Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
3 મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
4 ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
“હે યહોવા મને બચાવો.”
12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.
યહોવાની સ્તુતિ થાઓ.
યહોવાના સ્તુતિગાન કરો
25 હે યહોવા, તમે મારા દેવ છો,
હું તમારા ગુણગાન ગાઇશ
અને તમારા નામની સ્તુતિ કરીશ,
તમે અદભૂત કાર્યો કર્યા છે;
તમે લાંબા સમય પહેલાં ઘડેલી
યોજનાઓ પૂરેપૂરી પાર ઊતારી છે.
2 તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો.
તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે.
તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે.
તેઓ તે ફરીથી બાંધશે નહિ.
3 તેના કારણે સાર્મથ્યવાન લોકો તમારી સમક્ષ ભયથી થથરશે;
ક્રૂર લોકો તમને આધિન થશે અને તમારા નામનો મહિમા કરશે.
4 પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો,
મુશ્કેલીઓમાં તમે દુ:ખી લોકોનો આશ્રય છો,
વાવાઝોડા સામે રક્ષણ છો,
તમે નિર્દય લોકો સામે તેમને આશ્રય આપો છો
જેઓ શિયાળાના ધોધમાર વરસાદ જેવા છે.
5 તે ક્રૂર લોકો સૂકા પ્રદેશમાં
વાતી લૂ જેવા હતા,
પરંતુ તમે ક્રૂર વિદેશીઓનો વિજય ઉન્માદ દબાવી દીધો છે
જેવી રીતે વાદળની છાયા ગરમીને ઓછી કરી નાખે છે તેમ.
8 તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે. 9 તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.
10 પ્રબોધકોએ ખંતથી અભ્યાસ કરીને આ તારણ વિષે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે વાત કરી છે. 11 ખ્રિસ્તનો આત્મા તે પ્રબોધકોમાં હતો. અને તે આત્મા ખ્રિસ્તને સહન કરવાની વ્યથા વિષે તેમજ તે વ્યથા પછી આવનાર મહિમા વિષે વાત કરતો હતો. આ આત્મા જે દર્શાવતો હતો તે વિષે સમજવાનો તે પ્રબોધકોએ પ્રયત્ન કર્યો હતો. તેઓ આ ઘટના ક્યારે ઘટશે અને તે વખતે દુનિયા કેવી હશે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
12 તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International