Old/New Testament
યહોવાનું અભયદાન
43 પણ હવે, હે યાકૂબ તારો સર્જનહાર અને ઇસ્રાએલના ઘડવૈયા યહોવા તને કહે છે, “ડરીશ નહિ, હું તારો ઉદ્ધાર કરીશ, મેં તને તારું નામ દઇને બોલાવ્યો છે અને તું મારો પોતાનો છે. 2 જ્યારે તું અગાધ જળમાં થઇને પસાર થતો હશે, ત્યારે હું તારી સાથે રહીશ, તું નદીમાં થઇને જતો હશે, ત્યારે તેના વહેણ તને તાણી નહિ લઇ જાય, અગ્નિમાં થઇને તું ચાલશે તો તું દાઝી નહિ જાય; જવાળાઓ તને બાળશે નહિ. 3 કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. 4 મેં તારે માટે થઇને બીજા બધાં લોકોને વિનિયોગ કર્યો છે, કારણ કે મારી ષ્ટિમાં તું મૂલ્યવાન અને સન્માનપાત્ર છે, મેં તારા પર પ્રીતિ કરી છે.
5 “તું ડરીશ નહિ, હું તારી સાથે છું. હું તારા લોકોને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી લઇ આવી ઘરભેગા કરીશ. 6 હું ઉત્તરને કહીશ, તેમને જવા દે અને દક્ષિણને કહીશ, તેમને રોકતો નહિ. મારા પુત્ર-પુત્રીઓને દૂર દૂરથી ઠેઠ ધરતીને છેડેથી પાછા લાવો. 7 એ બધાં મારે નામે ઓળખાય છે, એમને બધાંને મેં મારો મહિમા ગાવા માટે સર્જ્યા છે, ઘડ્યા છે, નિર્માણ કર્યા છે.”
8 યહોવા કહે છે, “આ પ્રજા, જે આંખો હોવા છતાં દેખતી નથી, કાનો હોવા છતાં સાંભળતી નથી, તેને સામે લાવો. 9 બધી પ્રજાઓ ભેગી થઇ જાઓ. તેમના દેવોમાંથી આ બધું પહેલેથી કહ્યું હતું, અથવા જે ઘટનાઓ બની ચૂકી છે તેની આગાહી કરી હતી! તેઓ પોતાનો દાવો પૂરવાર કરવા સાક્ષીઓ રજૂ કરે છે, જેઓ એમની વાત સાંભળીને કહે કે, આ સત્ય છે.”
10 યહોવા કહે છે, “તું મારો સાક્ષી છે, તું મારો સેવક છે, હું જેને મેં પસંદ કર્યો છે, જેથી તું જાણી શકે અને મારા પર વિશ્વાસ મૂકી શકે અને સમજી શકે કે ફકત હું જ દેવ છું. 11 હું, હું જ યહોવા છું; અને મારા સિવાય કોઇ તમારો ઉદ્ધાર કરી શકે તેમ નથી; 12 આગાહી કરનાર હું જ છું, ઉદ્ધારક હું જ છું, નહિ કે તમારામાંનો કોઇ વિધર્મી દેવ, તમે મારા સાક્ષી છો અને હું જ દેવ છું” યહોવા કહે છે, 13 “હું જ દેવ છું, છેક સૃષ્ટિના સર્જન પહેલાના કાળથી હું જ દેવ છું. મારા હાથમાંથી કોઇ છોડાવી શકે તેમ નથી; હું જે કાઇઁ કરું છું તેને કોઇ રોકી શકતું નથી.”
14 યહોવા, તમારો તારક, ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે: “તમારી માટે હું બાબિલ સામે લશ્કર મોકલીશ, તેના કારાવાસના સળિયાઓને હું ભોય પર ઢાળી દઇશ અને તેમનો વિજયનાદ આક્રંદમાં ફેરવાઇ જશે. 15 હું યહોવા છું, તમારો પરમપવિત્ર દેવ છું, ઇસ્રાએલનો સર્જનહાર અને તમારો રાજા છું.”
યહોવા ફરી પોતાના લોકોને બચાવશે
16 ભૂતકાળમાં યહોવાએ સમુદ્રમાં થઇને માર્ગ કર્યો હતો, ધસમસતા જળમાં રસ્તો કર્યો હતો; 17 “તે રથને અને ઘોડાને, અને સમગ્ર યોદ્ધાઓના સૈન્યને બહાર દોરી ગયો. બધાજ ઢળી પડ્યા, પાછા બેઠા થવા પામ્યા નહિ, તેઓ સૌ ઓલવાઇ ગયા, તેઓ વાટની જેમ ઓલવાઇ ગયા. 18 પરંતુ હવે તે સર્વ ભૂતકાળનું સ્મરણ કરવાની જરૂર નથી. પહેલાં મેં જે કર્યુ હતું તેનો વિચાર ન કરો. 19 કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ! 20 જંગલી પ્રાણીઓ, વરુઓ અને શાહમૃગો સુદ્ધાં મને માન આપશે, કારણ, હું મરુભૂમિમાં પાણી પૂરું પાડીશ. સૂકા રણમાં નદીઓ વહેવડાવીશ, જેથી મારા પસંદ કરેલા લોકો પાણી પીવા પામે. 21 એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”
22 યહોવા કહે છે, “હે ઇસ્રાએલીઓ, તમે મને વિનંતી કરતાં નથી, તમે તો મારાથી કંટાળી ગયા છો! 23 તમે મને દહનાર્પણ તરીકે ઘેટાંને અર્પણ કર્યા નથી; તમે યજ્ઞોથી મારો આદર કર્યો નથી. મેં કંઇ બહુ ભારરુંપ યજ્ઞો માગ્યા નહોતા કે તમને મારા માટે ધૂપ પેટાવવા માટે દબાણ કર્યું નહોતું. 24 તમે કઇં મારે માટે ધૂપસળી પાછળ પૈસા ર્ખચ્યા નથી કે મને બલિદાનોની ચરબીથી તૃપ્ત કર્યો, તમે તો કેવળ પાપ અર્પણ કર્યા છે, અને તમારા એ અન્યાયોથી હું થાકી ગયો છું.
25 “હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી. 26 ઓ ઇસ્રાએલીઓ, આપણે સાથે ન્યાયાલયમાં જઇએ, મારા પરનો તમારો આરોપ રજૂ કરો, તમારી દલીલો રજૂ કરીને તમારી નિર્દોષતા સાબિત કરો. 27 તમારા આદી પુરુષે મારી વિરુદ્ધ પાપ કર્યુ હતું. તમારા પ્રબોધકો અને યાજકોએ મારી સામે બળવો કર્યો હતો, 28 આ કારણે જ મેં તમારા અભિષિકત સરદારોને ષ્ટ કર્યા છે, ને યાકૂબ શાપરૂપ તથા ઇસ્રાએલને નિંદાપાત્ર કર્યા છે, અને તેમને વિનાશને માર્ગે મોકલ્યા છે.”
મૂર્તિપૂજા પર પ્રહાર – દેવ માત્ર એક
44 યહોવા કહે છે, “હે યાકૂબ, મારા સેવક, ઇસ્રાએલ, મારા પસંદ કરેલા, મને સાંભળ. 2 હું જ તારો સર્જનહાર છું, જ્યારથી તું જનમ્યો હતો ત્યારથી હું તને મદદ કરી રહ્યો છું. હે યાકૂબ, મારા સેવક, મારા પસંદ કરાયેલા યશુરૂન, હું તને આ કહું છું તું ભયભીત થઇશ નહિ.
3 “હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ. 4 તેઓ વહેતાં ઝરણાંની ધારે પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નદી કાંઠે ઊગી નીકળતા નેતરના ઝાડોની જેમ વૃદ્ધિ પામશે,
5 “તેથી તેઓ બધા પોતાને યહોવાના સેવક અને યાકૂબના વંશજો તરીકે ઓળખાવવામાં ગૌરવ લેશે. તેઓ કહેશે કે તેઓ યહોવાની માલિકીના છે અને ‘ઇસ્રાએલીઓ’ તરીકે ઓળખાય.”
6 ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી. 7 આવનાર ભવિષ્યમાં શું બનશે તે વિષે તમને મારા સિવાય કોણ કહી શકે છે? જો કોઇ કહી શકે તેમ હોય તો તેઓને કહેવા દો અને તેઓનું પરાક્રમ સાબિત કરવા દો. પ્રાચીનકાળથી જે પ્રમાણે મેં કર્યુ છે તેમ તેઓને કરવા દો.
8 “ઓ મારા લોકો, ગભરાશો નહિ, ડરશો નહિ, પ્રાચીનકાળથી મેં એ બધું કહ્યું નથી? મેં જાહેર નથી કર્યુ? તમે મારા સાક્ષી છો. મારા સિવાય અન્ય કોઇ દેવ છે? મારા સિવાય બીજો કોઇ ખડક નથી.”
ખોટાં દેવો નકામાં છે
9 જેઓ મૂર્તિ બનાવે છે તે બધા કેવા તુચ્છ છે? તેઓ જેને મોંધીમૂલી ગણે છે તે મૂર્તિઓ કશા કામની નથી, તેમના સાક્ષીઓ કંઇ દેખતા નથી અને જાણતાં કંઇ નથી કે સાક્ષી આપી શકે. એટલે આખરે એમની ફજેતી થાય છે.
10 કોણ દેવની મૂર્તિ બનાવશે જે તેને સહેજ પણ સહાય કરી શકતી નથી? 11 જરા થોભો અને જુઓ આ સર્વ મૂર્તિઓની પૂજા કરનારા ભેગા થશે અને તેમની ફજેતી થશે. અને મૂર્તિઓને ઘડનારા સર્વ કારીગરો પણ માણસો જ છે. તેમને ભેગા થઇને મારી સામે ઊભા તો રહેવા દો; બધા ધ્રુજી ઊઠશે અને ફજેત થશે.
12 લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે.
13 સુથાર લાકડા પર દોરી છાંટે છે, ચાકથી રૂપરેખા દોરે છે, ફરસીથી કોતરી કાઢે છે, કંપાસથી માપ લે છે, તેને માણસોનો આકાર આપે છે, પછી સુંદર મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપે છે.
14 માણસ જઇને એરેજવૃક્ષને કાપે છે, અથવા જંગલમાંથી બીજું કોઇ વૃક્ષ પસંદ કરે છે, અથવા દેવદારનો રોપો રોપે છે જે વરસાદ પડતાં મોટો થાય છે.
15 પછી તે લાકડાનો કેટલોક ભાગ બળતણ તરીકે પોતાને હૂંફાળા બનાવવા માટે વાપરે છે અને તેના પર રોટલી શેકે છે. બાકી રહેલા લાકડામાંથી તે પોતાને માટે દેવ બનાવે છે-લોકો ભકિત કરી શકે માટે દેવ બનાવે છે! પગે લાગવા માટે તે મૂર્તિઓ ઘડે છે. 16 અડધાં લાકડાને તે ઇંધણ તરીકે વાપરે છે, તેના પર તે માંસ શેકે છે અને તૃપ્ત થાય ત્યાં સુધી ખાય છે, પોતાની જાતને તપાવે છે અને કહે છે, “વાહ! કેવું સરસ તાપણું છે! હવે હૂંફ વળી.” 17 બાકીના ભાગમાંથી તે કોઇ દેવની મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે, તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મારો ઉદ્ધાર કરો, કારણ તમે મારા દેવ છો!”
18 એ લોકો કશું જાણતા નથી કે સમજતા નથી. એમની આંખો પર અને ચિત્ત પર અજ્ઞાનના પડ જામ્યા છે એટલે એ લોકો નથી કશું જોઇ શકતા કે, નથી કશું સમજી શકતા. 19 એવો માણસ કદી વિચાર કરતો નથી, “આ તો લાકડાંનો ટુકડો છે! મેં તેને અગ્નિમાં બાળીને તાપણી કરી છે. અને રોટલી તથા માંસ શેકવા તેનો ઉપયોગ કર્યો છે, તો પછી બાકી રહેલું લાકડું તેનો દેવ કેવી રીતે બની શકે? તો શું મારે ફકત આ લાકડાના ટુકડા આગળ નમવું જોઇએ?”
20 પોતાને મૂર્ખ બનાવનાર મનુષ્ય રાખ ખાવાનું ચાલુ રાખે છે; તેના મિત ચિત્તે તેને ભમાવ્યો છે; તેનો ઉદ્ધાર થાય એમ નથી, કારણ, તે એટલું પણ સમજતો નથી કે, “મારા જમણા હાથમાં છે એ તો જૂઠી વસ્તુ છે.”
સાચા યહોવા દેવ ઇસ્રાએલના મદદગાર છે
21 યહોવા કહે છે, “હે યાકૂબ, આટલી વાતનું ધ્યાન રાખજે,
હે ઇસ્રાએલ, તું મારો સેવક છે.
મેં તને ઉત્પન્ન કર્યો છે,
અને હું તને મદદ કરવાનું ક્યારેય ભૂલી જઇશ નહિ.
22 મેં તારા અપરાધોને વાદળની
જેમ હઠાવી દીધા છે.
તારા પાપોને ધુમ્મસની
જેમ વિખેરી નાખ્યાં છે.
તું મારી પાસે પાછો આવ,
કારણ હું તારો ઉપાસક છું.”
23 ઓ આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, આ કાર્ય યહોવાનું છે!
આનંદના લલકાર કરો, ઓ પૃથ્વીના ઊંડાણો!
આનંદના ગીત ગાઓ, હે પર્વતો,
જંગલો અને જંગલના વૃક્ષો!
કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને
ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!
24 તને ઘડનારા, તારા મુકિતદાતા યહોવા એમ કહે છે,
“સર્વનો સર્જનહાર હું યહોવા છું;
મેં એકલાએ આકાશોને વિસ્તાર્યા છે.
મેં જ્યારે આ પૃથ્વીને પાથરી
ત્યારે મારી મદદમાં કોણ હતું?”
25 હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું. 26 પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું.
યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,”
યહૂદાના શહેરોને હું કહું છું,
“તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.”
27 સાગરને હું કહું છું, “તું સુકાઇ જા,
તારી નદીઓને હું સૂકવી નાખીશ.”
28 હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે,
અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે;
અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો
અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”
થેસ્સાલોનિકામાં પાઉલનું કામ
2 ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે અમારી તમારી સાથેની મુલાકાત નિષ્ફળ નહોતી નીવડી. 2 અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો. 3 અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી. 4 ના. અમે સુવાર્તા આપીએ છીએ કારણ કે સુવાર્તા આપવા માટે દેવે અમારી પરીક્ષા કરી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી જ્યારે અમે બોલીએ છીએ ત્યારે દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ કે માણસોને. દેવ એ એક છે જે અમારાં હૃદયોનો પારખનાર છે.
5 તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે. 6 અમે લોકો તરફથી, તમારા તરફથી, કે બીજા કોઈ તરફથી પ્રસંશાની અપેક્ષા નથી રાખતા.
7 અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ. અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે, તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે, તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો. 8 અમે તમને બહુ પ્રેમ કર્યો. તેથી અમે દેવની સુવાર્તામાં તમારી સાથે સહભાગી થતા હતા તે એક આનંદ હતો એટલું જ નહિ; અમે અમારા જીવનની સાથે તમારા જીવનમાં સહભાગી તથા પ્રસન્ન થયા હતા. 9 ભાઈઓ અને બહેનો, તમને યાદ છે કે રાત અને દિવસ અમે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. જ્યારે અમે દેવની સુવાર્તા તમને આપતા હતા ત્યારે તમારી પાસેથી વળતર લઈને તમને અમે બોજારૂપ બનવા નહોતા ઈચ્છતા.
10 જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે. 11 તમે જાણે છો કે જેમ બાપ પોતાનાં બાળકો સાથે જેવું વર્તન કરે, તેવું વર્તન અમે તમારી સાથે કર્યુ હતું. 12 અમે તમને પ્રોત્સાહિત કર્યા, અમે તમને રાહત પહોંચાડી, અને અમે તમને દેવ માટે સારું જીવન જીવવા માટે કહ્યું. દેવ તેના રાજ્ય અને મહિમા માટે તમને તેડે છે.
13 જે રીતે, તમે દેવનો સંદેશો સ્વીકાર્યો તે માટે અમે દેવની સતત આભારસ્તુતિ કરીએ છીએ. તમે અમારી પાસેથી તે વચન સાંભળ્યુ, અને તમે તેને માણસોનું નહિ પરંતુ દેવના વચનોની જેમ સ્વીકાર્યુ અને તે ખરેખર દેવનું વચન જ છે. અને જે લોકો તેનામાં વિશ્વાસ રાખે છે તેનામાં તે કાર્યશીલ બને છે. 14 ભાઈઓ અને બહેનો, તમે યહૂદિયામાં ખ્રિસ્ત ઈસુમાં બનેલી દેવની મંડળીઓ જેવા છો. યહૂદિયામાં દેવના લોકોએ ત્યાંના બીજા યહૂદીઓ દ્વારા ઘણી અનિષ્ટ બાબતો સહન કરી હતી. અને તમે પણ તે જ અનિષ્ટ બાબતો તમારા પોતાના દેશવાસીઓ દ્વારા સહન કરી રહયાં છો. 15 તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે. 16 હા, તેઓ આપણને બિનયહૂદિઓને શિક્ષણ આપતા રોકવા માગે છે. અમે બિનયહૂદિઓને શિક્ષણ આપીએ છીએ, જેથી તેઓનું તારણ થઈ શકે. પરંતુ પેલા યહૂદિઓ તો તેઓનાં કરેલાં જ પાપમાં એક પછી એક પાપ ઉમેરતાં જાય છે. દેવનો કોપ હવે તેઓના પર છવાઈ ચૂક્યો છે.
તેઓની ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઈચ્છા
17 ભાઈઓ અને બહેનો, અલ્પ સમય માટે અમે તમારાથી વિખૂટા પડયા. (અમે ત્યાં તમારી સાથે ન હતા, પરંતુ વિચારોથી તો અમે તમારી સાથેજ હતા.) તમને મળવાની અમારી ઉત્કટ ઈચ્છા હતી, અને તમને મળવા ખૂબ પ્રયત્નો પણ કર્યા. 18 હા, અમે તમારી પાસે આવવા માંગતા હતા. ખરેખર મેં, પાઉલે ત્યાં આવવા ઘણા પ્રયાસો કર્યા, પણ શેતાને અમને અટકાવ્યા. 19 તમે જ અમારી આશા, અમારો આનંદ, અને મુગટ છો જેના માટે ઈસુ ખ્રિસ્તના આવવાના સમયે તેની સમક્ષ અમને અભિમાન થશે. 20 ખરેખર તમેજ અમારો મહિમા અને આનંદ છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International