Old/New Testament
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી
અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ
કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
7 તારી બાજુએથી હજાર
અને તારે જમણે હાથ પડશે દશ હજાર,
છતાં તને સ્પશીર્ શકશે નહિ.
8 તે તમે તમારી પોતાની આંખોથી જોશો
કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
9 શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો.
તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ,
તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર,
તો પણ તું સુરક્ષિત રહેશે; હા,
તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
સંકટમાં હું તેની સાથે રહીશ
અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
અને હું મારું તારણ તેને આપીશ.”
વિશ્રામવાર માટેનું સ્તુતિગીત.
1 યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના,
પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર
કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો,
અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે;
હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
5 હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે!
તમારા વિચારો બહુ ગહન છે.
6 ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી,
અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
7 દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે,
ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે.
પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
8 પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
9 હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે;
અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે;
મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે;
અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
12 સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે
અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે;
તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે,
અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે.
તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
1 યહોવા રાજ કરે છે,
ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
કે તે અચળ રહેશે.
2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
15 આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. 2 આપણામાંના દરેકે બીજાને પણ ખુશ કરવા જોઈએ. એમને મદદ કરવા આપણે આમ કરવું જોઈએ. એમનો વિશ્વાસ દ્રઢ થાય એ માટે એમને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. 3 ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.”(A) 4 ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે. 5 ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. 6 એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. 7 ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. 8 મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. 9 અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,
“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (B)
10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:
“દેવના માણસોની સાથે સાથે સૌ
બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (C)
11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:
“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (D)
12 અને યશાયા પ્રબોધક કહે છે:
“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (E)
13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International