈએ છે તે એ છે.”

ઈસુએ ઉત્તર આપ્યો, “ફિલિપ, ઘણા લાંબા સમય સુધી હું તારી સાથે છું. તેથી તારે મને ઓળખવો જોઈએ. જે વ્યક્તિએ મને જોયો છે તેણે મારા પિતાને પણ જોયો છે. તેથી તું શા માટે કહે છે, અમને પિતા બતાવ? 10 શું તમે ખરેખર માનો છો કે હું પિતામાં છું અને પિતા મારામાં છે? તમને મેં જે બધી વાતો કહી છે તે મારામાંથી આવી નથી. પિતા મારામાં રહે છે તે તેનું પોતાનું કામ કરે છે. 11 મારામાં વિશ્વાસ કરો જ્યારે હું કહું કે હું પિતામાં છું અને પિતા મારામાં છે. અથવા કામોને લીધે જ મારામાં વિશ્વાસ કરો.”

12 હું તમને સત્ય કહું છું, જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તે મેં જે કામો કર્યા છે તેવાં જ કરશે. હા! તે મેં કર્યા છે તેનાં કરતાં વધારે મહાન કામો પણ કરશે. શા માટે? કારણ કે હું પિતા પાસે જાઉં છું. 13 અને જો તમે મારા નામે જે કંઈ માગશો તો હું તમારા માટે તે કરીશ. પછી દીકરા દ્વારા પિતા મહિમાવાન દર્શાવાશે. 14 જો તમે મારા નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ.

પવિત્ર આત્માનું વચન

15 “જો તમે મારા પર પ્રેમ કરો છો, તો પછી હું તમને જે આજ્ઞાઓ કરું તેનું પાલન કરશો. 16 હું પિતાને પૂછીશ, અને તે મને બીજો સંબોધક[a] આપશે. તે તમને આ સંબોધક હંમેશા તમારી સાથે રહેવા માટે આપશે. 17 તે સંબોધક સત્યનો આત્મા[b] છે. જગત તેનો સ્વીકાર કરી શકતું નથી. શા માટે? કારણ કે જગત તેને જોતું નથી કે તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો. તે તમારી સાથે રહે છે અને તે તમારામાં રહેશે.

18 “હું માતા પિતા વિનાના બાળકોની જેમ તમને બધાને એકલા છોડીશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ. 19 ખૂબ જ ટૂંકા સમયમાં જગતના લોકો મને વધારે વખત જોઈ શકશે નહિ. પણ તમે મને જોઈ શકશો. તમે જીવશો કારણ કે હું જીવું છું. 20 તે દિવસે તમે જાણશો કે હું પિતામાં છું. તમે જાણશો કે તમે મારામાં છો અને હું તમારામાં છું. 21 જો કોઈ વ્યક્તિ મારી આજ્ઞાને જાણે છે અને તે આજ્ઞાઓનું પાલન કરે છે. પછી તે માણસ ખરેખર મને પ્રેમ કરે છે અને મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરે છે જે મને પ્રેમ કરે છે અને હું તે માણસને પ્રેમ કરીશ. હું મારી જાતે તેને બતાવીશ.”

22 પછી યહૂદાએ (યહૂદા ઈશ્કરિયોત નહિ) કહ્યું, “પણ પ્રભુ, તું શા માટે અમારી આગળ પ્રગટ થવાની યોજના કરે છે, પણ જગત આગળ નહિ?”

23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે છે, તો તે મારા વચનનું પાલન કરશે. મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરશે. મારા પિતા અને હું તે વ્યક્તિ પાસે આવીશું અને તેની સાથે રહીશું. 24 પણ જે વ્યક્તિ મને પ્રેમ કરતો નથી. તે મારા વચનનું પાલન કરતો નથી, આ વચન જે તમે સાંભળો છો તે ખરેખર મારું નથી. તે જેણે મને મોકલ્યો છે તે મારા પિતાનું છે.

25 “મેં તમને આ બધા વચનો કહ્યા જ્યારે હું તમારી સાથે છું. 26 પરંતુ સંબોધક તમને બધું જ શીખવશે. મેં જે બધી બાબતો તમને કહીં છે તેનું સ્મરણ સંબોધક કરાવશે. આ સંબોધક પવિત્ર આત્મા છે જેને પિતા મારા નામે મોકલશે.

27 “હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ. 28 તમે મને સાંભળ્યો, જો તમને કહ્યું છે કે, ‘હું વિદાય થાઉં છું, પણ હું તમારી પાસે પાછો આવીશ.’ જો તમે મને પ્રેમ કરશો તો તમે સુખી થશો. હું પાછો પિતા પાસે જાઉં છું. શા માટે? કારણ કે હું છું તેના કરતાં પિતા વધારે મહાન છે. 29 મેં હમણાં તમને આમ કહ્યું તે બનતા પહેલા કહ્યું છે. પછી જ્યારે તે બનશે, ત્યારે તમે વિશ્વાસ કરશો.

30 “હું તમારી સાથે વધારે લાંબો સમય વાત કરીશ નહિ. જગતનો શાસક (શેતાન) આવે છે. તેને મારા પર અધિકાર નથી. 31 પરંતુ જગતે જાણવું જોઈએ કે હું પિતાને પ્રેમ કરું છું. તેથી પિતાએ મને જે કરવા કહ્યું છે તે બરાબર કરું છું.

“આવો. આપણે આ જગ્યા છોડીશું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International