Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 132-134

મંદિર પરના ચઢાણ માટેનું ગીત.

હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી;
    હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
“જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું;
    અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ;
    ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
વળી મારી આંખોને ઊંઘ
    અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”

દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું,
    અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ;
    ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે
    તમારા વિશ્રામસ્થાનમાં આવો.
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
    અને તારા ભકતો હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદને માટે દેવ,
    તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી:
    “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે;
    તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.

13 હે યહોવા, તમે સિયોનને
    તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે.
    હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ.
    અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
16 હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ;
    મારા પરમ ભકતો આનંદથી ગાશે.
17 દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે.
    “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ;
    પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.

મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.

ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
    અને શોભાયમાન છે!
તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
    અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
    કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

મંદિર પર ચઢવા માટેનું ગીત.

હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
    તમે યહોવાને સ્તુત્ય માનો.
પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
    અને યહોવાની સ્તુતિ કરો.
સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
    તમને આશીર્વાદ આપો!

1 કરિંથીઓ 11:17-34

પ્રભુ ભોજન

17 જે બાબતો વિષે હવે હું જે કહી રહ્યો છું તેમાં હું તમારી પ્રશંસા કરતો નથી. તમારી સભાઓ તમને મદદકર્તા બનવાને બદલે તમને નુકસાનકર્તા બને છે. 18 પ્રથમ તો હું સાંભળું છું કે જ્યારે તમે મંડળીમાં એકઠા થાઓ ત્યારે તમારામાં ભાગલા પડેલા હોય છે. આમાંથી કેટલીક બાબતોને હું માનું છું. 19 તમારામાં મતભેદ હોય તે જરુંરી પણ છે. જેથી કરીને ખરેખર તમે જે કરી રહ્યા છો તે સ્પષ્ટ થઈ શકે.

20 જ્યારે તમે બધા જ ભેગા થાવ, ત્યારે તમે વાસ્તવમાં આવું સાચું પ્રભુનું ભોજન[a] ખાતાં નથી. 21 શાથી? કારણ કે તમે જ્યારે ભોજન ખાવા બેસો છો તો તમે બીજાની પ્રતિક્ષા કરતા જ નથી. કેટલાએક લોકો પૂરતું ખાવા કે પીવા માટે મેળવી શકતા નથી, તે કેટલાએક લોકો વધારે મેળવે છે તો તે છાટકા બને છે. 22 તમે તમારા પોતાના ઘરોમાં પણ ખાઈ-પી શકો છો! એમ લાગે છે કે તમે એમ માનો છો કે દેવની મંડળી મહત્વપૂર્ણ છે જ નહિ. જે લોકો દરિદ્રી છે તેમને તમે શરમમાં નાખો છો. મારે તમને શું કહેવું? શું મારે આમ કરવા માટે તમારી પ્રશંસા કરવી? હું તમારી પ્રશંસા કરતો નથી.

23 જે ઉપદેશ મેં પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપદેશ મેં તમને આપ્યો છે: જે રાત્રે પ્રભુ ઈસુને મારી નાખવા માટે સોંપવામાં આવ્યો, ત્યારે તેણે રોટલી લીધી 24 અને તેના માટે સ્તુતિ કરી. પછી તેણે રોટલીના ભાગ પાડ્યા અને કહ્યું કે, “આ મારું શરીર છે; તે તમારા માટે છે. મને યાદ કરવા માટે એમ કરો.” 25 તે જ રીતે, જમી લીધા પછી, ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો. ઈસુએ કહ્યું કે, “આ દ્રાક્ષારસ દેવનો તેના લોકો તરફનો નવો કરાર પ્રસ્થાપિત કરે છે. આ નવા કરારનો મારા રક્ત વડે પ્રારંભ થાય છે. જ્યારે તમે તેને પીઓ ત્યારેં મને યાદ કરો.” 26 દરેક વખતે જ્યારે તમે આ રોટલી ખાવ અને આ પ્યાલામાંથી પીઓ ત્યારે પ્રભુનું પુનરાગમન થાય ત્યાં સુધી તેના મૃત્યુનો પ્રચાર કરો.

27 જો કોઈ વ્યક્તિ અયોગ્ય રીતે રોટલી ખાય કે પ્રભુનો પ્યાલો પીએ તો તે વ્યક્તિ પ્રભુના શરીર અને રક્તની વિરુંદ્ધ પાપ કરે છે. 28 દરેક વ્યક્તિએ રોટલી ખાતા અને પ્યાલો પીતા પહેલા પોતાનું અંતઃકરણ તપાસવું જોઈએ. 29 જો વ્યક્તિ શરીરને ઓળખ્યા વગર રોટલી ખાય છે અથવા પીએ છે, તો તે વ્યક્તિને ખાધાથી તથા પીધાથી દોષિત ઠરાવવામાં આવે છે. 30 તેથી જ તમારા જૂથમાં ઘણા બધા બિમાર અને અશક્ત છે. અને ઘણા બધા મરણને શરણ થયા છે. 31 પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ. 32 પરંતુ જ્યારે પ્રભુ આપણને મૂલવે છે, ત્યારે તે આપણને સાચો માર્ગ બતાવવા સજા કરે છે. જગતના અન્ય લોકો સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે તેથી તે આમ કરે છે.

33 તેથી, મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ભોજન માટે મળો ત્યારે તમે એકબીજાની રાહ જુઓ. 34 જો કોઈ વ્યક્તિ અતિશય ભૂખી થઈ જાય, તો તેણે તેના ઘરે જમી લેવું જોઈએ. દેવનો ન્યાય તમારા એક સાથે મળવા પર ન તોળાય તેથી આ કરો. જ્યારે હું આવું ત્યારે બીજી બાબતો અંગે તમારે શું કરવું તે તમને જણાવીશ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International