Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 22-23

યહૂદાના અહાઝયાનું શાસન

22 ત્યારબાદ યરૂશાલેમનાં લોકોએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાને તેના પછી રાજા બનાવ્યો, કારણ, આરબો સાથે જે ધાડપાડુઓએ છાવણી ઉપર હુમલો કર્યો હતો, તેમણે એના બીજા બધા મોટા પુત્રોને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો પુત્ર અહાઝયા યહૂદાનો રાજા થયો. તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 42 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ્ય કર્યુ. તેણે એ જ કામ કર્યા જે આહાબના કુટુંબીઓએ કર્યા હતા. કારણકે તેની માતા તેને દુષ્ટ સલાહ આપતી હતી. તેથી તે પણ આહાબના કુટુંબને પગલે ચાલ્યો, અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ, કારણકે આહાબના કુટુંબીઓ જ એના પિતાના અવસાન પછી એને સલાહ આપતા હતા જેને પરિણામે તે પાયમાલ થયો. તેઓની ભૂંડી સલાહ માનીને અહાઝયાએ ઇસ્રાએલના રાજા, યહોરામ સાથે મિત્રતા બાંધી, યહોરામ આહાબનો પુત્ર હતો. અરામના રાજા હઝાએલ સામે તેણે યુદ્ધ જાહેર કર્યુ હતું. અહાઝયા પણ પોતાનું સૈન્ય લઇને આ યુદ્ધમાં સામેલ થવા રામોથ-ગિલયાદ ગયો. યહોરામ આ યુદ્ધમાં ઘાયલ થયો. અને તે રામોથ આગળ અરામના રાજા હઝાએલ સાથે લડતાં પડેલાં ઘામાંથી સાજો થવા માટે પાછો ઇસ્રાએલ ચાલ્યો ગયો, એ ઘવાયેલો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝ્એલ ગયો.

યહોરામને મળવા જવા યહોવાએ અહાઝયાએ પ્રેર્યો હતો, જેથી તેનો વિનાશ થાય. એ મુલાકાત દરમ્યાન તે યહોરામની સાથે જઇને નિમ્શીના પુત્ર યેહૂને પડકાર્યો, યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા માટે યહોવાએ નિમિર્ત કર્યો હતો. યેહૂ એ કામમાં રોકાયેલો હતો તેવામાં તેને યહૂદાના અમલદારોનો અને અહાઝયાની સેવામાં રહેતાં તેનાં કુટુંબીઓનો ભેટો થઇ ગયો, અને તેણે તેમને મારી નાખ્યાં અને પછી તે અહાઝયાની શોધમાં ગયો. અહાઝયા સમરૂનમાં સંતાઇ ગયો હતો. ત્યાંથી તેને પકડીને યેહૂ પાસે લઇ આવ્યા અને તેને ત્યાં મારી નાખ્યો, તેમણે તેને દફનાવ્યો ખરો, કારણકે, તેમણે કહ્યું કે, “એ યહોવાના સાચા ભકત યહોશાફાટનો વંશજ છે.” પછી અહાઝયાનુ કુટુંબ કોઇ રાજ કરવા જેટલું બળવાન રહ્યું નહિ.

રાણી અથાલ્યા

10 જ્યારે અથાલ્યાએ પોતાના પુત્ર અહાઝયાના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારે તેણીએ યહૂદાના સમગ્ર રાજકુટુંબનો નાશ કર્યો. 11 ત્યારે રાજકુંવરી યહોશાબ સાથે અહાઝયાના પુત્ર યોઆશને અને તેની આયાને લઇ જઇ શયનખંડમાં પૂરી દીધા. યહોશાબ સાથે રાજા યોરામની પુત્રી અને યાજક યહોયાદાની પત્ની હતી. તેણી અહાઝયાની બહેન પણ થતી હતી. અથાલ્યા યોઆશને મારી ન શકી કારણકે યહોશાબ સાથે તેને સંતાડી દીધો હતો. 12 તે છ વરસ સુધી યાજકોની સાથે યહોવાના મંદિરમાં છુપાઇ રહ્યો. તે સમય દરમિયાન અથાલ્યા દેશ ઉપર રાજ્ય કરતી હતી.

યાજક યહોયાદા અને રાજા યોઆશ

23 અથાલ્યા રાણીના શાસનકાળના સાતમા વર્ષે યહોયાદાએ હિંમતવાન બનીને યહોરામના પુત્ર અઝાર્યાને, યહોહાનાન પુત્ર ઇશ્માએલને, ઓબેદનો પુત્ર અઝાર્યાને, અદાયાના પુત્ર માઅસેયાને, તથા ઝિખ્રીના પુત્ર અલીશાફાટને, અને બીજાઓને બોલાવડાવી તેમની સાથે કોલકરાર કર્યા. તેઓએ સમગ્ર યહૂદામાં ફરીને યહૂદાના બધાં નગરોમાં લેવીઓને તેમજ ઇસ્રાએલી કુટુંબોના વડીલ આગેવાનોને યરૂશાલેમમાં એકઠા કર્યા. અને એ સમગ્ર સમૂહે દેવનાં મંદિરમાં રાજા સાથે કરાર કર્યો.

યહોયાદાએ તેમને કહ્યું, “રાજાનો કુંવર શાસન કરશે. દાઉદના વંશજો જ રાજા થશે, એવું યહોવાએ વચન આપ્યું હતું તે મુજબ જ થશે. તમારે બધાએ આ પ્રમાણે કરવાનું છે: તમારી ત્રણ ટૂકડી છે. તેમાંથી યાજકો અને લેવીઓની જેજે ટૂકડીઓ વિશ્રામવારે ફરજ પર રહેવાનું છે, તેણે દરવાજાની ચોકી કરવી; બીજી ટૂકડીએ રાજમહેલની ચોકી કરવી, અને ત્રીજી ટૂકડીએ પાયાના દરવાજાની ચોકી કરવી અને બધા લોકોએ યહોવાના મંદિરના પ્રાંગણમાં રહેવું. પરંતુ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓના સિવાયના કોઇએ યહોવાના મંદિરમાં પ્રવેશ કરવો નહિ; ફકત તેમણે જ અંદર જવું, કારણકે તેઓ પવિત્ર છે; પરંતુ સર્વ લોકોએ યહોવાના નિયમોનો અમલ કરવો. લેવીઓએ પોતાની તરવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ગોઠવાઇ તેનું રક્ષણ કરવું. જે કોઇ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવો. રાજા જ્યાં જાય ત્યાં તેમણે તેની સાથે રહેવું.”

મુખ્ય યાજક યહોયાદાની આજ્ઞાનું લેવીઓએ તથા સર્વ યહૂદાવાસીઓએ અક્ષરશ: પાલન કર્યુ. યાજક યહોયાદાએ સમૂહમાંથી કોઇને પણ છોડ્યા નહિ. તેથી દરેક આગેવાન તેના માણસો સાથે આવ્યાં, તે બન્ને પ્રકારના માણસો જેઓ વિશ્રામવારને દિવસે અંદર આવ્યા, અને જેઓ વિશ્રામવારને દિવસે બહાર ગયા. પછી યાજક યહોયાદાએ રથાધિપતિઓને રાજા દાઉદે યહોવાના મંદિરમાં આપેલાં ભાલા અને નાની-મોટી ઢાલો વહેંચી આપ્યાં; 10 અને એ લોકોના હાથમાં હથિયાર સાથે મંદિરની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા. 11 ત્યારબાદ યહોયાદા રાજકુંવરને લઇ આવ્યો અને તેના માથા ઉપર રાજમુગટ પહેરાવ્યો. પછી તેણે તેના હાથમાં નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી તેને રાજા જાહેર કર્યો. ત્યારબાદ, યહોયાદા અને તેના પુત્રો દ્વારા તેનો રાજ્યાભિષેક કરાયા બાદ તેઓએ રાજા ઘણું જીવો ના પોકારો કર્યા.

12 જ્યારે અથાલ્યા રાણીએ, લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિના પોકારો સાંભળ્યા ત્યારે શું બની રહ્યું છે તે જોવા માટે તે મંદિરમાં દોડી આવી. 13 ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”

14 યાજક યહોયાદાએ સેનાનાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લશ્કરની વચ્ચે લઇ જાઓ અને જે કોઇ એની સાથે આવે તેની હત્યા કરો.” પછી યાજકે ચેતવણી આપતાં કહ્યું, “યહોવાના મંદિરમાં એનો વધ કરવાનો નથી.” 15 તેથી તેઓ તેને પકડીને રાજમહેલ સુધી લઇ ગયા અને ત્યાં “ઘોડા-દરવાજાના” પ્રવેશ દ્વાર પાસે તેનો વધ કર્યો.

16 તે પછી યહોયાદાએ ગંભીર કરાર કર્યો કે, તે પોતે રાજા અને લોકો યહોવાના જ બનીને રહેશે. 17 અને પછી બધા લોકોએ બઆલને મંદિરે જઇ તેને તોડી નાખ્યું; તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખી અને યાજક મત્તાનને વેદીઓની સામે જ મારી નાખ્યો.

18 ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા. 19 પછી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઇ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.

20 ત્યારબાદ રક્ષકદળના નાયકોને, આગળપડતા પુરુષોને, અમલદારોને તથા દેશના બધા લોકોને સાથે લઇને રાજાને મંદિરની બહાર લઇ જવામાં આવ્યો અને પછી યહોવાનાં મંદિરના “ઉપલા દરવાજાથી” રાજમહેલમાં લઇ ગયાને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો. 21 દેશનાં સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા હતા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઇ હતી કારણકે રાણી અથાલ્યા મૃત્યુ પામી હતી.

પ્રકટીકરણ 10

દૂત અને નાનું ઓળિયું

10 પછી મેં બીજા એક શક્તિશાળી દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથાં પર મેઘધનુષ્ય હતું. તે દૂતનું મોં સૂર્યના જેવું હતું. અને તેના પગો અગ્નિના સ્તંભો જેવા હતા. દૂતે એક નાનું ઓળિયું રાખ્યું હતું. તે ઓળિયું તેના હાથમાં ખુલ્લું હતું. તે દૂતે તેનો જમણો પગ દરિયા પર અને તેનો ડાબો પગ ભૂમિ પર મૂક્યો; તે દૂતે મોટા સાદે સિંહની ગર્જનાની જેમ પોકાર કર્યો; દૂતના પોકાર પછી સાત ગજૅના બોલી.

તે સાત ગજૅના જે બોલી તે લખવાનું મેં શરું કર્યું, પણ પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “તે સાત ગજૅનાએ જે કહ્યું તે લખીશ નહિ. તે વસ્તુઓ ને ગુપ્ત રાખ.”

પછી મે જે દૂતને જોયો તેણે સમુદ્ર પર અને જમીન પર ઊભા રહીને તેનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો. તે જે સદાસવૅકાળ જીવંત છે તેના અધિકારથી તે દૂતે પ્રતિજ્ઞા કરી. તે દેવ એક છે જેણે પૃથ્વી અને પૃથ્વી પર જે બધું છે તે અને આકાશ તથા તેમાં જે કંઈ છે તે, સમુદ્રો, તથા તેમાં જે બધું છે તેનું સર્જન કર્યું. તે દૂતે કહ્યું કે, “હવે વધારે વિલંબ થશે નહિ! તે દિવસોમાં જ્યારે તે સાતમો દૂત તેનુ રણશિંગડું વગાડવા માંડશે, ત્યારે દેવની ગુપ્ત યોજના પૂર્ણ થશે. આ યોજના એક તે સુવાર્તા છે જે દેવે તેના સેવકો એટલે પ્રબોધકોને કહી હતી.”

પછી મેં ફરીથી આકાશમાંથી તે જ વાણી સાંભળી. તે વાણીએ મને કહ્યું કે, “જા અને દૂતના હાથમાંથી જે ખુલ્લું ઓળિયું છે તે લે. આ તે દૂત છે જે સમુદ્ર પર તથા જમીન પર ઊભેલો છે.”

તેથી હું તે દૂત પાસે ગયો અને મને તે નાનું ઓળિયું આપવા કહ્યું. તે દૂતે મને કહ્યું કે, “આ ઓળિયું લે અને તેને ખા. તે તારા પેટમાં કડવું બનશે પણ તે તારા મોંમાં મધ જેવું મીઠું લાગશે.” 10 તેથી મેં તે નાનું ઓળિયું દૂતના હાથમાંથી લીધું. મેં તે ઓળિયું ખાધું. મુખમાં તેનો સ્વાદ મધ જેવો મીઠો લાગ્યો પણ મારા ખાધા પછી તે મારા પેટમાં કડવું લાગ્યું. 11 પછી મને કહેવામા આવ્યું હતું કે, “તારે ફરીથી ઘણી જાતિના લોકો, ઘણાં દેશો, ભાષાઓ અને રાજાઓ વિષે પ્રબોધ કરવો જોઈએ.”

ઝખાર્યા 6

ચાર રથોનું દર્શન

પછી મેં ફરીથી નજર ઊંચે કરીને જોયું, તો ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા. એ પર્વતો કાંસાના હતા. પહેલા રથના ઘોડા રાતા હતા, બીજાના કાળા હતા, ત્રીજાના સફેદ હતા અને ચોથાના ટપકાં ટપકાંવાળા હતા. પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “અને આ શું છે મુરબ્બી?”

તે દેવદૂતે મને જવાબ આપ્યો, “આ ચાર રથો સમગ્ર પૃથ્વીના યહોવા સમક્ષ ઊભા રહે છે. આ ચારે સ્વર્ગના દિવ્ય વાયુઓ છે. કાળા ઘોડાથી ખેંચેલો રથ ઉત્તર તરફ જશે, સફેદ ઘોડાથી ખેંચેલો રથ તેમની પાછળ જશે. અને ટપકાંવાળા ઘોડાથી ખેંચેલો રથ દક્ષિણમાં જશે.”

પૃથ્વી પર સર્વત્ર ફરવા માટે લાલ ઘોડા અધીરા થઇ રહ્યાં હતા, તેથી યહોવાએ કહ્યું, “જાઓ, પૃથ્વીમાં સર્વત્ર ફરો.” આથી તેઓ એકદમ ત્યાં જવાને નીકળ્યાં.

અને યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, “જેઓ ઉત્તરમાં ગયા છે તેઓએ ત્યાં મારા ન્યાય ચુકાદાનો અમલ કર્યો છે, અને મારા ગુસ્સાને શાંત પાડ્યો છે.”

યાજક યહોશુઆને મુગટ મળે છે

મેં યહોવાનો સંદેશો સાંભળ્યો જે નીચે પ્રમાણે છે; 10 “બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા. 11 અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે. 12 અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે.

‘આ રહ્યો એ માણસ જેનું નામ “શાખા” છે.
    અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે
    અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.
13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીર્તિ પામશે,
    પોતાના રાજ્યાસન પર બેસશે
અને રાજવી અધિકારથી અમલ ચલાવશે.
    તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે
અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.’

14 પછી એ મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા અને સફાન્યાના પુત્ર હેનની યાદગીરી તરીકે યહોવાના મંદિરમાં રહેશે.”

15 દૂરદૂરથી માણસો આવીને યહોવાનું મંદિર બાંધવામાં મદદ કરશે, અને ત્યારે તમને ખાતરી થશે કે સૈન્યોનો દેવ યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કરશો તો આ બધું સાચું પડશે.

યોહાન 9

જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે

ઈસુ જ્યારે ચાલતો હતો ત્યારે, તેણે એક આંધળા માણસને જોયો. આ માણસ જન્મથી આંધળો હતો. ઈસુના શિષ્યોએ પૂછયું, “રાબ્બી, આ માણસ જન્મથી જ આંધળો છે. પરંતુ કોના પાપથી તે આંધળો જનમ્યો? તેના પોતાના પાપે, કે તેના માબાપના પાપે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય. જ્યારે હજુ પણ દિવસનો સમય છે, ત્યારે જેણે મને મોકલ્યો છે તેનાં કામ કરવાં જોઈએ. જ્યારે રાત હોય છે ત્યારે રાત્રે કોઈ માણસ કામ કરી શકતો નથી. જ્યારે હું જગતમાં છું, હું જગતનો પ્રકાશ છું.”

ઈસુએ આમ કહ્યાં પછી, ઈસુ ધૂળ પર થૂંકયો તે સાથે થોડો કાદવ બનાવ્યો. ઈસુએ તે માણસની આંખો પર કાદવ મૂક્યો. ઈસુએ તે માણસને કહ્યું, “જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ.” (શિલોઆહ અર્થાત “મોકલેલા.”) તેથી તે માણસ કુંડ તરફ ગયો. તે આંખો ધોઈને પાછો આવ્યો. હવે તે જોઈ શકતો હતો.

કેટલાક માણસોએ આ માણસને પહેલા ભીખ માગતો જોયો હતો. આ લોકોએ અને તે માણસના પડોશીઓએ કહ્યું, “જુઓ! આ એ જ માણસ છે જે હંમેશા બેસીને ભીખ માગતો હતો.”

કેટલાક લોકોએ કહ્યું, “હા! તે એ જ માણસ છે,”

પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે એ જ માણસ નથી. તે ફક્ત તેના જેવો દેખાય છે.” તેથી તે માણસે પોતે કહ્યું કે, “હું એ જ માણસ છું જે પહેલાં આંધળો હતો.”

10 લોકોએ પૂછયું, “શું બન્યું? તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”

11 તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો. તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો. પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું, તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો.”

12 લોકોએ તે માણસને પૂછયું, “આ માણસ (ઈસુ) ક્યાં છે?”

તે માણસે ઉત્તર આપ્યો, “હું જાણતો નથી.”

ઈસુએ સાજા કરેલા માણસને યહૂદિઓ પ્રશ્ન પૂછે છે

13 પછી લોકો તે માણસને ફરોશીઓ પાસે લાવ્યા જે આંધળો હતો. 14 ઈસુએ કાદવ બનાવીને તે માણસની આંખો સાજી કરી. જે દિવસે ઈસુએ આ કર્યું તે વિશ્રામવાર હતો. 15 તેથી હવે ફરોશીઓએ તે માણસને પૂછયું, “તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”

તે માણસે ઉત્તર આપ્યો, “તેણે મારી આંખો પર કાદવ મૂક્યો. મેં આંખો ધોઈ, અને હવે હું જોઈ શકું છું.”

16 કેટલાક ફરોશીઓએ કહ્યું, “આ માણસ (ઈસુ) વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી. તેથી તે દેવ પાસેથી આવ્યો નથી.”

બીજાઓએ કહ્યું, “પરંતુ એક માણસ કે જે પાપી છે તે આવા ચમત્કારો કરી શકે નહિ.” આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહિ.

17 યહૂદિ અધિકારીઓએ તે માણસને ફરીથી પૂછયું, “આ માણસે (ઈસુ) તને સાજો કર્યો, અને તું જોઈ શકે છે. તું એના વિષે શું કહે છે?”

તે માણસે ઉત્તર આપ્યો, “તે એક પ્રબોધક છે.”

18 યહૂદિઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે આ માણસ સાથે આ બન્યું છે. તે તેઓ માનવા તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો અને હવે તે સાજો થયો છે. પણ પાછળથી તેઓએ તે માણસના માતા-પિતાને તેડાવ્યા. 19 તે યહૂદિઓએ તેના માતા-પિતાને પૂછયું, “શું આ તમારો દીકરો છે? તમે કહો કે તે આંધળો જનમ્યો હતો. તો હવે એ શી રીતે દેખતો થયો છે?”

20 માતાપિતાએ ઉત્તર આપ્યો, “અમે જાણીએ છીએ કે આ માણસ અમારો દીકરો છે અને અમે જાણીએ છીએ કે તે આંધળો જનમ્યો હતો. 21 પણ અમે જાણતા નથી કે હવે તે શી રીતે જોઈ શકે છે. અમે જાણતાં નથી તેની આંખો કોણે સાજી કરી. તેને પૂછો, એ પુખ્ત ઉમરનો છે અને તે તેની જાત માટે બોલશે.” 22 તેના મા બાપે આ કહ્યું, કારણ કે તેઓ યહૂદિ અધિકારીઓથી ડરતા હતા. માટે તેઓએ એમ કહ્યું, કારણ કે યહૂદિઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23 તેના કારણે તેના મા બાપે કહ્યું હતું કે તે પુખ્ત ઉંમરનો છે. તેને પોતાને પૂછો.

24 તેથી યહૂદિ અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો, તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા કહ્યું, યહૂદિ અધિકારીઓએ કહ્યું, “તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે આ માણસ (ઈસુ) એક પાપી છે.”

25 તે માણસે ઉત્તર આપ્યો, “જો તે પાપી હોય તો હું જાણતો નથી. હું એક વાત જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું જોઈ શકું છું.”

26 યહૂદિ અધિકારીઓએ પૂછયું, “તેણે (ઈસુએ) તને શું કહ્યું? તેણે તારી આંખો કેવી રીતે સાજી કરી?”

27 માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”

28 યહૂદિ અધિકારીઓ ગુસ્સે થયા અને તે માણસની નિંદા કરીને પછી તેઓએ કહ્યું, “તું તે માણસ (ઈસુ) નો શિષ્ય છે. અમે મૂસાના શિષ્યો છીએ. 29 અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ પણ જાણતા નથી કે એ માણસ (ઈસુ) કયાંથી આવે છે!”

30 તે માણસે ઉત્તર આપ્યો, “આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે. છતાં તેણે મારી આંખો સાજી કરી છે. 31 આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય. 32 જ્યારથી દુનિયાનો આરંભ થયો ત્યાર પછીનો આ એક પ્રથમ પ્રસંગ છે કે કોઈ વ્યક્તિએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો હોય. 33 આ માણસ (ઈસુ) દેવથી હોવા જોઈએ, જો તે દેવથી ના હોત તો તે આવું કશું કરી શકત નહિ.”

34 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “તું તો ભરપૂર પાપોમાં જનમ્યો છે! શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે?” અને યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો.

આત્મિક અંધાપો

35 ઈસુએ સાંભળ્યું કે યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો છે. ઈસુએ તે માણસને શોધ્યો અને કહ્યું, “શું તું માણસના દીકરામાં વિશ્વાસ કરે છે?”

36 તે માણસે પૂછયું, “સાહેબ, માણસનો દીકરો કોણ છે? મને કહે, તેથી હું તેના પર વિશ્વાસ મૂકી શકું!”

37 ઈસુએ તેને કહ્યું, “તેં તેને હમણા જ જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે માણસનો દીકરો છે.”

38 તે માણસે ઉત્તર આપ્યો, “હા પ્રભુ! મને વિશ્વાસ છે,” પછી તે માણસે નમન કરીને ઈસુનું ભજન કર્યુ.

39 ઈસુએ કહ્યું, “હું આ જગતમાં આવ્યો છું, જેથી કરીને જગતનો ન્યાય થઈ શકે. હું આવ્યો છું જેથી આંધળા લોકો જોઈ શકે અને હું આવ્યો છું, જેથી કરીને લોકો ધારે છે કે તેઓ જોઈ શકે છે તેઓ આંધળા થાય.”

40 કેટલાક ફરોશીઓ ઈસુની નજીક હતા. તેઓએ ઈસુને આ કહેતા સાંભળ્યો. તેઓએ પૂછયું, “શું? તું એમ કહે છે કે અમે પણ આંધળા છીએ?”

41 ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર આંધળા હોત તો તમને પાપનો દોષ ન લાગત, પણ તમે કહો છો કે તમે જુઓ છો તેથી તમે દોષિત છો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International