Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 20-21

સોફાર નાઅમાથીનો પ્રત્યુતર

20 પછી નાઅમાથી સોફારે પ્રત્યુત્તર આપ્યો:

“હવે હું અકળામણ અનુભવું છું
    અને જવાબ આપવાને અધીરો બની ગયો છું.
તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું
    અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું.

“શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી
    દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે,
    તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે?
એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય,
    એનું મસ્તક ભલેને વાદળોને આંબી જાય;
પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે.
    જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’
સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે.
    રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઇ જશે.
જેણે તેને જોયો હતો, તે તેને ફરી કદી જોઇ શકશે નહિ.
    તેનું કુટુંબ તેની સામે ક્યારેય નહિ જોવે.
10 દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે
    લીધું હતું તે પાછું આપશે.
11 તે જ્યારે જુવાન હતો, તેના હાડકા મજબૂત હતા.
    પણ તેના બાકીના શરીરની જેમ, તેઓ ધૂળમાં મળી જશે.

12 “તેણે પોતાની દુષ્ટતાના સ્વાદમાં આનંદ માણ્યો છે.
    દુષ્ટતાને તેણે પોતાના મુખમાં ધીમે ધીમે ઓગળવા દીધી છે.
13 દુષ્ટ માણસ અનિષ્ટ ને માણે છે.
    તે તેનાથી છૂટવા માગતો નથી.
    તે તેના મોઢામાં સાકરના ટૂકડા જેવું છે.
14 પરંતુ તેનાં પેટમાં એ અનિષ્ટ ઝેરમાં બદલાઇ જશે.
    તે તેની અંદર કડવા ઝેર જેવું થઇ જશે, સાપના ઝેર સમાન.
15 એણે જે ધનસંપતિ ગળી ગયો છે તે એણે ઓકી નાખવી પડે છે.
    દેવ એનાં પેટમાંથી એ કઢાવે છે.
16 એણે જે શોષી લીધું હતું તે સાપનું ઝેર હતું.
    સાપનો એ ડંખ એને મારી નાંખે છે.
17 તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ,
    તેને દૂધ અને મધની નદીઓનો આનંદ મળશે નહિ.
18 એણે મહેનતથી જે મેળવ્યું છે તે ભોગવ્યાં વિનાજ એને પાછું આપવું પડશે.
    જે ધનસંપતિ એ કમાયો છે તે એ માણી શકશે નહિ.
19 કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે,
    બીજાના બાંધેલા ઘર પચાવી પાડ્યાં છે.

20 “તે કદી ધરાયો નથી.
    તેની ધનસંપતિ તેને બચાવી શકશે નહિ.
21 તે જ્યારે ખાય છે, કાંઇ બાકી રહેતું નથી.
    તેની સફળતા સતત રહેતી નથી.
22 એ સિદ્ધિના શિખરે હશે ત્યારે જ આફતો તેને હંફાવશે.
    તેની આફતો સંપૂર્ણ શકિત પૂર્વક તેના ઉપર ઊતરી પડશે.
23 જ્યારે તેનું પેટ તેને જે જોઇએ છે તેનાથી ભરાયું હશે,
    દેવ તેની સામે ભભૂકતા ક્રોધનો વરસાદ વરસાવશે.
    દેવ તેના પર સજાનો વડસાદ વરસાવશે.
24 જો એ લોઢાની તરવારમાંથી છટકી જશે તો
    કાંસાનું બાણ એને વીંધી નાખશે.
25 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે,
    અને પીઠમાંથી ભોંકાઇને બહાર આવશે.
તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે.
    તે ભયથી આઘાત પામશે.
26 તેનો ખજાનો અંધકારના ઊંડાણમાં ખોવાઇ જશે.
    પ્રચંડ અગ્નિ કે જેનો કોઇ માનવે આરંભ કર્યો નથી.
    તેના માલ સામાનનો નાશ કરશે અને તેનું જે કાંઇ બાકી છે તે સર્વ ભસ્મીભૂત થઇ જશે.
27 આકાશ તેનો ગુનો ઉઘાડો પાડશે;
    પૃથ્વી એની વિરુદ્ધ સાક્ષી પૂરશે.
28 જે દિવસે દેવનો પ્રકોપ ફાટી નીકળશે તે દિવસે ધસમસતાં
    પૂરમાં એનાં ઘરબાર તણાઇ જશે.
29 દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે
    જે તે તેમને આપવાની યોજના કરે છે.”

અયૂબનો જવાબ

21 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું:

“હું જે કહું તે ધ્યાનથી સાંભળો
    અને મને એટલો તો દિલાસો આપો.
મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો.
    પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખો.

“શું મારી ફરિયાદ માણસ સામે છે?
    હું શા માટે અધીરો ના થાઉં?
મારી દશા તો જુઓ! અને આઘાત પામજો મહેરબાની કરીને
    તમારા મોઢા પર તમારો હાથ મૂકી અને ઢાંકી દેશો.
હું યાદ કરું છું ત્યારે ગભરાઇ જાઉં છું.
    હું ભયથી જી ઊઠું છું.
શા માટે દુષ્ટ માણસો લાંબુ જીવે છે?
    શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે.
    દુષ્ટ લોકો પોતાના પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
એમનાં ઘર સુરક્ષિત હોય છે, તેઓ ડરતા નથી તેઓને સજા
    આપવા માટે દેવ લાકડીનો ઊપયોગ કરતા નથી.
10 તેઓના બળદો જાતીય સંબધ બાંધવામાં કદી નિષ્ફળ જતા નથી.
    તેઓની ગાયો વાછરડાંઓને જન્મ આપે છે અને વાછરડાંઓ મરેલા જન્મતા નથી.
11 દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે.
    તેઓના સંતાનો આસપાસ નાચે છે.
12 તેઓ નાચગાનમાં પોતાનો સમય પસાર કરે છે, તેઓ વાંસળી, સારંગી અને ખંજરીના તાલે ગાય છે અને ઝૂમે છે.
13 દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે.
    ત્યાર પછી તેઓ મૃત્યુ પામે છે અને પીડા વગર તેઓની કબરમાં જાય છે.
14 તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’
    તમે અમારી પાસે શું કરાવવા માગો છો તેની અમને ચિંતા નથી.
15 તેઓ કહે છે, ‘સર્વસમર્થ દેવ કોણ છે?
    અમારે તેમની સેવા શા માટે કરવી જોઇએ?
    શું એમને પ્રાર્થના કરીને કાઇ નહિ વળે?’

16 “એ સાચું છે કે દુષ્ટ લોકો પોતાની જાતે સફળ થયા નથી.
    હું તેઓની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી.
17 પણ કેટલીવાર દેવ અવારનવાર
    દુષ્ટ લોકોનો દીવો ફૂંક મારીને ઓલવે છે?
    કેટલીવાર દુષ્ટ લોકોને સમસ્યાઓ હોય છે?
18 આપણે એને કેટલીવાર હવામાં ખરસલાંની જેમ ઊડી જતો જોયો છે?
    વંટોળિયામાં ફોતરાઁની જેમ ફૂકાંઇ જતો જોયો છે?
19 તમે કહેશો, ‘દેવ તેઓના પાપની સજા તેઓના સંતાનોને કરે છે.’
    પણ દેવ જો તેઓને સજા કરે, તોજ તેઓને જાણ થશે કે તેઓ તેઓના પોતાના પાપોને લીધેજ સજા ભોગવી રહ્યાં છે!
20 પાપીને પોતાની સજા જોવા દો.
    તેને સર્વસમર્થ દેવનો ક્રોધ અનુભવવા દો.
21 જ્યારે દુષ્ટ માણસના જીવનનો અંત આવે છે, અને તે મરી જાય છે,
    તે તેની પાછળ રહેલા કુટુંબની ચિંતા કરતો નથી.

22 “માણસ શું દેવને પાઠ ભણાવી શકશે?
    દેવ ઉચ્ચ સ્થાનના લોકોનો પણ અભિપ્રાય બાંધે છે.
23 કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે
    તથા સુખચેનમાં રહે છે.
24 તેના શરીરને સારું પોષણ મળ્યું હતું
    અને તેના હાડકાં હજીપણ મજબૂત હતા.
25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે,
    અને કદી સુખનો અનુભવ કરતો નથી.
26 પણ માટીમાં તો એ બંને એક સાથે મળી જાય છે
    અને જીવડાં તેઓ બંને ઉપર પથરાઇ જાય છે અને તેમને ઢાંકી દે છે.

27 “જુઓ, તમારા વિચારો હું જાણું છું
    અને હું જાણું છું તમે મને દુ:ખ પહોચાડવા માગો છો.
28 તમે કહો છો, ‘એ મહાશયનું ઘર ક્યાં છે?
    એ દુષ્ટ માણસ વસતો હતો તે જગા ક્યાં છે?’

29 “શું તમે રસ્તે જનારાઓને પૂછયું?
    તમે ખાત્રીપૂર્વક તેઓની વાતો માનશો?
30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે.
    દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે.
31 તેણે જે દુષ્કર્મો કર્યા તે માટે તેને કોઇ જાહેરમાં ઠપકો આપી શકતું નથી.
    તેણે જે કર્યુ છે તે માટે તેને સજા આપનાર કોઇ નથી.
32 ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
    તેને માન અપાય છે.
33 એની કબરમાં માટી પણ એની આસપાસ નરમાશથી પથરાઇ જાય છે.
    એની આગળ અને પાછળ મોટી મેદની હોય છે.

34 “અને તમે! શા માટે મને ખોટા આશ્વાસન આપો છો?
    તમારા એક એક જવાબ સદંતર જૂઠા છે.”

પ્રેરિતોનાં કૃત્યો 10:24-48

24 બીજે દિવસે તેઓ કૈસરિયા શહેરમાં આવ્યા. કર્નેલિયસ તેઓની રાહ જોતો હતો. તેણે તેનાં સંબંધીઓ અને ગાઢ મિત્રોને તેના ઘરે લગભગ ભેગા કર્યા હતા.

25 જ્યારે પિતર ઘરમાં પ્રવેશ્યો, કર્નેલિયસ તેને મળ્યો. કર્નેલિયસ પિતરના ચરણોમાં નમી પડ્યો અને તેણે દંડવત પ્રણામ કર્યા. 26 પરતું પિતરે તેને ઊભો થવા કહ્યું. પિતરે કહ્યું, “ઊભો થા! હું ફક્ત એક તારા જેવો જ માણસ છું.” 27 પિતરે કર્નેલિયસ સાથે વાતો કરવાનું ચાલું રાખ્યું, પછી પિતર અંદરની બાજુએ ગયો અને ત્યાં એક મોટું લોકોનું ટોળું એકઠું થયેલું જોયું.

28 પિતરે લોકોને કહ્યું, “તમે લોકો પોતે જાણો છો કે જે માણસ યહૂદિ નથી, તેની સાથે સંબંધ રાખવો અથવા અને ત્યાં જવું, એ યહૂદિ માણસને ઉચિત નથી; પણ દેવે મને દર્શાવ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ. 29 તેથી જ જ્યારે મને અહી આવવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં કોઇ દલીલ કરી નથી. હવે, કૃપા કરીને મને કહો, મને શા માટે બોલાવવામાં આવ્યો છે.”

30 કર્નેલિયસે કહ્યું, “ચાર દિવસ પહેલા, હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. તે વખતે બપોરના ત્રણ વાગ્યા હતા. અચાનક, મારી સામે એક માણસ (દૂત) ઊભો હતો. તેણે ચળકતો પોશાક પહેરેલો હતો. 31 તે માણસે કહ્યું, ‘કર્નેલિયસ! દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે દેવે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. 32 તેથી યાફા શહેરમાં કેટલાક માણસોને મોકલ. સિમોન પિતરને આવવાનું કહે. પિતર પણ સિમોન નામના માણસના ઘરમાં રહે છે. જે તે એક ચમાર છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે.’ 33 તેથી મેં તાત્કાલિક તને તેડાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યુ. હવે પ્રભુએ જે વાતો તને કહેવા જણાવ્યું છે તે બધું સાંભળવા માટે અમે સઘળા દેવ સમક્ષ હાજર છીએ.”

પિતરનું કર્નેલિયસના ઘરમાં ભાષણ

34 પિતરે બોલવાનું શરું કર્યુ, “હવે હું ખરેખર સમજું છું કે દેવ સમક્ષ પ્રત્યેક વ્યક્તિ એક સમાન છે. 35 અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી. 36 દેવે યહૂદિ લોકોને કહ્યું છે. દેવે તેમને સુવાર્તા મોકલી છે કે ઈસુ ખ્રિસ્ત દ્ધારા શાંતિ આવી છે. ઈસુ તે સર્વનો પ્રભુ છે!

37 “યહૂદિયામાં સર્વત્ર શું બન્યું છે તે તું જાણે છે. યોહાને લોકોને બાપ્તિસ્માના સંદર્ભમાં બોધ આપ્યો પછી તે ગાલીલમાં શરું થઈ. 38 તમે નાસરેથના ઈસુ વિષે જાણો છો. દેવે તેને પવિત્ર આત્મા અને સાર્મથ્યથી અભિષિક્ત કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોનું સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો.

39 “ઈસુએ યહૂદિયા અને યરૂશાલેમમાં જે બધું કર્યુ તે અમે જોયું. અમે સાક્ષી છીએ. વળી ઈસુની હત્યા થઈ હતી. તેઓએ તેને લાકડાના વધસ્તંભ પર લટકાવ્યો. 40 પરંતુ, તેના મૃત્યુ પછીના ત્રીજા દિવસે દેવે ઈસુને મૂએલામાંથી ઉઠાડ્યો. દેવે લોકોને સ્પષ્ટ રીતે ઈસુના દર્શન કરાવ્યા. 41 પરંતુ બધા જ લોકો ઈસુને જોઈ શક્યા નહિ. ફક્ત સાક્ષીઓ કે જેમને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓએ તેને જોયો. અમે તે સાક્ષીઓ છીએ. ઈસુ જ્યારે મૃત્યુમાંથી ઉઠ્યો પછી, અમે તેની સાથે ખાધું છે અને પીધું છે.

42 “ઈસુએ અમને લોકોને બોધ આપવાનું કહ્યું અને સાક્ષી આપો કે દેને એને જ જીવતાંનો તથા મૂએલાંનો ન્યાયાધીશ તરીકે પસંદ કરેલ છે. 43 પ્રત્યેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેને પાપની માફી મળશે. દેવ ઈસુના નામે તે લોકોના પાપ માફ કરશે. બધા જ પ્રબોધકો કહે, આ સાચું છે.”

બિનયહૂદિઓમાં પવિત્ર આત્મા આવ્યો

44 જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. 45 યહૂદિ વિશ્વાસીઓ જેઓ ત્યાં પિતર સાથે આવ્યા હતા તેઓ નવાઇ પામ્યા. તેઓને નવાઇ લાગી હતી કે પવિત્ર આત્મા બિનયહૂદિ લોકો પર પણ રેડાયો છે. 46 આ યહૂદિ વિશ્વાસીઓએ તેઓને વિવિધ ભાષામાં બોલતા અને દેવની સ્તુતિ કરતા સાંભળ્યા. પછી પિતરે કહ્યું, 47 “અમે તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાની મનાઇ કરી શકીએ નહિ. તેઓને આપણી માફક જ પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે!” 48 તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International