Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 89-90

એથાન એઝાહીનું માસ્કીલ.

યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
    સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
    અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
    અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
    અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”

પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
    અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
    જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
    જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
    દેવ ભયાવહ અને સન્માનનીય છે.
હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
    તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
    તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
    તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
    તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
    તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
    તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
    મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
    તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
    તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
    અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
    અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
    અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
    અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
    મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
    અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
    અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
    અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
    ને હું નિરંતર પ્રેમ રાખીશ;
    મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
    અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
    તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
    અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
    અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
    સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
    તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
    અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
    અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
    અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
    અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
    મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
    હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
    અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
    સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
    તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
    તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
    અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
    અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
    અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
    અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
    અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
    અને તમે તેને શરમાવ્યો છે.

46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
    શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
    શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
    શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
    શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
    જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
    અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!

52 યહોવાની સદાય સ્તુતિ કરો.
    આમીન તથા આમીન!

ભાગ ચોથો

(ગીત 90–106)

દેવના ભકત મૂસાની પ્રાર્થના.

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
    તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
    તે પહેલાંથી તમે જ દેવ છો;
    તમારી શરૂઆત નથી કે અંત નથી.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
    અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
    અને રાતના એક પહોર જેવાં છે!
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
    અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
તે સવારે ખીલે છે અને વધે છે;
    સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
    અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
તમે અમારાં બધાં પાપો,
    અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
    અને તે બધાં તમે જોઇ શકો છો.
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
    નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
    કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
    કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
    અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
    જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
    પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
    જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
    અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
    અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
    અને અમને સફળતા આપો;
    અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.

રોમનો 14

બીજા લોકોની ટીકા ન કરો

14 વિશ્વાસમાં જે માણસ નબળો હોય તો તેનો તમે તમારી મંડળીમાં સ્વીકારવા માટે ઈન્કાર ન કરશો. અને એ વ્યક્તિના જુદા વિચારો વિષે એની સાથે દલીલબાજીમાં ન ઉતરશો. એક વ્યક્તિ એવું માને છે કે એને મન ફાવે તેમ તે કોઈપણ જાતનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ નિર્બળ વિશ્વાસ ધરાવનાર માણસ એવું માને છે કે તે ફક્ત શાકભાજી જ ખાઈ શકે છે. કોઈપણ જાતનો ખોરાક લેનાર માણસે એવું માની લેવું ન જોઈએ કે તે શુદ્ધ શાકાહારી વ્યક્તિ કરતાં વધારે સારો છે. અને ચુસ્ત શાકાહારી માણસે પણ એવું માનવું ન જોઈએ કે બધી જાતનો ખોરાક લેનાર માણસ ખોટો છે. કેમ કે દેવે તેનો પણ સ્વીકાર કર્યો છે. બીજા માણસના નોકર વિષે તમે અભિપ્રાય આપી ન શકો. નોકર કામ બરાબર કરે છે કે નહિ, એ તો ફક્ત એનો પોતાનો જ શેઠ નક્કી કરી શકે. અને પ્રભુનો સેવક ન્યાયી હશે કારણ કે તેને ન્યાયી કે સુપાત્ર બનાવવા પ્રભુ સમર્થ છે.

કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે. અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે. ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ. બીજા દિવસો કરતાં અમુક જ દિવસ વધારે અગત્યનો છે એવું માનનાર માણસ પ્રભુને માટે એવું કરી રહ્યો છે. અને બધું જ ખાનાર માણસ પણ દેવને માટે એવું કરી રહ્યો છે. હા એ ખોરાક માટે તે દેવનો આભાર માને છે. અને અમુક ખોરાક ખાવાનો ઈન્કાર કરનાર માણસ પણ પ્રભુને ખાતર એમ કરી રહ્યો છે. એ પણ દેવનો આભાર માને છે.

હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી. જો આપણે જીવીએ છીએ તો તે પ્રભુને ખાતર જ જીવીએ છીએ. અને જો આપણે મરીએ છીએ તો તે પણ પ્રભુને ખાતર જ. આમ, જીવતાં કે મરતાં આપણે પ્રભુનાજ છીએ.

તેથી જ તો ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો મૃત્યુમાંથી સજીવન થયો. ખ્રિસ્તે આ પ્રમાણે કર્યુ જેથી કરીને જે લોકો મરણ પામ્યા છે અને જેઓ હજી જીવતા છે તે સૌને ને પ્રભુ થાય. 10 તો પછી ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર તમારા ભાઈ વિષે તમે શા માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધો છો? અથવા તો તમારા ભાઈ કરતાં તમે વધારે સારા છો, એમ તમે શા માટે વિચારો છો? આપણે બધાએ દેવના ન્યાયાસન આગળ ઉપસ્થિત થવાનું છે અને તે આપણા સૌનો ન્યાય કરશે. 11 હા, શાસ્ત્રમાં લખેલું છે:

“‘પ્રભુ કહે છે કે,
    પ્રત્યેક વ્યક્તિ મારી આગળ ઘૂંટણીએ પડીને નમન કરશે
    અને પ્રત્યેક વ્યક્તિ કબૂલ કરશે કે, હું દેવ છું. હું જીવું છું એ જેટલું ચોક્કસ છે, એટલું ચોક્કસ એ રીતે આ બધું બનશે.’” (A)

12 આમ, પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે.

બીજા લોકો પાસે પાપ કરાવશો નહિ

13 આમ આપણે એકબીજાનો ન્યાય તોળવાનું બંધ કરવું જોઈએ. આપણે એવો નિર્ણય લેવો પડશે કે આપણે એવું કાંઈ પણ ન કરવું કે જે કોઈ ભાઈ કે બહેનને નિર્બળ બનાવે કે તેને પાપમાં પાડે. 14 હું તો પ્રભુ ઈસુમાં છું. અને હું જાણું છું કે એવો કોઈ ખોરાક નથી કે જે ખાવા માટે નકામો હોય. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે કોઈ વસ્તુ તેના માટે ખોટી કે નકામી છે, તે તેના માટે તે ખોટું જ છે.

15 જો તમે જે કાંઈ ખોરાક લેતા હોય અને તેનાથી તમારા ભાઈની લાગણી દુભાતી હોય તો તમે પ્રેમનો માર્ગ અનુસરતા નથી. તેને ખાવાનો આગ્રહ કરીને તેના વિશ્વાસનો નાશ કરશો નહિ. એ માણસ માટે ઈસુ મરણ પામ્યો છે. 16 તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું કશું કરશો નહિ. 17 દેવના રાજ્યમાં ખાવું અને પીવું એ અગત્યની બાબતો નથી. તેનાં કરતાં અગત્યની બાબતો દેવના રાજ્યમાં તો દેવની સાથે ન્યાયી થવું અને શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ અનુભવવો તે છે. 18 જે કોઈ વ્યક્તિ આ રીતે જીવન જીવીને ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પ્રસન્ન કરે છે. અને બીજા લોકો પણ એ વ્યક્તિનો સ્વીકાર કરે છે.

19 જે કામો કરવાથી શાંતિ સ્થપાતી હોય એવું કરવા આપણે સખત પરિશ્રમ કરીએ. અને જેનાથી એક બીજાને મદદ થાય એવું કરવાનો આપણે પ્રયત્ન કરીએ. 20 જ ખોરાક ખાવાની બાબત પર માર મૂકીને દેવનું કાર્ય નષ્ટ ન થવા દો. ખાવાની બાબતમાં બધો જ ખોરાક ખાવા લાયક હોય છે. પરંતુ જે ખાવાથી બીજો માણસ જો પાપમાં પડતો હોય તો એ ખોરાક ખાવો યોગ્ય ન ગણાય. 21 સાચી વસ્તુ એ છે કે માંસ ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી કે એવું કાંઈ કરવાથી જો તમારા ભાઈનું આધ્યાત્મિક પતન થતું હોય તો તે યોગ્ય નથી. તેથી એવું કાંઈ પણ ન કરવું જેનાથી કોઈનું પણ આધ્યાત્મિક પતન થાય.

22 આવી બાબતો વિષેની તમારી અંગત માન્યતાઓને તમારી અને દેવની વચ્ચે ગુપ્ત રાખવી જોઈએ. અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવ્યા વગર જે વ્યક્તિ પોતે જેને સાચું કે યોગ્ય માનતો હોય એવું કરી શકે એવી વ્યક્તિને ધન્ય છે. 23 તે ખોરાક ખાવો યોગ્ય છે કે નહિ તેની ખાતરી કર્યા વગર જો કોઈ વ્યક્તિ તે ખાઈ લે તો તે પોતાની જાતને દોષિત માને છે. શા માટે? કારણ કે તે વ્યાજબી હતું એમ તેણે માન્યું નહોતું. અને જો કોઈ વ્યક્તિ જેમાં તેને વિશ્વાસ નથી કે તે સાચું છે અને તે કરે છે તો પછી તે પાપ છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International