Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 135-136

યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
    તમે તેમની સ્તુતિ કરો.
યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
    આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
    તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.

યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
    ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
હું યહોવાની મહાનતા જાણું છું,
    સર્વ દેવો કરતાં તે મહાન છે.
આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
    યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
    અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
    પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
    અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
    અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
    તથા બાશાનના રાજા ઓગને;
    અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.

13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
    હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
    તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
    તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
    આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
    અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
    અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.

19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
    હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
    જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
    યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.

યહોવાની સ્તુતિ કરો!

યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
    કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
    કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

1 કરિંથીઓ 12

પવિત્ર આત્માનાં દાનો

12 હવે ભાઈઓ અને બહેનો, તમારી પાસે આત્મિક દાનો અંગે સમજ હોય તેમ હું ઈચ્છું છું. તમે વિશ્વાસુ બન્યા તે પહેલાં તમે જે જીવનજીવતા હતા તેને યાદ કરો. તમે તમારી જાતને પ્રભાવિત થવા દઈને તમે મૂર્તિપૂજા તરફ દોરવાઈ ગયા હતા. તે વસ્તુઓની પૂજા કે જેનામાં કોઈ જીવન હોતું નથી. તેથી હું તમને કહું છું કે દેવના આત્માની મદદ વડે બોલનાર વ્યક્તિ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માની મદદ વગર એમ ન કહી શકે કે, “ઈસુ જ પ્રભુ છે.”

આત્મિક કૃપાદાનો વિવિધ પ્રકારના હોય છે, પરંતુ તે બધા એક જ આત્મા તરફથી પ્રાપ્ત થયેલા છે. સેવાકાર્યના વિવિધ માર્ગો છે, પરંતુ આ બધાજ માર્ગો એ જ પ્રભુ પાસેથી મેળવેલા છે. દેવ લોકોમાં વિવિધ પ્રકારે કાર્યો કરે છે, પરંતુ આ દરેક પ્રકારો તો એક જ પ્રભુ તરફથી મેળવેલા છે. અને દેવ વિવિધ પ્રકારે લોકોમાં કામ કરે છે, પરંતુ આ બધી જ રીતો એ એક જ દેવની છે. આપણે બધા બધું જ કરવા માટે તે કાર્યો કરીએ છીએ.

દરેક વ્યક્તિમાં પવિત્ર આત્માનું પ્રદાન જોઈ શકાય છે. જે આત્મા પ્રદાન કરે છે તેના દ્વારા એક વ્યક્તિ બીજા લોકોને મદદકર્તા બને છે. આત્મા એક વ્યક્તિને શાણપણવાળી વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે. જ્યારે આ જ આત્મા બીજી વ્યક્તિને પરમજ્ઞાન વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે. આ જ આત્મા એક વ્યક્તિને વિશ્વાસ પ્રદાન કરે છે. અને તે જ આત્મા બીજી વ્યક્તિને સાજાં કરવાનું દાન પ્રદાન કરે છે. 10 આ જ આત્મા વડે બીજી વ્યક્તિને ચમત્કારો કરવાનું સાર્મથ્ય, તો અન્યને પ્રબોધ કરવાની ક્ષમતા અને અન્ય વ્યક્તિને સારા અને ખરાબ આત્માઓ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ જ આત્મા એક વ્યક્તિને વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા, તો બીજી વ્યક્તિને તે ભાષાઓના અર્થઘટન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. 11 તે એક જ આત્મા આ બધી પ્રકિયા કરે છે. આત્મા પ્રત્યેક વ્યક્તિને શું આપવું તેનો નિર્ણય કરે છે.

ખ્રિસ્તનું શરીર

12 એક વ્યક્તિનું શરીર તો એક જ છે, પરંતુ તેના અવયવો ઘણા છે. હા, શરીરને ઘણા અવયવો છે, પરંતુ બધાજ અવયવો ફક્ત એક જ શરીરને ઘડે છે. ખ્રિસ્ત પણ તે પ્રમાણે જ છે: 13 આપણમાંના કેટલાએક યહૂદિ છીએ તો કેટલાએક ગ્રીક લોકો; આપણામાંના કેટલાએક ગુલામ છીએ તો કેટલાએક સ્વતંત્ર. પરંતુ આપણે બધાજ એક જ આત્મા દ્વારા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામેલા છીએ અને આપણને બધાને તે જ એક આત્મા પ્રદાન કરવામાં આવ્યો છે.

14 અને વ્યક્તિનું શરીર એક અવયવનું બનેલું નથી. પણ વધારે અવયવોનું બનેલું છે. તેને ઘણા અવયવો હોય છે. 15 જો પગ આમ કહે કે, “હું હાથ નથી. તેથી મારે શરીર સાથે કોઈ સંબંધ નથી.” પરંતુ પગના આમ કહેવાથી તે શરીરનો એક અવયવ મટી જતો નથી. 16 જો કાન આમ કહે કે, “હું આંખ નથી તેથી શરીર સાથે મારે કોઈ સંબંધ નથી.” પરંતુ કાનના આમ કહેવાથી તે શરીરના અવયવરુંપે મટી જતો નથી. 17 જો સમગ્ર શરીર આંખ હોત, તો સાંભળવા માટે સક્ષમ ન હોત. જો આખું શરીર કાન હોત, તો કશું પણ સૂંધવા માટે શરીર સક્ષમ ન હોત. 18-19 પણ દેવે દરેક અવયવને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો દરેક ભાગ જુદા હોય તો શરીર શરીર રહેતું નથી. પરંતુ દેવે દરેક માટે સ્થાન નિશ્ચિત કર્યુ છે. આપણા શરીરના ઘણા અવયવોને તેની ઈચ્છા પ્રમાણે ગોઠવ્યા છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? 20 અને તેથી હવે શરીરના અનેક ભાગો છે પણ શરીર ફક્ત એક છે.

21 આંખ હાથને નથી કહી શકતી કે “મારે તારી જરૂર નથી!” અને તે જ રીતે મસ્તક પગોને નથી કહી શકતું કે, “મારે તારી જરૂર નથી.” 22 ના! શરીરના તે અવયવો જે દેખીતી રીતે વધારે નિર્બળ લાગે છે તે વાસ્તવમાં ખરેખર ઘણા જ મહત્વના છે. 23 અને શરીરના એ અવયવો કે જેમને આપણે ખાસ મૂલ્યવાન નથી ગણતા તેમની જ આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. અને શરીરના એ અવયવો કે જે આપણે પ્રદર્શિત કરવા નથી ઈચ્છતા તેમની આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. 24 ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી. પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે. 25 દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય. દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. 26 જો શરીરનો એક અવયવ પીડાય તો તેની સાથે શરીરના બીજા બધાજ અબયવોને પણ વેદના થશે. અથવા શરીરનો કોઈ એક અવયવ સન્માનિત થાય તો બીજા બધા જ અવયવો પણ આનંદ પામે છે.

27 તમે બધા સમૂહ તરીકે ખ્રિસ્તનું શરીર છો. વ્યક્તિગત રીતે તમે દરેક તે શરીરનો કોઈ એક અવયવ છો. 28 અને મંડળીમાં દેવે પ્રેરિતોને પ્રથમ સ્થાન, પ્રબોધકોને દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન ઉપદેશકને આપેલું છે. પછી દેવે જે લોકો ચમત્કારો કરે છે તેઓને માટે પણ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. અને તે જ રીતે જે લોકોની પાસે રોગીઓને સાજા કરવાની ક્ષમતા છે, જે લોકો અન્યને મદદરુંપ થાય છે, જે લોકોમાં અગ્રેસરનો ગુણ છે અને જે લોકો વિવિધ ભાષાઓ બોલે છે તેઓને માટે પણ દેવે કોઈ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. 29 બધા લોકો પ્રેરિતો નથી કે બધા લોકો પ્રબોધકો થઈ શકે નહિ. બધા લોકો ચમત્કારો પણ કરી શકતા નથી. 30 કે બધાની પાસે બીજાને સાજા કરવાની ક્ષમતા પણ નથી. બધા લોકો જુદી જુદી ભાષામાં બોલી શકતા નથી. બધા લોકો આ ભાષાઓનું અર્થઘટન કરવા માટે સમર્થ નથી હોતા. 31 તમારે તો ખરેખર આત્માના ઉત્તમ કૃપાદાનોની જ ઈચ્છા રાખવી જોઈએ. હું તમને સૌથી ઉત્તમ માર્ગ દર્શાવીશ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International