Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 63-65

દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.

હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
    જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
    ને દેહ તલપે છે.
તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
    પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
    તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
    ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
    અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
    આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
તમે મને સહાય કરી છે,
    અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
    તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે,
    તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10 તેઓ તરવારથી માર્યા જશે,
    અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં,
    તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો,
    શત્રુ તરફના ભયથી મને ઉગારો.
દુષ્ટ લોકો મારી વિરુદ્ધ કાવતરાં કરે છે અને મારી સામે ગુપ્ત યોજનાઓ ઘડે છે.
    તેમનાથી મને છુપાવી દો.
તેઓએ તેમની જીભને તરવાર જેવી તીક્ષ્ણ બનાવી છે.
    તેમનાં કડવાં શબ્દો તીર જેવાં છે, જે પાછા ખેંચાઇને વીંધવા માટે તૈયાર છે.
તેઓ જાડીમાં છુપાય છે અને નિર્દોષો ઊપર તેમનાં તીર ચલાવે છે.
    તેઓ ઓચિંતો જ હુમલો કરીને તેઓને મારી નાખે છે.
    આમ કરતાં તેઓ ગભરાતા નથી.
તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે;
    અને ગુપ્ત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે:
    “અમને અહીં જોનાર કોણ છે?”
તેઓ દુષ્ટકૃત્યો કરવા માટે યોગ્ય તકની ચતુરાઇથી રાહ જુએ છે;
    તેઓનાં હૃદયનાં ઊંડાણમાં દુષ્ટ વિચારો
અને ખરાબ યોજનાઓ છે.
પણ દેવ પોતે તેઓને “બાણ” મારશે,
    અને એકાએક તેઓને વીંધી નાંખશે.
દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે.
    અને તેઓ ઠોકર ખાશે;
જે કોઇ તેઓને જોશે
    તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.
ત્યારે લોકોને દેવનો ભય લાગશે.
    અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે
અને દેવનાં અદ્ભૂત કાર્યો
    વિષે બીજાઓને શીખવશે.
10 સદાચારીઓ યહોવામાં આનંદ માણશે.
    તે દેવ પર આધાર રાખે છે.
    અને બધાં સાચા અનુયાયીઓ તેની સ્તુતિ ગાશે.

નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.

હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
    અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
    અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
    પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
    તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
    સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
    તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
    તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
    તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
    તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
    સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
    અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
    જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
    વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
    અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
    તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
    અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
    આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
    અને હા, તેઓ ગીતો ગાય છે.

રોમનો 6

પાપમાં મૂએલા પણ ખ્રિસ્તમાં જીવન

તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે? ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ? જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા. કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું.

ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું. જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે.

આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું. મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી. 10 હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે. 11 એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.

12 તમારા ર્મત્ય શરીરમાં પાપને રાજ કરવા ન દો અને તમારી પાપની દુર્વાસનાને આધીન થશો નહિ. તમારું પાપયુક્ત શરીર જો તમને પાપકર્મ કરવા પ્રેરતું હોય તો તમારે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહિ. 13 પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય. 14 હવે “પાપ” તમારો “માલિક” થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.

ન્યાયીપણાના દાસ

15 તો આપણે શું કરવું જોઈએ? આપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ? કેમકે આપણને નિયમનું બંધન નથી, પણ આપણે કૃપાને આધીન છીએ? ના! 16 સાચે જ તમે જાણો છો કે જ્યારે તમે કોઈની આજ્ઞા પાળવા તૈયાર થઈ જાઓ છો, ત્યારે તમે તે વ્યક્તિના ખરેખર દાસ બની જાવ છો. જે વ્યક્તિની આજ્ઞા તમે માનો છો તેના તમે દાસ છો. ગમે તો પાપને અનુસરો અથવા દેવની આજ્ઞા માથે ચડાવો. પાપ તો આધ્યાત્મિક મૃત્યુને નોંતરે છે. પરંતુ જે દેવની આજ્ઞા પાળે છે તે દેવની સાથે ન્યાયી ઠરે છે. 17 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા-તમારા પર પાપનું શાસન ચાલતું હતું, પરંતુ દેવનો આભાર કે તમને જે (નૈતિક-ધાર્મિક સંસ્કારો) શીખવવામાં આવ્યા તેને તમે પૂર્ણ અંત:કરણથી સ્વીકાર્યા. 18 પાપમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે ન્યાયપણાના દાસ છો. 19 જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો.

20 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા, અને તમે ન્યાયીપણાના અંકુશથી સ્વતંત્ર હતા. 21 તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે. 22 પરંતુ હવે તમે પાપની ગુલામીમાંથી મુક્ત થઈને દેવના દાસ થયા છો. અને આ (પરિવર્તન) તમને એવું જીવન આપશે કે જે માત્ર દેવને જ સમર્પિત હોય. અને એના દ્વારા તમને અનંતજીવન પ્રાપ્ત થશે. 23 જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International