Revised Common Lectionary (Semicontinuous)
દેવના સેવક દેવના ભરોસે
4 યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે. 5 યહોવા મારા દેવે મારા કાન ઉઘાડ્યા છે, મેં નથી આજ્ઞાભંગ કર્યો કે, નથી પાછા પગલા ભર્યા. 6 મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી. 7 પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.
8 મને ન્યાય આપનાર નજીકમાં છે; હવે મારી સામે યુદ્ધ કરવાની હિંમત કોણ કરી શકે? ક્યાં છે મારા દુશ્મનો? તેમને મારી સામે આવવા દો! 9 જુઓ, યહોવા મારા દેવ મને સહાય કરશે, પછી મને અપરાધી ઠરાવી શકે એવો કોણ છે? જેમ જીવાત જૂના કપડાંને ખાઇ જાય છે, તેમ મારા સર્વ શત્રુઓનો નાશ થશે!
નિર્દેશક માટે. દાઉદનું એક ગીત. લોકોને યાદ રાખવા માટે.
1 હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા,
મને સહાય કરવાં દોડી આવો.
2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ.
જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે
તેઓ પાછા પડો
અને શરમ અનુભવો.
3 જેઓ મારી મશ્કરી કરે છે,
તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
4 જેઓ તમારું મુખ શોધે છે,
તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો;
જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે
તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
5 પણ હું તો દરિદ્રી અને લાચાર છું,
હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો;
તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો;
હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.
આપણે પણ ઈસુના નમૂનાને અનુસરવું જોઈએ
12 તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ). 2 આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે. અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શરમજનક મરણ સહન કર્યુ અને હાલ તે દેવના રાજ્યાસનની જમણી બાજુ બિરાજમાન છે. 3 ઈસુ વિષે વિચાર કરો. પાપીઓ તરફથી તેણે આવો મોટો વિરોધ સહન કર્યો. તેઓએ તેની સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો, છતાં તેણે ધીરજ રાખી હતી. તેમ તમે પણ પ્રયત્ન છોડીના દો અને ધીરજ રાખો.
ઈસુ કહે છે કોણ તેની વિરૂદ્ધ થશે
(માથ. 26:20-25; માર્ક 14:17-21; લૂ. 22:21-23)
21 ઈસુએ આ વાતો કહ્યા પછી તેણે ભારે વ્યાકુળતા અનુભવી. ઈસુએ જાહેરમાં કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે.”
22 ઈસુના બધા શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુ જેના વિષે વાત કરતો હતો, તે વ્યક્તિ કોણ હતી તે તેઓ સમજી શક્યા નહિ. 23 શિષ્યોમાંનો એક ઈસુની બાજુમાં છાતીને અઢેલીને બેઠો હતો. ઈસુ જેને પ્રેમ કરતો હતો તે આ શિષ્ય હતો. 24 સિમોન પિતરે આ શિષ્યને ઈશારો કરીને ઈસુને પૂછયું કે જેના વિષે વાત કરતો હતો તે વ્યક્તિ કોણ હતી.
25 તે શિષ્ય ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો અને પૂછયું, “પ્રભુ, તે કોણ છે જે તારી વિરૂદ્ધ થશે?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “હું આ રોટલી થાળીમાં બોળીશ. હું જે માણસને તે આપીશ તે માણસ મારી વિરૂદ્ધ થશે.” તેથી ઈસુએ રોટલીનો ટુકડો લીધો. તેણે તે બોળ્યો ને યહૂદા ઈશ્કરિયોત જે સિમોનનો દીકરો છે તેને આપ્યો. 27 જ્યારે યહૂદાએ ટુકડો લીધો, શેતાન તેનામાં પ્રવેશ્યો. ઈસુએ યહૂદાને કહ્યું, “તું જે બાબત કરે, તે જલ્દીથી કર!” 28 મેજ પાસેનો કોઈપણ માણસ સમજયો નહિ કે શા માટે ઈસુએ યહૂદાને આમ કહ્યું. 29 યહૂદા સમૂહ માટે પૈસાની પેટી રાખનાર માણસ હતો. તેથી કેટલાક શિષ્યોએ વિચાર્યુ કે યહૂદા જઈને કેટલીક જરુંરી વસ્તુઓ પર્વ માટે ખરીદે એવું ઈસુ સમજતો હતો. અથવા તેઓએ વિચાર્યુ કે ઈસુ ઈચ્છતો હતો કે યહૂદા ગરીબ લોકોને જઈને કઈક આપે.
30 ઈસુએ આપેલી રોટલી યહૂદાએ સ્વીકારી પછી યહૂદા બહાર ગયો. તે રાત હતી.
ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
31 જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે. 32 જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International