Revised Common Lectionary (Semicontinuous)
યહોવાનો સેવક
42 યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે,
જેનો મેં હાથ જાલ્યો છે,
એ મારો પસંદ કરેલો છે,
જેના પર હું પ્રસન્ન છું,
એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે,
અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.
2 તે પોતાનો સાદ ઊંચો કરશે નહિ,
અને શેરીઓમાં ચોરેચૌટે ઝઘડા કરી
બૂમરાણ મચાવશે નહિ.
3 તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ
કે મંદ પડેલી વાટને હોલાવી નાખે નહિ,
તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે.
4 તે નબળો નહિ પડે કે હારશે નહિ,
જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ
અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”
યહોવા સૃષ્ટિનો શાસનકર્તા અને સર્જનહાર છે
5 જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.
6 “હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ,
હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ,
કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે.
લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.
7 તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે.
અને અંધકારમાં સબડતાં કેદીઓને
કારાગારમાંથી બહાર કાઢવાના છે.
8 “હું યહોવા છું,
એ જ મારું નામ છે,
હું મારો મહિમા બીજા જૂઠા
દેવોને નહિ લેવા દઉં,
તેમ મારી સ્તુતિ હું કંડારેલી
મૂર્તિઓને નહિ લેવા દઉં.
9 મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે
અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું.
તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલાં
હું તે તમને જણાવું છું.”
5 હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે,
અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
6 તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી[a] પણ ઉંચી છે.
અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે.
તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
7 હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
8 તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે,
તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે,
અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
10 હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો
અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ,
દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો.
નવા કરાર મુજબ ઉપાસના
11 હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો. 12 હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો.
13 જે લોકો પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવા માટે શુદ્ધ ન હતા તેઓ પર બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડાંની રાખ છાંટીને તેઓના ફક્ત શરીરને શુદ્ધ કર્યા. 14 ખ્રિસ્તનું લોહી આપણે જે દુષ્ટ કાર્યો કર્યા છે, તેમાંથી આપણા હ્રદયોને વિશેષ શુદ્ધ કરશે જેથી આપણે જીવંત દેવની સેવા કરી શકીએ. તેથી ખ્રિસ્તે સનાતન આત્માની સહાય વડે દોષ વગરનું બલિદાન દેવને આપ્યું અને નિષ્કલંક બન્યો.
15 તેથી દેવ પાસેથી ઈસુ નવો કરાર[a] લોકો પાસે લાવ્યો. ખ્રિસ્ત નવો કરાર એવા લોકો માટે લાવ્યો કે જેઓને તેડવામાં આવ્યા છે અને જે ઉત્તરાધિકારીનો આશીર્વાદ મેળવે. દેવે આપેલાં વચન પ્રમાણે અનંતકાળનો વારસો પામે. કારણ કે પ્રથમ કરાર[b] પ્રમાણે લોકોથી થયેલ પાપમાંથી લોકોને ઉદ્ધાર અપાવવા ખ્રિસ્ત મરણ પામ્યો.
બેથનિયામાં ઈસુ તેના મિત્રો સાથે
(માથ. 26:6-13; માર્ક 14:3-9)
12 પાસ્ખાપર્વના છ દિવસો અગાઉ, ઈસુ બેથનિયા ગયો. લાજરસ જ્યાં રહેતો હતો તે ગામ બેથનિયા હતું. (લાજરસ એ માણસ હતો જેને ઈસુએ મૃત્યુમાંથી ઉઠાડ્યો હતો.) 2 તેઓએ ઈસુ માટે બેથનિયામાં ભોજન રાખ્યું હતું. માર્થાએ ભોજન પીરસ્યું. તે લોકોમાં લાજરસ હતો જે ઈસુ સાથે જમતો હતો. 3 તે સમયે મરિયમે ઘણું કિંમતી જટામાંસીનું એક શેર અત્તર આણ્યું. મરિયમે તે અત્તર ઈસુના પગ પર લગાડ્યું. પછી તેણે તેના પગ તેના વાળ વડે લૂછયા. અને અત્તરની મીઠી સુગંધથી આખું ઘર ભરાઈ ગયું.
4 યહૂદા ઈશ્કરિયોત ત્યાં હતો. યહૂદા ઈસુના શિષ્યોમાંનો એક હતો. (તે એક કે જે પાછળથી ઈસુની વિરૂદ્ધ થનાર હતો.) મરિયમે જે કર્યુ તે યહૂદાને ગમ્યું નહિ. તેથી તેણે કહ્યું, 5 “તે અત્તરની કિંમત ચાંદીના 300 સિક્કા હતી. તે વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.” 6 પણ યહૂદા ખરેખર ગરીબ લોકો વિષે ચિંતા કરતો ન હતો. યહૂદાએ આ કહ્યું કારણ કે તે એક ચોર હતો. યહૂદા જે શિષ્યોના સમૂહ માટે પૈસાની પેટી રાખતો હતો અને તે વારંવાર પેટીમાંથી પૈસા ચોરતો હતો.
7 ઈસુએ ઉત્તર આપ્યો, “તેને રોકશો નહિ. આજના દિવસ માટે તેણીના માટે આ અત્તર બચાવવું યોગ્ય હતું. આ દિવસ મારા માટે દફનની તૈયારીનો હતો. 8 ગરીબ લોકો હંમેશા તમારી સાથે હશે પણ હું હમેશા તમારી સાથે નથી.”
લાજરસ વિરૂદ્ધ યોજન
9 યહૂદિઓમાંના ઘણાએ સાંભળ્યું કે ઈસુ બેથનિયામાં હતો. તેથી તેઓ ઈસુને જોવા ત્યાં ગયા. તેઓ ત્યાં લાજરસને જોવા પણ ગયા. ઈસુએ મૃત્યુમાંથી ઊભા કરેલામાંનો એક લાજરસ હતો. 10 તેથી તે મુખ્ય યાજકોએ લાજરસને મારી નાખવા માટે પણ યોજના કરી. 11 લાજરસને કારણે ઘણા યહૂદિઓ તેમના આગેવાનોને છોડતા હતા અને ઈસુમાં વિશ્વાસ કરતા હતા. તે જ કારણે યહૂદિ આગેવાનો પણ મારી નાખવા ઈચ્છતા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International