Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 60-62

નિર્દેશક માટે. રાગ: “કરાર નું કમળ” શિખામણ માટે દાઉદનું મિખ્તામ, તે અરામ-નાહરાઇમ તથા અરામ-સોબાહ સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના 12,000 સૈનિકો માર્યા તે સમયે લખાયેલું ગીત.

હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે.
    હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો.
    મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે.
    હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો.
    જુઓ તેના પાયા હલી ગયા છે.
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો,
    તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,
    અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.

આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો.
    મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.

જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું,
    “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ;
અને સુક્કોથની ખીણ
    મારા લોકમાં વહેંચીશ,
    ત્યારે હું ખૂબ ખુશ થઇશ.
ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે;
    અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે.
    યહૂદિયા મારો રાજદંડ બનશે.
મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે,
    અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે.
    હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”

મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે?
    અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
10 હે દેવ, શું તમે અમને તજી દીધા છે?
    તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.
11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો;
    કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું;
    કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.

નિર્દેશક માટે. તારવાળાં વાજીંત્ર સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
    અને મારી અરજી પર ધ્યાન આપો.
જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
    ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ!
હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી,
    તેથી તે પર તમે મને લઇ જજો.
તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
    મને મારા શત્રુઓથી બચાવે છે!
હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
    અને તારી પાંખોના આશ્રયે રહીશ.

હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
    જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી
    તે આવનાર પેઢીઓ સુધી જીવે.
તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
    તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ
    અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.

નિર્દેશક માટે. યદૂથૂનની રીત મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.

દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે.
    મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું,
    કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે;
    સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?

જે વ્યકિત નમી ગયેલી ભીંત
    કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે,
તેના ઉપર તમે સર્વ માણસો
    ક્યાં સુધી આક્રમણ કરશો?
તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે
    પાડી દેવા ચાહે છે;
તેઓ જૂઠથી હરખાય છે,
    અને મુખેથી આશીર્વાદ આપે છે,
    પરંતુ હૃદયથી શાપ આપે છે.

મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
    અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
    કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
    હું ઉથલાઇ જનાર નથી.
ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
    મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
    અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
    આપણા સૌનો આશ્રય દેવ છે.

ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
    દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
    અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
    લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
    તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
    “સાર્મથ્ય દેવ પાસે છે.”

12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
    તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.

રોમનો 5

દેવ સાથે ન્યાયી

આપણા વિશ્વાસને કારણે આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. તેથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ સાથે આપણો સુલેહ-શાંતિનો સંબંધ સ્થાપિત થયો છે. હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને ગર્વ છે. આ બાબતમાં જે કઈ વિપત્તિઓ છે તેનો આપણે સ્વીકાર કરેલો જ છે. આપણે આ વિપત્તિઓને આનંદપૂર્વક શા માટે સ્વીકારીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે આ વિપત્તિઓ, જ આપણને વધારે ધીરજવાન બનાવે છે. આપણી ધીરજ, એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે. આ સાબિતી આપણને આશા આપે છે. આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. “પવિત્ર આત્મા” દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ “પવિત્ર આત્મા” આપણને પ્રાપ્ત થયો છે.

ખ્રિસ્તના રક્તથી આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. આપણે જ્યારે ખૂબ નિર્બળ હતા ત્યારે આપણા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. આપણે દેવથી વિમુખ જીવન જીવી રહ્યા હતા, ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા વતી મૃત્યુ પામ્યો. બીજો કોઈ માણસ ગમે એટલો સારો હોય તો પણ એનું જીવન બચાવી લેવા કોઈ મરી જાય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કોઈ માણસ બહુજ સારો હોય તો તેના માટે બીજો કોઈ માણસ કદાચ મરવા તૈયાર થઈ જાય. પરંતુ આપણે જ્યારે પાપી હતા, ત્યારે આપણા વતી ખ્રિસ્ત મરણ પામ્યો. દેવ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે, એ વાત દેવે આ રીતે દર્શાવી.

ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે દેવ સાથે ન્યાયી થયા. આમ ખ્રિસ્ત દ્વારા જ દેવના કોપથી આપણે ચોક્કસ બચી જઈશું. 10 હું એમ કહેવા માંગુ છું કે જ્યારે આપણે દેવથી વિમૂખ હતા, ત્યારે દેવે પોતાના દીકરાના મૃત્યુ દ્વારા આપણને મિત્રતા બક્ષી. જ્યારે હવે આપણે દેવના મિત્રો છીએ ત્યારે તે આપણને સૌને તેના દીકરાના જીવન દ્વારા બચાવશે. 11 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને આનંદ છે.

આદમ અને ખ્રિસ્ત

12 એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે. 13 મૂસાના નિયમશાસ્ત્ર અગાઉ આ દુનિયામાં પાપનું અસ્તિત્વ હતું. પરંતુ જ્યાં સુધી કોઈ નિયમશાસ્ત્ર જ ન હોય ત્યાં સુધી દેવ લોકોને પાપના અપરાધી ગણતો નથી. 14 પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું.

આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો. 15 એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. 16 આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે. 17 એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે.

18 આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું. પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા. 19 એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે. 20 લોકો વધારે પાપ કરે તે માટે નિયમશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો વધુ ને વધુ પાપ કરતા ગયા, તેમ તેમ દેવ વધુ ને વધુ કૃપા કરવા લાગ્યો. 21 પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International