Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ન્યાયાધીશો 16-18

સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં

16 પછી એક દિવસ સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો, ત્યાં તેણે એક વારાંગના જોઈ અને તે તેની પાસે ગયો. ગાઝાનાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે, “સામસૂન ત્યાં આવ્યો છે,” એટલે તેઓ તેને ધેરી વળ્યા અને આખી રાત તેના બહાર આવવાની રાહ જોતા નગરના દરવાજે ટાંપીને તેને પકડવા માંટે બેસી રહ્યાં, આખી રાત એમ જ બેસી રહ્યાં. તેમણે વિચાર્યુ, “સવાર સુધી આપણે રાહ જોઈશું અને પછી તેને માંરી નાખીશું.”

પણ સામસૂન મધરાત સુધી સૂઈ રહ્યો અને અડધી રાતે ઊઠીને તેણે નગરના દરવાજાનાં બારણાં પકડીને અને બારસાખ તેમજ ભૂગળ જે દરવાજાને તાળુ માંરી દે તે બધું જ નીચે ખેંચી કાઢયું અને આ સર્વ ખભા ઉપર ઉપાડી લીધું અને તે બધું હેબ્રોન નગરની પાસે આવેલા પર્વતની ચોટ પર લઈ ગયો.

સામસૂન અને દલીલાહ

એ પછી સામસૂન સોરેકની ખીણમાં રહેતી દલીલાહ નામની એક સ્ત્રીના પ્રેમમાં પડયો.

નગરના પલિસ્તી શાસનકર્તાઓ દલીલાહ પાસે ગયા. અને કહ્યું, “સામસૂનને લલચાવીને તું જાણી લે કે, એનામાં આટલી બધી શક્તિ કયાંથી આવે છે? અને અમે તેને કેવી રીતે બંદીવાન કરી શકીએ અને બાંધી શકીએ? અને અમે તેને કેવીરીતે લાચાર બનાવી શકીએ? તમે અમને આ સર્વ જણાવશો તો અમે તમને અગિયારસો ચાંદીના સિક્કા આપીશું.”

દલીલાહે સામસૂનને કહ્યું, “તારું મહાબળ શામાં રહેલું છે, તથા તું સાથી બંધાય કે જેથી તને દુઃખ દઈ શકાય તે તું કૃપા કરીને મને કહે.”

સામસૂને કહ્યું, “મને જો તેઓ સાત લીલી પણછો કે જે સૂકાઈ ન હોયતે વડે બાંધે તો હું તેઓ જેવો દુર્બળ થઈ જાઉં.”

આથી પલિસ્તી સરદારોએ દલીલાહને સાત લીલી પણછો તેને બાંધવા જે સૂકાયેલી ન હતી આપી તેથી તેણે તેનો બાંધવા માંટે ઊપયોગ કર્યો. સામસૂનને પકડવા થોડા માંણસો તેના ઓરડામાં સંતાયા હતાં. દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવે છે!” પણ અગ્નિ પાસે લઈ જતા જેમ શણની દોરી અચાનક તૂટી જાય તમે તેણે પણછો તોડી નાખી, આ રીતે તેની શક્તિનુ રહસ્ય તેઓ જાણી શકયા નહિ.

10 ત્યાર પછી દલીલાહે તેને કહ્યું, “તું માંરી મશ્કરી કરે છે! તે મને જૂઠું કહ્યું છે! કૃપા કરીને મને કહે, તને કેવી રીતે બાંધી શકાય?”

11 તેણે કહ્યું, “જો મને કદી વપરાયાં ન હોય એવાં નવાંનકોર દોરડાં વડે બાંધે તો હું કોઈ પણ માંણસના જેવો દૂબળો થઈ જાઉં.”

12 દલીલાહે તેને નવાં દોરડાં લઈને તેના વડે બાંધી દીધો. પછી તેણે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવે છે! તેણે પોતાના ઓરડાનાં દરવાજાની બહાર માંણસોને સંતાડી રાખ્યા હતાં.” પણ સામસૂને પોતાને હાથે બાંધેલા નવા દોરડાંને તાંતણાની જેમ તોડી નાખ્યાં.

13 ત્યારે દલીલાહે સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તમે માંરી હાંસી ઉડાવી અને મને ખોટું કહ્યું, પણ હવે મને કહો, માંરે જો તમને બાંધવા હોય તો માંરે કેવી રીતે કરવું?”

સામસૂને કહ્યું, “જો તું માંરા માંથાના વાળની સાત લટોને સાળનો ઊપયોગ કરી તેની સાથે ગૂંથી લે અને મને ખીલીથી જકડી દે, તો હું કોઈ પણ બીજા માંણસ જેવો જ દૂર્બળ થઈ જાઉં,” તેથી તેણે તેને ઊંધાડી દીધો.

14 તે જ્યારે ઊંધી ગયો ત્યારે તેણે સાળ લીધી અને તેની સાત લટોને ગૂંથી અને તંબુના ખીલા સાથે જકડી દીધી અને પછી બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે!” તે ઊંધમાંથી જાગ્યો અને તંબૂનો ખીલો ખેંચી કાઢયો અને પોતાના વાળની સાત લટોને છોડી નાખી.

15 આથી દલીલાહે તેને ઠપકો આપતાં કહ્યું, “જો તને માંરામાં વિશ્વાસ ના હોય તો તું કેવી રીતે કહી શકે કે તું મને પ્રેમ કરે છે? આ ત્રીજી વાર તે માંરી હાંસી ઉડાવી, અને હજુ સુધી તમે મને બતાવ્યું નથી કે આટલી બધી તાકાત તમાંરામાં શાથી છે?” 16 દલીલાહ દરરોજ તેને આ સવાલ પૂછતી અને દબાણ કરતી એટલે આખરે થાકીને તેણે તેને ક્યાંથી શક્તિ મળે છે, તે સાચું રહસ્ય જણાવી દીધું. 17 તેણે કહ્યું, “માંરા માંથાના વાળ કદી અસ્ત્રાથી કાપવામાં આવ્યા નથી, કારણ કે હું જન્મ્યો તે દિવસથી એક નાઝીરી થવા માંટે હું દેવને સમર્પિત થયેલો છું. જો માંરું માંથું મૂંડાવામાં આવે તો માંરી તાકાત જતી રહે અને હું બીજા સામાંન્ય માંણસ જેવો દૂર્બળ થઈ જાઉં.”

18 દલીલાહને લાગ્યું કે આખરે તેણે તેને સાચું કહ્યું હતું, આથી તેણે પલિસ્તી સરદારોને તેડવા માંણસો મોકલી કહેવડાવ્યું, “હવે આ વખતે છેલ્લી વાર તમે સૌ આવો. કારણ કે છેવટે તેણે મને પોતાની સાચી શક્તિના રહસ્ય વિશે મને કહ્યું છે.” આથી પલિસ્તી આગેવાનો તેઓની સાથે નાણાં લઈને આવ્યા.

19 દલીલાહે સામસૂનને પોતાના ખોળામાં ઊધાડી દીધો અને એક માંણસને બોલાવી તેના વાળની સાત લટો બોડાવી નખાવી; આ રીતે દલીલાહે તેને નિર્બળ બનાવી દીધો અને તેની તાકાત તેને છોડી ચાલી ગઈ. 20 ત્યાર પછી દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવ્યા છે!” તે ઊધમાંથી જાગી ઊઠયો અને વિચાર કરવા લાગ્યો કે, “હું ઝટકો માંરીને દર વખતની જેમ છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર ન પડી કે યહોવા તેને છોડીને જતાં રહ્યાં છે.

21 પલિસ્તીઓએ તેને પકડી લીધો અને તેની આંખો કાઢી નાખી, અને તેને ગાઝા લઈ ગયા, ત્યાં તેને પિત્તળની સાંકળોથી બાંધીને કેદખાનામાં અનાજ દળવાનું કામ સોંપવામાં આવ્યું. 22 પરંતુ તેના મૂંડી નાખેલા વાળ ફરી ઊગવા માંડયા.

23 પલિસ્તી આગેવાનોએ તેમના દેવ દાગોનને મોટો ઉત્સવ અને અર્પણો આપવા માંટે તૈયારી કરતા હતાં અને આનંદ કરવા ભેગા થયા. તેઓ કહેતા હતાં, “આપણા દેવે, આપણા શત્રુ સામસૂનને આપણા હવાલે કરી દીધો છે.” 24 અને તેને જોઈને તેઓએ તેમના દેવની સ્તુતિ કરી અને કહ્યું, આપણા દેવે આપણા શત્રુને આપણે હવાલે કરી દીધો છે.

“જે માંણસે દેશનો નાશ કર્યો,
    અને જેણે આપણાં લોકોને માંરી નાખ્યા હવે
તે આપણા કબજામાં છો!”

25 નશાની હાલતમાં તેઓએ કહ્યું, “સામસૂનને બોલોવો; જેથી તે અમાંરું મનોરંજન કરી શકે!” આમ સામસૂનને કેદખાનામાંથી બહાર લાવવામાં આવ્યો અને તેણે તેઓ માંટે અભિનય કર્યો. પછી તેને મંદિરના બે થામભલાઓની વચ્ચે ઊભો રાખવામાં આવ્યો. 26 સામસૂને જે છોકરાએ તેનો હાથ પકડી રાખ્યો હતો, તેને કહ્યું, “મને એવી રીતે ઊભો રાખ કે મંદિરના મુખ્ય થાંભલાને હું અડી શકું, જેથી હું તેને અઢેલી આરામ કરી શકું.”

27 મંદિર સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ ભરેલું હતું. બધા જ પલિસ્તી સરદારો ત્યાં હાજર હતાં. અને આશરે 3,000 સ્ત્રી પુરુષો ધાબા ઉપરથી સામસૂનના ખેલ જોતાં હતાં, 28 પછી સામસૂને યહોવાને પોકાર કરીને કહ્યું, “ઓ સર્વસમર્થ યહોવા, મને સાંભળો, અને આ છેલ્લી વાર મને શક્તિ આપો કે જેથી હું માંરી આંખો માંટે પલિસ્તીઓ ઉપર બદલો લઈ શકું.” 29 પછી મંદિરના બે ટેકારૂપ વચ્ચેના થાંભલાને તેણે બાથમાં લીધા, તેણે જમણો હાથ એક થાંભલા ઉપર અને ડાબો હાત બીજા થાંભલા ઉપર મૂકીને બધું વજન તેના ઉપર નાખ્યું અને પોકાર કર્યો, 30 સામસૂને કહ્યું, “મને પલિસ્તીઓની સાથે મરવા દો.” પછી તેણે મંદિરના થાંભલા પર સંપૂર્ણ બળ વાપરીને નીચે એવી રીતે ખેચી પાડ્યા કે તે મંદિરના તમાંમ લોકો ઉપર તૂટી પડે જેમાં પલિસ્તીના આગેવાનો પણ હતાં આમ, તેણે ઘણા માંણસો માંરી નાખ્યા તે મરી રહ્યો હોવાથી તેણે જેટલા લોકોને માંર્યા હતાં તેના કરતા વધારે સંખ્યામાં લોકોને માંર્યા.

31 પછીથી તેના ભાઈઓ અને તેનું આખુ કુટુંબ તેનો મૃતદેહ લેવા માંટે આવ્યાં. તેઓ તેને સોરાહ અને એશ્તાઓલ વચ્ચે આવેલી તેના પિતા માંનોઆહની કબરે લઈ ગયા; તેઓ તેને ત્યાં લઈ ગયા અને તેને દફનાવ્યો, તેણે વીસ વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો હતો.

મીખાહની મૂર્તિઓ

17 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહ નામે એક માંણસ રહેતો હતો. એક દિવસ તેણે તેની માંતાને કહ્યું, “જ્યારે તારા અગિયારસો ચાંદીના સિક્કા[a] ચોરાઈ ગયા ત્યારે તેં ચોરને શાપ દીધો હતો, તે મેં સાંભળ્યો હતો, એ સિક્કા માંરી પાસે જ છે, મેં જ તે ચોર્યા હતાં.”

તેની માંતાએ કહ્યું, “યહોવા તારું ભલું કરો, બેટા.”

એટલે તેણે અગિયારસો ચાંદીના સિક્કા તેની માંને પાછા આપ્યા, માં બોલી, “માંરા પુત્રના હિત માંટે મેં આ ચાંદીના સિક્કા લાકડાની કોતરેલી અને ધાતુથી મઢેલી પ્રતિમાં બનાવવા માંટે યહોવાને સમર્પી દીધા હતાં, હવે તને પાછા સોંપું છું. પણ છોકરાએ તે પાછા આપ્યા.”

પછી મીખાહે ચાંદીના સિક્કા તેની માંતાને પાછા આપ્યા તેણી 200 શેકેલ[b] લઈને ઝવેરી પાસે ગઈ. તેણે તેમાંથી ધાતુની મૂર્તિ બનાવી અને તે મીખાહે તેના ઘરમાં રાખી. મીખાહના ઘરમાં મંદિર હતું, ત્યાં તેણે એક એફ્રોદની મૂર્તિ મૂકી અને તેના કુળદેવતાની મૂર્તિઓ બનાવડાવી અને તે મૂર્તિના યાજક તરીકે તેણે તેના પુત્રોમાંથી એક પુત્રને યાજક તરીકે નીમ્યો. કારણ કે તે સમયે ઈસ્રાએલમાં કોઈ રાજા ન હતો, અને પ્રત્યેક માંણસ પોતાની ઇચ્છાપ્રમાંણે પોતાની નજરમાં જે સારું લાગે તે કરતો હતો.

પૂર્વે એકવાર, યહૂદા કુળસમૂહમાંથી એક યુવાન માંણસ જે લેવી હતો. તે બેથલહેમમાં એક વિદેશીની જેમ રહેતો હતો. વસવાટ માંટે બીજી કોઈ સારી જગ્યાની શોધમાં તે બેથલેહેમ છોડીને ફરતા ફરતા એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર આવી ચડયો. મીખાહે તેને કહ્યું, “તું કયાંથી આવ્યો?”

તેણે જવાબ આપ્યો, “હું યહૂદામાં આવેલા બેથલેહેમના લેવી કુળનો યાજક છું અને વસવાટ માંટેની જગ્યાની શોધમાં છું.”

10 મીખાહે તેને કહ્યું, “તું માંરી સાથે રહે, કુળના વડા થવાની જવાબદારી લે અને અમાંરો યાજક બન, હું તને દર વરસે દસ ચાંદીના સિક્કા આપીશ, હું તને સરખું ખાવાનું અને સારા કપડાં પણ આપીશ તેથી લેવી તેની સાથે ગયો.”

11 લેવી તેની સાથે રહેવા કબૂલ થયો અને તેના એક પુત્ર જેવો જ બની ગયો. 12 મીખાહે તેની યાજકપદે નિમણુંક કરી અને તે તેનો યાજક બન્યો અને તેના ઘરમાં રહેવા લાગ્યો. 13 મીખાહને થયું, “હવે મને ખાતરી થઈ કે, યહોવા માંરું કલ્યાણ કરશે, કારણ કે એક યાજક માંરો લેવીવંશી છે.”

દાનવંશીઓએ કરેલી મીખાહની મૂર્તિઓની ચોરી

18 તે દિવસોમાં ઈસ્રાએલમાં કોઈ રાજા ન હતો અને દાનકુળસમૂહના લોકો સ્થાયી થવા માંટે સ્થળ શોધી રહ્યાં હતાં. કારણ કે તેઓને પ્રદેશનો એક ભાગ ઈસ્રાએલના બીજા કુળસમૂહોની સાથે આપવામાં આવ્યો નહતો.

તેથી દાનના કુળસમૂહે પાંચ શૂરવીર પુરુષોને સોરાહ અને એશ્તાઓલ નગરોમાંથી પસંદ કર્યા, તેઓએ સ્થાયી થવા માંટે અને તેઓના કુળના ઉછેર માંટે યોગ્ય સ્થળ શોધવું હતું. તેથી તેઓએ “જાઓ અને દેશની શોધ કરો” કહીને પ્રદેશની શોધ કરવા આ શૂરવીરોને મોકલ્યા.

એફ્રાઈમના પર્વત ઉપર પહોંચ્યા અને મીખાહના ઘરે રાત રોકાયા, તેઓ જ્યારે ત્યાં હતાં, તેઓએ લેવીનો અવાજ ઓળખી લીધો અને તેના તરફ વળીને તેને પૂછયું, “તને અહી કોણ લઈ આવ્યું? અહીં તું શું કરે છે? તું અહી શા માંટે છે?”

તેણે મીખાહે તેના માંટે જે કંઈ કર્યુ હતું તે તેઓને કહી દીધું અને કહ્યું કે, “તેણે મને કામ રાખ્યો છે અને હું તેનો યાજક છું.”

પેલા લોકોએ કહ્યું, “સારું, તો અમાંરા તરફથી દેવને પ્રશ્ન કર કે અમાંરો આ પ્રવાસ સફળ થશે કે કેમ?”

યાજકે કહ્યું, “શાંતિથી જાઓ. તમાંરા પ્રવાસ ઉપર યહોવાની દયા દૃષ્ટિ છે.”

તેથી તે પાંચ જણ ત્યાંથી નીકળીને “લાઈશ” પહોચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિંત જીવન ગાળતા હતાં. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા નહોતી તેઓ એકબીજા સાથે ઝગડો કરતા ન હતાં, અત્યાચાર કરનાર કોઈ ન હતાં. તેઓ સિદોનીના લોકોથી ખૂબ દૂર રહેતા હતાં અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતાં.

તેઓ સોરાહ અને એશ્તાઓલમાં પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું, “શું સમાંચાર છે?”

તેમણે કહ્યું, “ચાલો, આપણે જઈએ અને લાઈશ ઉપર હુમલો કરીએ. અમે એ ભૂમિ જોઈ છે અને તે બહુ સારી છે. આપણે અહીં સુસ્ત બેસી રહેવું ન જોઈએ, જલદી કરો, ઉભા થાવ અને તે દેશનો કબજો લઈ લો. 10 તમે ત્યાં જશો ત્યારે જોશો કે ત્યાંના લોકો નિશ્ચિંત છે. તે દેશ વિશાળ છે, દેવે તમાંરા હાથમાં એવો દેશ સોંપી દીધો છે જયાં કોઈ વાતની ખોટ નથી.”

11 આથી દાનકુળસમૂહના 600 સશસ્ત્ર સૈનિકો સોરાહ અને એશ્તાઓલથી નીકળી પડયા. 12 તેમણે જઈને યહૂદાના પ્રદેશમાં કિર્યાથ-યઆરીમમાં છાવણી નાખી, તેથી એ જગ્યા આજે પણ દાનની છાવણીને નામે ઓળખાય છે. એ કિર્યાથ-યઆરીમની પશ્ચિમેં આવેલી છે. 13 ત્યાંથી તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર ગયા.

14 આ પાંચ જણ જેઓ “લાઈશ” ની આજુબાજુના પ્રદેશમાં લોકો વિશે જાણવા ગયા હતાં તેમણે પોતાના ભાઈઓને કહ્યું, “ત્યાં બધામાંથી એક ઘરમાં ચાંદીની એક મૂર્તિ તથા એક એફ્રોદ અને થોડા ઘરબારના દેવો છે! તમે શું વિચારો છો? આપણે શું કરવું જોઈએ?” 15 આથી તેઓ એ તરફ વળીને લેવી રહેતો હતો ત્યાં મીખાહને ઘેર ગયો અને તેને અભિનંદન આપ્યા. 16 યુદ્ધ માંટે તૈયાર એવા દાન કુળસમૂહના સશસ્ત્ર 300 સૈનિકો દરવાજા બહાર ઊભા હતાં. 17 અને જે પાંચ જણ માંહિતી મેળવવા આવ્યા હતાં, તેઓએ અંદર જઈને લાકડાની કોતરકામ કરેલી અને ચાંદીથી મઢેલી મૂર્તિ, એફ્રોદ તથા કુળદેવતાઓને લઈ લીધા. દરમ્યાન યાજક 600 સશસ્ત્ર સૈનિકો સાથે દરવાજા આગળ ઊભો હતો. 18 જ્યારે યુવાન યાજકે પેલા પાંચ જણને મીખાહના ઘરમાં પેસીને લાકડાની કોતરેલી અને ચાંદીથી ઢાળેલી મૂર્તિ એફ્રોદ તથા બીજી મૂર્તિઓ લઈ બહાર જતા જોયા ત્યારે યાજકે તેમને પૂછયું, “શું કરો છો?”

19 ત્યારે તેઓએ કહ્યું, “ચૂપ રહો! એક શબ્દ પણ બોલશો નહિ, અમાંરી સાથે ચાલો અને અમાંરા કુળના યાજક અને અગ્રણીનું સ્થાન અમાંરે માંટે લો. ફક્ત એક જણના યાજક થવું તે સારું કે પછી સમગ્ર ઈસ્રાએલી કુળસમૂહના યાજક થવું તે સારું?”

20 આ સાંભળીને તે યાજક તેઓની સાથે જવા માંટે રાજી થઈ ગયો, તેણે એફોદ, ઘરના દેવો તથા બીજી મૂર્તિઓ પોતાની સાથે લઈ લીધી.

21 તેઓ બધાં પોતાને રસ્તે આગળ વધ્યા. તેઓએ બાળકો, ઢોરઢાંખર તથા ઘરવખરી સૌથી આગળ રાખ્યાં.

22 જ્યારે તેઓ મીખાહના ઘરથી થોડે દૂર નીકળી ગયા ત્યારે મીખાહના ઘરના માંણસો અને તેની આસપાસ રહેતા લોકોએ દાનકુળસમૂહનો પીછો કર્યો અને તેમને પકડી પાડયા. 23 તેમણે તેઓને થોભી જવા માંટે જોરથી બૂમ પાડી, એટલે દાનકુળસમૂહઓએ પાછા ફરીને જોયું અને મીખાહને પૂછયું, “શું વાત છે? શા માંટે તમાંરા માંણસોને લડવા બોલાવ્યા છે?”

24 મીખાહે ગુસ્સામાં કહ્યું, “મેં માંરા માંટે બનાવડાવેલી મૂર્તિને અને યાજકને લઈને તમે રસ્તે પડયા છો, પછી માંરી પાસે રહ્યું શું અને પાછા ઉપરથી પૂછો છો કે, શું છે?”

25 દાન કુળસમૂહે જવાબ આપ્યો, “મોટેથી ન બોલ. નહિ તો આ લોકોનો પિત્તો જશે અને તેઓ તારા ઉપર તૂટી પડશે. તું અને તારું કુટુંબ બંને હતાં નહતાં થઈ જશો.”

26 એમ કહીને દાનવંશીઓ રસ્તે પડયા અને મીખાહ સમજી ગયો કે એ લોકોને માંરાથી પહોંચાય એમ નથી, તેથી તે ઘેર પાછો ફર્યો.

27 ત્યાર પછી દાન કુળસમૂહના લોકોએ મૂર્તિઓ અને યાજકને “લાઈશ” નામના સ્થળે લઈ ગયા જ્યાં શાંતિમય અને શંકારહિત લોકો હતાં. તેઓ નગરની અંદર ગયા અને સર્વ લોકોની તેઓની તરવારથી હત્યા કરી અને તેને બાળી નાખ્યા. 28 ત્યાં એ લોકોને મદદ કરે એવું કોઈ ન હતું. કારણ કે તેઓ નગર સિદોનથી ધણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબધ નહોતો, લાઈશ એ બેથ-રહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાનકુળસમહોએ ફરી તે નગર બાંધવાનું શરૂ કર્યુ અને ત્યાં વસવાટ કર્યો. 29 તેઓએ પોતાના પિતૃના નામ ઉપરથી તે નગરનું નામ “દાન” પાડયું; દાન, જે ઈસ્રાએલમાં જન્મ્યો હતો, પણ તેનું મૂળ નામ “લાઈશ” હતું.

30 દાનકુળસમૂહોએ પેલી મૂર્તિઓ લઈ અને તેઓની પ્રતિષ્ઠા કરી યોનાથાન ગેર્શોમનો પુત્ર, તથા મૂસાનો પૌત્ર હતો અને તેના પુત્રો દેશ, બંદીવાન થયો ત્યાં સુધી દાન કુળસમૂહના યાજક બની રહ્યાં. 31 મુલાકાત મંડપ જયાં સુધી દેવનું ઘર શીલોહમાં રહ્યું ત્યાં સુધી દાનના કુળે મીખાહની મૂર્તિઓનું ભજન કર્યુ.

લૂક 7:1-30

ઈસુનું નોકરને સાજા કરવું

(માથ. 8:5-13; યોહ. 4:43-54)

ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો. ત્યાં કફરનહૂમમાં એક લશ્કરનો અમલદાર હતો. તે અમલદારને એક નોકર હતો જે ઘણો માંદો હતો. તે મરવાની અણી પર હતો, તે અમલદાર નોકરને ઘણો ચાહતો હતો. જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. તે માણસો ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને અમલદારને મદદ કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું, “આ અમલદાર તમારી મદદ માટે યોગ્ય છે. તે આપણા લોકોને ચાહે છે અને આપણા માટે તેણે સભાસ્થાન બંધાવ્યું છે.”

તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી. તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી. તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે. હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.”

જ્યારે ઈસુએ આ સાંભળ્યું; તે આશ્ચર્યચકિત થયો. જે લોકો તેની પાછળ આવતા હતા તેઓના તરફ ઈસુ પાછો ફર્યો. ઈસુએ કહ્યું, “હું તમને કહું છું આટલો બધો વિશ્વાસ તો મેં ઇઝરાએલમાં પણ નથી જોયો.”

10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો.

ઈસુનું માણસને સજીવન કરવું

11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. 12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા. 13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,” 14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.” 15 પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.

16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”

17 ઈસુ વિષેના આ સમાચાર આખા યહૂદિયામાં અને આસપાસના બધાજ પ્રદેશમાં પ્રસરી ગયા.

યોહાનનો પ્રશ્ર

(માથ. 11:2-19)

18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”

20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?”

21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!”

24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે:

‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
    જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’(A)

28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”

29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International