Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
8 “પરંતુ, હે ઇસ્રાએલના પર્વતો, તમારાં વૃક્ષોને શાખાઓ ફૂટશે અને ટૂંક સમયમાં પાછા ફરનાર મારા લોકો માટે ફળો બેસશે. 9 કારણ કે જુઓ, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે; 10 હું તમારા પર પુષ્કળ માણસોને વસાવીશ, ઇસ્રાએલના આખા વંશને હું વસાવીશ; શહેરોમાં ફરી વસ્તી થશે અને ખંડિયેરો ફરી બંધાશે. 11 માત્ર લોકોની વસતી જ નહિ, પણ તમારા ઢોરઢાંખર પણ અતિ ઘણાં વધારીશ. હે ઇસ્રાએલના પર્વતો ફરીથી તમે ઘરોથી ઢંકાઇ જશો. મેં અગાઉ તમારે માટે જે કર્યું છે તેથી વિશેષ હું તમારે માટે કરીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 12 હું મારી પ્રજાને ફરીથી તમારા પર ચલાવીશ અને તેઓ ઇસ્રાએલના પર્વતો પર વાસો કરશે અને કબજો જમાવશે. અને હવે પછી કદી તમે તેમના સંતાનોને હરી લેશો નહિ.”
13 યહોવા મારા માલિક કહે છે: “બીજી પ્રજાઓ તારી હાંસી કરતા કહેતી હતી કે, ઇસ્રાએલ એવો દેશ છે જે પોતાના માણસોને ભરખી જાય છે અને પ્રજાને નિ:સંતાન બનાવે છે. 14 તો હવે પછી તું કદી માણસોને ભરખીશ નહિ અને તારા લોકોનાં સંતાનોને હરી લઇશ નહિ,” આ યહોવા મારા માલિકના વચન છે. 15 “હવે પછી તારે કદી બીજા લોકોના મહેણાં સાંભળવાનો કે વિદેશીઓની નિંદા સહેવાનો વખત નહિ આવે. તું તારી પ્રજાને ફરીથી કદીયે ઠોકર ખવડાવશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે.
44 ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.”
45 ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી. 46 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “તે લખેલું છે કે ખ્રિસ્તને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે તે મૃત્યુમાંથી ઊઠશે. 47-48 તમે આ બધું થતા જોયું-તમે સાક્ષી છો. તમારે લોકોને જઇને કહેવું જોઈએ કે તેઓના પાપો માફ થઈ શકશે. તેઓને કહો કે તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને તેઓનાં પાપો માટે દિલગીર થવું જોઈએ. જો તેઓ આમ કરશે, તો દેવ તેઓને માફ કરશે. તમારે યરૂશાલેમથી શરુંઆત કરવી જોઈએ અને મારા નામે આ બાબતનો ઉપદેશ આપવો જોઈએ. આ સુવાર્તા દુનિયાના બધા લોકોને કહેવી જોઈએ. 49 ધ્યાનથી સાંભળો! મારા બાપે તમને જે વચન આપેલ છે તે હું તમને મોકલીશ. પણ જ્યાં સુધી તમે આકાશથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી તમારે યરૂશાલેમમાં રહેવું જોઈએ.”
ઈસુનું સ્વર્ગારોહણ
(માર્ક 16:19-20; પ્રે.કૃ. 1:9-11)
50 ઈસુ તેના શિષ્યોને યરૂશાલેમની બહાર લગભગ બેથનિયા લઈ ગયો. ઈસુએ તેના હાથ ઊંચા કર્યા અને તેના શિષ્યોને આશીર્વાદ આપ્યા. 51 જ્યારે ઈસુ તેઓને આશીર્વાદ આપતો હતો ત્યારે તેઓથી તે છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. 52 શિષ્યોએ તેનું ભજન કર્યુ. તેઓ યરૂશાલેમમાં પાછા ફર્યા. તેઓ ખૂબ પૂર્ણ આનંદિત હતા. 53 તેઓ બધો જ સમય દેવની સ્તુતિ કરતાં, મંદિરમાં રહ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International