Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 49:1-7

યહોવાનું પોતાના લોકોને આશ્વાસન

49 હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો!
    હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો,
જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ
    તેણે મને નામ આપ્યું હતું.
તેમણે મારી વાણીને મર્મભેદી તરવાર બનાવી,
    અને મને પોતાના હાથની છાયામાં છુપાવી દીધો.
તેણે મને તીક્ષ્ણ બાણ બનાવી
    અને ભાથામાં સંતાડી દીધો.

તેમણે મને કહ્યું, “તું, ઇસ્રાએલ, મારો સેવક છે,
    તું મારો મહિમા વધારનાર છે.”

પરંતુ હું તો એમ વિચારતો હતો કે, “મારી મહેનત પાણીમાં ગઇ.
    મેં મારી શકિત નકામી,
વ્યર્થ વાપરી. તેમ છતાં,
    મને ખાતરી છે કે,
યહોવા મને ન્યાય આપશે
    અને તે મને બદલો આપશે.”
“હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો,
    જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને,
    પાછા એને ચરણે લાવું.
તેણે મારો મહિમા કર્યો
    અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે:

“ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત
    તું વધારે કામ કરીશ,
પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા
    હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”

જેને લોકો ધૃણાની નજરે જુએ છે,
    જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે,
જે અન્યાયી શાસકોનો ગુલામ છે,
    તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે,
“તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે,
    અને સરદારો પગે પડશે,”

એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.

ગીતશાસ્ત્ર 71:1-14

હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
    મને શરમિંદો કરશો નહિ.
મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
    મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
    તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
હે મારા દેવ, તમે મને દુષ્ટોના
    ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
    મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
    મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
    હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું.
    પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.
તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે,
    આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે
    ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે,
    મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે;
    તેઓ અંદરો અંદર મસલત કરે છે.
11 તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે,
    આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”
12 હે દેવ, મારાથી દૂર ન જશો;
    તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો;
    અને મને સહાય કરો.
13 મારા આત્માનાં દુશ્મનો
    ફજેત થઇને નાશ પામો;
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા
    તથા અપમાનથી ઢંકાઇ જાઓ.
14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ;
    અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.

1 કરિંથીઓ 1:18-31

ખ્રિસ્તમાં દેવનું સાર્મથ્ય અને જ્ઞાન

18 જે લોકો ભટકી ગયેલા છે, તેઓને માટે વધસ્તંભ અંગેનો ઉપદેશ મૂર્ખતા ભરેલો છે. પરંતુ આપણે માટે કે જેનું તારણ થયેલું છે, તેમના માટે તો તે દેવનું સાર્મથ્ય છે. 19 શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે કે:

“હું જ્ઞાની માણસોના જ્ઞાનનો વિનાશ કરીશ.
હું બુધ્ધિમાન માણસોની બુધ્ધિને નિર્માલ્ય બનાવી દઈશ.” (A)

20 જ્ઞાની વ્યક્તિ ક્યાં છે? શિક્ષિત વ્યક્તિ ક્યાં છે? આ યુગનો તત્વજ્ઞાની ક્યાં છે? દેવે દુન્યવી જ્ઞાનને મૂર્ખતામાં ફરવી દીધું છે. 21 તેમના આ જ જ્ઞાન વડે દેવ આવું ઈચ્છતો હતો: દુનિયા પોતાના જ્ઞાનથી દેવને ન ઓળખી શકી ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવે ઈચ્છયું.

22 યહૂદિઓ પ્રમાણ તરીકે ચમત્કારોની માગણી કરે છે. ગ્રીકો શાણપણ માગે છે. 23 પણ અમે આવો ઉપદેશ આપીએ છીએ: ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. આ યહૂદિઓ માટે અસ્વીકાર્ય છે. અને બિનયહૂદિઓને આ મૂર્ખામી ભરેલું લાગે છે. 24 દેવે જેને બોલાવ્યો તેવા યહૂદિ (પસંદ કરેલા) અને ગ્રીક લોકો માટે ખ્રિસ્ત તો દેવનું સાર્મથ્ય તથા જ્ઞાન છે. 25 દેવની મૂર્ખતા પણ માણસો કરતાં વધુ જ્ઞાનવાળી હોય છે. દેવની નિર્બળતા પણ માણસો કરતાં વધુ શક્તિશાળી હોય છે.

26 ભાઈઓ અને બહેનો, દેવે તમને પસંદ કર્યા. તેના વિષે વિચાર કરો! અને દુનિયા જે રીતે જ્ઞાનને મુલવે છે, તે રીતે તમારામાંના ઘણા જ્ઞાની ન હતા. તમારામાના ઘણાનો વિશિષ્ટ પ્રભાવ ન હતો. કે તમારામાંના ઘણા વિશિષ્ટ ખાનદાનમાંથી પણ આવતા ન હતા. 27 જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી. 28 જગત જેને બિનમહત્વનું ગણે છે, અને જેને દુનિયા ધિક્કારે છે જે કશું જ નથી. દેવ તેને પસંદ કરે છે. જેને જગતે મહત્વનું ગણ્યું તેનો વિનાશ કરવા માટે દેવે પસંદ કર્યુ. 29 કોઈ પણ માણસ દેવ સામે બડાશ મારી શકે નહિ તેથી દેવે આમ કર્યુ. 30 દેવ એક જ છે જે આપણને ખ્રિસ્ત ઈસુના અંશરૂપ બનાવે છે. દેવ તરફથી ખ્રિસ્ત આપણું શાણપણ બન્યો છે. ખ્રિસ્તના કારણે આપણે દેવે પ્રત્યે ન્યાયી છીએ. ખ્રિસ્તના કારણે પાપમાંથી મુક્તિ મળી છે. ખ્રિસ્તના કારણે જ આપણે પવિત્ર છીએ. 31 તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”(B)

યોહાન 12:20-36

ઈસુ જીવન અને મૃત્યુ વિષે વાત કરે છે

20 ત્યાં કેટલાક ગ્રીક લોકો પણ હતા. પાસ્ખાપર્વમાં જે લોકો યરૂશાલેમથી આવેલા હતા તે ભજન કરવા ગયા. 21 આ ગ્રીક લોકો ફિલિપ પાસે ગયા. (ફિલિપ ગાલીલના બેથસૈદાનો હતો.) ગ્રીક લોકોએ કહ્યું, “સાહેબ, અમારી ઈચ્છા ઈસુને મળવાની છે.” 22 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું. પછી આન્દ્રિયા અને ફિલિપ ગયા અને ઈસુને કહ્યું.

23 ઈસુએ તેઓને કહ્યું, “માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24 હું તમને સત્ય કહું છું એક ઘઉંનો દાણો જમીન પર પડે છે અને મરી જાય છે. પછી તે ઊગે છે અને ઘણા બીજ બનાવે છે. પણ જો તે કદી મરી નહિ જાય, તો પછી તે ફક્ત એક સાદો દાણો જ રહેશે. 25 જે વ્યક્તિ તેના પોતાના જીવ પર પ્રીતિ કરે છે તે જીવન ગુમાવે છે. પરંતુ જે વ્યક્તિ આ દુનિયામાં પોતાના જીવને ધિક્કારે છે તે જીવન ને ટકાવે છે. તેને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે.

ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે

27 “હવે હું ઘણો વ્યાકુળ થયો છું. મારે શું કહેવું જોઈએ? મારે એમ કહેવું, ‘પિતા, મને આ વિપત્તિના સમયમાંથી બચાવ?’ ના! હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુ:ખ સહેવું જોઈએ. 28 પિતા, તારા નામનો મહિમા થાઓ!”

પછીથી એક વાણી આકાશમાંથી આવી, “મેં તેના નામનો મહિમા કર્યો છે. હું ફરીથી તે કરીશ.”

29 ત્યાં ઊભેલા લોકોએ તે વાણી સાંભળી. પેલા લોકોએ કહ્યું, તે ગર્જના હતી.

પણ બીજા લોકોએ કહ્યું, “એક દૂતે ઈસુ સાથે વાત કરી!”

30 ઈસુએ લોકોને કહ્યું, “તે વાણી તમારા માટે હતી મારા માટે નહિ. 31 હવે જગતનો ન્યાય કરવાનો સમય છે. હવે આ જગતનો શાસક (શેતાન) બહાર ફેંકાઇ જશે. 32 મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે અને જ્યારે આ બનશે ત્યારે હું બધા લોકોને મારી તરફ ખેંચીશ.” 33 ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.

34 લોકોએ કહ્યું, “પરંતુ આપણો નિયમ કહે છે કે ખ્રિસ્ત સદાકાળ જીવશે. તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?’ આ માણસનો દીકરો કોણ છે?”

35 પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે. 36 તેથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ હોય ત્યાં સુધી તમારો વિશ્વાસ પ્રકાશ પર રાખો. પછી તમે પ્રકાશના દીકરા બનશો.” જ્યારે ઈસુએ આ વાતો કહેવાનું પૂર્ણ કર્યુ ત્યારે તે વિદાય થયો. ઈસુ એવી જગ્યાએ ગયો જ્યાં લોકો તેને શોધી શકે નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International