Old/New Testament
મિસર સાથે નિરર્થક કરાર
30 યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી; 2 તેઓ મને પૂછયાં વિના મિસરની છાયામાં શરણું લેવા તેના રાજા ફારુનના રક્ષણમાં આશ્રય લેવા મિસર જવા નીકળી પડ્યા છે!
3 “પણ ફારુનનો આશ્રય લેવા જતાં તેમની માત્ર ફજેતી જ થશે, અને મિસરની છાયામાં શરણું લેવાથી માનહાની જ થશે. 4 જો કે તેના અમલદારો સોઆનથી લઇને હાનેસ સુધી મુસાફરી કરે છે. 5 પણ તેઓ કઇ કામના નથી, જેઓ તેમના પર આધાર રાખે છે તેને તેમના તરફથી માત્ર અપમાન અને અપયશ જ મળશે, મદદ નહિ.”
દેવનો સંદેશ યહૂદાને
6 દક્ષિણનાં રણનાં પશુઓને લગતી દેવવાણી:
એ એલચીઓ હાડમારી અને કષ્ટોભર્યા પ્રદેશમાં થઇને, જ્યાં સિંહો વસે છે, ઝેરી નાગ અને ઊડતા સાપ વસે છે, તેમાં થઇને ગધેડાં અને ઊંટો પર લાદીને મિસરની પ્રજા માટે ભેટસોગાદો લઇ જાય છે. 7 પણ તે પ્રજાથી એમને કશો લાભ થાય એમ નથી. કારણ, મિસરની સહાય મિથ્યા છે, તેની કશી વિસાત નથી; અને માટે જ મેં મિસરનું નામ “દૈવત વગરનો દૈત્ય” પાડ્યું છે.
8 યહોવાએ મને કહ્યું, હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,
9 કારણ કે તેઓ બળવાખોર લોકો અને બેવફા બાળકો છે. તેઓ યહોવાના શિક્ષણને સાંભળતા નથી. 10 તેઓ દષ્ટાઓને કહે છે, “જોશો નહિ.” પ્રબોધકોને કહે છે, “અમને સત્ય સંભળાવશો નહિ, અમને મીઠી મીઠી વાતો અને ભ્રામક દર્શનો વિષે કહેજો. 11 રસ્તો છોડો, અમારા માર્ગમાંથી ખસી જાઓ, ઇસ્રાએલના પરમપવિત્ર દેવની વાત અમારી આગળ ન કરશો.”
યહૂદાને ફકત દેવથી મદદ મળે છે
12 આથી ઇસ્રાએલના પરમ પવિત્ર દેવ પ્રત્યુત્તર આપે છે: “તમે આ ચેતવણીની ઉપેક્ષા કરો છો, અને અન્યાયમાં અને છળકપટમાં માનો છો અને એના પર જ આધાર રાખો છો, 13 એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે. 14 જેમ કોઇ ઘડાને જોરથી ફટકો મારે અને તેના ઝીણા ઝીણા ટુકડા થઇ જાય અને તેમાં એક પણ ટૂકડો એવો ન રહે, જેના વડે ચૂલામાંથી અંગારો અથવા ટાંકામાંથી પાણી લઇ શકાય, એવી તમારી દશા થશે.”
15 કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.”
પરંતુ તમારામાં આમાનું કશું નથી. 16 એટલે તમે કહ્યું, “ના, અમે તો ઘોડા પર બેસીને ભાગી જઇશું.” એટલે હવે તમારે ભાગવું પડશે. તમે કહ્યું, “અમે તો પવનવેગી ઘોડા પર ભાગી જઇશું.” એટલે હવે તમારો પીછો પકડનારાઓ પવનવેગે તમારો પીછો પકડશે. 17 તેઓમાંનો એક તમારા એક હજારને ભગાડી મૂકશે! તેઓમાંના પાંચ તમને એવી રીતે વિખેરી નાંખશે કે તમારામાંથી કોઇ બે વ્યકિતઓ ભેગી નહિ રહે. તમે દૂરના પર્વતોની ટોચ પરના એકલા ધ્વજદંડની જેમ મૂઠીભર બાકી રહેશો.
દેવ પોતાના લોકોની મદદ કરશે
18 તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.
19 હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, હવે ફરી તમારે રડવું નહિ પડે. તમારો પોકાર કાને પડતાં યહોવા જરૂર તમારા પર કૃપા કરશે. સાંભળતા જ જવાબ આપશે.
20 યહોવા તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમને શિક્ષણ આપવા તે તમારી સાથે રહેશે. તમે તમારી પોતાની આંખોથી તમારા શિક્ષકને જોશો. 21 જ્યારે તમે આડાઅવળા જશો કે તરત જ પાછળથી એવી વાણી તમને સંભળાશે કે, “આ રહ્યો તમારો માર્ગ, તેના પર તમે ચાલો.”
22 જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.
23 તમે જમીનમાં બી વાવશો, તેને માટે યહોવા વરસાદ મોકલશે અને જમીન પુષ્કળ પાક આપશે; તથા તમારાં ઢોરઢાંખરાં માટે ભરપૂર ચારો મળશે. 24 અને તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરાઓમાં ચરશે, અને જમીનને ખેડનાર બળદો અને ગધેડાં પણ સારું સારું ખાણ ખાવા પામશે. 25 શત્રુઓની હત્યાને દિવસે, જ્યારે તેમના બુરજો જમીન પર ઢળી પડતા હશે ત્યારે દરેક પર્વત અને દરેક ટેકરી પર પાણીનાં ઝરણાં વહેતાં હશે.
26 જે દિવસે યહોવા પોતાના લોકોના ઘા જે તેણે તેના લોકો પર કર્યા હતાં, તેને રૂઝવી દેશે, તે દિવસે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો અને સૂર્યનો પ્રકાશ સાતગણો, સાત દિવસના પ્રકાશ જેટલો ઉજ્જવળ થઇ જશે.
27 જુઓ, અહીં યહોવા પોતે સાર્મથ્ય અને મહિમા સાથે દૂર દૂરથી આવે છે. તેનો ક્રોધ ભભૂકે છે, અને ધુમાડાના વાદળો પર ઊડે છે. તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે; 28 તેનો શ્વાસ ગળા સુધી આવતી ધસમસતી નદી જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના જડબામાં તિકારક લગામ મૂકે છે.
29 પણ તમે તો ઉત્સવની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગીતો ગાશો; ઇસ્રાએલના આધારરૂપ યહોવાના મંદિરની યાત્રાએ વાંસળી વગાડતા વગાડતા યાત્રાળુઓ જતા હોય તેમના જેવો આનંદ તમે અંતરમાં અનુભવશો.
30 યહોવા પોતાનો પ્રતાપી અવાજ સૌને સંભળાવશે અને પોતાનો પ્રચંડ કોપ સર્વભક્ષી અગ્નિની જવાળારૂપે, મૂશળધાર વરસાદરૂપે, વાવાઝોડારૂપે અને કરારૂપે ઉતારશે. 31 યહોવાના અવાજથી આશ્શૂરના લોકો શિક્ષા પામશે. એક સમયે યહોવાએ તે પ્રજાનો શિક્ષાની લાકડી તરીકે ઉપયોગ કર્યો હતો. 32 જ્યારે યહોવા તેઓને શિક્ષા કરશે ત્યારે યહોવાના લોકો વાજીંત્રોના નાદ સાથે ગાયનોથી આનંદ કરશે.
33 આશ્શૂરના રાજાને દફનાવવા માટે લાંબા સમયથી ખાડો તૈયાર રાખવામાં આવેલો છે, એને ખોદીને ઊંડો અને પહોળો કરેલો છે, એમાં પુષ્કળ લાકડાં ખડકેલાં છે; અને યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.
“યરૂશાલેમની રક્ષા યહોવા કરશે”
31 તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી, 2 તેમ છતાં યહોવા બધું સમજે છે અને આફત લાવે છે, ને પોતાની ધમકી ફોક થવા દેતા નથી. તે દુષ્ટોનાં સંતાનોને અને તેમને મદદ કરનારાઓને સજા કરશે.
3 મિસરીઓ પણ માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા પણ માંસના બનેલા છે, અમર નથી. જ્યારે યહોવા હાથ ઉગામશે ત્યારે મદદ કરનાર ઠોકર ખાશે અને મદદ લેનાર પડી જશે, અને તેઓ બધા જ એકી સાથે સમાપ્ત થઇ જશે.
4 કેમ કે, યહોવાએ મને એમ કહ્યું છે કે, “જેમ કોઇ સિંહ શિકાર પર ઊભો રહીને ધૂરકે છે, અને ભરવાડોનું ટોળું તેની સામે આવે છે, તોયે તેમની બૂમરાણથી તે ગભરાતો નથી કે નથી તેમના હાકોટાથી ભાગી જતો.”
તેમ હું સૈન્યોનો દેવ યહોવા, સિયોનના પર્વત પર તેને પક્ષે લડવા ઊતરી આવીશ અને મને કોઇ રોકી શકશે નહિ. 5 જે રીતે પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માળા પર પાંખો પ્રસારે તેમ હું સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમનું રક્ષણ કરીશ અને તેનો મોક્ષ કરીશ.
6 હે ઇસ્રાએલના લોકો, તમે જેનો ભારે અપરાધ કર્યો છે તેની પાસે પાછા આવો. 7 કારણ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે તમારાંમાંનો દરેક જણ તમારા પોતાના પાપી હાથે બનાવેલી ચાંદીની અને સોનાની મૂર્તિને ફગાવી દેશે.
8 માણસની નહિ એવી તરવારથી આશ્શૂરનું પતન થશે, માણસની નહિ હોય તેવી તરવારથી તેનો સંહાર થશે. તે રણસંગ્રામમાંથી ભાગી જશે, અને તેના જુવાનજોધ યોદ્ધાઓને મજૂરીએ વળગાળવામાં આવશે; 9 તેનો રાજા ભયને લીધે ભાગી જશે અને તેના સરદારો એવા તો બીશે કે ધ્વજને છોડીને નાસી જશે.
આ યહોવાના વચન છે, જેની ભઠ્ઠીનો અગ્નિ યરૂશાલેમમાં ભડભડ બળે છે.
કેટલીક કરવાની વસ્તુઓ
4 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને ચાહું છું અને તમને મળવા ઈચ્છુ છું. તમારા કારણે મને આનંદ થાય છે અને મને તમારું ગૌરવ છે. મારા કહ્યા પ્રમાણે તમે પ્રભુને અનુસરવાનુ ચાલુ રાખજો.
2 હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું. 3 અને તમે મારા મિત્રો જેણે મારી સાથે વફાદારીપૂર્વક સેવા કરી છે, તેથી આ સ્ત્રીઓને મદદ કરવાનું હું તમને કહું છું. આ સ્ત્રીઓએ સુવાર્તાના પ્રચારમાં મારી સાથે કામ કર્યુ છે. તેઓ કલેમેન્ત અને બીજા લોકો જે મારી સાથે કામ કરતાં હતા તેઓની સાથે કામ કર્યુ છે. જીવનના પુસ્તકમા[a] તેઓનાં નામ લખાઈ ચુક્યાં છે.
4 પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.
5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. 6 કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. 7 પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી.
8 ભાઈઓ અને બહેનો, જે વસ્તુ સારી છે અને ધન્યવાદને પાત્ર છે તેના વિષે વિચારવાનું ચાલુ રાખો, જે વસ્તુઓ સત્ય છે, સન્માનીય છે, યથાર્થ અને શુદ્ધ છે, સુંદર અને આદરણીય છે તેનો જ વિચાર કરો. 9 તમે મારા દ્વારા શીખેલા અને મેળવેલાં કાર્ય કરો. મેં તમને કહેલું અને તમે જે કરતા મને જોયો તે સર્વ કરો. અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.
પાઉલ ફિલિપીના ખ્રિસ્તીઓનો આભાર માને છે
10 હું પ્રભુમાં ઘણો આનંદીત છું કે ફરીથી તમે મારી સંભાળ લો છો. તમે હમેશા મારી સંભાળ લીધી છે, પરંતુ તે દર્શાવી શકાઈ નથી. 11 મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ. 12 દરિદ્રી અને સમૃદ્ધ બને અવસ્થાઓમાં કેવી રીતે જીવવું તે હું જાણું છું, કોઈ પણ વખતે અને ગમે તેવા સંજોગોમાં આનંદી રહેવાનું શીખ્યો છું. મારી પાસે ખાવાને પૂરતું હોય કે ન હોય, આનંદી રહેવાનું હું શીખ્યો છું. મને જરૂરી બધી જ વસ્તુઓ મારી પાસે હોય કે ના હોય, હું આનંદી રહેવાનું જાણું છું. 13 ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.
14 પરંતુ જ્યારે મારે મુશ્કેલીઓ હતી ત્યારે તમે મને મદદ કરી તે ઘણું સારું છે. 15 તમે ફિલિપ્પીના લોકો યાદ કરો જ્યારે મેં ત્યાં સુવાર્તા આપવાની શરૂઆત કરેલી. મેં જ્યારે મકદોનિયા છોડ્યું ત્યારે તમારી એક જ મંડળી એવી હતી કે જેણે મને મદદ કરી. 16 હું જ્યારે થેસ્સાલોનિકામાં હતો ત્યારે મારે જરૂરી વસ્તુઓ તમે મને ઘણીવાર મોકલી. 17 મારે ખરેખર તમારા તરફથી દાન નથી જોઈતું. પરંતુ આપવાથી જે સારું થાય છે તે તમને મળો તેમ હું ઈચ્છુ છું. 18 મારી પાસે જરૂર કરતાં પણ વધારે છે. મારે જરૂરી બધી વસ્તુઓ છે કારણ કે એપાફદિતસ તમે આપેલ દાન લાવ્યો હતો. તમારું દાન દેવને ઘરેલું મધુર મહેકતા અર્પણ જેવું છે. દેવે તે અર્પણ સ્વીકાર્યુ અને પ્રસન્ન થયો. 19 ખ્રિસ્ત ઈસુના મહિમાથી મારો દેવ ઘણો સમૃદ્ધ થયો છે. પરંતુ ખ્રિસ્ત ઈસુમાં તેની સમૃદ્ધિનો ઉપયોગ તમને જરૂરી બધી વસ્તુઓ આપવામાં કરશે. 20 આપણા દેવ અને બાપને સર્વકાળ મહિમા હો. આમીન.
21 ખ્રિસ્ત ઈસુમાં દેવના બધા જ સંતોને સલામ કહેજો. મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. 22 દેવના બધા જ સંતો જે મારી સાથે છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. બધા સંતોને અને કૈસરના ઘરનાં બધા વિશ્વાસીઓ તમને ક્ષેમકુશળ કહે છે.
23 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા (દયા) તમારી સાથે રહો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International