M’Cheyne Bible Reading Plan
યોશિયા પાસ્ખાપર્વની ઉજવણી
35 ત્યારબાદ યોશિયાએ જાહેર કર્યુ કે એપ્રિલ મહિનાના ચૌદમા દિવસે યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઉજવવામાં આવશે. તે સાંજે પાસ્ખાના હલવાનો વધ કરવામાં આવ્યો. 2 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નીમ્યા અને તેમને યહોવાના મંદિરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું. 3 પછી તેણે લેવીઓ, જેઓ યહોવાને સમર્પિત ઇસ્રાએલના બોધ કરનાર હતા તેમને કહ્યું કે, “ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા મંદિરમાં પવિત્ર કોશ મૂકો. હવે એને તમારે ખભે ઉપાડવાની જરૂર નથી, હવે તમે યહોવા તમારા દેવની અને તેના લોકો, ઇસ્રાએલીઓની સેવા કરો; 4 ઇસ્રાએલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે કુટુંબવાર ટૂકડીઓમાં ગોઠવાઇ જાઓ. જેથી 5 સામાન્ય પ્રજાજનોના પ્રત્યેક કુળ સમૂહ દીઠ લેવીઓની એક ટૂકડી સેવામાં હોય. 6 પાસ્ખાનો બલિ વધેરો, તમારી દેહશુદ્ધિ કરો અને તમારા ભાઇઓ માટે બધી તૈયારી કરો, જેથી તેઓ મૂસા મારફતે અપાયેલી યહોવાની આજ્ઞાનું પાલન કરી શકે.”
7 પાસ્ખાનાં અર્પણો માટે રાજાએ લોકોને 30,000 હલવાનો અને લવારાં આપ્યો. વળી 3,000 જવાન બળદો પણ આપ્યાં. 8 રાજાના અધિકારીઓએ રાજીખુશીથી યાજકોને અને લેવીઓને અને બાકીના લોકોને દાન આપ્યાં. મંદિરના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલે યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે 2,600 ઘેટાં અને બકરા તથા 300 બળદો આપ્યા. 9 લેવીઓના આગેવાનો, કોનાન્યા, શમાયા, નથાનએલ, અને તેના ભાઇઓ હશાબ્યા, યેઇએલ, અને યોઝાબાદે પાસ્ખાનાં અર્પણો માટે લેવીઓને 5,000 ઘેટાંબકરા અને 500 બળદો આપ્યાં.
10 સેવાની વ્યવસ્થા કરતાં યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પોતપોતાની ટૂકડીઓમાં રાજાના હુકમ મુજબ ગોઠવાઇ ગયા. તેમણે પાસ્ખાના બલિનો વધ કરવા માંડ્યો; 11 તેઓએ પાસ્ખાના પશુઓની બલિ ચઢાવી લેવીઓ બલિ ચઢાવેલા પશુઓની ચામડી ઊતારતા હતા. પછી યાજકોએ લેવીઓએ આપેલું લોહી વેદી ઉપર છાંટયું. 12 અને દહનાર્પણમાં હોમવાના ભાગ જુદા પાડી સામાન્ય પ્રજાજનોના કુટુંબોને મૂસાનાં નિયમોમાં જણાવ્યા મુજબ યહોવાને ચઢાવવા માટે, વહેંચી આપતા હતા. એવું જ બળદોનું પણ કરવામાં આવ્યું. 13 મૂસાના નિયમોમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઇઓ અને તાવડાઓમાં ઉકાળી ઝટપટ પ્રજાને પીરસી દીધાં. 14 ત્યારબાદ તેમણે પોતાને માટે અને યાજકોને માટે ખાવાનું બનાવ્યું. યાજકો જે હારુનના વંશજો હતા તેઓ ખૂબ વ્યસ્ત હતા તેથી પોતાનું ખાવાનું બનાવવા અસમર્થ હતાં, તેઓ અંધારુ થાય ત્યાં સુધી દહનાર્પણો તથા મેંદાર્પણ ચઢાવતા હતા. 15 આસાફના કુળના ગાયકો, આસાફ, હેમાન, અને રાજાના ષ્ટા, યદૂથૂન દાઉદે ઠરાવેલા નિયમ મુજબ પોતાને સ્થાને ઊભા રહ્યાં, દ્વારપાળો પણ પોતપોતાને દરવાજે ઊભા રહ્યાં. તેમને પોતાનું સ્થાન છોડાવાની જરૂર નહોતી કારણ, તેમના ભાઇઓ લેવીઓએ તેમને માટે બધી તૈયારી કરી હતી.
16 આ રીતે, તે દિવસે રાજા યોશિયાની આજ્ઞા પ્રમાણે યહોવાની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી, પાસ્ખાની ઉજવણી થઇ અને યહોવાની વેદી ઉપર દહનાર્પણ ચઢાવવામાં આવ્યું. 17 ત્યાં હાજર રહેલા ઇસ્રાએલીઓએ એ વખતે પાસ્ખાનું પર્વ અને બેખમીર રોટલીનો ઉત્સવ સાત દિવસ સુધી ઉજવ્યાં. 18 પ્રબોધક શમુએલના વખતથી ઇસ્રાએલમાં કદી પાસ્ખાનું પર્વ આ રીતે ઊજવાયું નહોતું. ઇસ્રાએલના કોઇ પણ રાજાએ યોશિયાની પેઠે પાસ્ખાનું પર્વ યાજકો, લેવીઓ, હાજર રહેલા બધા યહૂદાવાસીઓ તથા ઇસ્રાએલવાસીઓ અને યરૂશાલેમના વતનીઓ સાથે કદી ઊજવ્યું નહોતું. 19 યોશિયાના રાજ્યને અઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
યોશિયાનું મૃત્યુ
20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયાએ મંદિર બાંધવાનું પૂરુ કરી નાખ્યું હતું ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો. 21 પરંતુ નખોએ એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે,
“ઓ યહૂદાના રાજા, તારે ને મારે શો ઝઘડો છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારે દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું, અને યહોવાએ મને ઉતાવળ કરવા કહ્યું છે. દેવ મારા પક્ષે છે, તેની આડે આવીશ નહિ, નહિ તો તે તારો નાશ કરશે.”
22 પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તેની સાથે લડવા માટે પોતે વેશપલટો કર્યો. દેવની આજ્ઞાથી ઉચ્ચારાયેલાં નખોના વચન તેણે કાન પર લીધાં નહિ, અને મગિદોના મેદાનમાં તે યુદ્ધે ચડ્યો. 23 બાણાવળીઓએ તેના ઉપર મારો ચલાવ્યો અને તેણે પોતાના અંગરક્ષકોને કહ્યું, “મને લઇ જાઓ, હું સખત ઘવાયો છું.”
24 તેઓ તેને તેના રથમાંથી ઉપાડી બીજા રથમાં મૂકી પાછો યરૂશાલેમ લઇ ગયા, ત્યાં તે મૃત્યુ પામ્યો અને તેને પિતૃઓની કબરોમાં દફનાવવામાં આવ્યો, સમગ્ર યહૂદાએ અને યરૂશાલેમે તેનો શોક પાળ્યો. 25 યર્મિયા પ્રબોધકે તથા મંદિરના ગાયકવૃંદે પણ તેના માટે વિલાપ કર્યો. આજ દિવસ સુધી તેના મૃત્યુ વિષે વિલાપના ગીતો ગવાય છે, અને આ ગીતો વિલાપના અધિકૃત પુસ્તકમાં નોંધેલા છે.
26 યોશિયાનાં બાકીનાં કૃત્યો, તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે કરેલાં તેના સુકૃત્યો, 27 તથા તેના બીજાં કામો, પહેલેથી તે છેલ્લે સુધી, ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલા છે.
નવું યરૂશાલેમ
21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. 2 અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.
3 મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. 4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”
5 તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”
6 રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ. 7 તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. 8 પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”
9 સાત દૂતોમાંથી એકે આવીને મને કહ્યું, “આ તે દૂતો હતા જેઓની પાસે છેલ્લાં સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતા.” તે દૂતે કહ્યું કે, “મારી સાથે આવ. હું તને તે કન્યા, હલવાનની વહુ બતાવીશ.” 10 તે દૂતે મને આત્મા દ્ધારા ઘણા મોટા અને ઊંચા પહાડ પાસે લઈ ગયો. તે દૂતે મને પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું તે શહેર દેવ પાસેથી આકાશમાંથી બહાર નીચે આવી રહ્યું હતું.
11 તે શહેર દેવના મહિમા સાથે પ્રકાશતું હતું. તે અતિ મૂલ્યવાન કિંમતી પથ્થર યાસપિસ જેવું ચમકતું તેજ હતું. તે સ્ફટિકના જેવું નિર્મળ હતું. 12 તે શહેરને એક મોટી અને ઊંચી બાર દરવાજા વાળી દિવાલ હતી. દરેક દરવાજા પાસે બાર દૂતો હતા. દરેક દરવાજા પર ઈસ્ત્રાએલ પુત્રોના બાર કુળોનાં નામ લખેલા હતા. 13 ત્યાં પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા, અને પશ્વિમમાં ત્રણ દરવાજા હતા. 14 શહેરની દિવાલો બાર પાયાના પથ્થરો પર બંધાયેલી હતી. અને તે પથ્થરો પર હલવાનના બાર પ્રેરિતોનાં નામ હતાં.
15 તે દૂતે જેણે મારી સાથે વાત કરી. તેની પાસે માપ લેવા માટે સોનાની છડી હતી. તે દૂત પાસે તે શહેર, તેના દરવાજાઓ એને તેની દિવાલો માપવા આ છડી હતી. 16 તે શહેર ચોરસમાં બાંધવામાં આવ્યું હતું. તે દૂતે માપવાની છડી વડે શહેરને માપ્યું. તેની લંબાઇ તેની પહોળાઇ જેટલી હતી. તે શહેર 12,000 સ્ટેડીયા[a] લાંબુ, 12,000 સ્ટેડીયા પહોળું અને 12,000 સ્ટેડીયા ઊંચું હતું. 17 (તે દૂતે તેની દિવાલ માપી. તે 144 હાથ ઊંચીં લોકોના માપ પ્રમાણે હતી. તે માપનો ઉપયોગ દૂત કરતો હતો.) 18 તે દિવાલ યાસપિસની બનેલી હતી. તે શહેર નિર્મળ કાચના જેવું શુદ્ધ સોનાનું બનેલું હતું.
19 નગરની દિવાલમાં પાયાના પથ્થરોમાં દરેક જાતના કિંમતી પથ્થરો હતા. પ્રથમ પાયાનો પથ્થર યાસપિસ હતો, બીજો નીલમ હતો, ત્રીજો પાનું, ચોથો લીલમ હતો. 20 પાંચમો અકીક હતો, છઠો લાલ હતો. સાતમો પીળો તૃણમણિ હતો આઠમો પિરોજ હતો, નવમો પોખરાજ હતો. દશમો લસણિયો હતો. અગિયારમો શનિ હતો, બારમો યાકૂવ હતો. 21 ત્યાં બાર દરવાજા અને બાર મોતી હતાં, દરેક દરવાજો એક એક મોતીમાંથી બનાવ્યો હતો. તે શહેરની શેરી શુદ્ધ સોનામાંથી બનાવાઈ હતી. સોનું નિર્મળ કાચના જેવું હતું.
22 મેં શહેરમાં મંદિર જોયું નહિ કારણ કે તે પ્રભુ દેવ સર્વશક્તિમાન અને હલવાન (ઈસુ) એ જ મંદિર છે. 23 તે શહેર પર સૂર્યને કે ચંદ્રને પ્રકાશવાની જરૂર નથી. દેવનો મહિમા શહેરને પ્રકાશ આપે છે. તે હલવાન શહેરનો દીવો છે.
24 દુનિયાના લોકો તેના પ્રકાશમાં ચાલશે. પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ શહેરમાં લાવશે. 25 તે શહેરના દરવાજાઓ દિવસ દરમ્યાન કદાપિ બંધ રહેશે નહિ. કારણ કે ત્યાં રાત્રિ નથી. 26 સર્વ પ્રજાઓનું ગૌરવ અને સન્માન શહેરમાં લવાશે. 27 શહેરમાં કદાપિ અશુદ્ધ પ્રવેશ કરશે નહિ. જે વ્યક્તિ શરમજનક કાર્યો કરે છે અથવા જૂઠું બોલે છે તે આ શહેરમાં પ્રવેશ કરશે જ નહિ. ફક્ત તે જ લોકો જેઓનાં નામો હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.
3 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.
2 “પણ તે પ્રગટ થશે ત્યારે તેની સામે કોણ ટકી શકશે? તેના આગમનને કોણ સહન કરી શકશે? કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે. તે ધોબીના સાબુ સમાન છે. 3 તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ બિરાજશે. ને તે લેવીના પુત્રોને પવિત્ર કરીને અને ચોખ્ખાં સોનારૂપા જેવા કરીને સાચી રીતે અર્પણો કરાવડાવશે. 4 ફરી એક વાર યહોવા યહૂદા અને યરૂશાલેમના લોકો દ્વારા ચઢાવેલાં અર્પણો ઘણા સમય પહેલાની જેમ આનંદથી સ્વીકારશે.” 5 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.”
દેવના લોકો દેવને લૂટે!
6 “હું યહોવા, ફરી જતો નથી, અને તેથી હે યાકૂબના વંશજો, તમારો સર્વનાશ થયો નથી. 7 તમારા પિતૃઓના સમયથી મારા નિયમોની ઉપેક્ષા કરી છે. મારી પાસે પાછા આવો, હું તમારી પાસે પાછો આવીશ.
“પણ તમે કહેશો, ‘અમે તમારી પાસે પાછા કેવી રીતે આવીએ?’
8 “હું પુછું છું, શું માણસ દેવને લૂંટી શકે? છતાં તમે મને લૂંટો છો.
“પણ તમે કહો છો, ‘અમે શી રીતે તમને લૂંટીએ છીએ?’
“તમારા પાકનો એક દશાંશમો ભાગ મને નહિ આપીને, તમે મને લૂંટયો છે. 9 તમે શાપ પામીને શાપિત થયા છો; કારણકે તમે, સમગ્ર પ્રજા, મને લૂંટો છો.”
10 “ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ? 11 હું તીડોને મનાઇ કરીશ, જેથી તેઓ તમારાં ખેતરના પાકને ખાઇ ન જાય અને તમારા દ્રાક્ષના વેલા ફળ્યા વગર ન રહે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
12 “ત્યારે બધી પ્રજાઓ કહેશે તમે સુખી છો, કારણ, તમારો દેશ ઇચ્છનીય હશે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
યહોવાનો ન્યાયનો મહાન દિવસ
13 યહોવા કહે છે, “તમે મને હંમેશા કઠોર વચનો કહ્યાં છે,” છતાં તમે પૂછો છો કે, “અમે તમારી વિરૂદ્ધ શું કહ્યું છે?”
14 સાંભળો, તમે એમ કહ્યું છે કે, “દેવની સેવા કરવી વૃથા છે, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને સૈન્યોનો દેવ યહોવા સમક્ષ આપણા પાપો માટે પસ્તાવો કરવાથી શો લાભ? 15 હવે અમને લાગે છે કે ઉદ્ધત લોકો જ સુખી છે, બૂરાં કામ કરનાર લહેર કરે છે. એટલું જ નહિ, તેઓ દેવને કસોટીએ ચડાવે છે અને છતાં તેમને કશું થતું નથી!”
16 ત્યારબાદ યહોવાથી ડરીને ચાલનારાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને યહોવાએ સાંભળ્યું. તેની હાજરીમાં જ, તેનાથી ડરીને ચાલનારા અને તેનું ધ્યાન ધરનારાઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવી.
17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને મારા ખાસ લોકો તરીકે ગણીશ. હું તેઓ સાથે દયાળું રહીશ. જેમ પિતા પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે દયા રાખે, તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ. 18 ત્યારે તમે ફરસાં અને સજ્જન અને દુર્જન વચ્ચેનો તથા યહોવાની સેવા કરનાર અને સેવા ન કરનાર વચ્ચેનો ભેદ સમજાશે.”
કેટલાક શિષ્યોએ ઈસુની કબર ખાલી જોઈ
(માથ. 28:1-10; માર્ક 16:1-8; લૂ. 24:1-12)
20 અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે મરિયમ મગ્દલાની કબર પાસે ગઈ જ્યાં ઈસુનું શબ હતું ત્યાં હજુ અંધારું હતું. મરિયમે જોયું કે જે મોટો પથ્થર પ્રવેશદ્વાર પર ઢાંકેલો હતો તે દૂર ખસેડવામાં આવ્યો હતો. 2 તેથી મરિયમ સિમોન પિતર તથા બીજા શિષ્ય પાસે દોડી ગઈ. (જે એક કે જેને ઈસુ ચાહતો હતો.) મરિયમે કહ્યું, “તેઓ કબરમાંથી પ્રભુને લઈ ગયા છે. અમને ખબર નથી તેઓએ તેને ક્યાં મૂક્યો છે.”
3 તેથી પિતર અને બીજો શિષ્ય બહાર ગયો અને કબર તરફ જવાનું શરું કર્યું. 4 તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો તેથી બીજો શિષ્ય કબર પાસે પહેલો પહોંચ્યો. 5 તે શિષ્યએ નીચા નમીને અંદર જોયું. તેણે ત્યાં શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં પડેલા જોયા. પણ તે અંદર ગયો નહિ.
6 પછી તેની પાછળ સિમોન પિતર પણ આવ્યો. પિતર કબરમાં ગયો. તેણે પણ શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં જોયા. 7 તેણે ઈસુના માથાની આજુબાજુ વીંટાળેલું લૂગડું પણ જોયું. તે લૂગડાંની ગળી વાળેલી હતી અને શણના ટુકડાઓથી જુદી જગ્યાએ તે મૂકેલું હતું. 8 પછી બીજો શિષ્ય અંદર ગયો. આ તે શિષ્ય હતો જે કબર પાસે પહેલો પહોંચ્યો હતો. જ્યારે તેણે શું બન્યું હતું તે જોયું ત્યારે તેણે વિશ્વાસ કર્યો. 9 (આ શિષ્યો હજુ પણ શાસ્ત્રલેખ સમજતા નહોતા કે ઈસુએ મૃત્યુમાંથી ઊઠવું જોઈએ.)
મરિયમ માગ્દાલેણને ઈસુનું દર્શન
(માર્ક 16:9-11)
10 પછી શિષ્યો ઘેર પાછા ફર્યા. 11 પણ મરિયમ કબરની બહારની બાજુ ઊભી રહીને રડતી હતી. જ્યારે તે રડતી હતી, તેણે નીચા નમીને કબરની અંદરની બાજુ નજર કરી. 12 મરિયમે બે દૂતોને સફેદ વસ્ત્રોમાં જોયા. તેઓ જ્યાં ઈસુનો દેહ હતો ત્યાં બેઠા હતા. એક દૂત જ્યાં ઈસુનું માથું હતું ત્યાં બેઠો હતો, અને બીજો દૂત જ્યાં ઈસુના પગ હતા ત્યાં બેઠો હતો.
13 દૂતોએ મરિયમને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે?”
મરિયમે કહ્યું, “કેટલાક લોકો મારા પ્રભુના શરીરને લઈ ગયા. મને ખબર નથી કે તેઓએ તેને ક્યાં મૂક્યો છે.” 14 જ્યારે મરિયમે આ કહ્યું, તેણે પછવાડે ફરીને જોયું તો ત્યાં ઈસુને ઊભેલો દીઠો. પણ તે જાણતી ન્હોતી કે તે ઈસુ હતો.
15 ઈસુએ તેને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે? તું કોને શોધે છે?”
મરિયમે ધાર્યુ કે આ માણસ બગીચાની કાળજી રાખનાર હતો. તેથી મરિયમે તેને કહ્યું, “સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને ક્યાં મૂક્યો છે તે મને કહે. હું જઈશ અને તેને લઈ જઈશ.”
16 ઈસુએ તેને કહ્યું, “મરિયમ.”
મરિયમ ઈસુ તરફ ફરી અને તેને હિબ્રું ભાષામાં કહ્યું, “રાબ્બોની” (આનો અર્થ “ગુરુંજી.”)
17 ઈસુએ તેને કહ્યું, “મને પકડીશ નહિ. હજુ સુધી હું પિતા પાસે ગયો નથી. પરંતુ મારા ભાઈઓ (શિષ્યો) પાસે જા અને તેઓને આ વાત કહે. ‘હું મારા અને તમારા પિતા પાસે પાછો જાઉ છું. હું મારા અને તમારા દેવ પાસે પાછો જાઉ છું.’”
18 મરિયમ મગ્દલાની શિષ્યો પાસે ગઈ અને તેઓને કહ્યું, “મેં પ્રભુને જોયો!” અને તેણે તેઓને ઈસુએ જે કહ્યું હતું તે બધું કહ્યું.
તેના શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂ. 24:36-49)
19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
થોમાને ઈસુના દર્શન
24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”
26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”
28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”
29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”
યોહાને આ પુસ્તક શા માટે લખ્યું
30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International