M’Cheyne Bible Reading Plan
આસાના રાજ્યકાળનો અંત
16 રાજા આસાના અમલના છત્રીસમા વર્ષમાં ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદા ઉપર ચઢાઇ કરી, તેના રાજા આસા પાસે આવતાં લોકોની નાકાબંધી કરવા માટે રામાની કિલ્લેબંદી કરી. 2 એટલે આસાએ યહોવાના મંદિરના અને રાજમહેલના ભંડારોમાંથી સોનુચાંદી બહાર કાઢી દમસ્કમાં રહેતા અરામના રાજા બેનહદાદને સંદેશો મોકલાવ્યો કે, 3 “તારા પિતા અને મારા પિતા વચ્ચે સલામતીનો કરાર કરેલો હતો, તે આપણે તાજો કરીએ, જો, આ ચાંદી અને સોનું મેં મોકલ્યું છે. ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો તારો કરાર તોડી નાખ, જેથી તે પાછો ચાલ્યો જાય.”
4 બેનહદાદ સંમત થયો અને તેણે પોતાના સેનાપતિઓને ઇસ્રાએલનાં શહેરો ઉપર ચઢાઇ કરવા મોકલી આપ્યા; તેમણે ઇયોન, દાન, આબેલ-માઇમ અને નફતાલીનાં સંગ્રહાલય શહેરો જીતી લીધાં. 5 જ્યારે બાઅશાને આની જાણ થઇ, ત્યારે તેણે રામાની કિલ્લેબંદી કરવાનું છોડી દીધું, અને બધું કામ બંધ કરાવી દીધું. 6 ત્યારબાદ રાજા આસાએ યહૂદાના બધા માણસોને સાથે લીધા અને તેઓ જે પથ્થર અને લાકડાં વડે બાઅશા રામામાં કિલ્લેબંદી કરતો હતો તે ઉઠાવી ગયા, અને તેના વડે તેમણે ગેબા અને મિસ્પાહ બાંધ્યાં.
7 તે જ સમયે હનાની પ્રબોધક આસા રાજા પાસે ગયો અને તેને કહ્યું, “તમે દેવ યહોવાને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, તેથી ઇસ્રાએલના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે. 8 કૂશીઓ અને લૂબીઓનું લશ્કર પણ ઘણું મોટું હતું અને તેમની પાસે અસંખ્ય રથો અને ઘોડેસવારો હતા. તેમ તું યહોવાના ભરોસે રહ્યો હતો એટલે તેણે તેમને તારા હાથમાં સોંપી દીધા હતા. 9 યહોવાની ષ્ટિ સમગ્ર પૃથ્વી પર ફરતી હોય છે. અને જેઓનું અંત:કરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને તે શોધે છે, જેથી તેઓને મદદ કરીને તે પોતાનું મહાન સાર્મથ્ય પ્રગટ કરે છે. તેઁ કેવી મૂર્ખાઇ કરી છે! હવેથી તારે યુદ્ધો ખેલવા પડશે.”
10 પ્રબોધકના આ શબ્દોથી આસાને હનાની પર ખૂબ ગુસ્સો આવ્યો; ને તેણે તેને કેદમાં પૂરી દીધો. એ જ વખતે તેણે ઘણાં પ્રજાજનો પર પણ કેર વર્તાવ્યો.
11 આસાના રાજ્યના બધા બનાવો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના વૃતાંતમાં નોંધાયેલા છે. 12 તેના રાજ્યના 39મા વર્ષે તેને પગનો રોગ પડ્યો. અને તે વધતો જ ગયો. તેણે યહોવાને શરણે જવાને બદલે વૈદોની સલાહ લીધી. 13 તે એના અમલના 41મા વર્ષે તો પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં તેણે પોતાના માટે ખોદાવેલી કબરમાં દફનાવવામાં આવ્યો. 14 તેમણે તેના શરીરને સુગંધી દ્રવ્યોથી ભરેલી કબરમાં સુવડાવ્યો, કફનમાં મૂક્યા બાદ તેની દફનવિધિ વખતે તેના લોકોએ બહુ મોટા પ્રમાણમાં ધૂપ બાળ્યા.
હલવાનની મહત્તા
5 પછી રાજ્યાસન પર જે બેઠા હતા તે એકના જમણા હાથમાં મે એક ઓળિયું[a] જોયું, ઓળિયાની બંને બાજુએ લખાણ હતું. ઓળિયું સાત મુદ્રાઓથી મુદ્રિત રાખવામાં આવ્યું હતું. 2 અને મેં એક શક્તિશાળી દૂતને જોયો. તે દૂતે મોટા સાદે કહ્યું કે, “આ ઓળિયું ઉઘાડવાને અને તેની મુદ્રાઓ તોડવાને કોણ સમર્થ છે?” 3 પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય. 4 હું ખૂબ ખૂબ રડ્યો કારણ કે તે ઓળિયું ઉઘાડવાને કે તેમાં જોવાને કોઈ યોગ્ય હતું નહિ. 5 પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”
6 પછી રાજ્યાસનની સમક્ષ ચાર જીવતાં પ્રૅંણીઓની વચમાં મેં એક હલવાનને ઊભું રહેલું જોયું. જેની આજુબાજુ વડીલો પણ હતા. તે હલવાન મારી નંખાયેલા જેવું હલવાન લાગતું હતું. તેને સાત શિંગડા તથા સાત આંખો હતી. આ દેવના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. 7 તે હલવાન આવ્યું અને રાજ્યાસન પર બેઠેલા એકના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું. 8 હલવાને ઓળિયું લીધા પછી તે ચાર જીવતાં પ્રાણીઓ અને 24 વડીલો હલવાનની આગળ પગે પડ્યાં. તેમાંના દરેકની પાસે વીણા હતી. તેઓએ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા પણ પકડ્યા હતા. આ ધૂપના પ્યાલા દેવના પવિત્ર લોકોની પ્રાર્થનાઓ છે. 9 અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું:
“તું ઓળિયું લેવાને
તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે,
કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો.
અને તેં તારા લોહીથી દેવને માટે
સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.
10 અમારા દેવ માટે તેં લોકોને રાજ્ય બનાવ્યા છે, અને આ લોકોને અમારા દેવને સારું યાજકો બનાવ્યા છે.
અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”
11 પછી મેં જોયું અને મેં ઘણા દૂતોને વાણી સાંભળી. તે દૂતો રાજ્યાસનની, તે જીવતાં ચાર પ્રાણીઓની, અને વડીલોની આજુબાજુ હતા. ત્યાં હજારો દૂતો હતા-અને તે લાખો અને હજારોહજારની સંખ્યામાં હતા. 12 તે દૂતોએ મોટા સાદે કહ્યું કે:
“જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, શાણપણ અને શક્તિ,
માન, મહિમા મેળવવા તથા સ્તુતિને યોગ્ય છે!”
13 પછી મેં પ્રત્યેક જીવતાં પ્રાણી કે જે આકાશમાં, અને પૃથ્વી પર અને પૃથ્વીની નીચે અને સમુદ્રમાં છે તેમને સાંભળ્યાં. મે આ બધી જગ્યાઓએ દરેક વાતો સાંભળી. મેં તમને બધાને કહેતાં સાંભળ્યા કે:
“જે રાજ્યાસન પર બેઠેલો છે
તેને તથા હલવાનને સ્તુતિ, માન અને મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો!”
14 તે ચારે જીવતા પ્રાણીઓએ કહ્યું, “આમીન!” અને વડીલોએ પગે પડીને આરાધના કરી.
યહોવા પોતાના લોકોને પાછા લાવવા ઇચ્છે છે
1 દાર્યાવેશના અમલના બીજા વર્ષના આઠમા મહિનામાં પ્રબોધક ઇદૃોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા દ્વારા યહોવાનો સંદેશો મળ્યો હતો.
2 તું એ લોકોને કહે કે, યહોવા તમારા પિતૃઓ પર રોષે ભરાયો હતો; 3 તેથી તું તેઓને કહે કે, સૈન્યોના દેવ યહોવા કહે છે કે, જો તમે પાછા મારે શરણે આવો તો હું તમારી પાસે આવીશ.
4 તમે તમારા વડીલો જેવા ન થશો, જેઓને પહેલાના પ્રબોધકોએ સાદ પાડીને કહ્યું હતું કે, “સૈન્યોનો દેવ યહોવા તમને તમારાં ખોટા માર્ગોથી અને દુષ્કૃત્યોથી પાછા વાળવા માગે છે. પણ તેમણે ન તો મારું સાંભળ્યું કે ન તો મારા કહેવા પર ધ્યાન આપ્યું.
5 “તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે? 6 પરંતુ મેં મારા સેવકો પ્રબોધકો મારફતે આપેલી આજ્ઞાઓ અને ચેતવણીઓની અવગણના કરવાથી તમારા પિતૃઓએ અચાનક તેની સજા ભોગવવી પડી. આથી તેઓ નરમ પડ્યા અને કહ્યું, ‘સૈન્યોનો દેવ યહોવાએ આપણને શિક્ષા કરી આપણા વર્તાવ અને કૃત્યોને કારણે આપણી સાથે જે રીતે વર્તવા ધાર્યું હતું તે રીતે તે ર્વત્યા છે.’”
ચાર ઘોડાઓ
7 દાર્યાવેશના બીજા વર્ષના અગિયારમા મહિનાની, એટલે શબાટ મહિનાની, ચોવીસમી તારીખે ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાએ બીજો સંદેશો આપ્યો.
8 તે એ કે મને રાત્રે સંદર્શન થયું, એક માણસ રાતા ઘોડા પર સવાર થયેલો હતો. તે એક ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો, અને તેની પાછળ બીજા રાતા; કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા, હું બોલી ઊઠયો. 9 “આ શું છે, મારા યહોવા?”
એટલે તે દેવદૂતે મને કહ્યું, “એ શું છે એ હું તને જણાવીશ.”
10 ત્યારબાદ મેંદી વચ્ચે ઊભેલા માણસે ઉત્તર આપ્યો, “એમને તો યહોવાએ પૃથ્વી પર ફરીને શું ચાલે છે તે જોવા મોકલેલા છે.”
11 અને તેણે મેંદીના છોડ વચ્ચે ઊભેલા યહોવાના દેવદૂતને કહ્યું, “અમે આખી પૃથ્વીની ચારેતરફ ફરી આવ્યાં છીએ અને સાચે જ આખી દુનિયા શાંતિમાં છે.”
12 ત્યારે યહોવાનો દેવદૂત બોલ્યો, “હે સૈન્યોનો દેવ યહોવા, સિત્તેર વર્ષથી તમે યરૂશાલેમ અને યહૂદિયાના શહેરો ઉપર રોષે ભરાયેલા છો. ક્યાં સુધી તમે એમના પર દયા નહિ કરો?”
13 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાએ મમતા અને આશ્વાસનભર્યા શબ્દોમાં જવાબ આપ્યો,
14 અને તે દેવદૂતે મને કહ્યું: તું જાહેર કર કે, સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે કે,
“મને યરૂશાલેમ અને સિયોન ઉપર એકનિષ્ઠ પ્રેમ છે.
15 જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે
તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું,
મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો
અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”
16 તેથી યહોવા કહે છે કે, “હું ફરીથી યરૂશાલેમ પર
દયા દર્શાવીશ અને મારું મંદિર ત્યાં જરૂર બંધાશે,
અને યરૂશાલેમમાં ત્યાં ફરી બાંધકામ શરૂ થશે.”
17 ફરીથી પોકારીને સૈન્યોનો દેવ યહોવા જાહેર કરે છે,
“મારા નગરો ફરીથી પ્રગતિ કરશે અને ચોતરફ વૃદ્ધિ પામશે;
અને હજી પણ યહોવા સિયોનને દિલાસો આપશે,
ને હજી પણ તે યરૂશાલેમને પસંદ કરશે.”
ચાર શિંગડાં અને ચાર કામદાર
18 પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને પ્રાણીઓના ચાર શિંગડાં દેખાયાં! 19 એટલે મારી સાથે વાત કરી રહેલા દેવદૂતને મેં પૂછયું, “આ શું છે?”
તેણે મને જવાબ આપ્યો, “એ તો યહૂદિયા, ઇસ્રાએલ અને યરૂશાલેમના લોકોને વેરવિખેર કરી નાંખનાર શિંગડાં છે.”
20 ત્યારબાદ યહોવાએ મને ચાર લુહારો બતાવ્યાં; 21 મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?”
યહોવાએ કહ્યું, “આ શિંગડાઓએ યહૂદિયાને એવી રીતે વેરવિખેર કરી નાખ્યું હતું કે કોઇ માણસ પોતાનું માથું ન ઊંચકી શકે; અને આ લોકો યહૂદિયાની ભૂમિને અને પોતાનું માથું ઊંચુ કરનાર પ્રજાઓને ત્રાસ આપવા અને નાશ કરવા આવ્યા છે.”
સમરૂનમાં એક સ્ત્રી સાથે ઈસુની વાત
4 ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાન કરતાં વધારે લોકોને તેના શિષ્યો બનાવીને બાપ્તિસ્મા આપે છે. 2 (પણ ખરેખર ઈસુ પોતે લોકોને બાપ્તિસ્મા આપતો નહોતો. તેના શિષ્યો લોકોને તેના માટે બાપ્તિસ્મા આપતા હતા.) ઈસુએ જાણ્યું કે ફરોશીઓએ તેના વિષે સાંભળ્યું છે. 3 તેથી ઈસુ યહૂદિયા છોડીને ફરી પાછો ગાલીલમાં ગયો. 4 ગાલીલના રસ્તામાં ઈસુને સમરૂનના વિસ્તારમાં થઈન જવું પડ્યું.
5 ઈસુ સમરૂનમાં સૂખાર નામના શહેરમાં આવ્યો. આ શહેર એક ખેતર નજીક હતું, જે યાકૂબે તેના દીકરા યૂસફને આપ્યું હતું. 6 ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ તેની લાંબી યાત્રાથી થાક્યો હતો. તેથી ઈસુ કૂવાની બાજુમાં બેઠો. તે વેળા લગભગ બપોર હતી. 7 એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી. ઈસુએ તેણીને કહ્યું, “કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ.” 8 (ઈસુના શિષ્યો ખાવાનું ખરીદવા માટે ગામમાં ગયા હતા ત્યારે આ બન્યું.)
9 તે સમરૂની સ્ત્રીએ ઉત્તર આપ્યો, “મને નવાઈ લાગે છે કે તું મારી પાસે પીવાનું પાણી માગે છે! તું એક યહૂદિ છે અને હું એક સમરૂની સ્ત્રી છું!” (યહૂદિઓ સમરૂનીઓ જોડે સંબંધ રાખતા નથી.)
10 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે દાન આપે છે તે વિષે તું જાણતી નથી અને તારી પાસે પાણી માંગનાર હું કોણ છું તે પણ તું જાણતી નથી. જો તું આ દાન જાણતી હોત તો તું માગત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત.”
11 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, તું તે જીવતું પાણી ક્યાંથી મેળવીશ? તે કૂવો ઘણો ઊંડો છે. અને તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી. 12 તું અમારા પિતા (પૂર્વજ) યાકૂબ કરતાં મોટો છે? યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેણે પોતે તેમાંથી પાણી પીધું. તેના દીકરાઓ અને તેનાં બધાં પશુઓએ આ કૂવામાંથી પાણી પીઘું.”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “પ્રત્યેક વ્યક્તિ જે આ પાણી પીએ છે તે ફરીથી તરસ્યો થશે. 14 પણ જે વ્યક્તિ, હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી. પણ જે પાણી હું તેને આપીશ, તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે. તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે.”
15 તે સ્ત્રીએ ઈસુને કહ્યું, “પ્રભુ, મને એ પાણી આપ. પછી હું કદાપિ ફરીથી તરસી થઈશ નહિ. અને મારે વધારે પાણી મેળવવા પાછા અહીં આવવું પડે નહિ.”
16 ઈસુએ તેને કહ્યું, “જા તારા પતિને બોલાવી લાવ અને પછી પાછી અહીં આવ.”
17 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પણ મારે પતિ નથી.”
ઈસુએ તેને કહ્યું, “તેં બરાબર કહ્યું છે કે તારે પતિ નથી. 18 ખરેખર તારે પાંચ પતિઓ હતા. પણ તું હમણાં જે માણસ સાથે રહે છે તે તારો પતિ નથી. તેં મને સાચું કહ્યું છે.”
19 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, હું જોઈ શકું છું કે તું એક પ્રબોધક છે. 20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”
21 ઈસુએ કહ્યું, “બાઈ, મારું માન! હવે એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પિતા (દેવ) નું ભજન નહિ કરશો. 22 તમે સમરૂનીઓ, તમે જે જાણતા નથી તેને ભજો છો. અમે યહૂદિઓ જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, યહૂદિઓમાંથી ઉદ્ધાર આવે છે. 23 હવે તે સમય આવે છે જ્યારે સાચા ભજનારાઓ આત્માથી તથા સત્યતાથી પિતાને ભજશે. હવે તે સમય અહીં છે. અને આ પ્રકારના લોકો તેના ભજનારા થાય તેમ પિતા ઈચ્છે છે. 24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”
25 તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ આવે છે.” (મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે) “જ્યારે મસીહ આવશે ત્યારે તે આપણને બધું સમજાવશે.”
26 પછી ઈસુએ કહ્યું, “જે વ્યક્તિ હમણાં તારી સાથે વાત કરે છે. હું તે મસીહ છું.”
27 તે સમયે ઈસુના શિષ્યો ગામમાંથી પાછા આવ્યા. તેઓ અજાયબી પામ્યા હતા કારણ કે તેઓએ ઈસુને તે સ્ત્રી સાથે વાત કરતો જોયો. પણ તેઓમાંના કોઈએ પૂછયું નહિ, “તારે શું જોઈએ છે?” અથવા “તું શા માટે તેની સાથે વાત કરે છે?”
28 પછી તે સ્ત્રી તેની પાણીની ગાગર ત્યાં મૂકીને ગામમાં પાછી ફરી. તેણે ગામમાં જઈને લોકોને કહ્યું, 29 “એક માણસે મેં જે કંઈ કર્યુ હતું તે બધું મને કહ્યું, આવો, તેને જુઓ, તે જ ખ્રિસ્ત હોવો જોઈએ.” 30 તેથી તે લોકોએ તે ગામ છોડ્યું અને ઈસુને જોવા ગયા.
31 જ્યારે તે સ્ત્રી ગામમાં હતી. ઈસુના શિષ્યો તેને વિનંતી કરતા હતા, “રાબ્બી જમ!”
32 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “મારી પાસે ખાવા ખોરાક છે પણ તમે તેના વિષે જાણતા નથી.”
33 તેથી શિષ્યોએ પોતાની જાતને પૂછયું, “શું કોઈ ઈસુ માટે કંઈ ખાવાનું લાવ્યા હશે?”
34 ઈસુએ કહ્યું, “જેણે મને મોકલ્યો છે, તેની ઈચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારું અન્ન છે. 35 જ્યારે વાવો છો ત્યારે તમે વારંવાર હંમેશા કહો છો, ‘અનાજના દાણા ભેગા કરતાં પહેલા ચાર મહિના રાહ જોવાની છે.’ પણ હું તમને કહું છું, તમારી આંખો ખોલો, લોકો તરફ જુઓ, તેઓ હવે પાક માટે તૈયાર ખેતરો જેવાં છે. 36 છતાં પણ, હમણા તે વ્યક્તિ પાકની કાપણી કરે છે તેને ચુકવણી પણ કરવામાં આવેલ છે. તે અનંતજીવન માટે પાકને ભેગો કરે છે. તેથી જે વ્યક્તિ વાવે છે તે કાપણી કરનાર વ્યક્તિ સાથે સુખી થઈ શકે છે. 37 તે સાચું છે જે આપણે કહીએ છીએ, ‘એક વ્યક્તિ વાવે છે, પણ બીજી એક વ્યક્તિ પાકની કાપણી કરે છે.’ 38 મેં તમને પાકની કાપણી કરવા મોકલ્યા છે. જેને માટે તમે કામ કર્યુ નથી. બીજા લોકોએ કામ કર્યુ અને તમે તેઓનાં કામમાંથી ફળ મેળવો છો.”
39 તે ગામના ઘણા સમરૂની લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. તે સ્ત્રીએ ઈસુ વિષે તેઓને જે કહ્યું તેને કારણે તેઓએ વિશ્વાસ કર્યો. તેણીએ તેઓને કહ્યું, “તેણે (ઈસુએ) જે બધું મેં કર્યું, તે મને કહ્યું,” 40 તે સમરૂનીઓ ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને તેઓની સાથે રહેવા વિનંતી કરી. તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યો. 41 ઈસુએ જે વાતો કહીં, તેને કારણે ઘણા વધારે લોકોએ વિશ્વાસ કર્યો.
42 તે લોકોએ તે સ્ત્રીને કહ્યું, “તેં અમને જે કહ્યું તેને કારણે પ્રથમ અમે ઈસુમાં વિશ્વાસ કર્યો. પણ હવે અમે વિશ્વાસ કર્યો કારણ કે અમે અમારી જાતે તેને સાંભળ્યો. હવે અમે જાણ્યું કે તે નિશ્ચય એ જ છે જે જગતનો ઉદ્ધારક છે.”
ઈસુનું અમીરના દીકરાને સાજા કરવું
(માથ. 8:5-13; લૂ. 7:1-10)
43 બે દિવસો પછી ઈસુ તે સ્થળ છોડીને ગાલીલમાં ગયો. 44 (ઈસુએ અગાઉ કહ્યું હતું કે પ્રબોધકનું તેના પોતાના ગામમાં માન નથી હોતું.) 45 જ્યારે ઈસુ ગાલીલમાં આવી પહોંચ્યો. ત્યાંના લોકોએ તેનું સ્વાગત કર્યુ. આ લોકોએ યરૂશાલેમમાં પાસ્ખા પર્વ વખતે ઈસુએ જે બધું કર્યુ તે જોયું હતું. આ લોકો પણ તે પર્વમાં ગયા હતા.
46 ઈસુ ફરીથી ગાલીલમાં કાના ગામની મુલાકાતે ગયો. કાના એ છે જ્યાં ઈસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો. રાજાના અધિકારીઓમાંનો એક મહત્વનો અધિકારી કફરનહૂમ શહેરમાં રહેતો હતો. આ માણસનો દીકરો માંદો હતો. 47 તે માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી હવે ગાલીલ આવ્યો હતો. તેથી તે માણસ કાનામાં ઈસુ પાસે ગયો. તેણે ઈસુને કફર-નહૂમ આવીને તેના દીકરાને સાજો કરવા વિનંતી કરી. તેનો દીકરો મરવાની અણી પર હતો. 48 ઈસુએ તેને કહ્યું, “તમે લોકો ચમત્કારો અને અદભૂત કાર્યો જોયા વગર વિશ્વાસ કરવાના નથી.”
49 રાજાના અધિકારીએ કહ્યું, “પ્રભુ, મારો નાનો દીકરો મરી જાય, તે પહેલા મારે ઘેર આવ.”
50 ઈસુએ ઉત્તર આપ્યો, “જા તારો દીકરો જીવશે.”
તે માણસે ઈસુએ જે તેને કહ્યું તેમાં વિશ્વાસ કર્યો અને ઘરે ગયો. 51 ઘરે જતાં રસ્તામાં તે માણસના સેવકો આવ્યા અને તેને મળ્યા. તેઓએ તેને કહ્યું, “તારો દીકરો સાજો છે.”
52 તે માણસે પૂછયું, “કયા સમયે મારો દીકરો સાજો થયો?”
તે નોકરોએ ઉત્તર આપ્યો, “જ્યારે તેનો તાવ જતો રહ્યો ત્યારે ગઈકાલે લગભગ બપોરે એક વાગ્યો હતો.”
53 પિતાએ જાણ્યું કે ઈસુએ કહ્યું હતું કે, “તારો દીકરો જીવશે.” તે સમય પણ બપોરને એક વાગ્યાનો હતો. તેથી તે માણસે અને તેના ઘરના બધા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
54 યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ કરેલો તે બીજો ચમત્કા હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International