Old/New Testament
1 યહોવા શાસન કરે છે.
હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
સુખી થાઓ!
2 તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
3 અગ્નિ તેમની આગળ ચાલે છે
અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
4 તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
5 પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
6 તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.
7 મૂર્તિઓનું પૂજન કરનારા
અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
અને યહોવાની ઉપાસના કરશે.
8 હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
9 હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
અને તેનાં પવિત્ર નામને માન આપો!
સ્તુતિગીત.
1 યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ;
કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે.
એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય
પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
2 યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે,
તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
3 તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે.
બધા દૂરના રાષ્ટ્રોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે,
આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
4 હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો.
આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
5 તમે સિતારનાં તાર સાથે તાર મેળવો,
સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
6 આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો!
ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો,
આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો;
યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
9 યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે.
તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
પાઉલ ઉપસંહારમાં આભાર-વિધિ કરે છે
16 હું તમને જણાવવા ઈચ્છું છું કે ખ્રિસ્તમાં ખ્રિસ્તની મંડળીની તે ખાસ સેવિકા છે. 2 પ્રભુના નામે દેવના લોકોને શોભે તે રીતે તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ તમારી પાસે મદદની માગણી કરે ત્યારે તેને સહાય કરજો.
3 પ્રિસ્કા અને અકુલાસને મારી સલામ કહેજો. ખ્રિસ્ત ઈસુની સેવામાં તેઓ મારી કાર્ય કરે છે. 4 મારો જીવ બચાવવા તેમણે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું. હું એમનો આભારી છું, અને બધી જ બિનયહૂદિ મંડળીઓ એમની આભારી છે.
5 અને વળી એમના ઘરમાં જે મંડળી છે તેને પણ મારી સલામ કહેશો.
મારા પ્રિય મિત્ર અપૈનિતસને મારા સ્નેહસ્મરણ પાઠવશો. આસિયા માઈનોરના પશ્ચિમ વિસ્તારમાં ખ્રિસ્તનો શિષ્ય થનાર તે પહેલો માણસ હતો.
6 મરિયમની ખબર પૂછશો, તમારા માટે એણે ઘણું સખત કામ કર્યુ છે.
7 આન્દ્રનિકસ અને જુનિયાસને સલામ કહેજો. તેઓ મારા સંબંધી છે, અને તેઓ મારી સાથે કેદમાં હતા. તેઓ તો દેવના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ કાર્યકરોમાંના છે. મારી અગાઉ તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસી હતા.
8 પ્રભુમાં મારા પ્રિય મિત્ર અંપ્લિયાતસને મારી સલામ પાઠવશો. 9 ઉર્બાનુસને મારી સલામ કહેજો. ખ્રિસ્તની સેવામાં જોડયેલા તે મારા સહકાર્યકર છે.
અને મારા પ્રિય મિત્ર સ્તાખુસની ખબર પૂછશો. 10 અપેલ્લેસને મારી સલામ કહેશો. તેની પરીક્ષા કરવામાં આવી હતી અને સાબિત થયું હતું કે તે ખ્રિસ્તને ખરેખર પ્રેમ કરે છે.
અરિસ્તોબુલસના કુટુંબના સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 11 મારા સંબંધી હેરોદિયોનને સલામ કહેજો.
નાર્કીસસ કુટુંબના જેઓ પ્રભુના છે તે સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 12 ત્રુંફૈના અને ત્રુંફોસાની મારા વતી ખબર પૂછશો. પ્રભુ માટે આ સ્ત્રીઓ ઘણી સખત મહેનત કરી રહી છે.
પેર્સિસને મારી સ્નેહભીની યાદ પાઠવશો. એણે પણ પ્રભુ માટે ઘણો સખત પરિશ્રમ કર્યો છે.
13 રૂફસને સલામ કહેજો. પ્રભુની સેવામાં તે વિશિષ્ટ વ્યક્તિ છે. એની માને મારી સલામ પાઠવશો. એ તો મારી મા પણ થાય છે.
14 ખ્રિસ્તના શરણે આવેલા સૌ ભાઈઓ સાથે અસુંકિતસ, ફલેગોન, હર્મેસ, પાત્રબાસ તથા હાર્માસ છે તેઓને મારી સલામ કહેજો.
15 ફિલોલોગસ અને જુલિયા, નેર્યુસ તથા એની બહેન, અને ઓલિમ્પાસને મારી સલામ પાઠવશો. અને એમની સાથે જે સંતો છે તે સૌને મારી સલામ કહેજો.
16 તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો.
ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે.
17 ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો. 18 એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે. 19 તમે લોકો દેવની આજ્ઞા પાળો છો, એમ બધા વિશ્વાસીઓએ સાંભળ્યું છે. તેથી એ વિષે તમારે લીધે મને ઘણો આનંદ થાય છે. પરંતુ જે બધી વસ્તુઓ સારી છે તે તમે જાણો અને સમજો એમ હું ઈચ્છું છું. અને જે બાબતો ભૂંડી છે તે વિષે તમે બિલકુલ ન જાણો એમ પણ હું ઈચ્છું છું.
20 શાંતિ આપનાર દેવ હવે ટૂંક સમયમાં જ શેતાનને હરાવશે અને એના પર તમારી સત્તા ચાલે એવી તમને શક્તિ આપશે.
પ્રભુ ઈસુની દયા તમારી સાથે જ છે.
21 મારી સાથેના કાર્યકર તિમોથી તમને સલામ પાઠવે છે. વળી મારા સંબંધીઓ લૂક્યિસ, યાસોન, સોસિપાત્રસ પણ તમારી ખબર પૂછે છે.
22 હું તેર્તિયુસ છું, અને પાઉલ જે બોલે છે તે બધું હું લખી રહ્યો છું. પ્રભુના નામે મારી તમને સલામ કહું છું.
23 ગાયસ એનું ઘર મને તથા અહીંની આખી ખ્રિસ્તની મંડળીને વાપરવા દે છે. તે પણ તમને સલામ પાઠવે છે. એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમારી ખબર પૂછે છે. એરાસ્તસ અહીંનો નગર-ખજાનચી છે. [24 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન.][a]
25 દેવનો મહિમા થાઓ. એક માત્ર દેવ જ તમારા વિશ્વાસને દ્રઢ કરી શકે છે. જે સુવાર્તાનો ઉપદેશ હું તમને ધર્મમાં તમારો વિશ્વાસ મજબૂત કરવા આપું છું, એ સંદેશનો સદુપયોગ દેવ હવે કરી શકશે. સુવાર્તા એટલે કે લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહેવા સુપાત્ર થાય, એવો માર્ગ હવે દેવે સૌ માટે ખૂલ્લો કરી દીધો છે. એ સુવાર્તા ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે હું લોકોને કહું છું. સુવાર્તા એક ગુપ્ત સત્ય છે કે જે હવે દેવે જાહેર કર્યુ છે. ઘણા વર્ષોથી એ રહસ્યમય સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું. 26 પરંતુ એ ગુપ્ત સત્ય હવે આપણી આગળ પ્રગટ કરી દેવામાં આવ્યું છે. અને હવે બધા જ દેશોના લોકોને એ સત્યથી માહિતગાર કરવામાં આવ્યા છે. પ્રબોધકોએ લખેલાં વચનો દ્વારા એ સત્ય જાહેર કરવામાં આવ્યું છે. દેવની આજ્ઞા આવી જ છે. અને તે ગુપ્ત સત્ય સૌ લોકોને હવે જણાવ્યું છે, જેથી કરીને તેઓ દેવ પર વિશ્વાસ કરે અને એની આજ્ઞાઓ પાળે. દેવ તો અવિનાશી છે. 27 તે એકલા જ્ઞાની દેવને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ પર્યંત મહિમા હો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International