Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 30

હિઝિક્યા પાસ્ખાપર્વ ઉજવે છે

30 એ પછી હિઝિક્યાએ સમગ્ર ઇસ્રાએલના અને યહૂદાના લોકોને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા અને તેમને ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા યરૂશાલેમમાં યહોવાના મંદિરમાં આવવા જણાવ્યું. રાજા, તેના અધિકારીઓ અને યરૂશાલેમના લોકોએ નિર્ણય કર્યો કે વર્ષના બીજા મહિનામાં, પાસ્ખાપર્વ ઉજવવો. પરંતુ પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા, અને યરૂશાલેમમાં ઘણા લોકો નહોતા, તેથી તેઓ પ્રથમ મહિનામાં સમયસર પાસ્ખા પર્વ ઉજવી ન શક્યા. આ કરાર રાજાને તેમજ સમગ્ર સભાને સ્વીકાર્ય હતો. આથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેર-શેબા સુધી સમગ્ર ઇસ્રાએલમાં એવો ઢંઢેરો કરાવવો કે, બધા લોકોએ ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા માટે યરૂશાલેમ આવવું, કારણ, બહુ ઓછા માણસોએ નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ મુજબ ઉજવ્યું હતું. રાજાના અને તેના અમલદારોના પત્રો લઇને કાસદો સમગ્ર ઇસ્રાએલમાં અને યહૂદામાં પહોંચી ગયા. રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું કે,

“હે ઇસ્રાએલ પુત્રો, તમો ઇબ્રાહિમ, ઇસહાક અને ઇસ્રાએલના દેવ યહોવા પ્રત્યે પાછા વળો, જેથી આશ્શૂરના રાજાઓના પંજામાંથી તમારામાંના જે બચી ગયા છે, તેમના પ્રત્યે યહોવા પાછો વળે. તમારા પૂર્વજોએ- વડીલો અને દેશબંધુઓ જેવા થશો નહિ; એમણે તો પોતાના પિતૃઓના દેવ યહોવાનો દ્રોહ કર્યો હતો અને યહોવાએ તેમને વિનાશના મોંમા સોંપી દીધા હતા તે તમે જોયું છે; હવે તમે અમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. યહોવાને તાબે થાઓ. સદાને માટે એણે જેને પવિત્ર કર્યું છે તે પરમપવિત્રસ્થાનમાં આવો, તમારા દેવ યહોવાની સેવા કરો, જેથી તેનો રોષ તમારા ઉપરથી ઊતરી જાય. જો તમે સાચા દિલથી યહોવા તરફ પાછા વળશો તો, તમારા દેશબંધુઓ અને તમારા પુત્રો ઉપર તેમને બાન પકડનારાઓ દયા કરશે અને તેઓ પાછા આ ભૂમિમાં આવી શકશે, કારણ, તમારો દેવ યહોવા કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા વળશો તો, એ તમારાથી વિમુખ નહિ રહે.”

10 સંદેશવાહકો એફ્રાઇમ અને મનાશ્શા અને ઠેઠ ઝબુલોન સુધી ગામેગામ ફરી વળ્યા, પણ લોકોએ તેમની હાંસી ઉડાવી અને હસી કાઢયા. 11 જો કે આશેર મનાશ્શા અને ઝબુલોનમાં થોડા માણસો સમજી ગયા અને તેઓ યરૂશાલેમમાં આવ્યા. 12 પણ દેવે યહૂદાના લોકોને એવી પ્રેરણા કરી કે રાજાએ અને તેના અમલદારોએ યહોવાની આજ્ઞાથી જે ફરમાવ્યું હતું તે એક મતે તેમણે માથે ચઢાવ્યું.

13 બેખમીર રોટલીનું પર્વ મે માસમાં કરવા માટે મોટો લોકસમુદાય યરૂશાલેમમાં એકત્ર થયો. 14 તેઓએ યરૂશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળામાં નાખી દીધી. 15 લોકોએ બીજા મહિનાના ચૌદમાં દિવસે પાસ્ખાનાં હલવાન વધ કર્યા. યાજકો અને લેવીઓ શરમીંદા થઇ ગયા હતા અને તેઓએ પોતાને પવિત્ર કર્યા અને યહોવાનાં મંદિરમાં દહનાર્પણો કર્યા. 16 પછી તેઓ, મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી રકત લઇને વેદી પર છાંટયું. 17 જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ વિધિપૂર્વક દેહશુદ્ધિ કરી નહોતી, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે એમ નહોતા. આથી તેમના વતી યહોવા માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખાના બલિ ચઢાવવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.

18 ખરું જોતાં, એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણાંખરાં માણસોએ દેહશુદ્ધિ કરી નહોતી, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝિક્યાએ તેમને માટે પ્રાર્થના કરી કે, 19 “કૃપાળુ યહોવા જે કોઇ પોતાના પિતૃઓના દેવ યહોવાની અંત:કરણથી ઉપાસના કરે છે તેના દોષ માફ કરો- પછી ભલે તેણે વિધિપૂર્વક દેહશુદ્ધિ ન કરી હોય.” 20 યહોવાએ હિઝિક્યાની પ્રાર્થના સાંભળી અને લોકોને કશી ઇજા ન કરી. 21 આ રીતે ઇસ્રાએલી લોકોએ યરૂશાલેમમાં સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઉજવણી કરી. તે દરમ્યાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ કરતા હતા. 22 હિઝિક્યા રાજાએ લેવીઓને દેવળમાં ઉત્તમ સેવા આપવા બદલ અત્યંત પ્રશંસા કરી. આમ સાત દિવસ સુધી ઉજવણી ચાલુ રાખી, અને શાંત્યર્પણોના બલિદાન અર્પવામાં આવ્યાં અને લોકોએ તેઓના પિતૃઓના દેવ યહોવાનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી.

23 ત્યારબાદ સમગ્ર સંઘ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઉજવવા માટે સંમત થયો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો. 24 કારણકે, યહૂદાના રાજા હિઝિક્યાએ સંઘ તરફથી ધરાવવા માટે 1,000 બળદો અને 7,000 ઘેંટા પૂરા પાડ્યા હતા, અને તેના અમલદારોએ એ ઉપરાંત બીજા 1,000 બળદો અને 10,000 ઘેંટા આપ્યા હતા અને યાજકોએ મોટી સંખ્યામાં દેહશુદ્ધિ કરી હતી. 25 એ યાજકો અને લેવીઓ સહિત યહૂદાના સમગ્ર સંઘે તેમજ ઇસ્રાએલથી આવેલા સમગ્ર સંઘે તથા જે વિદેશીઓ ઇસ્રાએલથી આવ્યા હતા તેમજ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ માણ્યો. 26 યરૂશાલેમમાં પણ ભવ્ય આનંદ ઉત્સવ ઉજવાયો. જે ઇસ્રાએલના રાજા સુલેમાનના સમય પછી કદી થયો જાણ્યો નથી. 27 ત્યારબાદ યાજકો અને લેવીઓએ ઊભા થઇ આશીર્વાદ આપ્યા, તેમનો અવાજ દેવના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં પહોંચ્યો અને દેવે તેમની પ્રાર્થના સ્વીકારી.

પ્રકટીકરણ 16

દેવના કોપથી સાત પ્યાલા ભરાયા

16 પછી મેં મંદિરમાથી મોટા સાદે વાણી સાંભળી. તે વાણીએ સાત દૂતોને કહ્યું, કે “જાઓ અને દેવના પૂર્ણ કોપથી ભરેલા સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો.”

પ્રથમ દૂતે જગ્યા છોડી. તેણે તેનું પ્યાલું જમીન પર રેડી દીધું. પછી બધા લોકો જેઓના પર પ્રાણીની છાપ હતી અને જેઓએ તેની મૂર્તિની પૂજા કરી તેઓને પીડાકારક અને ત્રાસદાયક ગુમડાં થયાં.

બીજા દૂતે તેનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું. પછી તે સમુદ્ર મૃત્યુ પામેલા એક માણસના લોહીના જેવો થઈ ગયો. સમુદ્રમાંના દરેક જીવંત પ્રાણી મૃત્યુ પામ્યાં.

તે ત્રીજા દૂતે તેનું પ્યાલું નદીઓ તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું. તે નદીઓ અને તે ઝરાઓ લોહી થઈ ગયા. પછી મેં પાણીના દૂતને દેવને એમ કહેતા સાંભળ્યો કે:

“તું તે એક છે, જે છે, અને હંમેશા હતો.
તું પવિત્ર છે,
તું જે ન્યાય કરે છે તે યોગ્ય છે.
તે લોકોએ તારા સંતોનું, અને તારા પ્રબોધકોનું, લોહી વહેવડાવ્યું છે.
હવે તેં પેલા લોકોને લોહી પીવા આપ્યું છે.
    તેઓ એ માટે લાયક છે.”

અને મેં વેદીને એમ કહેતાં સાભળી કે:

“હા, પ્રભુ દેવ, સર્વશક્તિમાન,
    તારા ન્યાયના ચૂકાદા સત્ય તથા યથાર્થ છે.”

તે ચોથા દૂતે તેનું પ્યાલું સૂર્ય પર રેડી દીધું. તે સૂર્ય ને અગ્નિથી લોકોને બાળી નાખવાની શક્તિ આપવામા આવી. તે લોકો અતિશય ગરમીથી દાઝી ગયા હતા. તે લોકોએ દેવના નામની નિંદા કરી. જે દેવનો આ વિપત્તિઓ પર કાબુ છે. પરંતુ તે લોકોએ પસ્તાવો કર્યો નહિ તથા દેવને મહિમા આપ્યો નહિ.

10 તે પાંચમા દૂતે તેનું પ્યાલું પ્રાણીના રાજ્યાસન પર રેડી દીધું. અને પ્રાણીના રાજ્યમાં અંધકાર છવાઈ ગયો. લોકોએ વેદનાને કારણે તેઓની જીભ કરડી. 11 લોકોએ પોતાના દુ:ખોના અને પોતાને પડેલા ઘા ને કારણે આકાશના દેવની નિંદા કરી. પણ તે લોકોએ પસ્તાવો કરવાની તથા તેઓએ પોતે કરેલાં ખરાબ કામોમાંથી પાછા ફરવાની ના પાડી.

12 તે છઠ્ઠા દૂતે તેનું પ્યાલું મહાન નદી યુફ્રેટિસ પર રેડી દીધું. નદીમાં પાણી સુકાઈ ગયું. આથી પૂર્વના રાજાઓ માટે આવવાનો માર્ગ તૈયાર થયો. 13 પછી મેં ત્રણ અશુદ્ધ આત્માઓ જે દેડકાઓ જેવા દેખાતા હતા તે જોયાં. તેઓ અજગરના મુખમાથી, તે પ્રાણીના મુખમાંથી, અને ખોટા પ્રબોધકના મુખમાથી બહાર આવ્યા. 14 (આ અશુદ્ધ આત્માઓ શેતાનના આત્માઓ તરફથી છે. તેઓ પાસે ચમત્કારો કરવાની શક્તિ છે. આ દુષ્ટ આત્માઓ આખી દુનિયાના રાજાઓ પાસે જવા નીકળ્યા. જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઇને માટે રાજાઓ ને ભેગા કરવા બહાર નીકળ્યા.)

15 “ધ્યાનથી સાંભળ! અચાનક એક ચોર આવે છે, તેવી રીતે હું આવું છું. તે વ્યક્તિને ધન્ય છે જે તેનાં વસ્ત્રો તેની પાસે રાખે છે અને જાગૃત રહે છે. જેથી તેને વસ્ત્રો વિના બહાર જવું ન પડે. અને લોકો એવું તો નહિ જુએ કે જે જોવાથી તેમને શરમાવું પડે.”

16 પછી તે અશુદ્ધ આત્માઓએ રાજાઓને એક જગ્યાએ ભેગા કર્યા. જે હિબ્રૂ ભાષામાં હર-મગિદોન કહેવાય છે.

17 પછી સાતમા દૂતે રાજગાદી પરથી મંદિરની બહાર તેનું પ્યાલું હવામા રેડી દીધું. રાજ્યાસનમાંથી મંદિરની બહાર એક મોટા સાદે વાણી બહાર આવી. તે વાણીએ કહ્યું કે; “તે પૂર્ણ થયું છે!” 18 પછી ત્યાં વીજળીની જવાળાઓ, ગર્જનાઓ, ઘોંઘાટો સાથે એક મોટો ધરતીકંપ થયો. આવો મોટો ધરતીકંપ કદી પણ થયો હતો. પૃથ્વી પર જ્યારથી લોકો ઉત્પન્ન થયા, ત્યારથી આજ સુધી આવું બન્યું ન હતું. 19 તે મહાન શહેર ત્રણ ભાગમા વહેંચાઇ ગયું. રાષ્ટ્રોનાં તે શહેરનો નાશ થયો હતો. અને દેવ મહાન બાબિલોનને શિક્ષા કરવાનું ભૂલ્યા નહિ. તે શહેરને તેના ભયંકર કોપના દ્રાક્ષારસનું ભરેલું પ્યાલું આપ્યું. 20 દરેક ટાપુ અદૃશ્ય થઈ ગયા. અને ત્યાં કોઈ પર્વત રહયો ન હતો. 21 રાક્ષસી કરા આકાશમાંથી લોકો પર પડ્યા. આ કરા લગભગ 100 પૌંડના વજનના હતા. લોકોએ આ કરાની મુસીબતોને કારણે દેવની નિંદા કરી; કેમ કે આ મુસીબત ભયંકર હતી.

ઝખાર્યા 12:1-13

શત્રુઓનો વિનાશ-યરૂશાલેમનો ઉદ્ધાર

12 ઇસ્રાએલને લગતી દેવ વાણી, આકાશને ફેલાવનાર અને પૃથ્વીને સ્થિર કરનાર તથા માણસની અંદર જીવ પૂરનાર યહોવાના આ વચન છે: “હું યરૂશાલેમને પડોશી પ્રજાઓ માટે કેફી પ્યાલા જેવો બનાવીશ કે જે નગર પર હુમલો કરશે, તેઓ પણ યહૂદિયા પર હુમલો કરશે. તેઓ યહૂદિયાને પણ ઘેરો ઘાલશે. તે દિવસે હું યરૂશાલેમને બધી પ્રજાઓ માટે ભારે શિલારૂપ બનાવી દઇશ. જે કોઇ તેને ઉપાડવા જશે તે ભયંકર રીતે ઘવાશે. પૃથ્વી ઉપરની બધી પ્રજાઓ ભેગી થઇને તેનો સામનો કરશે. તે દિવસ તેની સામે થનાર સૈન્યોને હું મૂંઝવી નાખીશ અને તેઓને મૂર્ખા બનાવીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી નજર રાખીશ. પણ તેના દુશ્મનોને આંધળા કરી નાખીશ. અને યહૂદિયાના કુળના સરદારો લોકોને પ્રોત્સાહન આપશે તેઓ કહેશે, ‘સૈન્યોનો યહોવા તમારા દેવ છે જેણે આપણને પ્રબળ કર્યા છે.’ તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને વનમાં આગ લગાડનાર ચિંગારી સમાન અને ઘાસની ગંજીને આગ ચાંપનાર મશાલ સમાન બનાવીશ. તે જમણી અને ડાબી બાજુના પડોશી દેશોને બાળી નાખશે પણ યરૂશાલેમ અડગ રહેશે.”

યહોવા, પહેલાં યહૂદિયાના ગામોને વિજયી બનાવશે, તે બતાવવા કે દાઉદનું કુળ અને યરૂશાલેમ યહૂદિયાના બીજા લોકો કરતા ચડિયાતા નથી. તે દિવસે હું યરૂશાલેમના વતનીઓનું રક્ષણ કરીશ, જેથી તેઓમાંનો નબળામાં નબળો માણસ પણ દાઉદ જેવો બળવાન બની જશે. અને દાઉદના કુટુંબો દેવની જેમ, યહોવાના દૂતની જેમ તેમની આગળ હશે.

“તે દિવસે હું યરૂશાલેમની સામે ચઢી આવનાર બધી પ્રજાઓનો નાશ કરનાર છું. 10 પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે. 11 અને મગિદોનની ખીણમાં હદાદરિમ્મોનના વિચારના જેવા ભારે વિચાર તે દિવસે યરૂશાલેમમાં થશે. 12 દેશનાં સર્વ કુળો એકબીજાથી જુદા પડી જશે અને શોક કરશે. દાઉદના વંશજોના પુરુષો અલગ શોક પાળશે, અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; નાથાનના વંશજોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે. 13 લેવીના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; શિમઇના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે; અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; 14 અને બાકીના બધા કુટુંબોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે.”

13 તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.

યોહાન 15

ઈસુ એક દ્રાક્ષાવેલો છે

15 ઈસુએ કહ્યું, “હું ખરો દ્રાક્ષાવેલો છું; મારો પિતા માળી છે. તે ફળ નહિ ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે. અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ આવે તે માટે શુદ્ધ કરે છે. મેં તમને જે વચનો કહ્યાં છે તેનાથી તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં છો અને હું તમારામાં રહીશ. કોઈ ડાળી એકલી ફળ આપી શકે નહિ. તે દ્રાક્ષાવેલામાં હોવી જોઈએ. તમારું મારી સાથે તેવું જ છે. તમે એકલા ફળ આપી શકો નહિ. તમારે મારામાં રહેવું જોઈએ.

“હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો. જો કોઈ વ્યક્તિ મારામાં સતત રહે છે. તો હું તે વ્યક્તિમાં રહું છું પછી તે વ્યક્તિ વધારે ફળ આપે છે. પણ મારા વિના તે વ્યક્તિ કઈ જ કરી શક્તી નથી. જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે. મારામાં રહો, અને મારાં વચનમાં રહો. જો તમે તેને અનુસરવાનું ચાલુ રાખશો તો તમે તમારી જરૂરી કોઈ પણ વસ્તુ માગી શકશો. અને તે તમને આપવામાં આવશે. તમારે વધારે ફળ આપવાં જોઈએ અને બતાવવું જોઈએ કે તમે મારા શિષ્યો છો. આનાથી મારા પિતાને મહિમા પ્રાપ્ત થાય છે.

“જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો. 10 મેં મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે અને હું તેના પ્રેમમાં રહ્યો છું તે જ રીતે જો તમે મારી આજ્ઞાનું પાલન કરો છો તો તમે મારા પ્રેમમાં રહેશો. 11 મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય. 12 મારી તમને આ આજ્ઞા છે કે મેં તમને પ્રેમ કર્યો છે તેવો પ્રેમ તમે એકબીજાને કરો. 13 પોતાના મિત્રને માટે જીવ આપીને જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ પ્રેમ બતાવી શકે છે. 14 હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો. 15 હવેથી હું તમને સેવકો કહીશ નહિ કારણ કે સેવક કદી જાણતો નથી કે તેનો માલિક શું કરે છે પણ હવે હું તમને મિત્રો કહું છું કારણ કે મેં મારા પિતા પાસે સાંભળેલું બધું જ તમને કહ્યું છે.

16 “તમે મને પસંદ કર્યો નથી; મેં તમને પસંદ કર્યા છે. અને મેં તમને ત્યાં જઈને ફળ આપવાનું કામ સોંપ્યું છે. હું ઈચ્છું છું કે આ ફળ તમારા જીવનમાં ચાલુ રહે. પછી તમે મારા નામે જે કંઈ માગશો તે પિતા તમને આપશે. 17 આ મારી આજ્ઞા છે: તમે એકબીજાને પ્રેમ કરો.

ઈસુ તેના શિષ્યોને ચેતવણી આપે છે

18 “જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે. 19 જો તમે જગતના હોત તો જગત તમારા પર પોતાના લોકોની જેમ પ્રેમ રાખત, પણ મે તમને જગતની બહારથી પસંદ કર્યા છે. તેથી તમે જગતના નથી. તેથી જગત તમને ધિક્કારે છે.

20 “મેં તમને કહેલો પાઠ યાદ કરો: સેવક તેના માલિકથી મોટો નથી. જો લોકોએ મારું ખોટું કર્યુ હશે તો પછી તેઓ તમારું પણ ખોટું કરશે. અને જો લોકો મારા વચનનું પાલન કરશે તો પછી તેઓ તમારી આજ્ઞાનું પણ પાલન કરશે. 21 લોકો મારા કારણે આ બધું તમારી સાથે કરશે. તેઓ જેણે મને મોકલ્યો છે તેને ઓળખતા નથી. 22 જો મેં જગતના લોકોને આવીને કહ્યું ના હોત, તો પછી તેઓ પાપના દોષિત થાત નહિ. પણ હવે મેં તેમને કહ્યું છે. તેથી તેઓનાં પાપ માટે હવે તેઓની પાસે બહાનું નથી.

23 “જે વ્યક્તિ મને ધિક્કારે છે તે મારા પિતાને પણ ધિક્કારે છે. 24 તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે. 25 પણ આ બન્યું તેથી તેઓના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું પુરવાર થશે; ‘તેઓએ મારો વિનાકારણે દ્વેષ રાખ્યો છે.’

26 “હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ. તે સંબોધક સત્યનો આત્મા છે જે પિતા પાસેથી આવે છે. જ્યારે તે આવે છે, ત્યારે તે મારા વિષે કહેશે. 27 અને તમે પણ લોકોને મારા વિષે કહેશો, કારણ કે તમે શરુંઆતથી જ મારી સાથે રહ્યા છો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International