Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 17

યહોશાફાટના શાસનનો પ્રારંભ

17 ત્યારબાદ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. અને ઇસ્રાએલથી સુરક્ષિત રહેવા તેણે યહૂદાને શકિતશાળી બનાવ્યું. તેણે યહૂદાના બધાં કિલ્લેબંદીવાળા નગરોમાં લશ્કર ગોઠવ્યું, અને આખા યહૂદાના તેમજ તેના પિતાએ કબજે કરેલાં એફ્રાઇમનાં શહેરોમાં સૂબાઓ મૂક્યા,

યહોવા તેની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા તે માર્ગ પર જ યહોશાફાટ ચાલ્યો. તેણે મૂર્તિઓની પૂજા કરી નહિ. ઇસ્રાએલના પ્રદેશમાં વસતા લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તે તેના પિતૃઓના દેવની આજ્ઞાઓને આધીન રહીને જીવન ગુજારતો હતો. આથી યહોવાએ તેના હાથમાં યહૂદા પરની સત્તા કાયમ રાખી, આખું યહૂદા તેને ભેટસોગાદ આપતું હતું. અને તે પુષ્કળ કીર્તિ અને સંપત્તિ પામ્યો. તે યહોવાની સેવામાં ગૌરવ લેતો હતો અને તેણે યહૂદામાંની ટેકરીઓ ઉપરના સ્થાનકોનો તેમજ પૂજાસ્તંભોનો પણ નાશ કર્યો.

તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અમલદારો બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મીખાયાને, લેવીઓ શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબીયા, અને ટોબઅદોનિયા તેમજ યાજકો અલીશામા અને યહોરામ સાથે યહૂદાના ગામેગામ ઉપદેશ કરવા મોકલ્યા. દેવના નિયમશાસ્ત્રના પુસ્તકની નકલો તેઓ પોતાની સાથે લઇ ગયા. અને યહૂદિયાનાં સર્વ ગામોમાં જઇને લોકોને નિયમશાસ્ત્રનું શિક્ષણ આપ્યું.

10 આથી યહૂદાની આસપાસના બધા પ્રદેશોમાં રાજાઓ યહોવાથી ડરવા લાગ્યા, અને તેમણે યહોશાફાટ સાથે લડાઇ કરી નહિ. 11 કેટલાક પલિસ્તી લોકો ખંડણી તરીકે તેની પાસે ઉપહાર તરીકે ચાંદી લઇને આવ્યા. રણના રહેવાસીઓ પણ 7,700 બકરીઓ અને 7,700 ઘેંટાની ભેટ લઇને આવ્યા.

12 યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા 13 અને તેણે યહૂદાના શહેરોમાં ઘણું કામ કર્યુ. તેણે રાજધાની યરૂશાલેમમાં મોટું સૈન્ય રાખ્યું. 14 યરૂશાલેમમાં તેણે શૂરવીર યોદ્ધાઓનું થાણું ઉભું કર્યું હતું અને તેની કુળસમૂહવાર યાદી નીચે પ્રમાણે છે:

યહૂદાના સેનાનાયકો- યહૂદાના મુખ્ય સેનાપતિ આદનાહના

અને તેના હાથ નીચે 3,00,000 સૈનિકો;

15 તેના પછી યહોહાનાન અને તેના હાથ નીચે 2,80,000 સૈનિકો;

16 તેના પછી યહોવાને સ્વેચ્છાએ આત્મસમર્પણ કરનાર અમાસ્યા જે ઝિખ્રીનો પુત્ર હતો; તેના હાથ નીચે 2,00,000 સૈનિકો.

17 બિન્યામીનના કુળસમૂહના સેનાનાયકો:

શૂરવીર એલ્યાદાહ અને તેના હાથ નીચે 2,00,000 ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો;

18 તેના પછી યહોઝાબાદ અને તેના હાથ નીચે 1,80,000 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ.

19 આ સર્વ સૈન્યો હતા. અને તે પાટનગરના રાજાની પાસે હતા. સમગ્ર યહૂદા રાજ્યના કિલ્લેબંદીવાળાં નગરોમાં રાજાએ જેમને નિયુકત કર્યા હતા તે સૈન્યો તો જુદા.

પ્રકટીકરણ 6

મુદ્રાઓ તોડવામાં આવી

જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની પહેલી ઉઘાડી ત્યારે મેં જોયું. મેં ચાર જીવંત પ્રાણીઓમાંના એકને ગર્જના જેવા અવાજથી બોલતા સાંભળ્યું. તેણે કહ્યું કે, “આવ!” મેં જોયું તો ત્યાં મારી આગળ એક સફેદ ઘોડો હતો. ઘોડા પરના સવાર પાસે એક ધનુષ્ય હતું; તે સવારને એક મુગટ આપવામા આવ્યો હતો. તે ફરીથી વિજય મેળવવા જતો હોય તે રીતે સવાર થઈને નીકળ્યો.

હલવાને બીજી મુદ્રા ઉઘાડી. પછી મેં બીજા જીવતા પ્રાણીને કહેતાં સાંભળ્યું કે. “આવ!” પછી બીજો એક ઘોડો બહાર આવ્યો. આ એક લાલ ઘોડો હતો. તે ઘોડા પર જે સવાર હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી લોકો એકબીજાને મારી નાખે તેવી તેને સત્તા આપવામાં આવી હતી. આ સવારને એક મોટી તલવાર આપવામાં આવી હતી.

હલવાને ત્રીજી મુદ્રા ઉઘાડી. પછી મેં ત્રીજા જીવતા પ્રાણીને કહેતા સાંભળ્યું કે, “આવ!” મે જોયું, અને ત્યાં મારી આગળ એક કાળો ઘોડો હતો. ઘોડા પર બેઠેલા સવાર પાસે તેના હાથમાં ત્રાજવાંની જોડ હતી. પછી મેં કંઈક વાણીના જેવો અવાજ સાંભળ્યો. જ્યાં ચાર જીવતા પ્રાણીઓ હતાં ત્યાંથી તે વાણી આવી. તે વાણીએ કહ્યું કે, “એક દિવસના વેતનમાં અડધો કિલો ઘઉં, અને એક દિવસના વેતનમાં દોઢ કિલો જવ, પણ તેલ કે દ્રાક્ષારસને તું વેડફીશ નહિ!”

હલવાને ચોથી મુદ્રા ઉઘાડી. પછી મેં ચોથા જીવતા પ્રાણીની વાણી સાંભળી કે, “આવ!” મેં જોયું, તો ત્યાં મારી આગળ એક ફીક્કા રંગનો ઘોડો હતો. ઘોડા પરના સવારનું નામ મરણ હતું. હાદેસ તેની પાછળ પાછળ આવતું હતું. તેઓને પૃથ્વીના ચોથા હિસ્સા પર અધિકાર આપવામા આવ્યો હતો. તેઓને તલવારથી, દુકાળથી, રોગચાળાથી, અને પૃથ્વીના જંગલી પશુઓથી લોકોને મારી નાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

તે હલવાને પાંચમી મુદ્રા ઉઘાડી. પછી મેં કેટલાક આત્માઓને વેદી નીચે જોયા. તે એ લોકોના આત્માઓ હતા જેઓ દેવના સંદેશને વફાદાર હતા. તથા જે સત્ય તેઓને પ્રાપ્ત થયુ હતું, તેમાં તેઓ વિશ્વાસુ હતા તેથી તેઓને મારી નાખવામાં આવ્યા હતા. 10 આ આત્માઓએ મોટા સાદે પોકાર કર્યો કે, “ઓ, પવિત્ર અને સત્ય પ્રભુ. તું ક્યાં સુધી ઈન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું મુલવ્વી રાખીશ?” 11 તેઓમાંના દરેક આત્માને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. તે આત્માઓને જ્યાં સુધી આ બધા લોકોને મારી નાખવાનું પૂરું ન થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી પેઠે માર્યા જવાના છે. તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ વિસામો લો.

12 જ્યારે તે હલવાને છઠી મુદ્રા તોડી પછી મેં જોયું. તો ત્યાં મોટો ધરતીકંપ થયો હતો. વાળમાંથી બનાવેલા કાળા કામળા જેવો સૂર્ય કાળો બની ગયો. આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો. 13 જેમ ભારે તોફાન પવનથી અંજીરના કોમળ ફળો તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. 14 આકાશના ભાગલા પડ્યા હતા. તે ઓળિયાની પેઠે વીંટાઇ ગયું અને દરેક પહાડ અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામા આવ્યાં.

15 પછી બધાં લોકો ગુફાઓમાં અને ખડકોની પાછળ છુપાઇ ગયા. ત્યાં જગતના રાજાઓ, શાસકો, સેનાપતિઓ, ધનવાન લોકો તથા પરાક્રમી લોકો હતાં. દરેક વ્યક્તિ ગુલામ કે સ્વતંત્ર સંતાઇ ગયા. 16 તે લોકોએ પહાડો અને ખડકોને કહ્યું કે; “અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો! 17 કારણ કે તેઓના મહાન કોપનો દિવસ આવ્યો છે. તેની સામે કોઈ વ્યક્તિ ઊભો રહી શકશે નહિ.”

ઝખાર્યા 2

યરૂશાલેમની માપણી

મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો. મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?”

ત્યારે તેણે મને કહ્યું, “યરૂશાલેમને માપવા; તેની પહોળાઇ કેટલી છે અને તેની લંબાઇ કેટલી છે, તે જાણવા સાંરુ.”

પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો. બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે,

‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે
    તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’
કારણ, યહોવા કહે છે કે,
‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું
    મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.’”

દેવ પોતાના લોકોને ઘેર બોલાવે છે

યહોવા કહે છે;
“જાઓ, ઉત્તરના પ્રદેશમાંથી નાસી છૂટો.
    આકાશના ચાર વાયુની દિશાઓમાં મેં તમને ફેલાવી દીધા છે.
બાબિલમાં વસનારા સિયોનના લોકો નાસી જાઓ.”
સૈન્યોનો દેવ યહોવાએ મને સન્માન લાવવા માટે મોકલ્યો છે
    અને તમને લૂંટનારી પ્રજાઓ પાસે મોકલ્યા છે,
    કારણ, જે તમને અડે છે તે તેની આંખની કીકીને અડે છે.
જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ
    અને તેઓ તેમના સેવકોને હાથે લૂંટાશે,
અને ત્યારે તમે જાણશો કે સૈન્યોનો
    દેવ યહોવાએ મને મોકલ્યો છે.”

10 યહોવા કહે છે,
“સિયોનના વતનીઓ, ગીતો ગાઓ અને આનંદ કરો, કારણ, જુઓ,
    હું આવું છું અને તમારી વચ્ચે વસનાર છું.
11 તે દિવસે ઘણી પ્રજાઓ
    યહોવાની સાથે સંબંધ બાંધશે,
અને તેઓ એની પ્રજા થશે
    અને યહોવા તેમની વચ્ચે વસશે,”
અને ત્યારે તમને જાણ થશે કે યહોવાએ
    મને તમારી પાસે મોકલ્યો છે.

12 અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે.
    અને યહોવા ફરીથી યરૂશાલેમને પસંદ કરશે.
13 યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ,
    તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે.

યોહાન 5

ઈસુનું પૂલ પાસે માણસને સાજા કરવું

પાછળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો. યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે. ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા. [અને તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. કેમ કે કોઈ કોઈ વેળા પ્રભુનો દૂત તે કૂંડમાં ઊતરતો અને પાણીને હલાવતો હતો. દૂતે આ કર્યા પછી, જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.][a] એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો. ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”

તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”

પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.” પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.

જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો. 10 તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”

11 પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.’”

12 યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”

13 પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.

14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”

15 પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”

16 ઈસુ આ કાર્યો વિશ્રામવારે કરતો હતો. માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું. 17 પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”

18 તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”

ઈસુ પાસે દેવની સત્તા છે

19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.

22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.

24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે. 25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.

28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.

30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.

ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે

31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.

33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.

36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”

41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International