Old/New Testament
હોશિયાનું ઇસ્રાએલ પર શાસન
17 યહૂદાના રાજા આહાઝના શાસનનું 12મું વર્ષ ચાલતું હતું તે સમયે, એલાહનો પુત્ર હોશિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 9 વર્ષ શાસન કર્યુ, 2 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે ઇસ્રાએલના આગળના રાજાઓ જેવું નહિ.
3 આ આશ્શૂરના રાજા શાલ્માનેસેરે હોશિયાને હરાવ્યો અને હોશિયા તેનો ગુલામ બની ગયો અને તેને ખંડણી આપતો હતો.
4 પણ હોશિયાએ તેને દગો આપ્યો અને મિસરના રાજા “સો”ને સંદેશો મોકલ્યો. અને તે ખંડણી ભરતો હતો તે પણ ભરી નહિ પાછળથી જ્યારે રાજાને આની ખબર પડી ત્યારે તેને પકડીને કેદમાં પૂર્યો.
5 પછી આશ્શૂરનો રાજા સમગ્ર દેશ પર ચઢી આવ્યો, ને સમરૂન સુધી આવીને 3 વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો. 6 હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.
7 આમ થવાનું કારણ એ હતું કે, ઇસ્રાએલીઓએ તેમને મિસરના રાજા ફારુનની ચુંગાલમાંથી છોડાવી, મિસરની બહાર લાવનાર પોતાના દેવ યહોવાનો ગુનો કર્યો હતો, તેમણે બીજા દેવોની પૂજા કરવા માંડી હતી, 8 તેઓ યહોવાએ હાંકી કાઢેલી પ્રજાના રિવાજો તથા ઇસ્રાએલના રાજાઓએ શરું કરેલા રિવાજો અનુસરવા લાગ્યા. 9 યહોવા દેવની દ્રષ્ટિએ અયોગ્ય હતું તેવું આચરણ ઇસ્રાએલીઓએ ગુપ્ત રીતે કર્યુ.
તેઓએ તેમના બધાં શહેરોમાં, નિરીક્ષણ બુરજથી માંડીને કિલ્લેબંધ નગરોમાં ઉચ્ચસ્થાનકો બાંધ્યાં. 10 તેમણે દરેક ઉચ્ચસ્થાન પર અને ઘટાદાર વૃક્ષ નીચે સ્તંભો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભાં કર્યા, 11 અને યહોવાએ જેમને હાંકી કાઢયા હતાં, તે લોકોની જેમ ઉચ્ચસ્થાનકો પર દહનાર્પણ અને આહવાહન કરવા લાગ્યા.તેમની આ વર્તણૂકથી યહોવાનો રોષ ભભૂકી ઊઠયો. 12 યહોવાએ તેમને કહ્યું હતું કે, “આ તમારે કરવાનું જ નથી.” તેમ છતાં તેમણે મૂર્તિપૂજા શરૂ કરી.
13 ઇસ્રાએલ અને યહૂદાના લોકોને યહોવાએ પ્રબોધકો અને દ્રષ્ટાઓ દ્વારા ચેતવણી આપી. જેઓએ તેમને કહ્યું, “તમારા અનિષ્ટ રસ્તાઓથી પાછા વળો, અને મારા નિયમશાસ્ત્રનું પાલન કરો જે મેં તમારા પિતૃઓને આપ્યો હતો, અને મારા સેવક પ્રબોધકો દ્વારા તમને કહેવડાવ્યો હતો.”
14 પણ ઇસ્રાએલીઓએ તેમના આદેશોનું પાલન ન કર્યું અને પોતે જે કરતા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું. તેઓ તેમના વડવાઓની જેમ જીદી હતા અને તેમને જે ગમ્યું તે જ કર્યું. તેમને યહોવા તેમના દેવ પર વિશ્વાસ નહોતો. 15 તેમણે યહોવાના હુકમોની, તેમના પિતૃઓએ કરેલા કરારની અવગણના કરી તેમજ તેણે તેમને આપેલી ચેતવણીઓની કાળજી ન કરી. તેઓએ નકામી મૂર્તિઓની પૂજા કરી. આસપાસની પ્રજાઓનું અનુકરણ કર્યુ જેમના વિષે યહોવાએ તેમને ન કરવાની આજ્ઞા આપી હતી.
16 તેમણે તેમના પોતાના યહોવા દેવની આજ્ઞાઓનો ત્યાગ કર્યો અને તેમણે પોતાના માટે ઢાળેલા બે પોઠિયા બનાવડાવ્યાં. તેમણે અશેરાદેવીની મૂર્તિ કરાવી અને આકાશનાં બધાં નક્ષત્રોની અને બઆલદેવની સેવાપૂજા કરવા લાગ્યાં. 17 તેમણે પોતાનાં સંતાનોને હોમયજ્ઞમાં હોમ્યાં. તેમણે ભવિષ્ય જોવાનું શરું કર્યું અને કામણટૂંમણ કરવાનું પણ શરૂ કર્યુ. યહોવાની ષ્ટિએ જે અયોગ્ય હતું એવા આચરણને તેમણે અનુસર્યું. અને આ રીતે પોતાની જાતને વેચી મારી જેનાથી યહોવા ગુસ્સે થયા. 18 આ બધાને કારણે યહોવાનો રોષ ઇસ્રાએલ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. ફકત યહૂદાનું કુળસમૂહ રહ્યું.
યહૂદાના લોકો પણ દોષિત
19 યહૂદાના લોકોએ પણ પોતાના યહોવા દેવની આજ્ઞાઓની અવજ્ઞા કરી અને ઇસ્રાએલીઓના દુષ્ટ માર્ગોનું તેઓએ અનુકરણ કર્યુ.
20 તેથી યહોવાએ બધા ઇસ્રાએલીઓનો ત્યાગ કર્યો, તેમને સજા કરી, અને તેમને ધાડપાડુઓને સોંપી દીધા અને છેલ્લે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. 21 જયારે ઇસ્રાએલ દાઉદના ઘરમાંથી છૂટું પડી ગયું ત્યારે ઇસ્રાએલીઓએ નબાટના યરોબઆમને રાજા બનાવ્યો; તેણે ઇસ્રાએલીઓને યહોવા વિરૂદ્ધ પાપ કરવા પ્રેર્યા અને ભયંકર પાપમાં નાખ્યા. 22 તેમણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો; યરોબઆમે જે પાપ કર્યા હતા તે ઇસ્રાએલીઓએ કરવાનું ચાલુ રાખ્યું. 23 આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.
સમરૂનના લોકોની શરૂઆત
24 આશ્શૂરના રાજાએ બાબિલ, કૂથાહ, આવ્વા, હમાથ અને સફાર્વાઈમના લોકોને લાવીને ઇસ્રાએલીઓને બદલે સમરૂનનાં શહેરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરૂનનો કબજો લઈ તેનાં નગરોમાં વસવાટ કર્યો. 25 પણ જ્યારે તેઓએ ત્યાં વસવાનું શરૂ કર્યુ ત્યારે તેઓએ યહોવાની આરાધના કરી નહોતી, તેથી યહોવાએ તેઓની પાસે સિંહ મોકલ્યા, અને સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા. 26 આશ્શૂરના રાજાને કહેવામાં આવ્યું કે, “જે લોકોને દેશ છોડાવીને તમે સમરૂનના નગરોમાં વસાવ્યા છે, તેઓને એ દેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી, આથી તેણે તેમની વચ્ચે સિંહો મોકલ્યા છે અને તે સિંહો એમને ખાઈ જશે, કારણ, તેમને પ્રદેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી.”
27 આથી આશ્શૂરના રાજાએ એવી આજ્ઞા કરી કે, “સમરૂનમાંથી દેશ નિકાલ કરેલા યાજકોમાંથી એકને ત્યાં પાછો મોકલો, જેથી તે ત્યાં જઈને રહે અને લોકોને દેશના દેવની ઉપાસના કરવાની રીત શીખવે.”
28 તેથી એક યાજક બેથેલમાં આવ્યો અને તેણે બાબિલમાંથી આવેલા લોકોને યહોવાની ઉપાસના કેવી રીતે કરવી એની વિધિ શીખવી.
29 છતાં પ્રત્યેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવોની મૂર્તિઓ બનાવવાનું ચાલુ રાખ્યું અને તેને સમરૂનના લોકોએ ઉચ્ચસ્થાનો પર ઊભાં કરેલાં થાનકોમાં મૂકી. તેમની આજુબાજુના નગરના લોકોએ પણ તેમની ઇચ્છા મુજબ કર્યુ. 30 બાબિલના લોકો સુક્કોથ-બનોથને પૂજતા હતા. કૂથના લોકો નેર્ગાલને, હમાથના લોકો અશીમાને, 31 અને આવ્વીના લોકો નિબ્હાઝ અને તાંર્તાકને પૂજતા હતા, તો સફાવીર્મના લોકો આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખને પોતાનાં બાળકોની અગ્નિમાં આહુતિ આપતાં હતાં.
32 આ લોકો યહોવાની પણ પૂજા કરતા હતા, અને તેમણે પોતાનામાંથી કોઇ એકને યાજક નિયુકત કર્યો જે તેઓના મુખ્યસ્થાનોની મૂર્તિઓની સેવાપૂજા કરતો હતો. 33 તેઓ યહોવાની પૂજા કરતા હતા અને સાથો સાથ પોતે જે દેશમાંથી આવ્યા હતા તેની વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
34 આજે પણ તે લોકોમાં આ જ રીત છે. યાકૂબ જે ઇસ્રાએલ કહેવાયો-ના વંશજોને યહોવાએ જે પ્રમાણે સૂચનાઓ આપી હતી તે પ્રમાણે, તેઓ યહોવાની ઉપાસના કરતાં નથી. 35 યહોવાએ તેઓની સાથે કરાર કર્યો હતો કે, તેઓએ વિદેશીઓના કોઈ-દેવોની પૂજા કરવી નહિ અને તેઓને યજ્ઞો અર્પણ કરવાં નહિ. 36 જે તમને પોતાની મહાન શકિત દ્વારા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતાં, તમારે ફકત યહોવાની જ ઉપાસના કરવાની છે, તમારે ફકત તેના જ પગે પડવાનું છે અને યજ્ઞો અર્પવાનાં છે. તેને અને ફકત તેને જ માટે બલિદાન અર્પણ કરવાના છે. 37 નિયમો, કાયદા, સૂચના અને હૂકમો જે તેણે (યહોવાએ) તમને આપ્યા છે, તેનું તમારે જીવન પર્યત નિષ્ઠા પુર્વક પાલન કરવાનું છે. તમારે બીજા કોઇ દેવની સેવા કરવાની નથી. 38 યહોવાએ જણાવ્યું હતું, “મેં તારી સાથે જે કરાર કર્યો છે; તેને તારે કદી ભૂલવાનો નથી, અને તેથી તારે અન્ય દેવોની પૂજા કદી કરવી નહિ. 39 તારે કેવળ યહોવાની ભકિત કરવી, એ જ એક એવો છે જે તને તારા સર્વ શત્રુઓથી બચાવશે.”
40 પણ ઇસ્રાએલીઓએ તે સાંભળ્યું નહિ ને અન્ય દેવોનું આહવાહન કરવાનું ચાલુ રાખ્યું. 41 આમ, એ લોકો યહોવાની પણ ઉપાસના કરતા અને પોતાની મૂર્તિઓની પણ પૂજા કરતા, અને તેમનાં સંતાનો તેમજ તેમનાં સંતાનોનાં સંતાનો પણ આજે તેમના પિતૃઓની વિધિઓને વળગી રહ્યાં છે.
યહૂદાના રાજા હિઝિક્યાનું રાજ
18 ઇસ્રાએલના રાજા એલાહના પુત્ર હોશિયાના શાસનના ત્રીજા વર્ષે આહાજનો પુત્ર હિઝિક્યા યહૂદાનો રાજા થયો. 2 તે રાજા થયો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ અબીયા હતું અને તે ઝખાર્યાની પુત્રી હતી.
3 તેણે પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય એવું આચરણ કર્યુ.
4 તેણે ઉચ્ચસ્થાનો પરની સમાધિઓ દૂર કરી, અશેરાદેવીની મૂર્તિ કાપી નાખી અને મૂસાએ તૈયાર કરાવેલા કાંસાના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કારણ કે ત્યાં સુધી ઇસ્રાએલીઓ તેને બલિદાનો અર્પણ કરતા હતા, તેણે તેઓને કહ્યું, આ તો ફકત કાંસાનો ટૂકડો છે.
5 તેણે ઇસ્રાએલના દેવ યહોવા પર વિશ્વાસ રાખ્યો હતો. તેની પેહલાં થઈ ગયેલા કે તેની પછી થયેલા યહૂદાના રાજાઓમાં કોઇ પણ તેના જેવો નહોતો. 6 તે યહોવાને સંપૂર્ણ નિવાન હતો અને નિવાનીમાં તે કદી ચલિત થયો નહોતો, અને યહોવાએ મૂસાને જણાવેલી આજ્ઞાઓનું તે પાલન કરતો હતો. 7 આથી યહોવા તેની મદદમાં રહ્યાં અને તે જે કોઈ જવાબદારી સ્વીકારતો, તેમાં સફળ થતો, તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી સ્વીકારવાની ના પાડી. 8 તેણે દૂર ગાઝા સુધીના પલિસ્તીઓને હરાવ્યા અને નાના ગામોથી માંડીને મોટા કિલ્લેબંધીવાળાં શહેરો તેણે જીતી લીધા.
સમરૂનને કબ્જે કરતા આશ્શૂરીઓ
9 યહૂદાના રાજા હિઝિક્યાના શાસનના 4થા વર્ષે, એટલે કે ઇસ્રાએલમાં હોશિયા રાજાના શાસનનું 7મું વર્ષ ચાલતું હતું આશ્શૂરના રાજા શાલ્માનેસેરે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો, અને તે કબજે કર્યુ. 10 તેણે તે 3વર્ષ પછી કબજે કર્યું. ઇસ્રાએલમાં, રાજા હોશિયા તેના શાસનના 9માં વર્ષમાં હતો અને તે વર્ષે રાજા હિઝિક્યા તેના યહૂદા પરના શાસનના છઠ્ઠા વર્ષમાં હતો. તે સમય દરમ્યાન, સમરૂન નગરનું પતન થયું. 11 તે વખતે આશ્શૂરનો રાજા ઇસ્રાએલી લોકોને પકડીને લઈ ગયો. તેણે તેઓને આશ્શૂરના નગર હલાહમાં, ગોઝાન પ્રદેશમાં, હાબોર નદીના કિનારા પર અને માદીઓનાં નગરોમાં વસાવ્યા. 12 આમ થવાનું કારણ એ હતું કે તેઓ પોતાના દેવ યહોવાની આજ્ઞા માનતા નહોતા અને યહોવાના કરારનો તેમજ યહોવાના સેવક મૂસાએ જણાવેલી એકેએક આજ્ઞાઓનો ભંગ કરતા હતા. તેઓએ પોતાના યહોવા દેવની વાણી સાંભળી નહિ અને તેમની ઇચ્છા મુજબ ચાલ્યા નહિ.
યહૂદા લેવા તત્પર આશ્શૂરીઓ
13 હિઝિક્યાના અમલના 4માં વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો પર ચડાઈ કરીને તે કબજે કરી લીધાં. 14 ત્યારે યહૂદાના રાજા હિઝિક્યાએ લાખીશ સુધી પહોંચેલા આશ્શૂરના રાજાને સંદેશો મોકલ્યો કે, “મારી ભૂલ થઈ છે, તું મારી પાસેથી પાછો જા, તું જે શરતો મારી આગળ રજૂ કરીશ તેનો હું સ્વીકાર કરીશ.”
આથી આશ્શૂરના રાજાએ 11 ટન ચાંદીની અને એક ટન સોનાની વસુલી માગી લીધી. 15 હિઝિક્યાએ તેને યહોવાના મંદિરમાંની અને રાજમહેલના ભંડારમાંથી બધી ચાંદી આપી દીધી; 16 તે સમયે તેણે, યહોવાના મંદિરમાં સોનાના પતરાંથી મઢેલા બારણાં અને બારસાખોને કાપી નાખ્યાં, તેણે તે બધુંય આશ્શૂરના રાજાને આપી દીધું.
માણસોને યરૂશાલેમ મોકલતો આશ્શૂરનો રાજા
17 લાખીશથી આશ્શૂરના રાજાએ સેનાપતિઓને, અને તેના મહત્વના અમલદારોને વિશાળ લશ્કર સાથે યરૂશાલેમ મોકલ્યા. અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને ઘોરી માર્ગ પર આવેલા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો, 18 અને રાજાને તેડાવ્યો; એટલે રાજાના મહત્વના અમલદારો હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો મુખ્ય કારભારી હતો, રાજયમંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર યોઆહ જે નોંધણીકાર હતો એ સૌને તેમણે મળવા મોકલ્યા.
19 સેનાપતિઓએ તેમને કહ્યું કે, હવે તમે હિઝિક્યાને જઈને કહો કે, “આશ્શૂરનો રાજા કહે છે કે,
‘તને આટલો બધો આત્મવિશ્વાસ શેનાથી છે? 20 શું તું એમ સમજે છે કે, ખાલી મોઢાની વાતો, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળનું સ્થાન લઈ શકે છે? તું કોનો આધાર રાખીને મારી સામે બંડ પોકારે છે? 21 મિસરીઓ ઉપર? મિસર તો ભાગેલા બરુ જેવું છે; જે કોઈ એનો આધાર લે છે તેમના હાથ કપાઈ જાય છે. મિસરના રાજા ફારુનનો વિશ્વાસ કે આધાર રાખી શકાય નહિ. 22 અને કદાચ તમે એવું કહો, “અમને મુશ્કેલીઓ અને પીડામાંથી બચાવવા માટે અમે યહોવા પર વિશ્વાસ રાખીએ છીએ,” તો શું એ તમે નહોતા કે જેણે, ઉચ્ચસ્થાનો, જ્યાં યહોવાને યજ્ઞો કરાતાં હતાં તેનો નાશ કર્યો? અને એ તમે નહોતા કે, જેણે યહૂદા અને યરૂશાલેમના લોકોને કહ્યું હતું કે, “તેઓએ ફકત યરૂશાલેમમાં પૂજા કરવી જોઇએ?
23 ‘તેથી હવે હું તમને કહું છું, મારા ધણી આશ્શૂરના રાજા સાથે સોદો કરી શકે તેવા 2,000 સૈનિકો તમારી પાસે હોય તો હું તમને 2,000 ઘોડા આપવા તૈયાર છું. 24 તમે મારા ઘણીના સેવકોનાં એક પણ કપ્તાનને કેવી રીતે હરાવી શકો? જો તમે રથો અને ઘોડાઓ માટે મિસર પર આધાર રાખો તો?
25 ‘તમે શું એમ માનો છો કે, હું આ દેશને ખેદાન-મેદાન કરવા ચઢી આવ્યો છું. તે યહોવાની સંમતિ વગર આવ્યો હોઈશ? યહોવાએ પોતે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરી એને ખેદાનમેદાન કરી નાંખ.”’”
26 એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે સેનાપતિઓને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીભાષામાં બોલો, અમે એ ભાષા સમજીએ છીએ. અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો. કારણ કે બધા લોકો જેઓ દિવાલ પર છે તેઓ સમજી જશે કે તમે શું કહી રહ્યાં છો!”
27 પણ સેનાપતિએ કહ્યું, “શું અમારા રાજાએ મને તમારી સાથે અને તમારા રાજાની સાથે જ વાત કરવા મોકલ્યો છે? તેણે મને આ કોટ પરના લોકોને પણ કહેવા મોકલ્યો છે. કારણ કે તેમણે પણ તમારી જેમ પોતાનાં મળમૂતર પર જીવવું પડશે.”
28 પછી આશ્શૂરના આ સંદેશવાહકે પેલા કોટ પર ઊભેલા લોકો સાંભળે તે રીતે મોટા સાદે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનો સંદેશ સાંભળો: 29 રાજા કહે છે, ‘હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’ 30 હિઝિક્યાને અનુમતિ ન આપશો કે, તે તમને યહોવા પર આધાર એમ કહીને રખાવે, ‘યહોવા ચોક્કસપણે આપણને બચાવશે અને આ નગરનું આશ્શૂરના રાજાના હાથે પતન નહિ થાય.’ 31 તમે હિઝિક્યા રાજાનું ચોક્કસ સાંભળશો નહિ, કારણકે આશ્શૂરનો રાજા કહે છે કે,
‘મારી સાથે સુલેહ કરો અને મારી પાસે આવો. પછી તમે દરેક તમારા પોતાના દ્રાક્ષના વાડાના અને અંજીરના ઝાડોના ફળનો આનંદ માણશો. અને તમારા પોતાના કૂંવાનું પાણી પીશો. 32 ત્યાં સુધી અહીં તમારા દેશમાં તમે શાંતિથી રહી શકો છો. ત્યાર પછી હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં લઇ જઇશ, અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષનીવાડીઓનો દેશ, જૈતુન અને મધનો દેશ-તમે આમ કરો જેથી તમે મરશો નહિ પણ જીવી જશો પણ જ્યાંરે હિઝિક્યા રાજા તમને કહે કે, “યહોવા તમને ઉગારશે તો તેને સાંભળશો નહિ.” 33 કોઈ પણ પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો? 34 હમાથ અને આર્પાદના દેવો કયાં છે? કયાં છે સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહના દેવો? એ દેવો સમરૂનને મારા હાથમાંથી છોડાવવા સમર્થ હતા ખરા? 35 આ બધા દેશોના દેવોમાંથી કયા દેશના દેવો પોતાના દેશને મારા હાથમાંથી છોડાવી શક્યા? તો કેવી રીતે યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવશે?’”
36 બધા લોકો મૂંગા રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ. કારણ, રાજાએ હુકમ કર્યો હતો કે, “કોઈ એને જવાબ ન આપશો.”
37 મહેલોના મુખ્ય કારભારી હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર નોંધણીકાર યોઆહ, હિઝિક્યા રાજાની પાસે ગયા. તેઓએ નિરાશ થઇને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને આશ્શૂરના રાજાના મુખ્ય સેનાપતિએ જે કહ્યું હતું તે તેને કહી સંભળાવ્યું.
19 આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં. 20 દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે. 21 પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું.
ઈસુ અને યોહાન બાપ્તિસ્મ
22 આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23 યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો. એનોન શાલીમની નજીક હતું. યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું. લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા. 24 (યોહાનના બંદીખાનામાં કેદ થયા પહેલા આ બન્યું હતું.)
25 યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો. તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા. 26 તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા. તેઓએ કહ્યુ, “રાબ્બી, જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર. તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે. તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે.”
27 યોહાને ઉત્તર આપ્યો, “માણસ માત્ર એટલું જ મેળવી શકે છે જેટલું દેવ તેને આપે છે. 28 તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’ 29 કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે. તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે, રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે. આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે, ત્યારે ઘણો પ્રસન્ન થાય છે. એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે. 30 તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે.
તે એક જે આકાશમાંથી આવે છે
31 “તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. 32 તે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ કહે છે. પરંતુ લોકો તે જે કહે છે તે સ્વીકારતા નથી. 33 જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે. 34 દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે. 35 પિતા દીકરા પર પ્રીતિ કરે છે. પિતાઓ દીકરાને બધી વસ્તુઓ પર અધિકાર આપેલ છે. 36 જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંતજીવન છે. પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તેને કદાપિ તે જીવન મળશે નહિ. દેવનો કોપ તે વ્યક્તિ પર રહે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International