Revised Common Lectionary (Semicontinuous)
પિતરનું લોકોને ભાષણ
14 પછી પિતર અગિયાર બીજા પ્રેરિતો સાથે ઊભો રહ્યો. તે એટલા મોટા અવાજે બોલ્યો કે જેથી બધા લોકો સાંભળી શકે. તેણે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ તથા યરૂશાલેમમાં તમારામાંના બધા જે રહો છો, હું તમને કંઈક કહીશ, જે જાણવાની તમારે જરુંર છે. કાળજીપૂર્વક સાંભળો.
22 “મારા યહૂદિ ભાઈઓ, આ શબ્દો ધ્યાનથી સાંભળો: નાસરેથનો ઈસુ એક ઘણો વિશિષ્ટ માણસ હતો. દેવે તમને આ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. દેવે પરાક્રમો અને આશ્ચર્યો તથા ચમત્કારોથી તે સાબિત કર્યુ છે. તે ઈસુ દ્ધારા કરવામાં આવ્યું હતું. તમે બધાએ આ બાબતો જોઈ છે. તેથી તમે જાણો છો કે આ સાચું છે. 23 તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે આ બધું થવાનું છે. આ દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે આ યોજના ઘડી હતી. 24 ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો. મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ. 25 દાઉદે ઈસુના સંદર્ભમાં આમ કહ્યું છે:
‘મેં પ્રભુને હંમેશા મારી સંન્મુખ જોયો;
મને સલામત રાખવા માટે તે મારી જમણી બાજુએ છે.
26 તેથી મારું હ્રદય પ્રસન્ન છે,
અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે.
હા, મારું શરીર પણ આશામાં રહેશે.
27 કારણ કે તું મારા આત્માને મૃત્યુના સ્થળે છોડશે નહિ.
તું તારા પવિત્રને પણ કબરમાં કોહવાણ જોવા દઇશ નહિ.
28 તેં મને જીવન જીવતાં શીખ્વયું છે.
તું તારી નજીક આવીશ અને મને આનંદથી ભરપૂર કરીશ.’(A)
29 “મારા ભાઈઓ, હું તમને આપણા પૂર્વજ દાઉદના સંદર્ભમાં સાચું કહીશ. તે મૃત્યુ પામ્યોં હતો અને તેને દફનાવવામાં આવ્યો હતો. તેની કબર આજે પણ આપણી પાસે છે. 30 દાઉદ એક પ્રબોધક હતો અને દેવે જે કહ્યું તે જાણતો હતો. દેવે દાઉદને વચન આપ્યું હતું કે તે દાઉદના પરિવારમાંથી કોઈ વ્યક્તિને દાઉદના જેવો રાજા બનાવશે. 31 દાઉદે તે થતાં પહેલા આ જાણ્યું. તેથી તે વ્યક્તિના સંદર્ભમાં દાઉદે આમ કહ્યું:
‘તેને મૃત્યુની જગ્યાએ રહેવા દેવામાં આવ્યો ન હતો.
તેનું શરીર કબરમાં સડવા દીધું નહિ.’
દાઉદ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામેલ ખ્રિસ્તના સંદર્ભમાં કહેતો હતો. 32 તેથી ઈસુ મૃત્યુમાંથી સજીવન થયેલ દેવ છે, દાઉદ નહિ! આપણે બધા આ માટે સાક્ષી છીએ. આપણે તેને જોયો છે!
દાઉદનું મિખ્તામ.
1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
2 મે યહોવાને કહ્યુ છે,
“તમે મારા માલિક છો.
મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
“એવાં સ્રી પુરુષના સંગમાંજ
મને આનંદ મળે છે.”
4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
વારસાનો ભાગ મને મળ્યો છે.
7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
અને મારો આત્મા પણ ખુશ છે;
તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
શેઓલને સોંપશો નહિ.
તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
જીવંત આશા
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે. 4 હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.
5 તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે. 6 આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે. 7 આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે. વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8 તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે. 9 તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.
તેના શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂ. 24:36-49)
19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
થોમાને ઈસુના દર્શન
24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”
26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”
28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”
29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”
યોહાને આ પુસ્તક શા માટે લખ્યું
30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International