Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 123-125

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

મંદિર ચઢવાનું ગીત.

જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
    તેઓને કદી હલાવામાં આવશે નહિ
    તેઓ સદાકાળ ટકી રહેશે.
જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
    તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
    નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.

હે યહોવા, જેઓ સારાઁ છે;
    અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
    લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.

ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

1 કરિંથીઓ 10:1-18

યહૂદિઓ જેવા ન બનો

10 ભાઈઓ અને બહેનો, આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું, તે તમે જાણો તેમ હું ઈચ્છું છું. તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા. મૂસામાં તે બધાજ લોકો વાદળ અને દરિયામાં બાપ્તિસ્મા પામ્યા હતા. તેઓ બધાએ એ જ આત્મિક અન્ન ખાધું હતું. તેઓ બધાએ એક સમાન આત્મિક પીણું પીધું હતું. તેઓએ તેઓની સાથે રહેલા આત્મિક ખડકમાંથી પીણું પીધું હતું. તે ખડક ખ્રિસ્ત હતો. પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા.

આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા. મૂર્તિઓની ઉપાસના ન કરશો જેમ પેલા લોકોએ કરેલી. એવું શાસ્ત્રલેખમાં લખેલું છે કે: “લોકો ખાવા-પીવા માટે નીચે બેઠા. લોકો નૃત્ય માટે ઊભા થયા.”(A) આપણે વ્યભિચારના પાપો જે તેમાંના કેટલાએક લોકોએ કર્યા તે નહિ કરવા જોઈએ. તેઓના પાપોને કારણે એક જ દિવસમાં તેઓમાંના 23,000 લોકો મૃત્યુ પામ્યા. તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું. 10 અને તેઓમાંના કેટલાએક લોકોએ ફરિયાદ કરેલી તેમ ન કરો. તે લોકોને જે વિનાશકર્તા છે એવા દૂત દ્વારા તેમને મારી નાખવામાં આવેલા હતા.

11 જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે. 12 તેથી જે વ્યક્તિ માને છે કે તે સ્થિર ઊભો રહી શકે છે તેણે નીચે પડી ન જવાય તેની સંભાળ રાખવી જોઈએ. 13 બધા લોકો પર જે પરીક્ષણ આવે છે તે જ પરીક્ષણો તમારા પર પણ આવે છે. પરંતુ તમે દેવમાં ભરોસો રાખી શકો છો. તમારી સહનશક્તિની સીમા બહાર તે તમને વધારે પરીક્ષણમાં પડવા દેશે નહિ. પરંતુ જ્યારે તમે પરીક્ષણમાં પડો, ત્યારે તે પરીક્ષણમાંથી છટકવા માટેનો રસ્તો પણ દેવ જ તમને બતાવશે, તેથી તમે સહન કરી શકો.

14 તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. 15 તમે બુદ્ધિશાળી લોકો છો એમ માનીને હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું; હું જે કઈ કહી રહ્યો છું તે તમે તમારી જાતે જ મૂલવો. 16 આશીર્વાદનો પ્યાલો કે જેને માટે આપણે આભારી છીએ, તે ખ્રિસ્તના રક્તના સહભાગી થવા માટે છે, ખરુંને? અને રોટલી કે જે આપણે તોડીએ છે તે ખ્રિસ્તના શરીરના સહભાગી થવા માટે છે, ખરુંને? 17 રોટલીનો ત્યાં એક જ ટુકડો છે, અને આપણે ઘણા માણસો છીએ. પરંતુ આપણે બધા તે એક રોટલીના ટુકડાને વહેંચીએ છીએ. તેથી ખરેખર તો આપણે એક શરીર જ છીએ.

18 ઈસ્રાએલના લોકો વિષે વિચાર કરો. એ લોકો કે જે વેદી પર ચડાવેલા યજ્ઞાર્પણો ખાય છે. તેઓ વેદીના ભાગીદાર છે, શું તેઓ આમ નથી કરતા?

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International