M’Cheyne Bible Reading Plan
પ્રબોધક મીખાયાની ચેતવણી
18 યહૂદાના રાજા યહોશાફાટે પુષ્કળ સંપત્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેણે તેના પુત્રનું સગપણ ઇસ્રાએલના રાજા આહાબની પુત્રી સાથે કર્યુ. 2 થોડાં વરસો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબ તેને અને તેના રસાલાને માટે મોટી સંખ્યામાં બકરીઓ અને બળદનું બલિદાન આપ્યું અને તેને રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવા ભોળવ્યો. 3 આહાબે યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ-ગિલયાદ આવશો?” યહોશાફાટે કહ્યું, “આપણે બે કાઇં જુદા નથી. મારા સૈનિકો એ તમારા જ સૈનિકો છે. આપણે સાથે મળીને આપણી લડાઇ લડીશું.” 4 પણ પહેલાં યહોવાને પશ્ર્ન કરો કે, “તમારી શી ઇચ્છા છે તે કૃપા કરીને કહો.”
5 તેથી ઇસ્રાએલના રાજાએ આશરે 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા, અને તેમને પૂછયું, “અમારે રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવો કે, રોકાઇ જવું?”
તેમણે કહ્યું, “હુમલો કરો. દેવ તેને તમારા હાથમાં સોંપી દેશે.”
6 યહોશાફાટે પૂછયું, “અહીં યહોવાનો બીજો કોઇ પ્રબોધક નથી, જેને આપણે પ્રશ્ર્ન કરી શકીએ?”
7 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “બીજો એક છે જેની મારફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ, પણ મને તેનો તિરસ્કાર છે, કારણ, તે કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી, હંમેશા માઠું ભવિષ્ય જ ભાખે છે, તે તો યિમ્લાનો પુત્ર મીખાયા છે.”
યહોશાફાટ બોલી ઉઠયો, “નામદાર, એવું ન બોલશો.”
8 આથી ઇસ્રાએલના રાજાએ એક અમલદારને બોલાવીને કહ્યું, “મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.”
9 ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા બાદશાહી પોશાક પહેરીને સમરૂનના દરવાજાની આગળ બે સિંહાસન પર બેઠેલા હતા. બધા પ્રબોધકો પોત પોતાનો સંદેશો, એક મોટી ખુલ્લી જગ્યામાં તેમની સામે આપી રહ્યાં હતા. 10 એમાંનો એક સિદકિયા કે જે કનાઅનાહનો પુત્ર હતો જેણે પોતાના માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બોલ્યો, “આ, યહોવાનાં વચનો છે; આવાં શિંગડાઓ વડે આપ અરામીઓને મારીને પૂરા કરી નાખશો.” 11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો છે કે, “રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીને વિજયી થા; કારણકે યહોવા તે તારા હાથમાં સોંપી દેશે.”
12 મીખાયાને તેડવા મોકલેલ માણસોએ મીખાયાને કહ્યું, “ખ્યાલ રાખજો કે બધા પ્રબોધકોએ એક અવાજે રાજાને માટે સારું ભવિષ્ય ભાખ્યું છે. તમે પણ તેમના જેવું જ ભવિષ્ય ભાખજો અને વિજયની આગાહી કરજો.”
13 પણ મીખાયાએ કહ્યું, “યહોવાના સોગંદ, હું તો મારા દેવ જે કહેશે તે જ ભાખીશ.”
14 મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?”
મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. એ તમારા હાથમાં આવશે.”
15 પરંતુ રાજાએ કહ્યું, “યહોવાને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવાં?”
16 એટલે મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને ભરવાડ વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વેરવિખેર થઇ ગયેલા જોયા છે, અને મેં યહોવાને બોલતા સાંભળ્યાં છે કે, ‘એ લોકોનો કોઇ ધણીધોરી નથી. તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જતા.’”
17 આ સાંભળીને ઇસ્રાએલના રાજા આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો જ નથી. માઠું જ ભવિષ્ય ભાખે છે.”
18 મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો; મેં યહોવાને તેના સિંહાસન ઉપર બિરાજેલા જોયા છે, તેને ડાબે અને જમણે હાથે બધા દેવદૂતો તેની તહેનાતમાં ઊભા હતા. 19 યહોવાએ કહ્યું કે, ‘કોણ ઇસ્રાએલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલયાદ લઇ જાય કે, ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાએ તેમ કહ્યું. 20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઊભા રહ્યીને કહ્યું કે, ‘હું તેને ફોસલાવીશ’- યહોવાએ તેને પૂછયું કે, ‘શી રીતે?’ 21 તેણે કહ્યું, ‘હું જઇને તેના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ યહોવા બોલ્યા, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થશે. જા અને એ પ્રમાણે કર.’
22 “તેથી આપ જોઇ શકો છો કે, યહોવાએ આપના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવી છે. કારણ, તેણે આપને માથે આફત ઉતારવાનું નક્કી કર્યુ છે.”
23 ત્યારે કનાનનો પુત્ર સિદકિયા મીખાયા પાસે ગયો અને તેના ગાલ પર તમાચો મારીને બોલ્યો, “તું જૂઠો છે, યહોવાનો આત્મા મને તજીને તારામાં ક્યારે આવ્યો?”
24 મીખાયાએ જવાબ આપ્યો, “એ તો તું જે દિવસે ભાગી જઇને અંદરના ખંડમાં છુપાઇ જશે ત્યારે તને ખબર પડશે.”
25 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને પકડો. અને તેને આમોન શહેરના પ્રશાસક અને રાજકુંવર યોઆશને સોંપી દો, અને કહો, 26 ‘રાજાનો એવો હુકમ છે કે, આને કેદમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી જીવતો રહે એટલા જ રોટલા ને પાણી સિવાય કશું આપશો નહિ.’”
27 મીખાયાએ જણાવ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો યહોવા મારા દ્વારા બોલ્યા નથી એમ માનજે.” પછી આસપાસ ઊભા રહેલા લોકો તરફ ફરીને તેણે કહ્યું, “મેં જે કહ્યું તેની નોંધ લો.”
રામોથ-ગિલયાદ પર આદાબનું મૃત્યુ
28 પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સૈન્યો સાથે રામોથ-ગિલયાદ ઉપર ચઢાઇ કરવા ગયો. 29 ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “યુદ્ધમાં જતી વખતે હું વેશપલટો કરીશ પણ તમે તમારો બાદશાહી પોશાક પહેરી રાખજો.” આમ ઇસ્રાએલના રાજાએ વેશપલટો કર્યો અને યુદ્ધમાં ગયો.
30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવો હુકમ આપ્યો હતો કે, “તમારે ઇસ્રાએલના રાજા સિવાય બીજા ગમે તેના ઉપર હુમલો કરવો નહિ.” 31 રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં. 32 રથાધિપતિઓએ જોયું કે, એ તો ઇસ્રાએલનો રાજા નથી, ત્યારે તેને પકડવાની કોશિષ મૂકી દીધી.
33 પરંતુ એક યોદ્ધાએ અમસ્તુ જ બાણ છોડ્યું અને તેણે ઇસ્રાએલના રાજાને બખતરના સાંધા આગળથી વીંધી નાખ્યો. આહાબે પોતાના સારથીને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઇ જા. હું ઘવાયો છું.”
34 તે દિવસે યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું. સાંજ થતાં સુધી આહાબ, અરામીઓ તરફ મોં રાખીને રથમાં ટટ્ટાર બેઠો હતો. પછી તે મરી ગયો.
ઈસ્રાએલના 1,44,000 લોકો મુદ્રિત
7 આ બન્યા પછી મેં ચાર દૂતોને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. તે દૂતોએ પૃથ્વી પર કે સમુદ્ર પર કે કોઈ વૃક્ષ પર પવન ન વાય માટે ચાર વાયુઓને અટકાવી રાખ્યા હતા. 2 પછી મેં બીજા એક દૂતને પૂર્વમાંથી આવતા જોયો. તે દૂત પાસે જીવતા દેવની મુંદ્રા હતી. તે દૂતે મોટા સાદે બીજા ચાર દૂતોને બોલાવ્યા. આ તે ચાર દૂતો હતા જેમને દેવે પૃથ્વી અને સમુદ્રને ઉપદ્ધવ કરવાની સત્તા આપી હતી. તે દૂતે ચાર દૂતોને કહ્યું કે, 3 “જ્યાં સુધી આપણા દેવના સેવકોને અમે મુદ્રિત ન કરી રહીએ. ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને નુકસાન કરશો નહી. આપણે તેઓના કપાળ પર મુદ્રા અંકિત કરવાની છે.”
4 કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી; ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 1,44,000 મુદ્રિત થયા.
5 યહુદાના કુળમાંથી | 12,000 |
રુંબેનના કુળમાંથી | 12,000 |
ગાદના કુળમાંથી | 12,000 |
6 આશેરના કુળમાંના | 12,000 |
નફતાલીના કુળમાંથી | 12,000 |
મનાશ્શાના કુળમાંથી | 12,000 |
7 શિમયોનના કુળમાંથી | 12,000 |
લેવીનાં કુળમાંથી | 12,000 |
ઇસ્સાખારના કુળમાંથી | 12,000 |
8 ઝબુલોનના કુળમાંથી | 12,000 |
યૂસફના કુળમાંથી | 12,000 |
અને બિન્યામીનના કુળમાથી | 12,000 |
9 પછી મેં જોયું, તો ત્યાં ઘણા, ઘણા લોકો હતા. ત્યાં એટલા બઘા લોકો હતા કે કોઈ વ્યક્તિ તે બધાને ગણી શકે નહિ. તેઓ પૃથ્વી પરના સર્વ દેશોમાંથી લોકોની જાતિમાંથી અને ભાષાના હતા આ લોકો રાજ્યાસન તથા હલવાનની આગળ ઊભા હતા. તે બધાએ શ્વેત ઝભ્ભા પહેર્યા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. 10 તેઓએ મોટે સાદે પોકાર કર્યો કે, “આપણો દેવ જે રાજ્યાસન પર બેસે છે, તેનો અને હલવાનનો વિજય થાઓ.”
11 ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા. બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા, તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી. 12 તેઓએ કહ્યું કે, “આમીન! અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સાર્મથ્ય સદાસર્વકાળ હો. આમીન!”
13 પછી વડીલોમાંના એકે મને પૂછયું કે, “આ શ્વેત ઝભ્ભાવાળા લોકો કોણ છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”
14 મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”
અને તે વડીલે કહ્યું કે, “જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે. 15 તે માટે આ લોકો દેવના રાજ્યાસન આગળ છે. તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે. 16 તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ. 17 રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે. તે તેઓને જીવનજળનાં ઝરંણાંઓ પાસે દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંનાં બધાજ આંસુ લૂછી નાખશે.”
પ્રમુખ યાજકના અભિષેકનું દર્શન
3 ત્યારબાદ દેવદૂતે મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દેવદૂત પાસે ઊભેલો બતાવ્યો, અને તેની જમણી બાજુએ તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાન ઊભો હતો. 2 યહોવાના દેવદૂતે શેતાનને કહ્યું, “યહોવા તને ઠપકો આપો, ઓ શેતાન! યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ઠપકો આપો! આ માણસ અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણાઁ જેવો નથી?”
3 યહોશુઆ ગંદા વસ્ત્રો પહેરીને દેવદૂત પાસે ઊભો હતો. 4 દેવદૂતે પોતાની આગળ ઊભેલા માણસોને કહ્યું, “એના અંગ પરથી ગંદા વસ્ત્રો ઉતારી નાખો.” અને તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અપરાધો હરી લીધા છે અને હું તને ઊજળાં વસ્ત્રો પહેરાવીશ.”
5 પછી દેવદૂતે તહેનાતમાં ઊભેલાઓને કહ્યું, “તેને માથે સુંદર સ્વચ્છ પાઘડી મૂકો.” તેથી તેમણે તેને ઊજળાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને માથે સુંદર પાઘડી મૂકી, ને આ વખતે યહોવાનો દેવદૂત પાસે ઊભો હતો. 6 ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું કે,
7 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે:
“જો તું મારા માર્ગ પર ચાલશે
અને મારી આજ્ઞા માથે ચડાવશે,
તો તું મારા મંદિરનો
તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે
અને જેઓ મારી આગળ ઊભા છે,
તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે.
8 હે પ્રમુખ યાજક યહોશુઆ,
તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ,
તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો.
જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું.
તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત
આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ.
આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”
10 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“તે દિવસે તમારામાંનો એકેએક
જણ પોતાની દ્રાક્ષની વાડી
અને અંજીરના ઝાડ નીચે
પોતાના પડોશી સાથે સુખશાંતિમાં રહેશે.”
ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)
6 એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). 2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. 3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. 4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” 6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, 9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.
ઈસુ પાણી પર ચાલે છે
(માથ. 14:22-27; માર્ક 6:45-52)
16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.
લોકો ઈસુને શોધે છે
22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી. 23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી. 24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.
ઈસુ, જીવનની રોટલી
25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા. 27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”
28 લોકોએ ઈસુને પૂછયું, “દેવ આપણી પાસે કેવાં કામો કરાવવા માટે ઈચ્છે છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે કામ ઈચ્છે છે તે આ છે: દેવે જેને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરો.”
30 તેથી તે લોકોએ પૂછયું, “તું દેવે મોકલેલો છે તે સાબિત કરવા તું કેવા ચમત્કારો કરીશ? જ્યારે અમે તને ચમત્કાર કરતાં જોઈશું પછી વિશ્વાસ કરીશું. તું શું કરીશ? 31 અમારા (પૂર્વજો) એ રણમાં આપેલ માન્ના ખાધું. આ શાસ્ત્રમાં લખેલું છે. ‘દેવે તેઓને આકાશમાંથી રોટલી ખાવા માટે આપી.’”
32 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, મૂસાએ તમારા લોકોને આકાશમાંથી રોટલી આપી ન હતી. પરંતુ મારા પિતા તમને આકાશમાંથી સાચી રોટલી આપે છે. 33 દેવની રોટલી શું છે? આકાશમાંથી જે રોટલી નીચે આવે છે તે દેવની છે, અને તે જગતને જીવન આપે છે.”
34 તે લોકોએ કહ્યું, “પ્રભુ, આ રોટલી અમને સદા આપો.”
35 પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ. 36 મે તમને અગાઉ કહ્યું છે કે તમે મને જોયો છે અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. 37 મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા જ મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ. 38 દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી. 39 દેવે મને જે કઈ આપ્યું છે તેમાંથી કશું ગુમાવીશ નહિ. પણ છેલ્લા દિવસે તે લોકોને હું પાછા ઉઠાડીશ. જેણે મને મોકલ્યો છે અને મારી પાસે જે કઈ કરાવવાની ઈચ્છા છે તે આ છે. 40 વ્યક્તિ જે દીકરાને જુએ છે, અને તેનામાં વિશ્વાસ મૂકે છે. તેને અનંતજીવન મળે છે. હું તે વ્યક્તિને છેલ્લા દિવસે ઉઠાડીશ. એ મારા પિતાની ઈચ્છા છે.”
41 યહૂદિઓએ ઈસુ વિષે ફરિયાદો શરું કરી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે, “હું આકાશમાંથી નીચે ઉતરેલી રોટલી છું.” 42 યહૂદિઓએ કહ્યું, “આ ઈસુ છે. અમે તેના માતાપિતાને ઓળખીએ છે. ઈસુ, યૂસફનો દીકરો છે. તે કેવી રીતે કહી શકે કે, ‘હું આકાશમાંથી નીચે આવ્યો છું’?”
43 પણ ઈસુએ કહ્યું, “તમે માંહોમાંહે ફરિયાદો કરવાનું બંધ કરો. 44 તે પિતા એ જ મને મોકલ્યો છે. અને તે જ પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી. 45 પ્રબોધકોનાં પુસ્તકોમાં આ લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે. 46 હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.
47 “હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે. 48 હું રોટલી છું જે જીવન આપે છે. 49 તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. 50 હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ. 51 હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”
52 પછી યહૂદિઓ અંદરો અંદર દલીલો કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “આ માણસ આપણને તેનું શરીર ખાવા માટે કેવી રીતે આપી શકે?”
53 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમારે માણસના દીકરાનું શરીર ખાવું જોઈએ અને તેનું લોહી પીવું જોઈએ. જો તમે આ નહિ કરો, તો પછી તમારામાં સાચું જીવન હશે નહિ. 54 જે વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંતજીવન છે. છેલ્લે દિવસે હું તે વ્યક્તિને ફરીથી ઊઠાડીશ. 55 મારું શરીર સાચું ભોજન છે. મારું લોહી ખરેખર પીવાનું છે. 56 જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું.
57 “પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જ જીવશે. 58 આપણા પૂર્વજોએ રણમાં જે રોટલી ખાધી તેના જેવી રોટલી હું નથી. તેઓએ તે રોટલી ખાધી, પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરી આવી છે. જે વ્યક્તિ આ રોટલી ખાય છે તે અનંતજીવન જીવશે.”
59 આ બધી બાબતો કફર-નહૂમના શહેરના સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે કહી.
ઘણા શિષ્યોએ ઈસુને છોડી દીધા
60 ઈસુના શિષ્યોએ આ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. આ ઉપદેશ કોણ સ્વીકારી શકે?”
61 ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો આ વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં આ ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે? 62 તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે? 63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. 64 તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી જ આ વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.) 65 ઈસુએ કહ્યું, “આ કારણે જ મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.’”
66 આ બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.
67 ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”
68 સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે. 69 અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું જ છે.”
70 પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.” 71 ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International