Old/New Testament
ભાગ પાંયમો
(ગીત 107–150)
1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
4 કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
અને તેઓને વસવા નગર ન મળ્યું.
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
અને નબળા પડી રહ્યાં હતાં.
6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
8 દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
9 કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.
10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.
17 મૂર્ખ લોકો પોતાના પાપથી
તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.
23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
અને પાછા ઊંડાણમાં પટકાય છે;
લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29 તેણે તોફાનને અટકાવ્યા
તથા મોજાઓને શાંત કર્યા છે.
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
તેઓને યહોવાનો આભાર માનવા દો.
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.
33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35 વળી તે રણમાં સરોવર કરે
અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે;
અને ઢોર-ઢાંખર પણ વધે છે.
39 પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ
અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.
40 તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે,
અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.
41 પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા
અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.
42 તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે;
અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.
દાઉદનું ગીત.
1 હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે,
હું તમારી સ્તુતિ કરીશ.
ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
2 જાગો, ઓ વીણા અને સારંગી;
ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
3 “હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે
પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
4 કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે
અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
5 હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો!
ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
6 દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો,
તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.
7 દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા,
“હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ.
હું આ ભૂમિ વહેંચીશ,
અને તેમને શખેમ
તથા સુકકોથની ખીણ આપીશ.
8 ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે;
એફ્રાઇમ માથાનો ટોપ છે અને,
યહૂદિયા મારો રાજદંડ છે.
9 મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે.
અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે,
હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”
10 મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે?
અને મને અદોમમાં કોણ દોરી જશે?
11 હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે?
હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
13 અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા,
એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.
નિર્દેશક માટે. દાઉદના સ્તુતિગીતોમાંનુ એક
1 હે મારા દેવ, તમે તે એક છો જેની હું સ્તુતિ કરું
છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.
2 કારણ, દુષ્ટ અને કપટી માણસો મારા પર આક્ષેપો મૂકે છે;
તેઓ મારી સામે પોતાની જીભે જ જૂઠું બોલે છે.
3 તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે;
તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.
4 તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે;
પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું.
5 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે;
અને મારી પ્રીતિને બદલે તેઓ દ્વેષ કરે છે.
6 મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુકત કરો.
અને તેને એક અપ્રામાણિક ન્યાયાધીશ સામે ઊભો રાખો.
7 અને તેનો મુકદૃમો ચાલે ત્યારે ભલે તેને દોષી ઠરાવાય,
અને ભલે દેવ દ્વારા તેની પ્રાર્થના પાપથી ભરેલી ગણાય.
8 તેનાં આયુષ્યનાં વર્ષો થોડાં અને ટૂંકા થાઓ;
અને તેનું પદ કામ લેવાંને બીજા આગળ આવો.
9 તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ, અને તેની પત્ની વિધવા, થાઓ.
10 તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો;
ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.
11 જોરજુલમથી લેણદાર તેમનું બધું લઇ જાઓ;
તેમનાં મહેનતનાં ફળ પરાયા લૂંટી જાઓ.
12 તેના પર દયા દાખવનાર કોઇ ન રહો;
અને તેનાં અનાથ છૈયાં પર કોઇ કૃપા રાખનાર ન રહો.
13 ભલે મારા શત્રુઓ અને તેના પરિવારોનો નાશ થાય!
અને ભલે આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણ પણે ભૂંસાઇ જાય!
14 યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો!
માતાપિતાના પાપની તેને સજા મળે!
અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડા કાન ન કરે!
15 તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી
તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉખેડી નાખવામાં આવે!
16 કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે;
અને ગરીબોની સતાવણી કરી છે;
અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.
17 બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું;
ભલે શાપો તેની ઉપર આવે.
તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી;
તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
18 શાપોને તેના વસ્રો થવા દો!
શાપોને તેનું પીવાનું પાણી થવા દો!
શાપોને તેના શરીર
પરનું તેલ થવા દો.
19 પહેરવાના વસ્રની જેમ તે તેને ઢાંકનાર થાઓ;
અને કમરબંધની જેમ તે સદા વીંટળાઇ રહો.
20 જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે;
તેઓને આ યહોવા તરફની શિક્ષા છે.
21 પણ, હે યહોવા દેવ, તમે મારા પ્રભુ છો!
ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો;
તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.
22 હું ગરીબ છું અને તંગી અનુભવું છું;
ને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
23 મારું જીવન સંધ્યા સમયના પડછાયાની જેમ અંત પામે છે.
મને તીડની જેમ ખંખેરી નાખ્યો હોય તેવું લાગે છે.
24 ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે;
અને પુષ્ટિ વિના મારું માંસ ઘટી ગયું છે.
25 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતિક બન્યો છું;
જ્યારે મને જુએ છે ત્યારે પોતાના માથાઁ હલાવે છે.
26 હે યહોવા મારા દેવ, મને મદદ કરો;
મારું તારણ કરો, તમે કૃપાળુ અને પ્રેમાળ છો.
27 જેથી હે યહોવા, આ તારે હાથે
તેં જ કર્યુ છે એમ તે સર્વ લોકો જાણે.
28 તેઓ ભલે મને શાપ આપે, હું તેની કાળજી કરીશ નહિ;
કારણ તમે મને આશીર્વાદ આપો છો;
જ્યારે તેઓ મારા પર હુમલો કરે ત્યારે તેમને હારવા દો, પછી હું તમારો સેવક આનંદ પામીશ.
29 મારા શત્રુઓ વસ્રની જેમ લાજથી ઢંકાઇ જાઓ!
અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઇ જાઓ.
30 પરંતુ હું યહોવાનો વારંવાર આભાર માનીશ;
અને હું તેમની ઘણા લોકોમાં સ્તુતિ ગાઇશ.
31 કારણકે તે ઊભા રહે છે ગરીબ અને ભૂખ્યાંઓની જોડે;
અને જેઓ તેમને મોતની સજા કરવાનો પ્રયત્ન કરે છે;
તેમનાથી તે અસહાય લોકોને બચાવે છે.
ખ્રિસ્તના પ્રેરિતો
4 લોકોએ અમારા વિષે આમ માનવું જોઈએ: અમે તો ઈસુ ખ્રિસ્તના સેવકો છીએ. અમે એવા લોકો છીએ કે જેને મર્મોના કારભારીઓ ગણવા. 2 જો કોઈ વ્યક્તિનો કશાક માટે વિશ્વાસ કરવામાં આવે તો તેણે દર્શાવવું જોઈએ કે તે વ્યક્તિ તે વસ્તુનો વિશ્વાસ કરવા લાયક છે. 3 મારો તમે ન્યાય કરો તેની મને પરવા નથી. અને કોઈ માનવ અદાલત દ્વારા મારો ન્યાય થાય તેની પણ મને પરવા નથી. હું તો મારા પોતાનો પણ ન્યાય કરતો નથી. 4 મેં કોઈ પણ ખરાબ કૃત્યો કર્યા હોય તેવી મને જાણકારી નથી. પરંતુ તેનાથી હું નિર્દોષ સાબિત થતો નથી. પ્રભુ જ એક એવો છે જે મારો ન્યાય કરી શકે છે. 5 તેથી યોગ્ય સમય પહેલાં ન્યાય ન કરો, પ્રભુ આવે ત્યાં સુધી રાહ જુઓ. તે જે વસ્તુઓ અંધકારમાં છુપાઈ છે તેના પર પ્રકાશ પાડશે તે લોકોના હૃદયના ગુપ્ત ઈરાદાઓને જાહેર કરી દેશે. પછી દેવ દરેક વ્યક્તિને તેને મળવી જોઈએ તેટલી પ્રશંસા આપશે.
6 ભાઈઓ અને બહેનો, આ બાબતો અંગે મેં અપોલોસ અને મારો પોતાનો જ ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો છે. મેં આમ કર્યુ જેથી કરીને તમે અમારામાંથી શબ્દના અર્થ પામી શકો, “ફક્ત જે શાસ્ત્રલેખમાં લખ્યું છે તેનો જ અમલ કરો.” પછી તમે કોઈ એક વ્યક્તિ માટે ગૌરવ નહિ અનુભવો કે બીજી વ્યક્તિને તિરસ્કાકશો નહિ. 7 કોણ કહે છે કે તમે બીજા લોકો કરતાં વધુ સારા છો? તમારી પાસે જે કાંઈ છે તે તમને આપવામાં આવ્યું હતું, તો પછી તમે તે વસ્તુઓ તમારી પોતાની તાકાતના જોરે મેળવી હોય તેવી બડાશ કેમ મારો છો?
8 તમે માનો છો કે તમારી પાસે તમારી જરૂરિયાતની દરેક વસ્તુ છે. તમે માનો છો કે તમે ધનવાન છો. તમે માનો છો કે અમારા વગર તમે રાજાઓ બની ગયા છો. હું ઈચ્છું અને આશા કરું છું કે તમે ખરેખર રાજા હો! તો પછી અમે પણ તમારી સાથે રાજા બની શકીએ. 9 પરંતુ મને એમ લાગે છે કે દેવે મને અને બીજા પ્રેરિતોને અંતિમ સ્થાન આપ્યું છે. અમે તો તે માણસો જેવા છીએ કે જેને અન્ય લોકોની નજર સામે મરવું પડે છે. અમે તો આખા જગત-દૂતો અને લોકોની નજરે તમાશા જેવા થયા છીએ. 10 અમે તો ખ્રિસ્ત માટે મૂર્ખ છીએ. પરંતુ તમે માનો છો કે તમે ખ્રિસ્તમાં ઘણા જ્ઞાની છો. અમે તો નિર્બળ છીએ. પરંતુ તમે માનો છો કે તમે શક્તિશાળી છો. લોકો તમને માન આપે છે, પણ અમારું અપમાન કરે છે. 11 અત્યારે પણ અમારી પાસે પૂરતું ખાવા કે પીવાનું નથી કે અમારી પાસે પૂરતાં કપડાં નથી. અમારે ઘણી વાર માર ખાવો પડે છે. અમારી પાસે કોઈ ઘર નથી. 12 અમારે અમારી જાતે અમારા પોતાના હાથે અમને પોષવા સખત પરિશ્રમ કરવો પડે છે. લોકો અમને શાપ આપે છે. પરંતુ અમે તેમને આશીર્વાદ આપીએ છીએ. લોકો અમને હેરાનગતિ કરે છે, અને અમે તે સ્વીકારીએ છીએ. 13 લોકો અમારા વિષે ખરાબ બોલે છે, પરંતુ અમે તેમને સારી બાબતો કહીએ છીએ. આ ક્ષણે પણ લોકો હજુ પણ અમારી સાથે એવો વર્તાવ કરે છે કે જાણે અમે જગતનો કચરો અને સમાજનો મેલ હોઈએ.
14 હું તમને શરમાવવાનો પ્રયત્ન કરવા માગતો નથી. પરંતુ આ બધી બાબતો હું તમને ચેતવણી આપવા માટે લખી રહ્યો છું. જાણે તમે મારા પોતાના જ પ્રિય બાળકો હો! 15 ખ્રિસ્તમાં તમારી પાસે 10,000 શિક્ષકો હશે, પરંતુ તમારી પાસે અનેક પિતા નહિ હોય. સુવાર્તા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા બન્યો છું. 16 તેથી કરીને હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા જેવા બનો. 17 તેથી જ હું તિમોથીને તમારી પાસે મોકલી રહ્યો છું. તે પ્રભુમાં મારો પુત્ર છે. હું તિમોથીને ચાહું છું, અને તે વિશ્વાસપાત્ર છે. તે તમને ખ્રિસ્ત ઈસુમાં હું જે રીતે જીવું છું તેની યાદ અપાવવામાં તમને મદદ કરશે. તે જીવનપધ્ધતિ હું સર્વત્ર દરેક મંડળીમાં શીખવું છું.
18 તમારામાંના કેટલાએક બડાઈખોર બની ગયા છો. તમે બડાશ મારો છો, એવું માનીને કે હું તમારી પાસે ફરીથી આવીશ નહિ. 19 પરંતુ હું બહુજ જલ્દી તમારી પાસે આવીશ. હું આવીશ, જો પ્રભુ એમ મારી પાસેથી ઈચ્છતો હશે તો. પછી હું જોઈશ કે આ બડાઈખોરો શું કઈ કરી શકે છે કે માત્ર બોલી જ શકે છે. 20 મારે આ જોવું પડશે કારણ કે દેવનું રાજ્ય બોલવામાં નહિ પરંતુ સાર્મથ્યમાં છે. 21 તમે શું પસંદ કરો છો: હું તમારી પાસે તમને શિક્ષા કરવા આવું તે, કે પછી તમારી પાસે પ્રેમ અને નમ્રતા લઈ આવું તે?
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International