M’Cheyne Bible Reading Plan
રાજા ઉઝિઝયાનું શાસન
26 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના થયેલા ઉઝિઝયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજા બનાવ્યો. 2 અમાસ્યાના અવસાન પછી ઉઝિઝયાએ એલોથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.
3 યરૂશાલેમમાં તેણે 52 વર્ષ રાજ કર્યુ; તેની માતા યખિલ્યા યરૂશાલેમની વતની હતી. 4 તે પોતાના પિતા અમાસ્યાને માર્ગે ચાલ્યો, અને યહોવાની ષ્ટિમાં તે સારો રાજા હતો. 5 ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માર્ગે ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.
6 તેણે પલિસ્તીઓ ઉપર ચઢાઇ કરી ગાથ, યાબ્નેહ અને આશ્દોદની દીવાલો તોડી પાડી અને તેણે આશ્દોદની નજીક અને પલિસ્તીઓના બાકીના પ્રદેશમાં શહેરો બંધાવ્યાં. 7 દેવે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ મદદ કરી. 8 આમ્મોનીઓ ઉઝિઝયાને ખંડણી ભરવા લાગ્યા. તેની કીર્તિ ઠેઠ મિસરની સરહદ લગી ફેલાઇ, કારણ, તે ખૂબ બળવાન બની ગયો હતો.
9 એ ઉપરાંત તેણે યરૂશાલેમમાં “ખૂણાના દરવાજા,” ખીણના દરવાજા અને કિલ્લા દરવાજા પાસે અને દીવાલનાં વળાંક પાસે બુરજો બંધાવ્યા. 10 તેણે રણમાં પણ બુરજો બંધાવ્યા અને અનેક કૂવાઓ ખોદાવ્યા, કારણ, તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમજ ઉચ્ચ પ્રદેશમાં ઘણાં ઢોરો હતાં. તેને ખેતીવાડીનો શોખ હતો, એટલે એણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર અને ફળદ્રૂપ ભૂમિમાં અને પર્વતીય પ્રદેશોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા.
11 ઉઝિઝયા પાસે યુદ્ધ માટે સજ્જ તાલીમ પામેલી સેના હતી, અને મહામંત્રી યેઇએલ અને અધિકારી માઅસેયાએ રાજાના એક સેનાપતિ હનાન્યાના હાથ નીચે તૈયાર કરેલી યાદી પ્રમાણે તેની ટૂકડીઓ પાડવામાં આવી હતી. 12 સેનાનાયકોની કુલ સંખ્યા 2,600 હતી. 13 તેમના નેતૃત્વ હેઠળ 3,07,500 સૈનિકોનું તાલિમબદ્ધ સૈન્ય હતું અને તે દુશ્મનો સામે રાજાનું રક્ષણ કરતું હતું. 14 ઉઝિઝયાએ આખા સૈન્ય ને ઢાલો, ભાલાઓ, ટોપાઓ, બખ્તરો, ધનુષ્ય અને ગોફણો માટે પથ્થરો આપ્યાં હતા. 15 કુશળ શોધકોએ શોધેલાં યુદ્ધના નવાં યંત્રોનું ઉઝિઝયાએ યરૂશાલેમમાં ઉત્પાદન કર્યુ. આ યંત્રો બુરજો પરથી અને દીવાલોને ખૂણેથી બાણો અને મોટા કદનાં પથ્થરો ફેંકવા માટે ઉપયોગી હતા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઇ ગઇ. તેને ઘણી બધી મદદ મળી અને તે એક સાર્મથ્યવાન રાજા બની ગયો.
16 પણ જેમ જેમ તેનું બળ વધતું ગયું, તેમ તેમ તે અભિમાની બનતો ગયો અને તેમાંથી તેનો વિનાશ થયો. તેણે ધૂપની વેદી ઉપર ધૂપ ચઢાવવા માટે યહોવાના મંદિરમાં પ્રવેશ કરીને યહોવાનો ગુનો કર્યો. 17 યાજક અઝાર્યાએ યહોવાના 80 બહાદુર યાજકો સાથે રાજા ઉઝિઝયાની પાછળ પાછળ જઇ તેને રોકીને કહ્યું, 18 “ઉઝિઝયા, યહોવાને ધૂપ ચઢાવવાનો તમને અધિકાર નથી. તે અધિકાર તો એ સેવા માટે પવિત્ર બનાવવામાં આવેલ હારુનના વંશજોને જ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળો. તમે યહોવાનો ગુનો કર્યો છે. હવે યહોવા દેવ તરફથી તમને સન્માન મળશે નહિ.”
19 એટલે ઉઝિઝયાને ક્રોધ ચઢયો; તેના હાથમાં ધૂપ કરવા માટે ધૂપદાન હતું; યાજકો પર તે કોપાયમાન થયો હતો, એટલામાં ધૂપવેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના દેખતાં તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો. 20 મુખ્ય યાજક અઝાર્યા અને બીજા યાજકોએ તેના તરફ જોયું તો તેના કપાળ પર કોઢ જણાયો, અને તેને એકદમ મંદિરની બહાર હડસેલી મૂક્યો. યહોવાએ તેને સજા કરી હતી. તેથી તે પોતે પણ બહાર જવા માટે આતુર હતો. 21 પોતાના મૃત્યુ સુધી ઉઝિઝયા કોઢી જ રહ્યો અને એકાંતવાસમાં જીવ્યો. તે મંદિરથી અને પોતાના લોકોથી અલગ કરાયેલો હતો. તેના પુત્ર યોથામે રાજાનો વહીવટ સંભાળી લીધો અને દેશના લોકોનો ન્યાય કરવાનું કામ કર્યુ.
22 ઉઝિઝયાના રાજ્યના બીજા બનાવો પરથી પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક યશાયા-આમોસના પુત્રએ નોંધેલું છે. 23 ઉઝિઝયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તે કોઢિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે ન દફનાવતાં પાસેના ખેતરમાં તેને દફનાવ્યો; પછી તેનો પુત્ર યોથામ નવો રાજા બન્યો.
બે પ્રાણીઓ
13 પછી મે એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને દસ શિંગડાં અને સાત માથાં હતાં, તેના દરેક શિંગડા પર મુગટ હતો. તેના દરેક માથાં પર ઈશ્વરનિંદક નામ લખેલું હતું. 2 આ શ્વાપદ ચિત્તા જેવું દેખાતું હતું તેના પગ રીંછના પગ જેવા હતા. તેને સિંહના જેવું મોં હતું તે અજગરે તે શ્વાપદને તેની બધી જ સત્તા તેનું રાજ્યાસન અને મહાન અધિકાર આપ્યાં.
3 તે પ્રાણી માથામાંનું એક મરણતોલ ઘાયલ થયેલા જેવું દેખાયું. પણ આ પ્રાણઘાતક ઘા રૂઝાઈ ગયો હતો. દુનિયાના બધા લોકો નવાઇ પામ્યા હતા. અને તેઓ બધા તે પ્રાણી પાછળ ગયા. 4 લોકોએ તે અજગરની આરાધના કરી. કારણ કે તેણે તેનો અધિકાર પ્રાણીને આપ્યો હતો અને તે લોકોએ તે પ્રાણીની પણ આરાધના કરી. તેઓએ પૂછયું તે, “તે પ્રાણીનાં જેટલું પરાક્રમી કોણ છે? તેની સામે યુદ્ધ કોણ કરી શકે?”
5 તે પ્રાણીને ઘમંડી શબ્દો અને ઘણી દુષ્ટ વસ્તુઓ કહેવાની પરવાનગી આપવામાં આવી હતી. તે પ્રાણીને તેની શક્તિનો 42 મહિના માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામા આવી હતી. 6 તે પ્રાણીએ દેવની નિંદા કરવા માટે તેનું મોં ઉઘાડ્યું. તે પ્રાણીએ દેવના નામની, દેવ જ્યાં રહે છે તે જગ્યાની અને આકાશમાં જે બધા લોકો રહે છે તેઓની નિંદા કરી. 7 તે પ્રાણીને સંતો સાથે યુદ્ધ કરે અને તેઓને પરાજિત કરે તેવું સાંર્મથ્ય આપવામાં આવ્યું. તે પ્રાણીને દરેક કુળ, જાતિના લોકો, ભાષા અને દેશ પર અધિકાર આપવામાં આવ્યો. 8 બધા જ લોકો જે પૃથ્વી પર રહે છે, તેઓ તે પ્રાણીની આરાધના કરશે. (આ એ લોકો છે જેઓનાં નામો જગતનું સર્જન થયું ત્યારથી હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં નથી. તે હલવાન કે જેને મારી નાખવામાં આવ્યો હતો.)
9 જો કોઈ વ્યક્તિ આ વાતો સાંભળે, તો પછી તેણે આ ધ્યાનથી સાંભળવું જોઈએ:
10 જો કોઈ વ્યક્તિ બીજાને બંદીવાન કરવા જાય છે,
તો તે વ્યક્તિ પોતે જ બંદીવાન થશે.
જો કોઈ બીજાને તલવારથી મારી નાખવા માટે જાય છે
તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે.
આનો અર્થ એ છે કે સંતો પાસે ધીરજ અને અવિશ્વાસ હોવા જોઈએ.
પૃથ્વીમાંથી નીકળેલું પશું
11 પછી મેં બીજા એક પ્રાણીને પૃથ્વીમાંથી બહાર નીકળતું જોયું. તેને હલવાનની જેમ બે શિંગડાં હતાં પણ તે અજગરની જેમ બોલતું હતું. 12 આ પ્રાણી પ્રથમ પ્રાણી પાસે જે અધિકાર હતો તે જ અધિકારનો ઉપયોગ કરીને પ્રથમ પ્રાણીની સામે ઉભું રહે છ. તેને આ અધિકારનો ઉપયોગ પૃથ્વી પર રહેનારા બધા લોકોને પ્રથમ પ્રાણીની આરાધના કરાવવા માટે કર્યો. તે પ્રથમ પ્રાણી તે એક કે જેનો પ્રાણધાતક ધા રુંઝાયો હતો. 13 આ બીજુ પ્રાણી મોટા ચમત્કારો કરે છે. તે લોકોની નજર આગળ તેઓના દેખતા આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે.
14 આ બીજું પ્રાણી છે જે પૃથ્વી પર રહે છે તે લોકોને મૂર્ખ બનાવે છે. તે તેઓને ચમત્કારોનો ઉપયોગ કરીને મૂર્ખ બનાવે છે, કે જે કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો છે. તે આ ચમત્કારો પ્રથમ પ્રાણીની સેવા માટે કરે છે. તે બીજું પ્રાણી, પ્રથમ પ્રાણીને સન્માનવા લોકોને તેની મૂર્તિ બનાવવા હુકમ કરે છે તે પ્રાણી હતું જે તલવારથી ઘાયલ થયું હતું, છતાં પણ તે મૃત્યુ પામ્યું નથી. 15 તે બીજા પ્રાણીને પ્રથમ પ્રાણીની મૂર્તિમાં પ્રાણ મૂકવા માટેનું સાર્મથ્ય આપવામાં આવ્યું હતું. પછી તે મૂર્તિ બોલી શકે અને જે બધા લોકો પૂજા કરતાં નથી. તેઓને હુકમ કરીને મારી નંખાવે. 16 તે બીજા પ્રાણીએ, નાના અને મોટા ધનવાન અને ગરીબ, સ્વતંત્ર અને ગુલામ, બધા લોકોને તેઓના જમણા હાથ પર કે તેઓના કપાળ પર છાપ લેવા પણ દબાણ કર્યું. 17 આ છાપ વિના કોઈ વ્યક્તિ ખરીદી કે વેચાણ કરી શકે નહિ. (આ છાપ પ્રાણીના નામની કે તેના નામની સંખ્યાની હોય છે.)
18 જે વ્યક્તિ પાસે સમજશક્તિ હોય છે તે પ્રાણીની સંખ્યાનો અર્થ સમજી શકે છે આમાં ડહાપણની જરુંર પડે છે. આ સંખ્યા તે એક માણસની સંખ્યા છે; અને તેની સંખ્યા 666 છે.
ઇસ્રાએલના પડોશીઓનું પતન
9 યહોવાએ વચનરૂપી દેવવાણી હાદ્રાખ દેશ તથા દમસ્કની વિરુદ્ધ આપી છે. ઇસ્રાએલના કુળસમૂહ જ એક માત્ર દેવને જાણનાર નથી. દરેક જણ મદદ માટે તેની તરફ જાય છે.[a] 2 અને એની સરહદે આવેલું હમાથ પણ એનું જ છે. તૂર અને સિદોન પણ ગમે તેટલાં ચતુર હોય તોય એનાં જ છે. 3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે સોનાચાંદીને ધૂળની જેમ અને શેરી પરની માટીની જેમ ખૂબજ ભેગા કર્યા છે. 4 પણ યહોવા તેનો કબજો લેશે, તેની બધી સંપત્તિ દરિયામાં ડુબાડી દેશે અને એ શહેર સુદ્ધાંને આગ ભરખી જશે.
5 આશ્કલોન તે જોઇને થથરી જશે, ગાઝા પણ ભયથી ફફડશે, અને એક્રોનની આશાઓ ખોટી પડશે. ગાઝામાં રાજા નહિ રહે અને આશ્કલોન નિર્જન થઇ જશે. 6 આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે, યહોવા કહે છે, “હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ. 7 હું તેમને લોહીવાળું માંસ કે બીજા નિષિદ્ધ પદાથોર્ ખાતાં બંધ કરીશ. એ લોકોમાંથી જેઓ બચવા પામશે તેઓ મારી પ્રજા બની જશે અને યહૂદિયાની એક કોમ જેવા થઇ જશે. અને એક્રોનના લોકો યબૂસીઓની જેમ મારા લોકોમાં ભળી જશે. 8 ઇસ્રાએલમાં હુમલાખોરોને આવતા રોકવા માટે મારા મંદિરની ચારે બાજુ હું રક્ષણ કરીશ અને હું તેઓને દૂર રાખીશ; હું નજીકથી તેઓની હિલચાલ પર નજર રાખીશ. ફરીથી કોઇ વિદેશી જુલમગાર મારા લોકોની ભૂમિ ઉપર આક્રમણ કરશે નહિ.”
ભવિષ્યનો રાજા
9 સિયોનના લોકો, આનંદોત્સવ મનાઓ,
હે યરૂશાલેમના લોકો, હર્ષનાદ કરો! કારણ, જુઓ,
તમારો રાજા તમારી પાસે આવે છે.
તે વિજયવંત થઇને આવે છે.
પણ નમ્રપણે, ગધેડા પર સવારી કરીને, ખોલકાને-ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે.
10 તે એફ્રાઇમ અને યરૂશાલેમમાં યુદ્ધના રથોને,
અશ્વોને અને શસ્ત્રોનો નાશ કરશે.
સમગ્ર પ્રજાઓમાં તે શાંતિ સ્થાપશે,
અને તેનું રાજ્ય સાગરથી સાગર સુધી
અને ફ્રાતનદીથી પૃથ્વીના છેડા સુધી વિસ્તરશે.
યહોવા પોતાના લોકોની રક્ષા કરશે
11 યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ
હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.
12 તમે સઘળા બંદીવાનો, સુરક્ષિત જગ્યાએ આવો,
હજુ પણ આશા છે, હું આજે તમને કહું છું કે,
હું તમને તમે ભોગવેલાં કષ્ટો કરતા
બેવડા આશીર્વાદ આપીશ.
13 ગ્રીસના લશ્કર સામે લડવા માટે
યહૂદિયા મારું ધનુષ થશે,
ઇસ્રાએલ મારું તીર થશે
અને સિયોન પુત્રો મારી વીંઝાતી તરવાર થશે.”
14 યહોવા તેઓને દેખાશે,
અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે;
યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે
અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.
15 સૈન્યોનો દેવ યહોવા તેમની ઢાલ થશે,
અને તેઓ દુશ્મનોને પથ્થરથી નાશ કરી નાખશે,
તેઓ લોહી દ્રાક્ષારસની જેમ પીશે.
તેઓ વેદીના ખૂણાઓ પરના પ્યાલાઓમાંથી જેવી રીતે રેડાય છે,
તેવી રીતે લોહી રેલાવશે.
16 તે સમયે તેમનો દેવ યહોવા કોઇ
ભરવાડ ઘેટાંને બચાવી લે તેમ
તેના પોતાના લોકોને તે ઉગારી લેશે,
અને તેઓ રાજમુગુટમાં જડેલાં રત્નોની
જેમ પોતાના સમગ્ર પ્રદેશમાં ઝગમગશે.
17 શી તેમની સંપત્તિ! શું તેમનું સૌભાગ્ય!
મબલખ અનાજ અને દ્રાક્ષારસ ઉપર
ત્યાંના યુવક-યુવતીઓ અલમસ્ત રહીને
સુખસમૃદ્ધિ અને આનંદ પામશે.
બેથનિયામાં ઈસુ તેના મિત્રો સાથે
(માથ. 26:6-13; માર્ક 14:3-9)
12 પાસ્ખાપર્વના છ દિવસો અગાઉ, ઈસુ બેથનિયા ગયો. લાજરસ જ્યાં રહેતો હતો તે ગામ બેથનિયા હતું. (લાજરસ એ માણસ હતો જેને ઈસુએ મૃત્યુમાંથી ઉઠાડ્યો હતો.) 2 તેઓએ ઈસુ માટે બેથનિયામાં ભોજન રાખ્યું હતું. માર્થાએ ભોજન પીરસ્યું. તે લોકોમાં લાજરસ હતો જે ઈસુ સાથે જમતો હતો. 3 તે સમયે મરિયમે ઘણું કિંમતી જટામાંસીનું એક શેર અત્તર આણ્યું. મરિયમે તે અત્તર ઈસુના પગ પર લગાડ્યું. પછી તેણે તેના પગ તેના વાળ વડે લૂછયા. અને અત્તરની મીઠી સુગંધથી આખું ઘર ભરાઈ ગયું.
4 યહૂદા ઈશ્કરિયોત ત્યાં હતો. યહૂદા ઈસુના શિષ્યોમાંનો એક હતો. (તે એક કે જે પાછળથી ઈસુની વિરૂદ્ધ થનાર હતો.) મરિયમે જે કર્યુ તે યહૂદાને ગમ્યું નહિ. તેથી તેણે કહ્યું, 5 “તે અત્તરની કિંમત ચાંદીના 300 સિક્કા હતી. તે વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.” 6 પણ યહૂદા ખરેખર ગરીબ લોકો વિષે ચિંતા કરતો ન હતો. યહૂદાએ આ કહ્યું કારણ કે તે એક ચોર હતો. યહૂદા જે શિષ્યોના સમૂહ માટે પૈસાની પેટી રાખતો હતો અને તે વારંવાર પેટીમાંથી પૈસા ચોરતો હતો.
7 ઈસુએ ઉત્તર આપ્યો, “તેને રોકશો નહિ. આજના દિવસ માટે તેણીના માટે આ અત્તર બચાવવું યોગ્ય હતું. આ દિવસ મારા માટે દફનની તૈયારીનો હતો. 8 ગરીબ લોકો હંમેશા તમારી સાથે હશે પણ હું હમેશા તમારી સાથે નથી.”
લાજરસ વિરૂદ્ધ યોજન
9 યહૂદિઓમાંના ઘણાએ સાંભળ્યું કે ઈસુ બેથનિયામાં હતો. તેથી તેઓ ઈસુને જોવા ત્યાં ગયા. તેઓ ત્યાં લાજરસને જોવા પણ ગયા. ઈસુએ મૃત્યુમાંથી ઊભા કરેલામાંનો એક લાજરસ હતો. 10 તેથી તે મુખ્ય યાજકોએ લાજરસને મારી નાખવા માટે પણ યોજના કરી. 11 લાજરસને કારણે ઘણા યહૂદિઓ તેમના આગેવાનોને છોડતા હતા અને ઈસુમાં વિશ્વાસ કરતા હતા. તે જ કારણે યહૂદિ આગેવાનો પણ મારી નાખવા ઈચ્છતા હતા.
ઈસુનો યરૂશાલેમમાં પ્રવેશ
(માથ. 21:1-11; માર્ક 11:1-11; લૂ. 19:28-40)
12 બીજે દિવસે યરૂશાલેમમાં લોકોએ સાંભળ્યું કે ઈસુ ત્યાં આવતો હતો. ત્યાં ઘણા લોકો હતા જે પાસ્ખાપર્વમાં આવ્યા હતા. 13 તે લોકોએ ખજૂરીના વૃક્ષોની ડાળીઓ લીધી અને ઈસુને મળવા બહાર ગયા. લોકોએ પોકાર કર્યા,
“‘હોસાન્ના!’
‘જે પ્રભુના નામે આવે છે, તેને ધન્ય છે!’(A)
ઈઝરાએલનો રાજા આવે છે તેને ધન્ય છે!”
14 ઈસુને એક ગધેડાનો વછેરો મળ્યો અને તેના પર તે બેઠો. શાસ્ત્રલેખ કહે છે તેવું આ હતુ:
16 ઈસુના શિષ્યો તે સમયે જે બનતું હતું તે સમજી શક્યા નહિ. પરંતુ ઈસુ મહિમાવાન થયો, તેઓ સમજ્યા કે આ બાબતો તેના વિષે લખેલી હતી. પછી તે શિષ્યોને યાદ આવ્યું કે લોકોએ તે બધું તેને માટે કર્યુ હતું.
17 ત્યાં ઈસુ સાથે ઘણા લોકો હતા જ્યારે તેણે લાજરસને મૃત્યુમાંથી ઊઠાડ્યો અને તેને કબરમાંથી બહાર આવવા કહ્યું. હવે પેલા લોકોએ ઈસુએ જે કર્યુ તેના વિષે બીજા લોકોને કહ્યું. 18 ઘણા લોકો ઈસુને મળવા બહાર ગયા, કારણ કે તેઓએ સાંભળ્યું કે ઈસુએ આ ચમત્કાર કર્યો. 19 તેથી તે ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જુઓ! નોંઘ કરો તમે કશામાં સફળતા પ્રાપ્ત કરી નથી. આખું જગત તેને અનુસરે છે!”
ઈસુ જીવન અને મૃત્યુ વિષે વાત કરે છે
20 ત્યાં કેટલાક ગ્રીક લોકો પણ હતા. પાસ્ખાપર્વમાં જે લોકો યરૂશાલેમથી આવેલા હતા તે ભજન કરવા ગયા. 21 આ ગ્રીક લોકો ફિલિપ પાસે ગયા. (ફિલિપ ગાલીલના બેથસૈદાનો હતો.) ગ્રીક લોકોએ કહ્યું, “સાહેબ, અમારી ઈચ્છા ઈસુને મળવાની છે.” 22 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું. પછી આન્દ્રિયા અને ફિલિપ ગયા અને ઈસુને કહ્યું.
23 ઈસુએ તેઓને કહ્યું, “માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24 હું તમને સત્ય કહું છું એક ઘઉંનો દાણો જમીન પર પડે છે અને મરી જાય છે. પછી તે ઊગે છે અને ઘણા બીજ બનાવે છે. પણ જો તે કદી મરી નહિ જાય, તો પછી તે ફક્ત એક સાદો દાણો જ રહેશે. 25 જે વ્યક્તિ તેના પોતાના જીવ પર પ્રીતિ કરે છે તે જીવન ગુમાવે છે. પરંતુ જે વ્યક્તિ આ દુનિયામાં પોતાના જીવને ધિક્કારે છે તે જીવન ને ટકાવે છે. તેને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે.
ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
27 “હવે હું ઘણો વ્યાકુળ થયો છું. મારે શું કહેવું જોઈએ? મારે એમ કહેવું, ‘પિતા, મને આ વિપત્તિના સમયમાંથી બચાવ?’ ના! હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુ:ખ સહેવું જોઈએ. 28 પિતા, તારા નામનો મહિમા થાઓ!”
પછીથી એક વાણી આકાશમાંથી આવી, “મેં તેના નામનો મહિમા કર્યો છે. હું ફરીથી તે કરીશ.”
29 ત્યાં ઊભેલા લોકોએ તે વાણી સાંભળી. પેલા લોકોએ કહ્યું, તે ગર્જના હતી.
પણ બીજા લોકોએ કહ્યું, “એક દૂતે ઈસુ સાથે વાત કરી!”
30 ઈસુએ લોકોને કહ્યું, “તે વાણી તમારા માટે હતી મારા માટે નહિ. 31 હવે જગતનો ન્યાય કરવાનો સમય છે. હવે આ જગતનો શાસક (શેતાન) બહાર ફેંકાઇ જશે. 32 મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે અને જ્યારે આ બનશે ત્યારે હું બધા લોકોને મારી તરફ ખેંચીશ.” 33 ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.
34 લોકોએ કહ્યું, “પરંતુ આપણો નિયમ કહે છે કે ખ્રિસ્ત સદાકાળ જીવશે. તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?’ આ માણસનો દીકરો કોણ છે?”
35 પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે. 36 તેથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ હોય ત્યાં સુધી તમારો વિશ્વાસ પ્રકાશ પર રાખો. પછી તમે પ્રકાશના દીકરા બનશો.” જ્યારે ઈસુએ આ વાતો કહેવાનું પૂર્ણ કર્યુ ત્યારે તે વિદાય થયો. ઈસુ એવી જગ્યાએ ગયો જ્યાં લોકો તેને શોધી શકે નહિ.
યહૂદિઓએ ઈસુમાં વિશ્વાસ કરવાની ના પાડી
37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ. 38 તે સંપૂર્ણ રીતે સમજાવવા યશાયા પ્રબોધકે કહ્યું:
“પ્રભુ, અમે તેઓને જે કહ્યું છે તેને કોણે માન્યું છે?
પ્રભુની સત્તા કોણે જોઈ છે?” (C)
39 આના કારણે જ લોકો વિશ્વાસ કરી શક્યા નહિ. કારણ કે યશાયાએ વળી કહ્યું હતુ કે,
40 “દેવે લોકોને આંધળા બનાવ્યા.
દેવે તેમનાં મન જડ કર્યા દેવે
આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ
અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.” (D)
41 યશાયાએ આ કહ્યું કારણ કે તેણે તેનો (ઈસુનો) મહિમા જોયો. તેથી યશાયા તેના (ઈસુ) વિષે બોલ્યો.
42 પરંતુ ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. ઘ્ૅંણા યહૂદિ આગેવાનોએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. પરંતુ તેઓ ફરોશીઓથી બીતા હતા. તેથી તેઓ જાહેરમાં કહી શકતા નહોતા કે તેઓએ વિશ્વાસ મૂક્યો છે. તેઓને ભય હતો કે તેઓ તેમને કદાય સભાસ્થાનમાંથી કાઢી મૂકે. 43 આ માણસો દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશાને વધારે ચાહતા હતા.
ઈસુનો બોધ લોકોનો ન્યાય કરશે
44 પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે. 45 જે વ્યક્તિ મને જુએ છે તે ખરેખર જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46 હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.
47 “હું જગતમાં લોકોનો ન્યાય કરવા આવ્યો નથી. હું જગતના લોકોને બચાવવા માટે આવ્યો છું. તેથી જે લોકો મારી વાતોને સાંભળે છે પણ પાલન કરતા નથી તેનો ન્યાય જે કરે છે તે હું નથી. 48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે. 49 શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે. 50 પિતા જે આજ્ઞા કરે છે તેમાંથી અનંતજીવન આવે છે તે હું જાણું છું, તેથી હું જે કઈ કહું છું તે પિતાએ મને કહ્યું છે તે જ હું કહું છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International