Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:1-88

આલેફ

જેઓ પવિત્ર જીવન જીવે છે,
    તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે,
    તેઓ સર્વ આશીર્વાદિત છે.
તેઓ કદી ખરાબ કામ કરતા નથી,
    અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
તમે અમને નિયમો આપ્યાં છે,
    તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે
    તેમ હું ઇચ્છુ છું.
પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ
    હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ;
    ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
હું તમારા વિધિઓને અનુસરીશ,
    તેથી કૃપા કરી મને છોડશો નહિ!

બેથ

જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
    તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
    તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
    જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
    મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
    મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
    હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
    હું તેમને ભૂલી જઇશ નહિ.

ગિમેલ

17 મને તમારા સેવકને બદલો આપો;
    જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.
18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે;
    મારી આંખો ઉઘાડો.
19 પૃથ્વી પર હું તો એક યાત્રી છું;
    તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.
20 મારું હૃદય તમારા ન્યાયવચનો
    માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
21 તમે ઉદ્ધત લોકોને જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી.
    તેમને ઠપકો આપો છો.
22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો;
    કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
23 સરદારો પણ આસનો પર બેઠાબેઠા
    મારી વિરુદ્ધ બોલતા હતા;
    પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
24 હું તમારા નિયમોને માનું છું. અને હા,
    તેઓ મારા સલાહકારો પણ છે.

દાલેથ

25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
    તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
    મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
    જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
    તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
    કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
    તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
    મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
    કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.

હે

33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો;
    અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34 મને સમજણ આપો,
    એટલે હું તમારા નિયમ પાળીશ;
    હા, મારા અંત:કરણથી તેને માનીશ.
35 મને તમારા આજ્ઞાઓના માર્ગે દોરો.
    કારણકે હું તેમાં આનંદ માણું છું.
36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે,
    કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
    અને તમારા માર્ગે જીવન જીવવા માટે મને મદદ કરો.
38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
    તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
    કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું;
    મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.

વાવ

41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
    મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
    હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
    હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
    તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
    અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
    તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
    હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.

ઝાઇન

49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
    તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
    અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
    પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
    અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
    તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
    મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
    અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.

ખેથ

57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે;
    તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
59 મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે,
    અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે;
    જરાય મોડું કર્યુ નથી.
61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે;
    પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
62 હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ
    તમારો આભાર માનીશ.
63 જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે,
    અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
64 હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે,
    મને તમારા વિધિઓ શીખવો.

ટેથ

65 હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે,
    મારા માટે સારું જ કર્યુ છે.
66 મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો,
    હું તમારા આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67 મેં દુ:ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી,
    પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
68 તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો;
    મને તમારા વિધિઓ શીખવો.
69 ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે,
    પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.
70 તેઓનું અંત:કરણ સ્થૂળ છે;
    પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
71 મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું,
    એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
72 હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ
    મારે માટે વધુ મૂલ્યવાન છે.

યોદ

73 તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે;
    તમારી આજ્ઞાઓ શીખવો;
    અને તેનું પાલન કરવાની સમજ આપો.
74 તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે;
    કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
75 હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે.
    અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
76 તમારા વચન પ્રમાણે તમારા સેવકને
    તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો,
    તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78 ભલે અભિમાનીઓ લજ્જા પામો, તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે
    અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે.
    છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
79 ભલે તમારા ભકતો, જેઓ તમારો આદર કરે છે
    અને જેમને તમારા સાક્ષ્યો વિષે જ્ઞાન છે;
    તેઓ મારી પાસે આવો.
80 તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિર્દોષ શુદ્ધ રહો;
    તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો;
    જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.

કાફ

81 મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે.
    પણ હું તમારા વચનની આશા રાખું છું.
82 તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે.
    જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે.
    તમે મને ક્યારે આશ્વાસન આપશો?
83 હું કચરાના ઢગલા પર પડેલી સૂકાયેલા ચામડાની કોથળી જેવો થઇ ગયો છું,
    પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
84 કેટલા દિવસ છે તારા સેવકના?
    તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
85 જે ગવિર્ષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા;
    તેઓએ ખાડા ખોદ્યા છે મારા માટે.
86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે.
    તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87 તેઓએ લગભગ મને મારી નાખ્યો,
    છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.
88 તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો;
    એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

1 કરિંથીઓ 7:20-40

20 દરેક વ્યક્તિને જે સ્થિતિમાં તેડવામાં આવી હોય તેમાં જ તે રહે. 21 દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે જો ગુલામ હો, તો તે બાબતની તમે ચિંતા ન કરો. પરંતુ જો તમે મુક્ત બની શકો, તો મુક્ત બનો. 22 વ્યક્તિ કે જેને પ્રભુએ જ્યારે તેડયો, ત્યારે તે ગુલામ હતો તે પ્રભુમાં મુક્ત છે. તે જ પ્રમાણે જ્યારે તે વ્યક્તિને તેડવામાં આવ્યો ત્યારે તે મુક્ત હતો. હવે ખ્રિસ્તનો સેવક છે. 23 મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તેથી મનુષ્યોના ગુલામો ન બનો. 24 ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો.

લગ્ર કરવા અંગેના પ્રશ્નો

25 હવે હું જે કુવારીઓ છે તેઓના વિષે લખીશ. પ્રભુ તરફથી મને આ અંગે કોઈ આજ્ઞા મળી નથી. પરંતુ હું મારો અભિપ્રાય આપું છું. મારો વિશ્વાસ કરો કારણ કે પ્રભુની દયા મારા પર છે. 26 આ મુશ્કેલીનો સમય છે. તેથી હું માનું છું કે તમે જેવા છો એવી જ સ્થિતિમાં રહો તે તમારા માટે સારું છે. 27 જો તમારે પત્ની હોય, તો તેનાથી છૂટા થવાનો પ્રયાસ ન કરશો. જો તમે વિવાહિત ન હો તો પત્ની શોધવાનો પ્રયાસ ન કરશો. 28 પરંતુ જો તમે લગ્ર કરવાનો નિર્ણય કરો, તો તે પાપ નથી. અને જે કુંવારી કદી પરણી જ નથી, તેવી કુવારી માટે લગ્ન કરવું તે પાપ નથી. પરંતુ જે લોકો પરણશે તેમને આ જીવનમાં વિપત્તિઓ તો થવાની જ છે. હું તમને આ વિપત્તિઓથી મુક્ત કરવા ઈચ્છુ છું.

29 ભાઈઓ અને બહેનો, હું સમજું છું કે: આપણી પાસે હવે ઘણો સમય રહ્યો નથી. તે અત્યારથી શરું કરીને, જે લોકો પાસે પત્નીઓ છે તેમણે એ રીતે દેવની સેવામાં તેમનો સમય વ્યતીત કરવો જોઈએ જાણે તેમને પત્નીઓ છે જ નહિ. 30 લોકો, જે વિષાદગ્રસ્ત છે તેમણે એ રીતે જીવવું જાણે કે તેમને કોઈ વિષાદ છે જ નહિ. લોકો જે આનંદિત છે તેમણે એ રીતે જીવવું જાણે તેઓ આનંદિત છે જ નહિ. લોકો જે વસ્તુઓ ખરીદે છે તેમણે એ રીતે જીવવું જાણે તેમની પાસે કશું જ નથી. 31 લોકો જે દુન્યવી વસ્તુઓનો ઉપભોગ કરે તેમણે તે રીતે જીવવું જાણે તે વસ્તુઓનું તેમને કોઈ મહત્વ જ નથી. તમારે આ રીતે જીવવું, કારણ કે આ જગત જે રીતે અત્યારે છે તે ખૂબ ઝડપથી ચાલ્યું જવાનું છે.

32 તમે ચિંતામાથી મુક્ત થાવ તેવું હું ઈચ્છું છું. જે માણસ વિવાહિત નથી તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 33 પરંતુ જે માણસ વિવાહિત છે, તે દુન્યવી બાબતોમાં સંકળાયેલો છે. તે પોતાની પત્નીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 34 તેણે તે બે વસ્તુઓ વિષે વિચારવું જોઈએ. પત્નીને ખુશ કરવી અને પ્રભુને પ્રસન્ન કરવા. જે સ્ત્રી અવિવાહિત છે અથવા તો એ કન્યા કે જેણે કદી લગ્ન કર્યુ જ નથી, તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે હેતુપૂર્વક તે શરીર તથા આત્મામાં પવિત્ર થવા માગે છે. પરંતુ પરણેલી સ્ત્રી દુન્યવી બાબતોમાં વ્યસ્ત છે. તે પોતાના પતિને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. 35 તમને મદદ કરવાના હેતુથી આ બાબતો હું કહી રહ્યો છું. હું તમને સીમાબદ્ધ કરવા નથી માગતો. પરંતુ તમે યોગ્ય રીતે જીવન જીવો તેમ હું ઈચ્છું છું. અને તમે બીજી કોઈ દુન્યવી બાબતમાં સમય નષ્ટ કર્યા સિવાય તમારી સંપૂર્ણ જાતને પ્રભુને સમર્પિત કરી દો એમ હું ઈચ્છું છું.

36 જો કોઈ માણસ એમ વિચારે કે તે તેની કુંવારી પુત્રી કે જેણે લગ્ન કરવા માટેનો ઉત્તમ સમય લગભગ પસાર કરી દીધો છે, તેની તરફનો તેનો વ્યવહાર યોગ્ય નથી તો તે વિચાર કરી શકે કે લગ્ન આવશ્યક છે. તે જે ઈચ્છે તેવું તેણે કરવું જોઈએ. તેણે તેઓને પરણવા દેવા જોઈએ. તે પાપ નથી. 37 પરંતુ બીજી વ્યક્તિ તેના વિચારમાં વધુ મક્કમ હોઈ શકે. લગ્ન માટેની કોઈ જરુંર નથી, તેથી તે જે કરવા ઈચ્છે તેના માટે તે મુક્ત છે. જો આ વ્યક્તિએ તેના હૃદયમાં તેની કુમારિકાને અવિવાહિત રાખવાનો નિર્ણય કર્યો હોય તો તે સારું કરી રહી છે. 38 તેથી વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપે છે તે યોગ્ય જ કરે છે, અને વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપતો નથી તે વધારે યોગ્ય કાર્ય કરે છે.

39 સ્ત્રીએ જ્યાં સુધી તેનો પતિ જીવિત હોય ત્યાં સુધી તેણે તેના પતિ સાથે રહેવું જોઈએ. પરંતુ જો પતિ મૃત્યુ પામે તો પત્ની ઈચ્છે તો તે સ્ત્રી કોઈ પણ માણસને પરણવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેણે પ્રભુમાં લગ્ન કરવું જોઈએ. 40 જો તે સ્ત્રી ફરીથી લગ્ન ન કરે તો તે વધુ પ્રસન્ન રહેશે. આ મારો અભિપ્રાય છે, અને હું માનું છું કે મારામાં દેવના આત્માનો નિવાસ છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International