Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 100-102

આભારસ્તુતિનું ગીત.

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
    તેમની સમક્ષ આવો.
અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
    તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
    આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
    અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
    આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
કારણ, યહોવા ઉત્તમ છે,
    તેમની કૃપા સર્વકાળ છે;
    અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.

દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ.
    હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ.
હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે
    સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ.
    તમે મારી પાસે ક્યારે આવશો?
હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો;
    અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો;
    જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધિક્કારવા મને મદદ કરો.
હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ,
    અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.
હું જે કોઇ તેમનાં પડોશીઓની વિરુદ્ધમાં
    ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ.
જેની આંખો અને હૃદય અભિમાનથી ભરેલાં છે;
    તેમને હું સહન કરીશ નહિ.

હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ
    અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ,
    ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે.
વિશ્વાસઘાતી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ,
    જૂઠું બોલનારા કોઇ મારી નજીક રહેશે નહિ.
આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ,
    હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.

એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારા પોકારને કાન પર આવવા દો.
મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
    કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
    અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
    તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
    ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
    વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
હું જાગતો પડ્યો રહું છું,
    છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
    અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
    મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
    કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.

11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
    ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
    પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
    તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
    અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
    અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
    અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
    અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
    જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
    અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
    નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
    જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
    અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
    તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.

23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
    મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
    મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
    અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
    તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
    તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
    અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
    અને તેમનાં વંશજો
    તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”

1 કરિંથીઓ 1

પાઉલ તરફથી કુશળતા હો. ખ્રિસ્ત ઈસુના એક પ્રેરિત તરીકે મને પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે દેવે તે રીતે ઈચ્છયું. ખ્રિસ્તમાં આપણા ભાઈ સોસ્થનેસ તરફથી પણ કુશળતા હો.

કરિંથમાંની દેવની મંડળી અને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર બનાવાયેલા લોકો પ્રતિ, તમે દેવના પસંદ કરાયેલા પવિત્ર લોકો છો. તમે બધી જગ્યાઓના બધા લોકો સાથે તમે પસંદ કરાયેલાં છો, કે જેને આપણા અને તેઓના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં વિશ્વાસ છે.

દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

પાઉલનું દેવ પ્રતિ આભારદર્શન

ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે તમારા પર જે કૃપા દર્શાવી છે, તેના માટે હમેશા હું મારા દેવનો આભાર માનું છું. દરેક રીતે તમે ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદ પામ્યા છો. તમારી સંપૂર્ણ વાણી અને તમારા સંપૂર્ણ જ્ઞાનમાં તમે આશીર્વાદ પામ્યા છો. ખ્રિસ્ત વિષેનું સત્ય તમારામાં પ્રમાણિત થયું છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની તમે પ્રતિજ્ઞા કરી રહ્યા છો, તે દરમ્યાન દેવના દરેક કૃપાદાન તમારી પાસે છે. અંત સુધી હરહંમેશ ઈસુ તમને સક્ષમ રાખશે. તે તમને સુદઢ રાખશે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનના દિવસે તમારામાં કોઈ ક્ષતિ ન રહે. દેવ વિશ્વાસપાત્ર છે. તે એ જ છે કે જેણે તેના દીકરા ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જીવન ગાળવા તમને પસંદ કર્યા છે.

કરિંથની મંડળીની સમસ્યાઓ

10 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે હું તમને વિનંતી કરું છું કે તમે બધા એક મતના થાઓ. જેથી કરીને તમારામાં કોઈ ભાગલા ન પડે. હું તમને વિનંતી કરું છું કે તમે એ જ હેતુથી એ જ વિચારમાં સંપૂર્ણ રીતે એક થાઓ.

11 મારા ભાઈઓ અને બહેનો, ખ્લોએ પરિવારના કેટલા એક સભ્યોએ મને તમારા વિષે જણાવ્યું. મેં સાંભળ્યું છે કે તમારામાં અંદરો અંદર મતભેદ છે. 12 મારું કહેવું આમ છે: તમારામાંનો એક કહે છે, “હું પાઉલને અનુસરું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું અપોલોસને અનુસરું છું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું કેફાને અનુસરું છું;” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું ખ્રિસ્તને અનુસરું છું.” 13 ખ્રિસ્તને વિવિધ જૂથોમાં વિભાજીત ન કરી શકાય. શું પાઉલ તમારા માટે વધસ્તંભ પર મરણ પામેલો? ના! તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા? ના! 14 મને આનંદ છે કે કિસ્પુસ અને ગાયસ સિવાય બાકીના કોઈને પણ મેં બાપ્તિસ્મા આપ્યાં ન હતાં. 15 મને આનંદ છે કારણ કે હવે કોઈ પણ એવું કહી શકશે નહિ કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા છો. 16 (મેં સ્તેફનાસના પરિવારને તો બાપ્તિસ્મા આપેલુ, પણ એ સિવાય મેં બીજા કોઈનું પણ બાપ્તિસ્મા કર્યુ હોય તેવું હું જાણતો નથી.) 17 ખ્રિસ્તે મને લોકોને બાપ્તિસ્મા આપવાનું કામ સોંપ્યું ન હતું. ખ્રિસ્તે તો મને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું હતું. પરંતુ ખ્રિસ્તે મને દુન્યવી શાણપણના શબ્દોનો ઉપયોગ કર્યા સિવાય સુવાર્તા કહેવા મોકલ્યો હતો. જો મેં દુન્યવી જ્ઞાનનો સુવાર્તા કહેવામાં ઉપયોગ કર્યો હોત, તો ખ્રિસ્તના વધસ્તંભે[a] તેનું સાર્મથ્ય ગુમાવ્યું હોત.

ખ્રિસ્તમાં દેવનું સાર્મથ્ય અને જ્ઞાન

18 જે લોકો ભટકી ગયેલા છે, તેઓને માટે વધસ્તંભ અંગેનો ઉપદેશ મૂર્ખતા ભરેલો છે. પરંતુ આપણે માટે કે જેનું તારણ થયેલું છે, તેમના માટે તો તે દેવનું સાર્મથ્ય છે. 19 શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે કે:

“હું જ્ઞાની માણસોના જ્ઞાનનો વિનાશ કરીશ.
હું બુધ્ધિમાન માણસોની બુધ્ધિને નિર્માલ્ય બનાવી દઈશ.” (A)

20 જ્ઞાની વ્યક્તિ ક્યાં છે? શિક્ષિત વ્યક્તિ ક્યાં છે? આ યુગનો તત્વજ્ઞાની ક્યાં છે? દેવે દુન્યવી જ્ઞાનને મૂર્ખતામાં ફરવી દીધું છે. 21 તેમના આ જ જ્ઞાન વડે દેવ આવું ઈચ્છતો હતો: દુનિયા પોતાના જ્ઞાનથી દેવને ન ઓળખી શકી ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવે ઈચ્છયું.

22 યહૂદિઓ પ્રમાણ તરીકે ચમત્કારોની માગણી કરે છે. ગ્રીકો શાણપણ માગે છે. 23 પણ અમે આવો ઉપદેશ આપીએ છીએ: ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. આ યહૂદિઓ માટે અસ્વીકાર્ય છે. અને બિનયહૂદિઓને આ મૂર્ખામી ભરેલું લાગે છે. 24 દેવે જેને બોલાવ્યો તેવા યહૂદિ (પસંદ કરેલા) અને ગ્રીક લોકો માટે ખ્રિસ્ત તો દેવનું સાર્મથ્ય તથા જ્ઞાન છે. 25 દેવની મૂર્ખતા પણ માણસો કરતાં વધુ જ્ઞાનવાળી હોય છે. દેવની નિર્બળતા પણ માણસો કરતાં વધુ શક્તિશાળી હોય છે.

26 ભાઈઓ અને બહેનો, દેવે તમને પસંદ કર્યા. તેના વિષે વિચાર કરો! અને દુનિયા જે રીતે જ્ઞાનને મુલવે છે, તે રીતે તમારામાંના ઘણા જ્ઞાની ન હતા. તમારામાના ઘણાનો વિશિષ્ટ પ્રભાવ ન હતો. કે તમારામાંના ઘણા વિશિષ્ટ ખાનદાનમાંથી પણ આવતા ન હતા. 27 જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી. 28 જગત જેને બિનમહત્વનું ગણે છે, અને જેને દુનિયા ધિક્કારે છે જે કશું જ નથી. દેવ તેને પસંદ કરે છે. જેને જગતે મહત્વનું ગણ્યું તેનો વિનાશ કરવા માટે દેવે પસંદ કર્યુ. 29 કોઈ પણ માણસ દેવ સામે બડાશ મારી શકે નહિ તેથી દેવે આમ કર્યુ. 30 દેવ એક જ છે જે આપણને ખ્રિસ્ત ઈસુના અંશરૂપ બનાવે છે. દેવ તરફથી ખ્રિસ્ત આપણું શાણપણ બન્યો છે. ખ્રિસ્તના કારણે આપણે દેવે પ્રત્યે ન્યાયી છીએ. ખ્રિસ્તના કારણે પાપમાંથી મુક્તિ મળી છે. ખ્રિસ્તના કારણે જ આપણે પવિત્ર છીએ. 31 તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”(B)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International