Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 118:1-2

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”

ગીતશાસ્ત્ર 118:14-24

14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

યહોશુઆ 3

યર્દન નદીને પેલે પાર આશ્ચર્યકૃત્યો

બીજે દિવસે વહેલી પરોઢે યહોશુઆ તથા બધા ઇસ્રાએલી લોકો શિટ્ટિમ શહેરમાંથી બહાર આવ્યા અને સાંજે તેઓએ નદી ઓળંગતા પહેલા યર્દન નદીના કિનારા પર મુકામ કર્યો. ત્રણ દિવસ પછી અધિકારીઓએ છાવણીમાં ફરીને લોકોને આજ્ઞા કરીને કહ્યું કે, “જ્યારે તમે લેવી યાજકોને તમાંરા દેવ યહોવાના પવિત્ર કરાર કોશને ઉપાડીને લઈ જતાં જુઓ, ત્યારે બધાંએ છાવણી છોડી તેમને અનુસરવું. જેથી તમને કયા રસ્તે જવું તેની ખબર પડે, કારણ, તમે આ રસ્તે પેહલાં કદી આવ્યા નથી. પરંતુ તમે પવિત્ર કરાર કોશની નજીક જશો નહિ. તમાંરી અને કરારકોશની વચ્ચે 2,000 હાથનું અંતર રાખશો.”

યહોશુઆએ લોકોને કહ્યું કે, “તમાંરી જાતની શુદ્ધિ કરો, કેમ કે આવતી કાલે યહોવા તમાંરી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.”

બીજી સવારે યહોશુઓએ યાજકોને આજ્ઞા કરી, “કરાર કોશને ઉપાડી લોકોની આગળ ચાલો.” તેથી તેઓએ કરારકોશ ઉપાડ્યો અને લોકોની આગળ ચાલ્યા.

પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ. કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.’”

પછી યહોશુઆએ ઇસ્રાએલના લોકોને કહ્યું, “અહીં આવો અને તમાંરા દેવ યહોવા જે કહે છે તે સાંભળો. 10 આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો. 11 જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે. 12 હવે ઇસ્રાએલના બાર કુળસમૂહોમાંથી દરેકમાંથી એક એક આગેવાન ચૂંટી કાઢો. 13 આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”

14 તેથી લોકો તેમના તંબુઓમાંથી બહાર નીકળ્યા અને યર્દન નદીને ઓળંગી અને યાજકોએ કરાર કોશ લીધો અને તેમની આગળ ચાલ્યા. 15 આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું. 16 પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી. 17 બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.

માથ્થી 28:1-10

ઈસુ મરણમાંથી સજીવન થયાના સમાચાર

(માર્ક 16:1-8; લૂ. 24:1-12; યોહ. 20:1-10)

28 વિશ્રામવાર[a] પૂર્ણ થયા પછી અઠવાડિયાના પ્રથમ દિવસની વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબર તરફ નજર કરવા આવી.

તે સમયે ત્યાં ભયંકર ધરતીકંપ થયો અને પ્રભુનો એક દૂત આકાશમાંથી ઉતર્યો અને કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર ગબડાવી તેના ઉપર બેઠો. તેનો ચહેરો વીજળી જેવો ચમકતો હતો. અને તેનાં કપડાં બરફ જેવાં ઉજળાં હતાં. જે સિપાઈઓ કબરનો પહેરો ભરી રહ્યાં હતા તે ભયના માર્યા કાંપવા લાગ્યા અને જાણે મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

પછી દૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ, હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુની તમે શોધમાં નીકળ્યા છો. પણ ઈસુ અહીં નથી, તેણે કહ્યું હતું તે પ્રમાણે તે ઊઠયો છે, આવો, તેનું શરીર જ્યાં પડ્યું હતું તે જગ્યા જુઓ. અને હવે જલદી જાવ અને તેના શિષ્યોને કહો: ‘ઈસુ મરણમાંથી ઊઠયો છે. અને તે ગાલીલ જશે. ત્યાં તેને મળો. મારે જે કહેવાનું હતું તે આ છે. તમારા પહેલાં એ ત્યાં હશે. તમે તેને ત્યાં ગાલીલમાં જોશો.’” પછી દૂતે કહ્યું: “મેં તમને કહ્યું તે યાદ રાખો.”

સ્ત્રીઓ તરત જ કબર પાસેથી પાછી વળી. તેઓનાં હૃદય ભય અને આનંદની લાગણી અનુભવતાં હતાં. તેના શિષ્યોને જે કાંઈ બન્યું તેનો સંદેશો આપવા દોડી ગઈ. તેઓ દોડતી જતી હતી, એવામાં તેઓએ ઈસુને ઉભેલો જોયો. ઈસુએ તેઓને કુશળતા પાઠવી. તેઓએ ઈસુના પગ પકડી તેનું ભજન કર્યુ. 10 પછી ઈસુએ તેમને કહ્યું, “ગભરાશો નહિ, જાઓ અને મારા ભાઈઓને (શિષ્યો) ગાલીલ જવા કહો. તેઓ મને ત્યાં જોશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International