Old/New Testament
નિર્દેશક માટે: રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ. તે શાઉલથી ભાગી જઇને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત.
1 હે દેવ, મારા પર દયા કરો, કારણ,
મારો આત્મા તારા શરણ આપ્યો છે,
આ તોફાન શમી જાય ત્યાં સુધી
હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
2 હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ,
તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
3 તે આકાશમાંથી સહાય મોકલશે
અને મને બચાવશે.
જેઓ મને નુકશાન કરવા માગે છે
તેમનાથી મને ઉગારશે.
4 મારું જીવન જોખમમાં છે.
હું માનવભક્ષી સિંહોનાં જેવા
હિંસક દુશ્મનોથી ઘેરાયો છું.
તેમના દાંત તીર ને ભાલાં જેવા છે,
તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.
5 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
6 મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે;
તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે;
જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.
7 હે દેવ! મારું હૃદય તૈયાર છે,
મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે.
હું દેવ સ્તોત્રો ગાઇશ.
8 હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ,
હું પ્રભાતમાં વહેલો જાગીશ,
ને હું પરોઢને આવકાર આપીશ.
9 હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ.
બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ.
10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે.
તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.
11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
નિર્દેશક માટે. રાગ “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ.
1 ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો?
શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
2 ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે;
તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
3 દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે;
ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે,
તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
5 ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે,
છતાંય તેનો સાદ સંભળાતો નથી.
6 હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો;
હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
7 સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો;
સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
8 તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા,
અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
પછી તે લીલા હોય કે સૂકા,
તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી
પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.
10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે
તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે,
તે એક સૈનિક જેવો થશે,
જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.[a]
11 માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે,
સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.
નિર્દેશક માટે. રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત.
1 હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો;
અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
2 દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો;
અને ખૂની માણસોથી તમે મને બચાવો.
3 ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે!
હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે,
કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.
4 જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે
અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે.
હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.
5 હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ;
આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો;
તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.
6 તેઓ સંધ્યાકાળે પાછા આવે છે,
અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
નગરની આસપાસ ફેરા ખાય છે.
7 તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે.
તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે.
તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.
8 હે યહોવા, તમે તેઓને હસી કાઢો;
અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.
9 હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ;
તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.
10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે.
તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.
11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો,
કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.
12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે,
તેઓના જ હોઠે અસત્ય બોલે છે,
પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.
13 તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો;
જેથી સંપૂર્ણ વિનાશ થાય;
પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે,
અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.
14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે,
અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.
15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે,
તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.
16 પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ,
સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ,
કારણ તમે મારા મજબૂત ગઢ છો;
અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.
17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું;
કારણ તમે મારા મજબૂત ગઢ છો,
દેવ, તમે મને પ્રેમ કરનારા છો.
ઈબ્રાહિમનું દૃષ્ટાંત
4 તો આપણા લોકોના પૂર્વજ ઈબ્રાહિમ વિષે આપણે શું કહી શકીએ છીએ? વિશ્વાસ વિષે તેઓ શું શીખ્યા? 2 જે કામો ઈબ્રાહિમે કર્યા એનાથી જ દેવે તેને ન્યાયી ઠરાવ્યો હોત તો તેને બડાશ મારવાનું બહાનું મળી જાત. પરંતુ ઈબ્રાહિમ દેવ આગળ બડાશ મારી શક્યો નહિ. 3 ધર્મશાસ્ત્ર કહે છે: “ઈબ્રાહિમ દેવમાં માનતો હતો. અને દેવે તેના વિશ્વાસનો સ્વીકાર કર્યો. તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી ઠરાવ્યો.”(A)
4 જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે, ત્યારે એને આપવામાં આવતો પગાર બક્ષિસ તરીકે અપાતો નથી. તે જે પગાર મળે છે તે તેનાં કામની કમાણી છે. 5 પરંતુ મનુષ્ય એવું કોઈ પણ કામ કરી શકતો નથી કે જે તેને દેવ સાથે ન્યાયી ઠરાવી શકે. તેથી તે માણસે દેવમાં વિશ્વાસ રાખવોજ જોઈએ. પછી જ દેવ તે વ્યક્તિના વિશ્વાસનો સ્વીકાર કરે છે અને તે વિશ્વાસ તેને દેવ સાથે ન્યાયી ઠરાવે છે. દેવ એક છે જે અધર્મીને પણ ન્યાયી બનાવે છે. 6 દાઉદે આ જ વાત કહી છે. દાઉદે કહ્યું છે કે કોઈ વ્યક્તિએ કેવાં કેવાં કામો કર્યા છે એ જોયા વગર દેવ જ્યારે તેને એક સારા માણસ તરીકે સ્વીકારી લે છે.
7 “તેને ધન્ય છે.
જ્યારે લોકોના અપરાધો માફ કરાય છે,
અને જેઓનાં પાપો ઢંકાઈ જાય છે, તેઓને ધન્ય છે!
8 અને જ્યારે પ્રભુ કોઈ વ્યક્તિને લેખે પાપ નહિ ગણીને સ્વીકારી લે છે ત્યારે,
તે માણસને ધન્ય છે!” (B)
9 તો શું જે યહૂદિઓએ સુન્નત કરાવી છે તેઓને જ આ આનંદની અનુભૂતિ થાય છે? કે પછી, જેમણે સુન્નત કરાવી નથી એમને પણ એવો આનંદ પ્રાપ્ત થશે? એટલા માટે મેં અગાઉથી કહ્યું છે કે દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો અને તે વિશ્વાસે જ તેને દેવ પ્રાપ્તિ માટે ન્યાયી ઠરાવ્યો. 10 તો આ કેવી રીતે થયું? ઈબ્રાહિમે તેની સુન્નત કરાવી તે પહેલા કે ત્યાર પછી દેવે તેનો સ્વીકાર કર્યો? તેની સુન્નત પહેલા જ દેવે તેને સ્વીકારી લીધો હતો. 11 ઈબ્રાહિમ જ્યારે સુન્નત વગરનો હતો ત્યારે તે વિશ્વાસના માર્ગે દેવ સાથે ન્યાયી થયો હતો. તે સાબિત કરવા માટે પાછળથી તેણે સુન્નત કરાવી. આ રીતે ઈબ્રાહિમ જે બધા લોકોએ સુન્નત નથી કરાવી તેના પૂર્વજ છે તેથી દેવે આ લોકોને દેવ સાથે ન્યાયી હોવાની માન્યતા આપી છે. 12 જે લોકોની સુન્નત કરવામાં આવી છે તેમનો પૂર્વજ પણ ઈબ્રાહિમ જ છે. માત્ર તેઓની સુન્નતને કારણે ઈબ્રાહિમને પિતાનું સ્થાન મળ્યું નથી. આપણા પૂર્વજ ઈબ્રાહિમ સુન્નત પહેલા જે વિશ્વાસ ઘરાવતો હતો, એવું વિશ્વાસભર્યુ જીવન જો તેઓ જીવે તો જ ઈબ્રાહિમ તેમનો પિતા ગણાય.
વિશ્વાસથી દેવની કૃપા પ્રાપ્ત થાય છે
13 ઈબ્રાહિમ અને તેના વંશજોને નિયમના પાલનથી નહિ પણ વિશ્વાસથી દેવ સાથે ન્યાયી ઠરાવ્યા હતા. તેથી દેવનું વચન મળ્યું કે આખી દુનિયાની સમૃદ્ધિ અને સુખ તેને વારસામાં મળે. 14 દેવના વચન પ્રમાણે ધર્મશાસ્ત્રને અનુસરવાથી જ જો લોકોને બધું વારસામાં મળી જતું હોય, તો પછી વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. અને એ રીતે ઈબ્રાહિમને મળેલું વચન પણ નિરર્થક છે. 15 શા માટે? કેમ કે નિયમનું લક્ષણ એ છે કે જ્યારે તેનું પાલન કરવામાં આવતું નથી, ત્યારે દેવનો કોપ ઉતરે છે. પરંતુ જો નિયમનું અસ્તિત્વ જ ન હોય તો, તેનું ઉલ્લંઘન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
16 આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે. 17 શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે, “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”(C) દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.
18 ઈબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી. પરંતુ ઈબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો, અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું. તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો. દેવે તેને કહ્યું હતું, “તને ઘણાં વંશજો મળશે.” (D) 19 ઈબ્રાહિમ જ્યારે લગભગ સો વર્ષનો થયો, ત્યારે તે બાળકોના પિતા બનવાની ઉંમર વિતાવી ચૂક્યો હતો. વળી, તેણે આ જાણ્યું કે સારા ને બાળકો થાય એવી કોઈ શક્યતા ન હતી. તે પોતાના દૃઢ વિશ્વાસમાંથી જરા પણ ડગ્યો નહિ. 20 દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ પણ દેવનો મહિમા કર્યો અને ધીમે ધીમે તેનો વિશ્વાસ દૃઢ બનતો ગયો. તેણે હંમેશા દેવની સ્તુતિ કરી. 21 ઈબ્રાહિમને મનમાં ખાતરી હતી જ કે દેવે જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ કરવા દેવ સંપૂર્ણપણે સમર્થ છે. 22 તો આમ, “દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો અને એ વિશ્વાસે જ ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી બનાવ્યો.”(E) 23 (“તેને ન્યાયી ગણવામાં આવ્યો.”) એ શબ્દો માત્ર ઈબ્રાહિમ માટે જ લખવામાં આવ્યા ન હતા. 24 પણ આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કરનાર દેવ પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને માટે પણ એ જ શબ્દો લખેલા છે. અને આપણે તે દેવમાં વિશ્વાસ કરીએ છીએ. 25 આપણા પાપોને લીધે ઈસુને મરણને સ્વાધીન કરવામાં આવ્યો, અને આપણે દેવની સાથે ન્યાયી થઈએ તે માટે તેને મૃત્યુમાંથી ઊઠાડવામાં આવ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International