Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 44

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
    જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
    તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
વિદેશીઓની પ્રજાને,
    તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
    તેઓને ત્યાં વસાવ્યા હતા.
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
    અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
    પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
    કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
હે દેવ, તમે મારા રાજા છો.
    આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
    અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
    પણ મારો બચાવ કરી શકશે નહિ.
તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
    જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
    અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!

પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
    તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
    અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
    અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
    શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
    અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
    તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
    અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
    જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
    તોય અમે તમને ભૂલી નથી ગયા;
    ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
    અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
    અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
    અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
    યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
    તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
    હવે ઊંઘસો નહિ;
    અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
    તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
    અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
    અને તમારી કૃપાથી અમને બચાવી લો.

હોશિયા 6:1-10

યહોવા તરફ પાછા ફરવાનું પ્રતિફળ

લોકો કહે છે,

“આવો આપણે પાછા યહોવા પાસે જઇએ.
    તેમણે આપણને ચીરી નાખ્યા છે, અને તે જ આપણને પાછા સાજા કરશે;
    તેણે આપણને ઘા કર્યા છે, અને તે જ આપણને પાટાપીંડી કરશે.
બે દિવસ પછી તે આપણને બચાવશે.
    ત્રીજે દિવસે તે આપણને આપણા પગ પર ઉભા કરશે,
    જેથી આપણે તેની હાજરીમાં જીવીએ.
ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ,
    યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને
ખંતથી મહેનત કરીએ;
    તે આપણને ઉગતા સૂરજની જેમ ચોક્કસ પ્રાપ્ત થશે.
વસંતઋતુંમાં પૃથ્વીને લીલીછમ કરનાર
    છેલ્લા વરસાદની જેમ, તે આવશે.”

લોકો શ્રદ્ધાળું નથી

“હે એફ્રાઇમ અને યહૂદા,
    હું તમારી સાથે કેવો વ્યવહાર કરું?
તમારો પ્રેમ પરોઢના વાદળ જેવો
    અને ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવો છે.
એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે હત્યા કરી છે;
    મેં મારા મુખનાઁ વચનોથી તેઓનો સંહાર કર્યો છે!
દિવસ પછી રાત ચોક્કસ આવે છે,
    તેમ અચાનક ચેતવણી આપ્યા વીના
મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળા રૂપ,
    તમારા ઉપર ચોક્કસ આવી પડશે.
કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ,
    પણ તારો પ્રેમ હું ચાહું છું.
તારા દહનાર્પણો નહિ,
    પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.
પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે;
    મારા પ્રેમનો અનાદર કર્યો છે:
ગિલયાદ બૂરા લોકોનું નગર છે,
    અને તેના રસ્તાઓમાં લોહીથી ખરડાયેલા પગોના નિશાન છે.
જેમ ધાડપાડુઓ રાહદારી
    પર હુમલો કરવા છુપાયેલા હોય છે,
તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખુન કરવા
    અને શરમજનક અપરાધો કરવા છુપાય છે.
10 ઇસ્રાએલમાં મેં રૂવાટાં ઉભા થાય એવી એક બાબત જોઇ છે.
અને એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે,
    લોકો બીજા દેવોની પૂજા કરીને ષ્ટ થયા છે.

રોમનો 9:30-10:4

30 તો આ બધાનો અર્થ શું થાય? એનો અર્થ આ છે કે: બિનયહૂદિ લોકો દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરતા ન હતા છતાં તેઓને દેવ સાથે ન્યાયી બનાવાયા અને તેઓ પોતાના વિશ્વાસને લીધે ન્યાયી ઠર્યા. 31 અને જ્યારે દેવ માટે ન્યાયી ઠરવા ઈસ્રાએલના લોકોએ નિયમશાસ્ત્રને અનુસરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ સફળ ન થયા. 32 સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા. 33 એ પથ્થર વિષે શાસ્ત્ર કહે છે.

“જુઓ, સિયોન માં મેં એક પથ્થર મૂક્યો છે કે જે લોકોને પાડી નાખશે.
    એ પથ્થર ઠોકર ખવડાવીને લોકોને પાપમાં પાડશે.
પરંતુ જે કોઈ વ્યક્તિ એ પથ્થરમાં વિશ્વાસ રાખશે તે નિરાશ થશે નહિ.” (A)

10 ભાઈઓ તથા બહેનો, મારી સૌથી મોટી ઈચ્છા એ છે કે યહૂદિઓ તારણ પામે. દેવને મારી એ જ પ્રાર્થના છે. યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી. દેવ જે માર્ગે લોકોને ન્યાયી બનાવે છે એ તેઓ જાણતા ન હતા. અને પોતાની આગવી રીતે તેઓએ ન્યાયી બનવાનો પ્રયત્ન કર્યો. આમ દેવની રીતે ન્યાયી બનવાનું તેમણે સ્વીકાર્યુ નહિ. ખ્રિસ્તે જૂના નિયમશાસ્ત્રનો અંત આણ્યો, જેથી કરીને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિને દેવ-પ્રાપ્તિ માટે ન્યાયી બનાવી શકાય.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International