M’Cheyne Bible Reading Plan
રહાબઆમે મૂર્ખતાપૂર્ણ કામ કર્યુ
10 રહાબઆમનો રાજ્યાભિષેક કરવા માટે ઇસ્રાએલના સર્વ આગેવાનો શખેમના શહેરમાં ભેગા થયા હતા. 2 જ્યારે સુલેમાન રાજા હતો, ત્યારે યરોબઆમ તેનાથી ભાગીને મિસરમાં રહ્યો. એ દરમ્યિન નબાટના પુત્ર યરોબઆમના મિત્રોએ તેને સમાચાર મોકલ્યા કે સુલેમાન મૃત્યુ પામ્યો છે. તેથી તે મિસરમાંથી પાછો ફર્યોં. 3 કારણકે માણસ મોકલીને તેને ત્યાંથી તેડાવ્યો હતો.
યરોબઆમે તથા સર્વ ઇસ્રાએલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી કે, 4 “તમારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી; માટે હવે તું એ આકરી ગુલામીની ભારે ઝૂંસરી હળવી કર, એટલે અમે તારે તાબે રહીશું. અને અમારા રાજા તરીકે સ્વીકારીશું.”
5 રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા.
6 ત્યારબાદ રહાબઆમે તેના વડીલોની સલાહ લીધી, જેઓ તેના પિતા સુલેમાન, જીવતા હતાં ત્યારે તેની સાથે હતાં. તેણે પૂછયું, “આ લોકોને શું જવાબ આપવો તેની તમે મને શી સલાહ આપો છો?”
7 તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”
8 પરંતુ વડીલોએ આપેલી સલાહને તેણે ફગાવી દીધી અને પોતાની સાથે ઊછરેલા અને પોતાની તહેનાતમાં રોકાયેલા જુવાનીયાઓની સલાહ લીધી. 9 તેણે પૂછયું, “મિત્રો, અમારા લોકો પર જે ઝૂંસરી લાદેલી હતી તેને મારે હળવી કરવી એવી એ લોકોની વિનંતી છે, તેનો જવાબ આપવાની તમે મને શુ સલાહ આપો છો?”
10 જુવાનીયાઓએ કહ્યું, “તમે તે લોકોને એવો જવાબ આપો કે, ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી વધારે જાડી છે!’ 11 ‘મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને વધુ ભારે બનાવીશ, મારા પિતા તમને ચાબૂકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.’”
12 રાજા રહાબઆમનો નિર્ણય સાંભળવા માટે ત્રણ દિવસ પછી યરોબઆમ તથા લોકો તેની પાસે પાછા આવ્યા. 13 રાજાએ તેઓની સાથે ઊદ્ધતાઇથી વાત કરી, વૃદ્ધ મંત્રીઓની સલાહ તેણે નકારી કાઢી. 14 અને જુવાનીયાઓની સલાહ પર ધ્યાન આપ્યું. તેણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને હજી વધારે ભારે બનાવીશ. મારા પિતા તમને ચાબુકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.” 15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના અહિયા મારફતે નબાટના પુત્ર યરોબઆમે દેવ તરફથી જે ભવિષ્યકથન પ્રગટ કર્યું હતું તે પૂર્ણ કરવા દેવે તેમ થવા દીધું હતું.
16 રાજાનું કહ્યું સાંભળ્યા પછી ઇસ્રાએલી લોકોએ રાજા તરફ પીઠ ફેરવી અને ચાલ્યા ગયા. ગુસ્સે થઇને તેણે પોકાર કર્યો, “દાઉદ અને તેના કુટુંબને ભૂલી જાઓ! અમે અન્ય કોઇને અમારો રાજા બનાવીશું, રહાબઆમ ભલે યહૂદાના કુળ પર રાજ કરે, ચાલો આપણે ઘેર જઇએ!” પછી લોકો ચાલ્યા ગયા. 17 આમ, બધા ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા, અને રહાબઆમ યહૂદાના પ્રદેશમાં વસતા ઇસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતો હતો.
18 રાજા રહાબઆમે હદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો હદોરામ વેઠ મજૂરોનો ઉપરી હતો. પરંતુ ઇસ્રાએલીઓએ તેને મારી નાખ્યો. આથી રાજાને રથમા બેસીને યરૂશાલેમ ભાગી જવું પડ્યું. 19 આજ દિવસપર્યંત ઇસ્રાએલ પ્રજાએ દાઉદના વંશજોને પોતાના પર રાજ કરવા દીધું નથી.
યોહાન આ પુસ્તક વિષે કહે છે
1 આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. હવે ટૂંક સમયમાં શું બનવાનું છે, તે તેના સેવકોને દર્શાવવા દેવે ઈસુને તે અંગેની માહિતી આપી. ખ્રિસ્તે પોતાના સેવક યોહાનને આ વાતો બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો. 2 યોહાને જે કઈ જોયું હતું તે વિષે જણાવ્યું. ઈસુ ખ્રિસ્તે યોહાન સમક્ષ જે પ્રગટ કયુ તે સત્ય છે. તે તો દેવ તરફ સંદેશ છે. 3 જે વ્યક્તિ દેવ તરફથી મળેલ આ સંદેશના વચનો વાંચે છે, તેઓને ધન્ય છે. અને જે લોકો આ સંદેશ સાંભળે છે અને તેમાં લખેલું છે તે પ્રમાણે કરે છે તેઓને પણ ધન્ય છે. હવે વધુ સમય બાકી રહ્યો નથી.
યોહાન મંડળીઓ માટે ઈસુના સંદેશાઓ લખે છે
4 આસિયા[a] પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન:
જે (દેવ) છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે, તેઓના તરફથી; 5 અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે.
ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા; 6 ઈસુએ આપણને એક રાજ્ય તથા તેના પિતા દેવની સેવાને અર્થ યાજકો બનાવ્યા. ઈસુનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ પર્યંત હોજો! આમીન.
7 જુઓ, ઈસુ વાદળાંસહિત આવે છે! પ્રત્યેક વ્યક્તિ જેઓએ તેને વીધ્યો[b] છે તેઓ પણ તેને જોશે. પૃથ્વી પરની બધી જ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આ બનશે જ! આમીન.
8 પ્રભુ દેવ કહે છે કે, “હું આલ્ફા તથા ઓમેગા[c] છું, હું તે એક છું જે છે, જે હંમેશા હતો અને જે આવનાર છે, હું સવૅશક્તિમાન છું,”
9 હું યોહાન છું, અને હું ખ્રિસ્તમાં તમારો ભાઈ છું. આપણે ઈસુમા સાથે છીએ, રાજ્યમાં, વિપત્તિમાં તથા ધૈયૅમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે હું પાત્મસ[d] ટાપુ પર હતો કારણકે હું દેવના વચનમાં અને ઈસુના સત્યમાં વિશ્વાસ ધરાવતો હતો. 10 પ્રભુને દહાડે આત્માએ મને કાબુમાં રાખ્યો. મેં મારી પાછળ મોટી વાણી સાંભળી, તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. 11 તે વાણીએ કહ્યુ કે; “તેં જે બધું જોયુ છે તે પુસ્તકમાં લખ. અને તેને એફેસસમાં, સ્મુર્નામા, પર્ગામનમાં, થુવાતિરામાં, સાદિર્સમાં, ફિલાદેલ્ફિયામાં તથા લાવદિકિયામાં જે સાત મંડળીઓ છે તેઓને મોકલ.”
12 મારી સાથે કોણ વાત કરે છે તે જોવા માટે હું પાછો વળ્યો. જ્યારે હું પાછો કર્યો, ત્યારે મેં સોનાની સાત દીવીઓ જોઈ. 13 મેં દીવીઓની વચમાં “મનુષ્યપુત્ર જેવા” કોઈ એકને જોયો. તેણે એક લાંબો ઝભ્ભો પહેર્યો હતો, તેની છાતી પર સોનાનો પટો બાંધેલો હતો. 14 તેનું માથું અને તેના કેશ ધોળા ઊનના જેવા, બરફ જેવા શ્વેત હતા. તેની આંખો અગ્નિની જવાળાઓ જેવી હતી. 15 તેના પગ ભઠ્ઠીમાં શુધ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેનો અવાજ ઘુઘવતા ભરતીના પાણીના અણાજ જેવો હતો. 16 તેણે જમણા હાથમાં સાત તારાઓ પકડ્યા હતા. તેના મુખમાંથી બેધારી પાણીદાર તલવાર નીકળતી હતી જે સમયે સૂયૅ સૌથી વધારે તેજસ્વી હોય છે તેના જેવો પ્રકાશમાન દેખાતો હતો.
17 જ્યારે મેં તેને જોયો, હું તેનાં ચરણોમાં મૃતપ્રાય માણસની જેમ પડી ગયો. તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે; “ગભરાઈશ નહી! હું પ્રથમ અને છેલ્લો છું. 18 હું એક જે જીવંત છું. હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ જુઓ: હું અનંતકાળ જીવતો છું! અને મૃત્યુ તથા હાદેસ[e] ની ચાવીઓ હું રાખું છું. 19 તેથી તું જે ઘટનાઓ જુએ છે તે લખ. હમણા જે કંઈ ઘટનાઓ બને છે તે અને હવે પછી જે જે થશે તે સર્વ લખ. 20 મારા જમણા હાથમાં તેં જે સાત તારા અને સાત દીવાઓ જોયા, તેનું રહસ્ય આ છે: એ સાત તારા તે સાત મંડળીઓના દૂતો છે, અને સાત દીવાઓ તો સાત મંડળીઓ છે.
યહોવા તરફ વળવા માટે હાકલ
2 ઓ શરમ વગરના લોકો! તમે સાથે મળી ભેગા થાઓ. 2 ચુકાદાનો સમય આવે અને ઊડી જતાં ફોતરાની જેમ દિવસ પસાર થઇ જાય તે પહેલા તમને યહોવાનો રોષ સખત રીતે ઇજા પહોંચાડે તે પહેલા, યહોવાના રોષનો દિવસ તમને પકડી પાડે તે પહેલાં તમે એકત્ર જાઓ! 3 દેશના સર્વ નમ્ર લોકો યહોવાને શોધવાનો પ્રયત્ન કરે છે, તમારામાંથી જેઓ તેની આજ્ઞા પ્રમાણે કરે છે, જે સાચું હોય તે કરો, નમ્રતા પ્રાપ્ત કરવા મથો: તો કદાચ યહોવાના રોષને દિવસે તમને આશ્રય મળશે.
યહોવા ઇસ્રાએલના પડોશીઓને સજા કરશે
4 કારણ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઇ જશે. આશ્દોદના લોકોને ખરે બપોરે હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનનો ઉચ્છેદ કરવામાં આવશે. 5 સમુદ્રકાંઠે રહેનારા પલિસ્તીઓને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તમારી વિરૂદ્ધ છે; હું તમારો એવી રીતે નાશ કરીશ કે તમારામાંની એક પણ વ્યકિત તમારા દેશમાં રહેશે નહિ. 6 દરિયાકાંઠો ઢોર ચરાવવાનું ચરાણ બની જશે. ફકત ભરવાડના ઝૂંપડા અને ઘેટાઁબકરાઁ રાખવાની છાપરી જ રહેશે. 7 કાંઠાનો પ્રદેશ યહૂદાના રહ્યાંસહ્યાં લોકોના હાથમાં જશે. તે લોકો ત્યાં ઘેટાઁબકરાઁ ચરાવશે અને સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઇ જશે, કારણ, તેમના દેવ યહોવા ફરીથી તેમનું ભાગ્ય ફેરવી નાખનાર છે.
8 યહોવા કહે છે, “મોઆબે કરેલી નિંદા અને આમ્મોનીઓએ મારી પ્રજાના કરેલા અપમાન મેં સાંભળ્યાં છે. તથા તેની ભૂમિ તેઓએ પચાવી પાડવાની કોશિષ કરી છે. 9 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે મોઆબ અને આમ્મોનના હાલ સદોમ અને ગમોરાના જેવા થશે; એ સદાને માટે મીઠાની ખાણ અને ઝાંખરાવાળો ઉજ્જડ પ્રદેશ બની જશે, મારા અતિજીવીઓ તે ભૂમિનો કબજો લેશે અને તેમાથી લૂંટનો માલ લેશે.”
10 તેઓના અભિમાનનો બદલો તેઓને મળશે, કારણકે તેઓએ સૈન્યોનો દેવ યહોવાના લોકોનું અપમાન કર્યુ હતું અને તેઓ સામે ઉદ્ધતાઇ કરી હતી. 11 યહોવા તેમના માટે ડરામણા બની જશે. તે પૃથ્વીના બધા દેવોને હતા ન હતા કરી નાખશે, અને પછી જ દૂરના દરિયાકાંઠાના પ્રદેશના લોકો પોતપોતાના દેશમાં તેમની આરાધના કરશે. 12 એજ રીતે કૂશીઓ પણ તેમની તરવારથી માર્યા જશે. 13 તે ઉત્તરમાં પોતાનો બાહુ લંબાવી આશ્શૂરનો નાશ કરશે. નિનવેહને ઉજ્જડ અને રણ જેવું સૂકુંભઠ્ઠ બનાવી દેશે. 14 અને દરેક જાતનાં જંગલી પ્રાણીઓના ટોળાં ત્યાં વાસો કરશે. તેના થાંભલા પર વિસામો કરશે, તેમના અવાજો બારીમાંથી આવશે, વિનાશ દરવાજે આવી ગયો છે. દેવદારના થાંભલાઓ ઊઘાડા પડી ગયાં છે. 15 સમૃદ્ધ ગણાતું અને સુરક્ષિત નગર પોતાના માટે ગર્વથી કહેતું હતું, “મારા જેવું મહાનગર બીજું એક પણ નથી.” હવે તે નગરની સામે જુઓ, તે કેવું વેરાન થઇ ગયું છે! વળી તે પશુઓના રહેવાનું સ્થાન થઇ ગયું છે! તેની પાસે થઇને જનાર દરેક માણસ મશ્કરી કરશે, અને પોતાની મુઠ્ઠી હલાવશે.
ઈસુના પુનરુંત્થાનના સમાચાર
(માથ. 28:1-10; માર્ક 16:1-8; યોહ. 20:1-10)
24 વહેલી સવારે, અઠવાડિયાના પહેલા દિવસે, સ્ત્રીઓ કબર પાસે જ્યાં ઈસુનો દેહ મૂક્યો હતો ત્યાં આવી. તેઓ તેને માટે બનાવેલા સુગંધી દ્ધવ્યો લાવી હતી. 2 એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો. પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો. 3 તેઓ અંદર ગઇ, પણ તેઓએ પ્રભુ ઈસુનો દેહ જોયો નહિ. 4 સ્ત્રીઓ આ સમજી શકી નહિ જ્યારે તેઓ આ વિષે અચરજ પામતાં હતાં ત્યારે ચળકતાં લૂગડામાં બે માણસો (દૂતો) તેઓની બાજુમાં આવીને ઊભા. 5 તે સ્ત્રીઓ ઘણી ગભરાઇ ગઇ; તેઓએ તેમના મસ્તક નીચાં નમાવ્યા. તે બે માણસોએ સ્ત્રીઓને કહ્યું કે, “જે જીવંત વ્યક્તિ છે તેને તમે અહી શા માટે શોધો છો? આ જગ્યા તો મરેલા લોકો માટે છે. 6 ઈસુ અહી નથી. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે! તમને યાદ છે જ્યારે તે ગાલીલમાં હતો ત્યારે શું કહ્યું હતું? 7 ઈસુએ કહ્યું હતું કે માણસનો દીકરો દુષ્ટ માણસોને સોંપાય, વધસ્તંભ પર જડાય અને મારી નંખાય તથા ત્રીજા દિવસે પાછો ઊઠે એ અવશ્યનું છે.” 8 પછી સ્ત્રીઓને ઈસુએ જે કહ્યું હતું તે યાદ આવ્યું.
9 સ્ત્રીઓ કબર આગળથી પાછી આવી અને અગિયાર શિષ્યો તથા બીજા શિષ્યો પાસે ગઇ. સ્ત્રીઓએ કબરમાં જે કંઈ શયું હતું તે બધું તેઓને કહ્યું. 10 આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યોહાન્ના યાકૂબની મા મરિયમ તથા કેટલીએક બીજી સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓએ પ્રેરિતોને જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. 11 પરંતુ સ્ત્રીઓએ જે કહ્યું તે પ્રેરિતોએ માન્યું નહિ. એ વાતો મૂર્ખાઇ ભરેલી લાગી. 12 પણ પિતર ઊભો થયો. જો આ સાચું હોય તો તે જોવા માટે કબરે એકલો દોડ્યો. તેણે અંદર જોયું. પણ તેણે ઈસુને જેમાં વીંટાળ્યો હતો તે લૂગડાં જ માત્ર જોયાં. ત્યાં ફક્ત લૂગડાં જ પડેલા હતાં. ઈસુ નહતો. પિતરે જે થયું હતું તે સંબધી આશ્ચર્ય પામીને એકાંત માટે દૂર ચાલ્યો ગયો.
ઈસુ એમ્મોસના માર્ગે
(માર્ક 16:12-13)
13 તે જ દિવસે શિષ્યોમાંથી બે એમ્મોસ નામના શહેરમાં જતા હતા. તે યરૂશાલેમથી લગભગ સાત માઇલ દૂર હતું. 14 તેઓ બધા સાથે જે કંઈ બનાવો બન્યા હતા તે અંગે વાતો કરતા હતા. 15 જ્યારે તેઓ આ બાબતમાં ભેગા થઈ વાતો કરતા હતા અને ચર્ચા કરતા હતા ત્યારે ઈસુ પોતે તેઓની નજીક આવીને તેઓની સાથે ચાલ્યો. 16 (પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.) 17 પછી ઈસુએ કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શાની ચર્ચા કરો છો?”
તે બે માણસો ઊભા રહ્યા. તેઓના ચહેરા ઘણા ઉદાસ દેખાતા હતા. 18 કલિયોપાસ નામના એકે ઉત્તર આપ્યો કે, “યરૂશાલેમમાં ફક્ત તું જ એકલો એવો માણસ હશે જે છેલ્લા થોડા દિવસો પહેલાં ત્યાં શું થયું છે તે તું જાણતો નથી.”
19 ઈસુએ તેઓને કહ્યું કે, “કયા બનાવો?”
પેલા માણસોએ તેને કહ્યું કે, “તે ઈસુ વિષે જે નાસરેથનો છે. દેવ અને બધા લોકો માટે તે એક મહાન પ્રબોધક હતો. તેણે કહ્યા પ્રમાણે પરાક્રમમાં મહાન ચમત્કારો કર્યા. 20 પણ અમારા અધિકારીઓ અને મુખ્ય યાજકોએ મરણદંડ માટે તેને દૂર મોકલી દીધો. તેઓએ ઈસુને વધસ્તંભે ખીલાઓ વડે જડ્યો. 21 અમને આશા હતી કે તે એક ઈસ્ત્રાએલનો ઉદ્ધાર કરનાર થશે. પણ પછી આ બધું બન્યું. અને હવે બીજું કંઈક.
“આ બનાવો બન્યાને આજે ત્રીજો દિવસ છે. 22 પણ આજે અમારામાંની કેટલીએક સ્ત્રીઓએ અમને આશ્ચર્યજનક વાત કરી. આ વહેલી સવારે સ્ત્રીઓ કબર પાસે ગઇ જ્યાં ઈસુના દેહને મૂકવામાં આવ્યો હતો. 23 પણ તેઓએ ત્યાં તેનું શરીર દીઠું નહિ. તેઓએ આવીને અમને કહ્યું કે તેઓએ બે દૂતના પણ દર્શન કર્યા. દૂતોએ કહ્યું કે, ‘ઈસુ જીવંત છે!’ 24 તેથી અમારા કેટલાએક જૂથ પણ કબર પાસે ગયા. ત્યાં સ્ત્રીઓએ કહ્યું તેવું જ હતું-કબર ખાલી હતી. અમે જોયું, પણ અમે ઈસુને જોયો નહિ.”
25 પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ. 26 પ્રબોધકોએ કહ્યું હતું કે ખ્રિસ્તે તેના મહિમામાં પ્રવેશતા પહેલા આ બધું સહેવું પડશે.” 27 પછી ઈસુએ બધું સમજાવવાની શરુંઆત કરી. જે તેના સંબંધી ધર્મલેખોમાં લખાયેલું હતું. ઈસુએ મૂસાના પુસ્તકોથી શરુંઆત કરી અને પછી પ્રબોધકોએ તેના વિષે શું કહ્યું હતું તેની વાત કરી.
28 તેઓ એમ્મોસના શહેરની નજીક આવ્યા અને ઈસુએ ત્યાં રોકાઇ જવાની કોઈ યોજના ના હોય તેમ આગળ જવાનું ચાલું રાખ્યું. 29 પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા. તેઓએ તેને આગ્રહ કર્યો, “અમારી સાથે રહે.” મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે. તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો.
30 ઈસુ તેઓની સાથે નીચે જમવા બેઠો અને થોડી રોટલી લીધી અને તેણે ભોજન માટે સ્તુતિ કરી અને તેના ભાગ પાડ્યા. પછી તે તેઓને આપ્યા. 31 તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો. 32 બંને માણસોએ એકબીજાને કહ્યું કે, “જ્યારે ઈસુ રસ્તા પર આપણી સાથે વાત કરતો હતો ત્યારે આપણા હ્રદયમાં આગ સળગતી હતી. જ્યારે તે ધર્મલેખોના અર્થ સમજાવતો તે ઉત્સાહદાયક હતું.”
33 પછી તે બંને માણસો ઊભા થયા અને યરૂશાલેમ પાછા ફર્યા. યરૂશાલેમમાં તેઓએ ઈસુના શિષ્યોને ભેગા થયેલા જોયા. અગિયાર પ્રેરિતો અને પેલા લોકો જે તેઓની સાથે હતા. 34 તેઓએ કહ્યું કે, “પ્રભુ, ખરેખર મૃત્યુમાંથી ઊઠ્યો છે! તેણે પોતે સિમોનને દર્શન આપ્યા છે.”
35 પછી તે બે માણસોએ રસ્તા પર જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. જ્યારે ઈસુએ રોટલીના ટુકડા કર્યા ત્યારે તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો તે વિષે પણ વાત કરી.
શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)
36 જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.”
37 શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓ ગભરાઇ ગયા. તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા. 38 પણ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ગભરાઓ છો? તમે જે જુઓ છો તેમાં શંકા શા માટે કરો છો? 39 મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.”
40 ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં. 41 શિષ્યો આનંદથી આશ્ચર્યમાં પડી ગયા હતા. ઈસુ જીવતો હતો તે જોઈને તેઓ ખૂબ ખૂબ પ્રસન્ન થયા. હજુ તેઓએ જે જોયું તે માનવા તેઓ તૈયાર નહોતા. ઈસુએ તેઓને કહ્યું કે, “અહી તમારી પાસે કંઈ ખાવાનું છે?” 42 તેઓએ તેને એક રાંધેલી માછલીનો ટુકડો આપ્યો. 43 જ્યારે શિષ્યો જોતા હતા ત્યારે ઈસુએ માછલી લીધી અને તે ખાધી.
44 ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.”
45 ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી. 46 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “તે લખેલું છે કે ખ્રિસ્તને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે તે મૃત્યુમાંથી ઊઠશે. 47-48 તમે આ બધું થતા જોયું-તમે સાક્ષી છો. તમારે લોકોને જઇને કહેવું જોઈએ કે તેઓના પાપો માફ થઈ શકશે. તેઓને કહો કે તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને તેઓનાં પાપો માટે દિલગીર થવું જોઈએ. જો તેઓ આમ કરશે, તો દેવ તેઓને માફ કરશે. તમારે યરૂશાલેમથી શરુંઆત કરવી જોઈએ અને મારા નામે આ બાબતનો ઉપદેશ આપવો જોઈએ. આ સુવાર્તા દુનિયાના બધા લોકોને કહેવી જોઈએ. 49 ધ્યાનથી સાંભળો! મારા બાપે તમને જે વચન આપેલ છે તે હું તમને મોકલીશ. પણ જ્યાં સુધી તમે આકાશથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી તમારે યરૂશાલેમમાં રહેવું જોઈએ.”
ઈસુનું સ્વર્ગારોહણ
(માર્ક 16:19-20; પ્રે.કૃ. 1:9-11)
50 ઈસુ તેના શિષ્યોને યરૂશાલેમની બહાર લગભગ બેથનિયા લઈ ગયો. ઈસુએ તેના હાથ ઊંચા કર્યા અને તેના શિષ્યોને આશીર્વાદ આપ્યા. 51 જ્યારે ઈસુ તેઓને આશીર્વાદ આપતો હતો ત્યારે તેઓથી તે છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. 52 શિષ્યોએ તેનું ભજન કર્યુ. તેઓ યરૂશાલેમમાં પાછા ફર્યા. તેઓ ખૂબ પૂર્ણ આનંદિત હતા. 53 તેઓ બધો જ સમય દેવની સ્તુતિ કરતાં, મંદિરમાં રહ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International