Old/New Testament
નિર્દેશક માટે. દાઉદનું એક ગીત. લોકોને યાદ રાખવા માટે.
1 હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા,
મને સહાય કરવાં દોડી આવો.
2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ.
જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે
તેઓ પાછા પડો
અને શરમ અનુભવો.
3 જેઓ મારી મશ્કરી કરે છે,
તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
4 જેઓ તમારું મુખ શોધે છે,
તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો;
જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે
તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
5 પણ હું તો દરિદ્રી અને લાચાર છું,
હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો;
તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો;
હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
મને શરમિંદો કરશો નહિ.
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
7 હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું.
પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.
8 તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે,
આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
9 વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે
ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે,
મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે;
તેઓ અંદરો અંદર મસલત કરે છે.
11 તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે,
આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”
12 હે દેવ, મારાથી દૂર ન જશો;
તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો;
અને મને સહાય કરો.
13 મારા આત્માનાં દુશ્મનો
ફજેત થઇને નાશ પામો;
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા
તથા અપમાનથી ઢંકાઇ જાઓ.
14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ;
અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.
15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે.
તેઓની સંખ્યા કેટલી મોટી છે
તે હું જાણતો નથી.
16 હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ!
તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.
17 હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે,
ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
18 હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો.
તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
19 હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;
હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે;
તમારા જેવો બીજો કોણ છે?
20 ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે;
તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો;
તમે અમને પુર્નજીવિત કરશો.
21 તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો,
અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.
22 હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ,
હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;
હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ;
હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.
23 હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે,
અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
24 મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે;
જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે
તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.
22 આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે. 23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 24 કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે. 25 પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
26 વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે. 27 અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે. કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંત:કરણમાં શું છે તે પણ જાણે છે, કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે.
28 આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી. 29 દુનિયાની રચના કરી તે પહેલાં દેવ એ લોકોને ઓળખતો હતો. અને દેવે એવો પણ નિર્ણય કર્યો હતો કે એ લોકો તેના દીકરા જેવા થાય. અનેક ભાઈઓ અને બહેનોમાં ઈસુ સર્વ પ્રથમ જન્મેલો સૌથી મોટો ગણાશે. 30 પોતાના દીકરા જેવા થવા લોકોને દેવે નિમંત્રણ આપ્યું. અને એ લોકોને પોતાની સાથે ન્યાયી બનાવ્યા અને પોતાની સાથે રહેવાની યોગ્યતા આપી. જેઓને ન્યાયી ઠરાવ્યા તેઓને મહિમાવંત પણ કર્યા.
ખ્રિસ્ત ઈસુ પર દેવનો પ્રેમ
31 તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ. 32 આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે? 33 દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે. 34 કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે. 35 શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! 36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:
“તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ.
લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.” (A)
37 દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે. 38-39 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International